કુંવારાપણાનો વિસ્ફોટ બગાડી શકે છે સામાજિક સંતુલન

13 July, 2026 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગંભીર સામાજિક કટોકટીમાંથી બહાર નીકળવા માટે રૂબરૂ મળવામાં શરમાતાં અપરિણીત યુવક-યુવતીઓ માટે વિશિષ્ટ અને સુરક્ષિત વૉટ્સઍપ ગ્રુપો કાર્યરત કરવાં જોઈએ

વાગડ વીસા ઓસવાળ સમાજના પ્રકાશ નિસર આધોઈ યુવક મંડળ અને બોરીવલી સોશ્યલ ગ્રુપના ભૂતપૂર્વ સચિવ છે

અત્યારનો યુવા વર્ગ એવી આંધળી દોટમાં સામેલ થયો છે જ્યાં વિકાસના ચળકાટ પાછળ કૌટુંબિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. કરીઅર, આર્થિક આઝાદી અને વ્યક્તિગત સ્વતંત્રતાના નામે યુવા પેઢી લગ્નજીવન અને પારિવારિક જવાબદારીઓથી દૂર ભાગી રહી છે. તાજેતરમાં થયેલા એક આંતરરાષ્ટ્રીય સર્વે મુજબ આગામી વર્ષોમાં આશરે ૪૫ ટકા જેટલા યંગસ્ટર્સ લગ્નથી અંતર જાળવી લે એવું અનુમાન છે. આ આંકડો પ્રગતિની નિશાની નહીં પણ સામાજિક માળખા માટે ભવિષ્યમાં ફૂટનારો ટાઇમ-બૉમ્બ છે.

આજની દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, CA કે ઉદ્યોગ-સાહસિક બને એ ગૌરવની વાત છે; પરંતુ પ્રશ્ન એ છે કે શું કરીઅર જ આખું જીવન છે? વયસ્ક થતાં માતા-પિતા જ્યારે સારું પાત્ર શોધે ત્યારે ૩૦થી ૪૦ વર્ષની વયનાં યુવક-યુવતીઓ અત્યારે નહીં કહીને વાત ટાળે છે. પરિણામે પેરન્ટ્સ પોતાનાં સંતાનોના ભવિષ્યને લઈને ચિંતામાં એકલા પડી જાય છે. પૈસો, હોદ્દો કે ગૅજેટ્સ ક્યારેય વૃદ્ધાવસ્થાની લાકડી કે એકલતાનો સાથી બની શકતાં નથી. પરિણામે ડિપ્રેશન, કાઉન્સેલિંગ અને હૉર્મોનલ સમસ્યાઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે. રૂબરૂ મેળાવડાઓમાં સંકોચ અને શરમને કારણે યુવાનો ખૂલીને વાત કરી શકતા નથી, જેને લીધે યોગ્ય જીવનસાથીની પસંદગી અટકી પડે છે.

આ ગંભીર સામાજિક કટોકટીમાંથી બહાર નીકળવા માટે રૂબરૂ મળવામાં શરમાતાં અપરિણીત યુવક-યુવતીઓ માટે વિશિષ્ટ અને સુરક્ષિત વૉટ્સઍપ ગ્રુપો કાર્યરત કરવાં જોઈએ. તાજેતરમાં સોશ્યલ મીડિયા લિન્ક્સ દ્વારા હજારો લોકો મિનિટોમાં જોડાઈ રહ્યા છે. આવા કામ માટે સમાજના અગ્રણીઓએ આગળ આવીને માત્ર યુવાનો માટેનાં ગ્રુપ્સ બનાવવાં જોઈએ જ્યાં તેઓ મુક્તમને ચર્ચા કરી શકે.

દીકરીઓમાં પ્રવર્તતી એ ભ્રમણા દૂર કરવી જરૂરી છે કે લગ્ન એટલે માત્ર કામવાળી બનવું. સાસરાને પોતાનું ઘર અને સંબંધોને પોતાની મૂડી સમજવાની સંસ્કારિતા પરિવારે જ આપવી પડશે. એકવીસથી પચીસ વર્ષની યોગ્ય ઉંમરે લગ્ન કરવાથી શારીરિક, માનસિક અને કૌટુંબિક સંતુલન જળવાય છે. કરીઅર અને લગ્ન બન્ને સાથે ચાલી શકે છે એવો આત્મવિશ્વાસ યુવાનોમાં જગાડવો પડશે.

અત્યારે જે લિવ-ઇન કલ્ચર અને સિંગલ સ્ટેટસ જેવા વેસ્ટર્ન કલ્ચર પાછળ યંગસ્ટર્સ ભાગી રહ્યા છે એ ક્ષણિક આઝાદી આપે છે, પણ જીવનના એવા પૉઇન્ટ પર જ્યારે સાચા સહકારની જરૂર હોય છે ત્યારે આ આઝાદી એકલતામાં પરિણમે છે. આ કૂવામાંથી બહાર નીકળવા માટે વૉટ્સઍપ ગ્રુપ્સમાં હેલ્ધી અને સેફ માહોલ આપવો પડશે જેથી દીકરીઓ નિર્ભયતાથી જોડાઈ શકે. સમાજની સંસ્થાઓએ પણ હવે પ્રથા બદલીને બાયોડેટા વહેંચવાને બદલે યુવાનો મુક્તપણે વૈચારિક આપ-લે કરી શકે એવાં અનૌપચારિક કૅફે મીટ-અપ્સ કે વેબિનાર્સ ગોઠવવાં પડશે. કરીઅર એ જીવનનો એક ભાગ છે, આખું જીવન નથી. જો સમય રહેતાં સંબંધોની ગરિમા અને લગ્નજીવનનું સંતુલન નહીં સમજાય તો ભવિષ્યની પેઢી વૈભવ વચ્ચે પણ સંસ્કાર અને લાગણીઓથી કંગાળ સાબિત થશે.

columnists exclusive gujarati mid day