હે રામ

29 January, 2023 03:53 PM IST  |  Mumbai | Sairam Dave

ગાંધી નિર્વાણ દિન ઢૂંકડો છે ત્યારે મહાત્મા ગાંધીને યાદ કરવા એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. મેં આ લેખ લખીને એ ધર્મ નિભાવ્યો, તમે વાંચીને ધર્મપાલન કરો

ગાંધીજી

ગાંધીજી ખૂબ સરળ હતા અને એટલે જ આજે આપણા દેશમાં તેમની વાતો થકી બધું સ૨ળ અને શક્ય છે. કોક અજાણ્યા કવિની સરસ બે લીટી હમણાં જ મેસેજમાં આવી’તી...
વાહ રે ગાંધી, ક્યા ચલી તેરી આંધી?
આયા થા લંગોટ મેં, રહ ગયા રૂપિયોં કી નોટોં મેં
કેવા મસ્ત દેશમાં આપણે જીવીએ છીએ કે જે ગાંધીજીએ દારૂબંધીની આજીવન હિમાયત કરી એ જ ગાંધીજીની ચીજવસ્તુઓ વિશ્વ-હરાજીમાંથી લિકર-કિંગ વિજય માલ્યા ખરીદીને ભારત લાવ્યા હતા. વિધિની વક્રતા તો જુઓ કે આજે એ જ વિજય માલ્યાને ભારત લાવવા માટે આપણે ઝઝૂમીએ છીએ.
અહો આશ્ચર્યમ! 
આઝાદી વખતે મહાત્મા ગાંધીજીએ સરદારને પીએમ ન બનાવ્યા અને હિસ્ટરી રિપીટ. થોડાં વર્ષો પહેલાં (મૅડમ) ગાંધીએ કહ્યું અને સ૨દા૨ પીએમ બન્યા! 
અહો વૈચિત્ર્યમ્! 
ગાંધીજીના નામ ૫૨ કદી કોઈને હસાવી ન શકાય, પરંતુ તેમના થકી આ રાષ્ટ્રની પ્રત્યે વ્યક્તિનું સ્મિત આજે સલામત છે માટે ચાલો તમને સાવ મગજ વગર કાલ્પનિક કથાઓ સંભળાવું છું. મગજ લગાડ્યા વગર વાંચજો.
* * *
ગાંધીજી સ્વર્ગમાં બેઠા છે અને રેંટિયો કાંતી રહ્યા છે. એવામાં ઇન્દિરા ગાંધી આવ્યાં. બાપુએ પૂછ્યું, ‘બેટા, ભારતના હાલ કેવા છે?’ 
ઇન્દિરાજીએ કહ્યું, ‘બાપુ, ભારતે ખૂબ પ્રગતિ કરી છે. તમને ત્રણ ગોળી મારી હતી, મને સ્ટેનગનથી વીંધી.’ 
આ જ વાત રાજીવ ગાંધીએ સાંભળી એટલે તેમણે તરત ટાપશી પુરાવી...
‘અરે બાપુ! ભારતની પ્રગતિ અદ્ભુત છે. મમ્મીને ગનથી ઉડાડ્યાં’તાં, મને તો બૉમ્બથી ઉડાડ્યો છે.’

હજી તો આ વાત ચાલતી હતી ત્યાં આપણા દેવ આનંદસાહેબ ગળામાં રંગીન રૂમાલ અને માથા પર ટોપી પહેરીને એવી રીતે આવ્યા જાણે કે ડોકમાં બેરિંગ ફિટ કર્યું હોય. તેમની ડોક અને શરીરનો નીચેનો ભાગ સતત એકબીજાથી જુદી-જુદી દિશામાં હાલતાં-ડોલતાં હતાં. બાપુ ફિલ્મસ્ટાર દેવ આનંદને પણ પૂછે છે, ‘ભાઈ, મેરા ભારત દેશ હૈ?’

‘બાપુ, જૉની મેરા નામ હૈ. ક્યા બાત હૈ! ક્યા બાત હૈ! ક્યા બાત હૈ! બાપુ ઇન્ડિયા કી હાલત મેં તો બડી ઉલ્કાપાત હૈ! ગાઇડ સારે ખો ગયે હૈ ઔર મુસાફિરોં પે ઘાત હૈ. બાપુ, તુમ્હારે દેશ મેં અબ ગોટાલોં કી બરસાત હૈ!’
બાપુ આ જવાબથી ટેન્શનમાં આવી જાય છે. ત્યાં રાજેશ ખન્ના (કાકા) આવી ચડે છે. તેમના પોતાના આગવા ‘અંદાઝ’માં ઈ ભારતના હાલ કહે છે...
‘અરે ઓ બાપુ મોશાય! ‘આનંદ’ નહીં હૈ દેશ મેં. ‘આપ કી કસમ’ ખા કે ‘બંડલબાઝ’ નેતાઓં કી ‘દાગ’વાલી સાધના હો રહી હૈ બાપુ. વોટ કી ‘કટી પતંગ’ ફટ ગઈ ફિર ભી ખુરશીઓં કી કામના હો રહી હૈ બાપુ. ‘પ્રેમનગર’ હિન્દ થા વો ‘દાગ’ બન ગયા, પ્રજા તો રોજ ‘રાઝ’ કા સામના કર રહી હૈ બાપુ...’
કાકાના જવાબથી બાપુના ચહેરા પર સહેજ મલકાટ આવે છે. ફિલ્મોના નામવાળો રાજેશ ખન્નાનો જવાબ બાપુને દેશનો અંદાજ આપી જાય છે અને ત્યાં જ જગજિત સિંહ બાપુને પગે લાગવા આવે છે. ગાંધીબાપુએ જગજિત સિંહને પણ પૂછી લીધું કે દેશના કાંઈ લેટેસ્ટ ન્યુઝ? 
ગઝલસમ્રાટે ‘હોઠોં સે છૂ લો તુમ...’ ગઝલના રાગમાં જ હિન્દુસ્તાનની હાલત વર્ણવી...
ભારત કી હૈ ક્યા દશા કૈસે તુમ્હે સમજાઉં?
ફૅશન કા છાયા હૈ નશા, ગીત ઉસકે મૈં ક્યા ગાઉં? 
યે જવાનોં કી પીઢી FB મેં ડૂબી હૈ...
ફૉરેન કે ગાને સબ ગાતે યે બખૂબી હૈ, 
કોલા-વરી છાઈ હૈ, બાપુ મેં ક્યા બતલાઉં?
ત્યાં જ ગુજરાતી ફિલ્મના હાસ્ય-અભિનેતા રમેશ મહેતા પહોંચ્યા બાપુના ચરણે. ૨મેશભાઈએ પણ અસલ્લ કાઠિયાવાડી લહેકામાં દેશની દશા વર્ણવી...

‘ઓ હોં હોં હોં...! કહું છું બાપુ ભારતનું અટાણે પીદડક પૂં થઈ ગ્યું છે. ભારતમાં તો મોટું મહાભારત થાવા બેઠું છે. ગોલકીનું કોઈ કોઈનું સારતું (માનતું) જ નથીને! મોંઘવારીમાં નાના માણાની કઈડ ભાંગી ગઈ છે. તમારા બતાવેલા ઓઇલા તઈણે’ય વાંઈદરા હવે મોટા થઈને કૉન્ગ્રેસની ઘોર ખોદે છે. માળા બેટા સાચું કાંઈ સાંભળતા નથી, સાચું કાંઈ બોલતા નથી કે સાચું કાંઈ ભાળતા નથી. છાપું ઉઘાડો તો એમાં રોજ દી ઊગે ત્યાં છિનાળવાં (ખોટા ધંધા) જ દેખાય છે. આખી જુવાન પેઢી ફાટીને ધુમાડે ગઈ છે ને સાવ ઇંગ્લિશના રવાડે ચડી ગઈ છે. મધ્યમ વર્ગના માણહના માંયલામાં તો સવાર-સાંજ મૂંઝારો થાવા મંડ્યો છે બાપુ...! કાંઈક કરો! કહું છું કે કાંઈક કરો! અને હા, ભૂલી ગ્યો! આપણા ગુજરાતમાં તો વિકાસના નામે કાઈશ થાય છે...! એક બાજુ ફડાકાવાળી થાય છે તો બીજી બાજુ ધડાકાવાળી થાય છે.’
રમેશ મહેતાએ જાતાં-જાતાં જોડકણુંય ધરી દીધું...
ખાટી ખાટી આંબલી ને ઈથી ખાટું દહીં,
ડખા તો મેં ઘણાય જોયા પણ આપણા ભારત જેવા નહીં! 
ઓહોહોહો... 
રમેશ મહેતાના લહેકાથી બાપુ હસ્યા પણ ખરા ને વાતનો પ્રાણ જાણીને ગાંધીબાપુ રડ્યા પણ ખરા. ત્યાં કોઈએ સમાચાર આપ્યા કે ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગ ગાંધીજીનાં દર્શને આવવા માગે છે. તેણે અંદર આવી બાપુના ચરણસ્પર્શ કરીને મસ્ત સમાચાર ઇંગ્લિશમાં આપ્યા જે હું તમને ગુજરાતીમાં કહું છું...

‘બાપુ, પ્લીઝ ડોન્ટ વરી. ભારત ખૂબ આગળ વધી રહ્યું છે. મેં કોઈને નથી કહી એ વાત તમને કરું છું કે મેં ચંદ્ર ૫૨ જ્યારે પ્રથમ પગ મૂક્યો ત્યારે ચંદ્ર પર ગુજરાતી શેઠની એક દુકાન મેં જોઈ’તી! અત્યારે તો ચંદ્ર ૫૨ ગુજરાતીઓના પ્લૉર્ટિંગ શરૂ થઈ ગ્યા છે. મોજ કરો! ઇન્ડિયા ઇઝ ગ્રોઇંગ! તમારા સપનાનું ઇન્ડિયા નરેન્દ્ર મોદી ને અમિત શાહ નામના બે ગુજરાતી બનાવી રહ્યા છે. બાપુ, ભૂલી જાઓ ખરાબ દિવસો. ઇન્ડિયાને એ બન્ને ગુજરાતી બહુ આગળ લઈ જવાના છે...’

આ સાંભળીને ગાંધીબાપુ ખડખડાટ હસી પડે છે ને તમે શું જૂની કબજિયાત જેવું મોં કરીને હજી બેઠા છો?! 
હસો! 

columnists