કંકાસ ટેક્નૉલૉજીનો : એટલું યાદ રાખજો કે સાવધાનીથી મોટી સલામતી બીજી કોઈ છે જ નહીં

02 October, 2022 08:47 AM IST  |  Mumbai | Manoj Joshi

ઘરમાં અંધકાર ન આવે એવા હેતુથી એ બાપડો એ લિન્ક પર ક્લિક કરે અને એ બધી જ વિગતો પણ આપી દે જે તેમને માટે જોખમી બનતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલથી શરૂ કરેલી વાતને આપણે આજે પણ આગળ વધારીએ, કારણ કે આ જે વાત છે, આ જે પ્રશ્ન છે અને આ જે મુદ્દો છે એ આજના સમયનો સૌથી અગત્યનો મુદ્દો છે; કારણ કે આનો ભોગ બીજું કોઈ નહીં, પણ એવી વ્યક્તિ બની રહી છે જે નૉલેજની બાબતમાં સહેજ પાછળ છે અને વિશ્વાસની બાબતમાં જોજનો માઇલ આગળ છે.

મોબાઇલ ફોનને વધારે ઉપયોગી બનાવીને એને સ્માર્ટફોન તો બનાવવામાં આવ્યા, પણ આ સ્માર્ટફોન એવા સ્તરે મુકાઈ ગયો કે સામાન્ય માણસ બાપડો હેરાનપરેશાન થઈ જાય. એક સામાન્ય લિન્ક ફૉર્વર્ડ કરીને તમારા ઘરનું બિલ નહીં ભર્યું હોવાથી લાઇટ કાપી નાખવામાં આવશે એવો સંદેશ હવે સહજ રીતે મોબાઇલમાં આવે છે અને વીજ બોર્ડ જાણે કે તમારા કાકાનો દીકરો હોય એમ સ્પષ્ટતા પણ કરે કે તમે હેરાન ન થાઓ એને માટે તમને રાતે ૯ વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, તાત્કાલિક નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો. ઘરમાં અંધકાર ન આવે એવા હેતુથી એ બાપડો એ લિન્ક પર ક્લિક કરે અને એ બધી જ વિગતો પણ આપી દે જે તેમને માટે જોખમી બનતી હોય છે.

વડીલ તો છોડો, હમણાં એક યંગસ્ટરે આ જ ભૂલ કરી. બેદરકારી વચ્ચે તેનાથી બિલ ભરવાનું રહી ગયું અને એ મહાશયને ઉપર કહ્યો એવો મેસેજ આવી ગયો. પત્યું. પપ્પા-મમ્મીની બીકે તેણે તરત જ આપેલી લિન્ક દબાવી અને પૂછી એ બધી વિગતો આપી દીધી. આઠ જ મિનિટમાં પપ્પાનો ફોન આવ્યો કે તેમના અકાઉન્ટમાંથી આઠ લાખ રૂપિયા કોઈએ વિધડ્રૉ કરી લીધા. દીકરો આખી વાત સમજી ગયો કે શું બન્યું છે, પણ એ કશું કહી શકે એમ નહોતો. પપ્પાએ નિર્ણય લઈ લીધો કે તે પોલીસમાં ફરિયાદ કરશે એટલે પછી નાછૂટકે દીકરાએ સાચી વાત કહેવી પડી અને સાચી વાત કહી એ પછી ખબર પડી કે આ એક પ્રકારનું ચીટિંગ ચાલે છે, જેમાં ઇલેક્ટ્રિક બિલના નામે વીજ બોર્ડ બનીને લોકો છેતરપિંડી કરે છે. 

આ પ્રકારના મેસેજ સાથે આવતો જે ઉશ્કેરાટ છે એ ખરેખર બહુ ખતરનાક પુરવાર થાય છે અને એને જ કાબૂમાં રાખવાનો છે. કબૂલ કે હવે તમે નવી લિન્ક કે અજાણ્યા નંબર પર કશું પણ આપવા માટે રાજી નથી અને એ બાબતમાં સાવધ પણ રહો છો, પણ ભાંગ્યું-તૂંટ્યું આવે છે કે તરત જ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે તમે ગભરાઈને એ દિશામાં ન લેવા જેવાં પગલાં લઈ લો છો. આ બાબતમાં સજાગ રહેવાની વ્યક્તિગતપણે પણ જરૂર છે તો સાથોસાથ આ બાબતમાં સજાગ થવાની જરૂરિયાત હવે સરકારની પણ ઊભી થતી જાય છે. જો સરકાર આ બાબતમાં વધારે યોગ્યતા સાથે પગલાં નહીં લે તો નૅચરલી, એની આડઅસર એણે જોવી પડશે. જે દેશ મહામુશ્કેલીએ ડિજિટાઇઝેશન તરફ વળ્યો છે એ દેશમાં જો આ પ્રકારના ઑનલાઇન ફ્રૉડના કિસ્સા વધશે તો એક આખી પેઢી ડિજિટલ-ટ્રાન્ઝૅક્શનની વિરુદ્ધમાં ઊભી રહી જશે અને જો એવું બન્યું તો પેલી કહેવત સાર્થક પુરવાર થતી દેખાશે.

પોદળો પડે તો ચપટીક ધૂળ ઉપાડે.

columnists manoj joshi