સોનાના ભાવ અને મોંઘુંદાટ ઘડામણ

17 February, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાના ભાવમાં જે રીતે કમરતોડ વધારો થઈ રહ્યો છે એ સામાન્ય માણસ માટે અસહ્ય છે, ત્યાં વળી દાગીનાની મજૂરીમાં પણ તોતિંગ વધારો ઝીંકવો એ પડ્યા પર પાટું મારવા જેવું અને તદ્દન અતાર્કિક છે

શિલ્પા શાહ હાલારી વીસા ઓસવાળ સમાજના મુંબઈના સહેલી ગ્રુપમાં મુલુંડનાં પ્રતિનિધિ અને ઓસવાળ મિત્ર મંડળનાં ભૂતપૂર્વ સેક્રેટરી છે.

ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર શણગાર નથી, સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક સુરક્ષાનું અવિભાજ્ય અંગ પણ છે. લગ્ન હોય કે અન્ય કોઈ સામાજિક પ્રસંગ, સોનાના દાગીના વગર વહેવાર અધૂરો ગણાય છે. દરેક મધ્યમવર્ગીય પરિવાર પોતાની મર્યાદામાં રહીને પણ પ્રસંગ સાચવવા સોનાની ખરીદી કરતો હોય છે. જોકે વર્તમાન સમયમાં આકાશને આંબતા સોનાના ભાવ અને એની સાથે વધતું જતું ઘડામણ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની ગયાં છે.

સોનાના ભાવમાં જે રીતે કમરતોડ વધારો થઈ રહ્યો છે એ સામાન્ય માણસ માટે અસહ્ય છે, ત્યાં વળી દાગીનાની મજૂરીમાં પણ તોતિંગ વધારો ઝીંકવો એ પડ્યા પર પાટું મારવા જેવું અને તદ્દન અતાર્કિક છે. મોટા ભાગના ઝવેરીઓ આજે સોનાના એ દિવસના ભાવ પર ટકાવારી મુજબ ઘડામણ વસૂલે છે. દાખલા તરીકે જો સોનાનો ભાવ વધે તો એની મજૂરી પણ આપોઆપ વધી જાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે શું સોનું મોંઘું થવાથી કારીગરીની મહેનત વધી જાય છે?

વિચારવા જેવી બાબત એ છે કે જે દાગીના અગાઉથી બનીને તૈયાર પડ્યા છે એની મજૂરી તો ઝવેરીએ કારીગરને એ સમયના ભાવ મુજબ જ ચૂકવી દીધી હોય છે. તો પછી ગ્રાહક પાસેથી આજના વધેલા ભાવ મુજબ ટકાવારીમાં મજૂરી લેવી કેટલી વાજબી?

દાગીનાની બનાવટ પર ફિક્સ મજૂરી લેવાને બદલે ટકાવારી-પદ્ધતિ ગ્રાહકના ખિસ્સા પર સીધો પ્રહાર છે. એક તરફ ગ્રાહક સોનાના વધેલા ભાવ ચૂકવે છે અને બીજી તરફ એ જ વધેલા ભાવ પર ઊંચા મેકિંગ ચાર્જ અને GST પણ ભરે છે.

આ મોંઘવારીમાં સામાન્ય માણસની પીઠ તૂટી રહી છે ત્યારે સરકારે અને ઝવેરી સંગઠનોએ આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. દાગીના પર મજૂરી ગ્રામદીઠ ફિક્સ હોવી જોઈએ, નહીં કે સોનાના ભાવની ટકાવારી મુજબ. સરકારે સોનાના વેચાણ અને ઘડામણના દર માટે ચોક્કસ માર્ગદર્શિકા બનાવવી જોઈએ.

સોનાની ખરીદી મધ્યમવર્ગ માટે બોજારૂપ બની રહી છે. જો ઝવેરીઓ અને સંગઠનો નૈતિક જવાબદારી સમજીને ઘડામણના દરમાં રાહત આપે અથવા તર્કબદ્ધ પદ્ધતિ અપનાવે તો જ સામાન્ય માણસ પોતાના પ્રસંગો ખુશીથી ઊજવી શકશે. આ લેખનો હેતુ કોઈ વ્યવસાયને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ ગ્રાહકોની પીડાને વાચા આપી યોગ્ય સુધારાની અપીલ કરવાનો છે. 

columnists exclusive gujarati mid day