12 June, 2026 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમલ રત્નાણી એક મલ્ટિનૅશનલ કંપનીમાં HR તરીકે કાર્યરત છે અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ખજાનચીનો પદભાર સંભાળે છે.
આપણા વડવાઓએ સમાજના હિત માટે અનેક વ્યવહારુ પરંપરાઓ ઘડી હતી, જેમાં સમૂહલગ્ન એક અત્યંત પ્રેરણાદાયી અને પ્રોગ્રેસિવ પ્રથા રહી છે, પરંતુ આજે સોશ્યલ મીડિયાના ટ્રેન્ડ્સ અને આધુનિક જીવનશૈલીને કારણે આ પ્રથા લુપ્ત થઈ રહી છે. સમૂહલગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગને આર્થિક બોજ વિના, સરળતાથી લગ્નનો આનંદ અપાવવાનો હતો. જ્યારે એક જ સ્થળે એક કરતાં વધુ યુગલોનાં લગ્ન યોજાય છે, ત્યારે મંડપ, કૅટરિંગ, ડેકોરેશન અને બીજી મૅનેજમેન્ટની કૉસ્ટ વહેંચાઈ જાય છે. આ પ્રથાથી મિડલક્લાસ પરિવારોને મોટી આર્થિક રાહત મળે છે. આ માત્ર મની-સેવિંગ નથી, પણ સમાજમાં ઇક્વાલિટી અને ભાઈચારો વધારવાનું બેસ્ટ માધ્યમ છે. અહીં અમીર-ગરીબના ભેદ ભૂંસાઈ જાય છે અને આખો સમાજ એક પરિવાર બનીને ઊભો રહે છે. લગ્ન એ યાદગાર સંસ્કાર અને સાદગીનો ઉત્સવ છે, સોશિયલ મીડિયા પર દેખાડો કરવાનું કે વટ પાડવાનું સ્ટેજ નહીં.
અત્યારના લગ્નપ્રસંગો વધુ પડતા ડેકોરેટિવ, ભપકાદાર અને બિનજરૂરી ખર્ચાળ બન્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ અને પ્રી-વેડિંગ શૂટ્સના ક્રેઝમાં તથા સામાજિક પ્રતિષ્ઠા જાળવવાની આંધળી હોડમાં ઘણા પરિવારો પોતાની કૅપેસિટી કરતાં વધુ ખર્ચ કરી બેસે છે. માત્ર ચાર કલાકની વાહ-વાહ માટે લેવાયેલી લોન અને કરાયેલો આંધળો ખર્ચ, લગ્ન પછી વર્ષો સુધી આખા પરિવારને દેવાના બોજ તળે દબાવી રાખે છે. આવી પરિસ્થિતિમાં સમૂહલગ્ન જેવી પ્રથા સમાજ માટે સ્માર્ટ અને લાઇફ-સેવિંગ ડિસિઝન સાબિત થઈ શકે છે.
દુઃખની વાત એ છે કે, આજની જનરેશન અને કેટલાક લોકો આ પ્રથાને સ્ટેટસ સિમ્બૉલ સાથે જોડીને તેને બૅકવર્ડ ગણે છે. હકીકતમાં, સમૂહલગ્ન એ કોઈ લાચારી નથી, પણ એ તો મૅચ્યોરિટી, સાદગી અને સોશ્યલ અવેરનેસનું જીવંત પ્રતીક છે. જો આપણે આ માઇન્ડસેટ નહીં બદલીએ, તો આવનારી પેઢીને આપણે સંસ્કારોને બદલે માત્ર આર્થિક તણાવ જ વારસામાં આપી શકીશું.
સમાજના આગેવાનો, વડીલો અને વિવિધ ઑર્ગેનાઇઝેશન્સની જવાબદારી છે કે સમૂહલગ્ન વિશે વ્યાપક જાગરૂકતા ફેલાવે. વધુમાં વધુ પરિવારો આ પ્રથાને અપનાવે તેવું વાતાવરણ બનાવવું પડશે. જો આપણે આ ટ્રેડિશનને રી-લાઇવ કરી શકીશું, તો જ સમાજમાં ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનશે.
જ્યારે સધ્ધર અને શિક્ષિત પરિવારો પોતાનાં બાળકોનાં લગ્ન સમૂહલગ્નમાં કરાવવાનો આગ્રહ રાખશે, ત્યારે સમાજમાં એક સકારાત્મક ટ્રેન્ડ સેટ થશે અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોનો સંકોચ આપોઆપ દૂર થઈ જશે. આજનો શિક્ષિત યુવા વર્ગ જે ઈકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલની વાતો કરે છે, તેમના માટે પણ આ પ્રથા બેસ્ટ ઑપ્શન છે. લગ્નમાં થતો અન્નનો બગાડ અને આમંત્રણપત્રિકા પાછળ થતો બિનજરૂરી ખર્ચ રોકીને, આપણે એ જ બચેલી રકમ નવદંપતીના ભવિષ્ય માટે ફિક્સ્ડ ડિપોઝિટ કે હાયર એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, જે ખરા અર્થમાં એક સ્માર્ટ મૂવ ગણાશે.