શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા વધવાથી યુવાનો પેરન્ટ્સની ઉપરવટ જઈ રહ્યા છે

11 June, 2026 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે સમાજમાં પૈસો વધ્યો છે, ભણતર અને પ્રોગ્રેસ પણ વધ્યાં છે જે બહુ આનંદની વાત છે. જોકે આ પ્રગતિની સાથે એક બહુ મોટો ચિંતાજનક પ્રૉબ્લેમ પણ સામે આવી રહ્યો છે જેના પર આજે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

પંકજભાઈ સંઘવી

આજે સમાજમાં પૈસો વધ્યો છે, ભણતર અને પ્રોગ્રેસ પણ વધ્યાં છે જે બહુ આનંદની વાત છે. જોકે આ પ્રગતિની સાથે એક બહુ મોટો ચિંતાજનક પ્રૉબ્લેમ પણ સામે આવી રહ્યો છે જેના પર આજે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા યુવાનો ભણી-ગણીને પરનાતમાં લગ્ન કરી રહ્યા છે અને વિદેશમાં જ સેટલ થઈ રહ્યા છે. જેમ-જેમ એજ્યુકેશન અને આર્થિક સ્વતંત્રતા વધે છે તેમ-તેમ નવી પેઢી પોતાની મરજી મુજબ જીવવા લાગી છે. ઘણી વાર આ સ્વતંત્રતા એટલી વધી જાય છે કે બાળકો મા-બાપને ઓવરપાવર કરવા લાગે છે, તેમનો આદર ઓછો થઈ જાય છે. પરિણામ એ આવી રહ્યું છે કે આવનારી પેઢી તો ફૉરેનમાં સુખી થઈ જશે, પણ ભવિષ્યમાં અહીં ભારતમાં આ વડીલો અને પેરન્ટ્સને સાચવવાવાળું કોઈ બચશે નહીં.

આ કોઈ અંદાજ નથી, વાસ્તવિકતા છે. અમે સમાજમાં એક વસ્તીપત્રક એટલે કે ડીટેલ સેન્સસ તૈયાર કર્યું છે. આ સર્વેથી સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે આપણા સમાજનાં બાળકો અત્યારે શું કરી રહ્યાં છે, ભવિષ્યમાં ક્યાં પહોંચશે અને એને લીધે કેવા ગંભીર પ્રૉબ્લેમ્સ ઊભા થવાના છે. આવનારાં ૨૦ વર્ષ સુધી આપણા સમાજને શેની જરૂરિયાત રહેશે એનું આખું ચિત્ર આ વસ્તીપત્રકથી સ્પષ્ટ થયું છે. આજે સૌથી મોટો ચિંતાનો આંકડો એ છે કે સમાજમાં ૬૦ વર્ષથી ઉપરના એવા પેરન્ટ્સની સંખ્યા સતત વધી રહી છે જેઓ ઘરમાં બિલકુલ એકલા રહે છે.

હાલમાં આખું ધ્યાન આ જ ગંભીર વિષય પર કેન્દ્રિત છે. ૧૨૪ વર્ષ જૂના ઝાલાવાડ સમાજને અને આપણાં એકલાં પડી ગયેલાં મા-બાપને સાચવવાનાં છે. આ વડીલોએ આખી જિંદગી આપણને આપી દીધી, હવે આપણી ફરજ છે કે તેમને એકલતા ન સાલે. આવો, આપણે સૌ સાથે મળીને એવી વ્યવસ્થા ઊભી કરીએ કે પ્રગતિની દોડમાં આપણા સંસ્કારો અને આપણા વડીલો પાછળ ન છૂટી જાય.

વડીલોની આ એકલતા જોઈને હૃદય કંપે છે. જે માતા-પિતાએ પોતાના મોજશોખ છોડીને, રાત-દિવસ જોયા વગર આપણને આ મુકામ પર પહોંચાડ્યા, આજે એ જ મા-બાપ ઘરમાં એકલાં બેસીને આપણા એક ફોનની કે આપણી એક ઝલકની રાહ જોતાં હોય એનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે? ગમે એટલો પૈસો કમાઈ લઈએ કે દુનિયાના ગમે એ ખૂણે સેટલ થઈ જઈએ, પણ જો વડીલોના આશીર્વાદ જ ઘરમાં નહીં હોય તો એ બધી જ પ્રગતિ નકામી છે. આપણી સાચી સંપત્તિ ગાડી-બંગલા નથી, આપણા વડીલોના ચહેરા પરનું સ્મિત છે.

- પંકજભાઈ સંઘવી (શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભાના વાઇસ-પ્રેસિડન્ટ)

columnists exclusive gujaratis of mumbai gujarati community news