18 September, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અત્યારે જે રીતે સમાજમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતાં આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર જ બનવાની છે. મેડિકલ મોંઘું છે અને મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં દરદીઓનો ધસારો એકધારો વધી રહ્યો છે. એમાં પણ હું જોઈ રહ્યો છું કે નાની ઉંમરના યુવાનોમાં બીમારીનું વધતું પ્રમાણ દંગ કરનારું છે. ખાસ કરીને રેક્ટલ કૅન્સર સાથેના યુવાનોનું પ્રમાણ વધી રહ્યું છે. તમે સરકારી હૉસ્પિટલોની બહાર જઈને પણ જુઓ તો સમજાશે કે ત્યાં ઇલાજ કરી રહેલા હજારો લોકો અને તેમના પરિવારજનો છત વિના ભયંકર પીડા વચ્ચે જીવી રહ્યા છે. આ સ્થિતિમાં આર્થિક સંકડામણ અને માહિતીના અભાવ વચ્ચે યુવા વૉલન્ટિયર્સ જો તેમની વહારે આવે તો ખૂબ મોટું સાંત્વન તેમને મળી શકે એમ છે. ભલે તમે પૈસાની મદદ ન કરી શકો; પરંતુ શનિ-રવિ રજા હોય ત્યારે દિવસના બે-ત્રણ કલાક પણ લોકો માટે ફાળવવાનું શરૂ કરો, તેમને સાંભળો, શક્ય હોય ત્યાં તેમને માર્ગદર્શન આપો, ક્યારેક કોઈક ફૉર્મ ભરવાનાં હોય તો એ ભરીને આપો તો એનાથી પણ તેમને ઘણું સાંત્વન મળે છે. દિનદુખિયાઓને તેમનાં આંસુ લૂછનારા મળી જાય અથવા તેમની પીડાને સાંભળનારા કાન મળી જાય તો એ પણ તેમનામાં પૉઝિટિવિટી ભરવાનું કામ કરી દે છે.
તાતા, કેઈએમ, સાયન જેવી કેટલીયે સરકારી હૉસ્પિટલમાં સારવાર કરી રહેલા દરદીઓને જોઈતી મદદ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. દરદીઓને રાહત દરે દવા મળે, તેમની પાસે રહેવાની સગવડ ન હોય તો એના માટે પ્રયાસ કરીએ, કોઈ ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ ન મળતી હોય તો એના માટે ગાઇડ કરીએ, આર્થિક રીતે સારવારમાં મદદની જરૂર હોય તો એમાં ડોનરો સાથે સંપર્ક કરાવીએ જેવાં ઘણાં કામ કરીએ છીએ. આ કાર્યોમાં યુવાવર્ગ જોડાય તો અમને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ મળી શકે એમ છે અને એ અમારા જેવા ઘણા સોશ્યલ વર્કર માટે રાહત બની જાય. હું વડીલોને કહીશ કે તમારાં સંતાનોને સેવાનાં કાર્યોમાં જોડવાનો પ્રયાસ કરો. આ સંસ્કાર તેમના પોતાના વ્યક્તિત્વવિકાસમાં પણ કામ લાગશે.
- અજય પાઠક
(લેખક પોતે કૅન્સર સર્વાઇવર છે અને છેલ્લાં દસ વર્ષથી મુંબઈની હૉસ્પિટલોમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રીતે સહાયભૂત થઈ રહ્યા છે.)