જેમ શિવજીની જટામાંથી ગંગામૈયાનું અવતરણ થયું છે એમ રીવા રાઠોડના કંઠમાંથી ૭ સૂરોની સરવાણી વહે છે

16 August, 2026 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપકુમાર અને સુનાલી રાઠોડની પુત્રી રીવા રાઠોડે બાળપણથી જ સંગીતને જીવનનો હિસ્સો બનાવ્યું. લતાજીનાં ગીતોથી શરૂ થયેલી તેની સંગીતયાત્રા ક્લાસિકલ, વેસ્ટર્ન અને પૉપ મ્યુઝિક સુધી પહોંચી અને હવે ઇન્ટરનેશનલ મ્યુઝિકમાં નવી ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

સંજીવ રાઠોડ, રીવા રાઠોડ, રજની મહેતા, રૂપકુમાર, સુનાલી અને દર્શન રાઠોડ

૨૦૨૬ની ૯ ઑગસ્ટે રાતે ઘાટકોપરના ઝવેરબેન સભાગૃહમાં એક ઇતિહાસ રચાયો. ‘સંકેત’ના પચીસમા રજત જયંતી વર્ષની શરૂઆત એક એવા કાર્યક્રમથી થઈ જેમાં રાઠોડ પરિવારની બીજી અને ત્રીજી પેઢીએ શ્રોતાઓને ૩ કલાક મંત્રમુગ્ધ બનાવીને સંગીતના મહાસાગરમાં તરબોળ કરી દીધા. 
રૂપકુમાર રાઠોડે યાદગાર ગઝલો અને પોતે પ્લેબૅક આપેલાં લોકપ્રિય ગીતોની રજૂઆત કરી. તેમને સાથ આપ્યો પુત્રી રીવા અને પત્ની સુનાલી રાઠોડે. રીવાએ વીતેલા અને નવા યુગનાં ગીતોની રજૂઆત કરીને પોતાની કાબેલિયત પુરવાર કરી. વિખ્યાત સંગીતકાર સ્વ. શ્રવણ રાઠોડના પુત્રો સંજીવ અને દર્શન રાઠોડે નદીમ–શ્રવણની જોડીનાં બેનમૂન ગીતોની રજૂઆત કરીને માહોલને નવો રંગ આપ્યો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શ્રોતાઓ ઝૂમતા અને ગાતા હતા એ ક્ષણો અવિસ્મરણીય હતી.

સંસ્કૃતમાં એક શુભાશિષ છે કે પાછલા ૭ જન્મમાં તમે પુણ્ય કર્યાં હોય તો આ જન્મે સંગીત મળે. તમે કોઈને સંગીત શીખવી ન શકો. એ લલિત કળા છે. તમે કોઈને ડ્રાઇવિંગ શીખવી શખો, સ્વિમિંગ શીખવી શકો કારણ કે એ સ્કિલ છે. સંગીત એ ઈશ્વરનું વરદાન છે. તમારા પિંડમાં સંગીત ન હોય તો જીવનભર ‘સા...’ ન લાગે. 
ઈશ્વરનું આવું જ એક વરદાન એટલે સુનાલી અને રૂપકુમારની પુત્રી રીવા. ગર્ભમાંથી જ તેનો રિયાઝ શરૂ થયો હતો કારણ કે એ અવસ્થામાં સુનાલી સતત લતાજીનાં ગીતો, ભજનો અને ભગવદ્ગીતાના શ્લોકોનું શ્રવણ કરતાં. સંતાનના પ્રથમ લક્ષણ પારણામાંથી જ પરખાઈ આવે એમ રીવા જન્મથી જ સંગીતના ૭ સ્વરોના પ્રેમમાં હતી. 
દાદા ચતુર્ભુજ રાઠોડની બર્થ-ઍનિવર્સરી પર રાઠોડ પરિવારે સ્વરાંજલિ આપતા એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ઉસ્તાદ સુલતાન ખાન ચીફ ગેસ્ટ હતા. આ ઉપરાંત પંડિત સાજન અને રાજન મિશ્રા અને બીજા દિગ્ગજ કલાકારોની ઉપસ્થિતિ હતી. યજમાન તરીકે ઘરમાંથી કોઈએ ગાવું જોઈએ એટલે એવું સૂચન આવ્યું કે ૩ વર્ષની રીવા કશુંક ગાય. રીવા ઘરમાં હાલતાં-ચાલતાં લતાજીનાં ગીતો અને ભજનો ગાતી એટલે તે તો સ્ટેજ-​​ફિયર વિના તૈયાર થઈ ગઈ અને શરૂ કર્યું, ‘પાયોજી મૈંને રામ રતન ધન પાયો.’ શરૂઆત સારી થઈ, પણ અંતરામાં એકાદ પંક્તિમાં એકદમ ફ્લૅટ સ્વરમાં ગાયું. 
આ સાંભળીને રૂપકુમાર થોડા ગુસ્સે થઈ ગયા. સૌએ કહ્યું, ‘૩ વર્ષની બાળકી આવું જ ગાય.’ રૂપકુમાર કહે, ‘યે મેરી બેટી હૈ. સૂર મેં હી ગાએગી.’ આટલું કહીને તેને થોડો રિયાઝ કરાવ્યો. રીવાએ તરત સાચા સૂર ગ્રહણ કરી લીધા અને મધુર સ્વરમાં પૂરું ભજન ગાઈને કેવળ તાળીઓ નહીં, ‘વન્સ મોર’ પણ મેળવ્યો. 
 રાઠોડ પરિવાર બહારગામ ફરવા જાય ત્યારે કારમાં રીવા કેવળ લતાજીનાં ગીતો કે ભજનો સાંભળે. ઘણી વાર એવું બને કે એકનું એક ગીત ૪ કલાક સુધી સાંભળ્યા જ કરે. સૌ કંટાળી જાય, પણ બાળહઠ આગળ કોનું ચાલ્યું છે?
૬ વર્ષની ઉંમરે રીવાએ પિયાનો શીખવાનું શરૂ કર્યું. શાંતિ શેલ્ડન નામની એક જ્યુઇશ લેડી જે ‘રૉયલ ઍકૅડેમી ઑફ લંડન’ સાથે સંકળાયેલી હતી તેણે રીવાને સઘન તાલીમ આપીને એવી તૈયાર કરી કે થોડાં વર્ષો બાદ ઍકૅડેમીના આઠેઆઠ ગ્રેડમાં રીવા ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ. 
આ સાથે રીવાની કર્ણાટક વૉકલ મ્યુઝિકની તાલીમ પણ ચાલતી હતી. ગુરુ હતા પ્રસન્નઆ વરિયર. ત્યાર બાદ તેના ગુરુ હતા બાલામણિ ઐયર (જે શંકર મહાદેવનના પણ ગુરુ હતા). એટલું જ નહીં, ઇન્ડિયન ક્લાસિકલની તાલીમ પંડિત સાજન-રાજન મિશ્રા સાથે ચાલતી હતી. આમ રીવા સંગીતના એક નહીં અનેક ક્ષેત્રે પોતાની કળાને નવી ધાર આપતી હતી. 
નાનપણમાં કેવળ લતાજીનાં ગીતો સાંભળતી રીવા જેમ-જેમ મોટી થતી ગઈ એમ કિશોરકુમારની ચાહક બની. તેને કિશોરદાનું એટલું વળગણ હતું કે તે કહેતી, ‘મોટી થઈને હું કિશોરકુમાર સાથે લગ્ન કરીશ.’ તેની ઘેલછાનો એક યાદગાર કિસ્સો છે. નવમા ધોરણની હિન્દીની પરીક્ષા હતી. અંગ્રેજી માધ્યમમાં ભણતી પુત્રીને પિતા રૂપકુમારે પૂછ્યું? ‘કેવી છે તૈયારી?’ જવાબ મળ્યો, ‘મને કશું આવડતું નથી.’ પિતાએ કહ્યું, ‘ચિંતા ન કર, હું મદદ કરીશ.’ તેમણે આખી રાત તેની સાથે બેસી રિવિઝન કરાવ્યું. બીજા દિવસે પૂછ્યું, ‘પેપર કેવું રહ્યું?’ તો કહે, ‘કાલે જે શીખવાડ્યું એમાંનું કંઈ જ નહોતું પૂછ્યું.’ ‘તો પછી શું લખ્યું?’ જવાબ મળ્યો, ‘હું તો જવાબમાં કિશોરકુમારનાં ગીતો લખીને આવી છું.’
સોળમી વર્ષગાંઠે ઘરમાં કિશોરકુમારનું મોટું કટઆઉટ લઈને પોતાની રૂમમાં રાખ્યું અને દિવસ-રાત એની સામે જોઈને કિશોરકુમારનાં ગીતો ગાય. ધીમે-ધીમે તેને માઇકલ જૅક્સનનાં ગીતો ગમવા લાગ્યાં. આબેહૂબ તેની સ્ટાઇલથી ગાય. આમ તે વેસ્ટર્ન મ્યુઝિકના સંપર્કમાં આવી. પરિવાર સાથે ક્યાંય પણ જાય ગાડીમાં માઇકલ જૅક્સનનાં ગીતો જ વગાડતી હોય. એક દિવસ ગીતો વાગતાં હતાં અને ડ્રાઇવર તાનમાં આવી માથું ધુણાવતો હતો. રીવાએ તેને પૂછ્યું, ‘તને ખબર છે આ કોણ છે?’ પેલો કહે, ‘માઇકલ જૅક્સન.’ રીવાએ મમ્મી-પપ્પાને કહ્યું, ‘જોયું, એક કૉમન મૅન પણ માઇકલ જૅક્સનને જાણે છે. મારે પણ તેના જેવા સિંગર બનવું છે જેની પૉપ્યુલરિટી દેશવિદેશમાં હોય.’
ગુલઝાર અને રાઠોડ પરિવારને સારો ઘરોબો છે. એક દિવસ રીવાએ ગુલઝારને કહ્યું, ‘તમે મારાં માટે ગીતો લખો, હું કમ્પોઝ કરીશ.’ ગુલઝારે કહ્યું, ‘Why not?’ અને કહ્યું, ‘એક કામ કર. મને ધૂન આપ, એના પર હું ગીતો લખતો જઈશ.’ અને આમ રીવાએ સ્વરબદ્ધ કરેલાં અને પોતે જ ગાયેલાં ગીતોનું આલમમ ‘Maula One Above’ રેકૉર્ડ થયું.
રીવા પર્ફેક્શનિસ્ટ છે. ટાઇમ્સ મ્યુઝિક દ્વારા પ્રકાશિત થયેલા આ આલબમનું ફાઇનલ રેકૉર્ડિંગ કંપનીમાં મોકલવાનું હતું ત્યારે રીવાને એક ગીતમાં થોડી કચાશ લાગી. રાતભર મહેનત કરી તેણે એ ગીત ફરી કમ્પોઝ કરી, ગાઈને રી-રેકૉર્ડ કર્યા બાદ જ એ ટ્રૅક કંપનીમાં મોકલ્યો. આલબમના ટાઇટલ-સૉન્ગ ‘મૌલા’ને રેડિયો મિર્ચીનો ‘Best Independent song of the year’નો અવૉર્ડ મળ્યો. 
રીવાને ક્લાસિકલ બંદિશ અત્યંત પસંદ છે. એક દિવસ તે ઉસ્તાદ ઝાકિર હુસેનને મળવા ગઈ અને પોતાના સ્વરમાં રેકૉર્ડ કરેલી ઉસ્તાદ સલામત અલીની લોકપ્રિય બંદિશ ‘સાંવલ મોર મોહારા’ સંભળાવી. જેમ શિવજીની જટામાંથી ગંગામૈયાનું અવતરણ થયું એમ રીવાના કંઠમાંથી ૭ સૂરોની સરવાણી વહેતી હતી. તેની ગાયકી પર ઓળઘોળ થયેલા ઝાકિર હુસેને કહ્યું, ‘What can I do for You’? જવાબ મળ્યો, ‘I want to produce it.’ ઉસ્તાદે એટલું જ કહ્યું, ‘At your service my child.’ એ પછી જે કંઈ બન્યું એને કારણે રીવાની ઇન્ટરનૅશનલ મ્યુઝિકમાં એન્ટ્રી થઈ. એ વાતો આવતા રવિવારે. 

columnists indian music lata mangeshkar kishore kumar indian classical music