ગરિમાપૂર્ણ મૃત્યુની જેમ જ જીવથી જિંદગીનું જતન કરવાનો પણ માનવીને અધિકાર છે

03 April, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૨ વર્ષના પુત્ર માટે સામે ચાલીને સ્વેચ્છામૃત્યુની પરવાનગી માગનાર તે માતા-પિતાએ દિલ પર કેવો પથ્થર રાખીને એ નિર્ણય લીધો હશે

હરીશનાં લાચાર માતા-પિતાની મનોસ્થિતિનો વિચાર કરતાં લાગણીશીલ માનવીઓનાં હૃદયમાંથી પણ એક નિસાસો સરી પડ્યો હશે.

ગયા મહિને ભારતના હરીશ રાણા વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા (૨૦૨૬) કેસમાં ૧૧ માર્ચે સર્વોચ્ચ અદાલતે અરજદારની અર્થાત્ હરીશના પરિવારજનોની હરીશ માટેની પૅસિવ યુથેનેસિયાની – સ્વેચ્છામૃત્યુની - અરજી મંજૂર કરી. સર્વોચ્ચ અદાલતનો એ સીમાચિહ્‍નરૂપ ચુકાદો આપતાં ન્યાયમૂર્તિ પણ ભાવુક થઈ ગયા હતા. હરીશનાં લાચાર માતા-પિતાની મનોસ્થિતિનો વિચાર કરતાં લાગણીશીલ માનવીઓનાં હૃદયમાંથી પણ એક નિસાસો સરી પડ્યો હશે.

૩૨ વર્ષના પુત્ર માટે સામે ચાલીને સ્વેચ્છામૃત્યુની પરવાનગી માગનાર તે માતા-પિતાએ દિલ પર કેવો પથ્થર રાખીને એ નિર્ણય લીધો હશે. પરંતુ ૧૩-૧૩ વર્ષથી કોમામાં સરી પડેલા અને પથારીવશ થઈને મશીનો અને ગૅજેટોના આધારે જીવી રહેલા હરીશ રાણા માટે આ ચુકાદો વનસ્પતિ-અવસ્થામાંથી મુક્તિ અપાવનાર આદેશ હતો. ૧૯ વર્ષનો યુવાન, આશાસ્પદ એન્જિનિયર હરીશ ૨૦૧૩માં ચોથા માળેથી પડી ગયો હતો અને આ હાલતમાં ધકેલાઈ ગયેલો. ૧૩ વર્ષ સુધી તેની સાજા થવાની આશાનો દીવો તે અકાળ વૃદ્ધ થઈ ગયેલાં માતા-પિતાએ પોતાના મનમાં જલતો રાખેલો, પરંતુ ગયા મહિને તેમણે પુત્રની સાજા થવાની અશક્યતાની કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી અને સર્વોચ્ચ અદાલત સામે સ્વેચ્છામૃત્યુની યાચના કરી હતી.

આ યાચનાનો સ્વીકાર અદાલતે માનવીના ગરિમાપૂર્ણ મૃત્યુના હક અંતર્ગત કર્યો છે. આમ છતાં પ્રસ્તુત ઘટનાએ ઘણી ચર્ચા જગાવી છે. નૈતિક, સામાજિક અને ન્યાયની દૃષ્ટિએ આ યોગ્ય છે કે કેમ અને એનો દુરુપયોગ થવાની સંભાવના વિશે પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે. જોકે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ફરી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની કોઈ આશા ન હોય ત્યારે કૃત્રિમ લાઇફ-સપોર્ટ ચાલુ રાખવો એ માનવીય ગરિમાને હણનારી સ્થિતિ છે અને આપણું બંધારણ ગરિમાપૂર્વકનું મૃત્યુ મેળવવાનો અધિકાર દરેક મનુષ્યને આપે છે. એટલે જ આવી પરિસ્થિતિમાં દરદીને અપાતો કૃત્રિમ લાઇફ-સપોર્ટ કાઢી નાખીને તેને પૅલિયેટિવ કૅર અર્થાત્ દરદીને શાતા ઊપજાવે એવી ઉપશામક સંભાળ અને આરામ પહોંચે એવી સારવાર તો જાળવવાની જ છે. એટલે જ અદાલતના ચુકાદાના ૩ દિવસ બાદ હરીશને અપાતો કૃત્રિમ લાઇફ-સપોર્ટ ધીમે-ધીમે પાછો ખેંચી લેવાયો. ત્યાર બાદ તેને શાતા અને આરામ પહોંચે એવી ઉપશામક સારવાર તો ચાલુ જ રખાયેલી. તેનાં માતા-પિતા અને સ્વજનો તેની આસપાસ રહી શકતાં હતાં અને આખરે ૧૦ દિવસે ૨૪ માર્ચે મૃત્યુ હરીશને આંબી ગયું.

હરીશના કિસ્સામાં એક ત્રાહિત વ્યક્તિ તરીકે આપણે તટસ્થ બનીને પૅસિવ યુથેનેસિયાના પક્ષની દલીલો સાથે સહમત થઈ શકીએ છીએ, પરંતુ હરીશના ઠેકાણે આપણું નિકટનું સ્વજન અને તેનાં માતા-પિતાના સ્થાને આપણી જાતને મૂકીએ ત્યારે આપણે આવી તટસ્થતા કેળવી શકીએ? આ સવાલ મને ઊઠે છે.

અને એ સવાલ ઊઠવા પાછળ એક કારણ છે. ૯૮ વર્ષની એક મા છેલ્લાં પાંચેક વર્ષથી ડિમેન્શિયાનો શિકાર છે. તે બોલી શકતી નથી. દિવસનો મોટો ભાગ સૂઈ રહે છે અને સાંજ પડે થોડીઘણી જાગે છે, પરંતુ એ જાગવું એટલે માત્ર આંખો ખુલ્લી રહેવી. તદ્દન ભાવવિહીન એ આંખો ન કોઈને ઓળખે, ન કોઈ પ્રતિભાવ આપે. ત્રણેક વર્ષથી ગોઠણનું ડિસલોકેશન થઈ જવાથી ૨૪ કલાક પથારીમાં. એકાદ દસકા પહેલાં પપ્પાની વિદાય પછી ઘરમાં આ બીમાર મા અને એકની એક દીકરી બે જ છે. પચાસ-પંચાવન વર્ષની દીકરી અપાર પ્રેમ, ધીરજ અને નિષ્ઠાથી માની સેવા કરે છે. દર બે કલાકે મા માટે પ્રવાહી ફીડ બનાવવાનું અને માના પેટમાં લગાવેલી ગૅસ્ટ્રોનોમિક ટ્યુબનું ઢાંકણ ખોલી નિયત પ્રમાણમાં એમાં રેડી અને સફાઈપૂર્વક ટ્યુબનું મોઢું બંધ કરી ફરી પેટ પર ચીપકાવી દેવાની. ચોક્કસ સમયે ડાયપર બદલવાનું. સાંજ પડે માની આંખો પરથી ઊંઘનું ભારણ થોડું ઘટતું લાગે ત્યારે પલંગ ઊંચો કે નીચો કરીને ટીવીની દિશામાં ફેરવે. ટીવીની સ્ક્રીન પર ફરતી રંગબેરંગી દુનિયાને મા એકીટશે જુએ. વચમાં વળી ક્યારેક આંખ મીંચાઈ જાય. બાજુની ખુરસીમાં બેસેલી દીકરી માનો હાથ હાથમાં લઈને પંપાળે, ક્યારેક પગ પંપાળે. થોડી વારે ફરી માને સુવાડે. અને આ બધું ખૂબ જ સ્નેહ અને ધીરજથી કરે. માને ખભેથી ઊંચકીને તકિયાને ટેકે બેસાડે અને નાના બાળકને કરે એવાં લાડથી માની સાથે વાતો કરે. અલબત્ત, એ માત્ર એકતરફી જ હોય. મા સાંભળે કે સમજે નહીં એની ફિકર કર્યા વગર તે દીકરી માને કંપની આપવા રોજ સાંજે તેની પાસે બેસે છે. તે કેવી રીતે સતત, થાક્યા વિના, કંટાળ્યા વિના આટલી નિષ્ઠાથી સેવા કરી શકે છે? એનો જવાબ છે, ‘મેં મારાં મમ્મી-પપ્પાનું સાદાઈ, સારપ અને સચ્ચાઈભર્યું જીવન જોયું છે. તેમનો અનહદ પ્રેમ પામી છું. મને તેમના માટે અસીમ આદર અને પ્રેમ છે. આજે હું જે કંઈ કરું છું એમાં મને કંઈ પણ અસામાન્ય નથી લાગતું.’

તેને કેટલાક મિત્રો સલાહ આપે છે યુથેનેસિયા અંગે વિચારવા. ત્યારે તે ગરજીને સામો સવાલ કરે છે - શું કામ?

ઉપરના કિસ્સા વિશે વિચારું છું તો લાગે છે કે તે દીકરીને મા પ્રત્યે અપાર પ્રેમ છે. એમ તો તે માતા-પિતાને પણ પોતાનો જુવાન દીકરો જીવથીયે વહાલો હશે જ. આ યુવતી જે ક્ષમતાઓના આધારે માને જિવાડવાનો આ જંગ જારી રાખી રહી છે એમાં કદાચ તેની આર્થિક ક્ષમતા ઉપરાંત તેની શારીરિક સજ્જતા અને માનસિક દૃઢતા છે. એ બધી તાકાતના ટેકે જ તેને ૯૮ વર્ષની મા માટે યુથેનેસિયાની યાચના કરવાનો વિચાર નથી આવતો અને કોઈ સૂચવે તો પણ તે ભડકી ઊઠે છે. પોતાની માના ગરિમાપૂર્વક જીવવાના અધિકારનું જતન કરતી આ દીકરીને જોઈને સવાલ થાય છે કે આવી કોમાટોઝ કે વનસ્પતિ જેવી સ્થિતિમાં જીવતા દરદીઓને પોતાને તો પીડાનો અહેસાસ થાય છે કે નહીં એની ખબર નથી પડતી; પણ હા, સ્વજનોને પીડા જરૂર થાય છે. પોતાની આત્મીય વ્યક્તિ, ઉત્સાહ અને રસથી છલછલતા આપ્તજનને તદ્દન કોરાધાકોર થઈ જતા જોવાની પીડા અસહ્ય છે. એમાં ઉમેરાય છે તન, મન ધનથી નિચોવાઈ જવાની પીડા. અને જો દરદીના સાજા થવાની શક્યતા જ ન હોય તો કદાચ એ સ્થિતિમાં બીમાર સ્વજન પ્રત્યે અનર્ગળ પ્રેમ હોય તોય આર્થિક, માનસિક અને શારીરિક ત્રેવડનો અભાવ ભોગવતા સ્વજનો માટે સ્વેચ્છામૃત્યુ કે ગરિમાપૂર્ણ મૃત્યુનો અધિકાર એક રાહત બની શકે.

supreme court suicide columnists exclusive gujarati mid day