જબ હુસ્ન હી નહીં તો દુનિયા મેં ક્યા કશિશ હૈ દિલ, દિલ વહી હૈ જિસમેં કહીં પ્યાર કી ખલિશ હૈ

30 September, 2022 05:13 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

એંસીના દસકામાં રિલીઝ થયેલી ‘યારાના’ સમયે અમિતાભ બચ્ચનની કરીઅર સોળે કળાએ ખીલેલી હતી, જેને લીધે ફિલ્મના મ્યુઝિક-ડિરેક્ટર રાજેશ રોશનને ફિલ્મનાં સૉન્ગ્સ માટે બહુ ટેન્શન હતું, જેમાં વધારો કરવાનું કામ કિશોરદાએ પણ બખૂબી કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

‘યારાના’માં કુલ છ સૉન્ગ, પણ એક પણ સૉન્ગમાં ફીમેલ વૉઇસ વાપરવામાં નથી આવ્યો! પાંચ ગીત કિશોરકુમારે ગાયાં અને એક ગીત મોહમ્મદ રફીએ ગાયું. પોતાના ભાગે એક પણ સૉન્ગ નહીં એ જાણીને નીતુ સિંહને બહુ ખરાબ લાગ્યું હતું

અમિતાભ બચ્ચન, અમજદ ખાન અને નીતુ સિંહની ફિલ્મ ‘યારાના’ ૧૯૮૧ની ૨૩ ઑક્ટોબરે રિલીઝ થઈ. ગયા વર્ષે આ ફિલ્મને ૪૦ વર્ષ પૂરાં થયાં એના માનમાં અમિતાભ બચ્ચને ટ્વિટર પર એની પોસ્ટ મૂકી હતી અને બસ ત્યારથી મનમાં આ ફિલ્મ ચાલતી હતી. મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ. અમિતાભ બચ્ચનનનો સિતારો બુલંદી પર હતો અને એટલે જ એ ફિલ્મ પણ એવી જ પસંદ કરતા જેને લીધે તેઓ એક ટકાભાર પણ પોતાની પૉપ્યુલરિટીમાંથી નીચે ઊતરે નહીં. આ ફિલ્મમાં તો તેમની સાથે નીતુ સિંહ પણ હતાં અને અમજદ ખાન પણ. બન્ને એવા ઍક્ટર જે નબળા રોલ હોય તો કરવા રાજી થાય નહીં.

પ્રોડ્યુસર એચ. એ. નડિયાદવાલા અને ડિરેક્ટર રાકેશકુમારે સ્ક્રિપ્ટ લૉક થયા પછી સૌથી પહેલી એ અમિતાભ બચ્ચનને સંભળાવી અને અમિતાભે ફિલ્મ કરવાની હા પાડી દીધી. અમિતાભે હા પાડવાનું સૌથી મોટું કારણ, ફિલ્મમાં કુલ ૬ સૉન્ગ હતાં અને એમાંથી પાંચ સૉન્ગ માત્ર તેમના પર હતાં. આ એક કારણ સિવાયનું બીજું કારણ, અમિતાભ બચ્ચન ફિલ્મમાં સિંગર કિશનકુમારનું કૅરૅક્ટર કરતા હતા અને અમિતાભને ‘અભિમાન’ પછી એવો રોલ પહેલી વાર મળતો હતો. મજાની વાત એ હતી કે આ ફિલ્મમાં તો અમિતાભ ‘અભિમાન’ જેવા સિરિયસ સિંગરનો રોલ પણ નહોતા કરત, તેઓ એ સમયે બહુ ચાલેલા પૉપ ડાન્સર ટાઇપના સિંગરનો રોલ કરતા હતા.

‘યારાના’માં એવો પ્રયાસ પણ થયો હતો કે અમિતાભ જ્યારે સ્ટેજ પર હોય ત્યારે તેમને એલ્વિસ પ્રેસ્લી જેવો લુક મળે. આ જ તો કારણ હતું કે પહેલી વાર અમિતાભ બચ્ચને મિથુન ચક્રવર્તીની જેમ લાઇટવાળાં કપડાં પહેર્યાં હતાં! હા, યાદ કરો ફિલ્મ ‘યારાના’નું એ સુપરહિટ સૉન્ગ ‘સારા ઝમાના હસીનોં કા દીવાના...’

આ ગીતનું શૂટિંગ કલકત્તાના એક સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. શૂટિંગ વખતે એવી કફોડી હાલત થઈ હતી કે શૂટિંગ પડતું મૂકીને બધાએ ભાગવું પડ્યું હતું. બન્યું એમાં એવું કે ફિલ્મની ડિમાન્ડ પ્રમાણે સ્ટેડિયમ દેખાડવાનું હતું અને અમિતાભ બચ્ચને આ સૉન્ગ માટે ૧૦ દિવસ પછીના ૪ દિવસની સામેથી ઑફર કરી હતી. આટલા ટૂંકા સમયમાં સેટ તો બને નહીં એટલે નડિયાદવાલાએ ડિરેક્ટરના કહેવાથી સ્ટેડિયમ બુક કર્યું અને ત્યાં સાચા ઑડિયન્સની હાજરીમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું. મજા જુઓ તમે, સાચા ફૅન્સને સ્ટેડિયમમાં લઈ આવવાની જે વાત હતી એની જાણ અમિતાભ બચ્ચન કે નીતુ સિંહને કરવામાં જ આવી નહોતી. મનમાં હતું કે બધું કન્ટ્રોલ થઈ જશે અને જે લોકોને બોલાવવામાં આવ્યા હતા એ લોકોએ પણ ડાહી-ડાહી વાતો કરી કે અમે શિસ્તમાં રહીશું, પણ એવું બન્યું નહીં.

અમિતાભ બચ્ચન જેવા સ્ટેજ પર આવ્યા કે તરત ચાલુ શૂટિંગ લોકો સ્ટેડિયમની સીટ પરથી ઊભા થઈને દેકારો કરવા માંડ્યા. અમુક લોકો સ્ટેજ પર ધસી આવ્યા એટલે પછી તો જોણું થયું. બધેબધા લોકો સ્ટેજ પર આવી ગયા. અરે, એવી તો ભાગદોડ મચી જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી. સિક્યૉરિટી હતી, પણ એ તો શૂટિંગ દરમ્યાન રાખવામાં આવે એ પ્રકારની સામાન્ય સિક્યૉરિટી હતી. પોલીસ પ્રોટેક્શન બોલાવવામાં નહોતું આવ્યું અને એવી તે કફોડી હાલત કે પોલીસને બોલાવવી પડી. સ્ટેજ પર અમિતાભ સાથે ડાન્સ કરવા માટે ઑલરેડી પહેલેથી આવી ગયેલી નીતુ સિંહને તો ભીડ ગણકારતી સુધ્ધાં નહોતી, તે તો રીતસર હડફેટે ચડી ગઈ હતી. યુનિટના મેમ્બર્સ અને સાથી-કલાકારોએ મહામુશ્કેલીએ તેને ત્યાંથી બહાર કાઢી, પણ ત્યાં સુધી તો નીતુમૅડમ ઑલમોસ્ટ બેભાન.

મિસ-મૅનેજમેન્ટ એ સ્તરનું હતું કે કોઈ કલ્પના જ ન થઈ શકે. જેમ-તેમ કરીને અમિતાભ બચ્ચન અને નીતુ સિંહને કાર સુધી પહોંચાડવામાં આવ્યાં, જ્યાં નવી કઠણાઈ આવીને ઊભી રહી ગઈ. કાર ચાલુ થઈ, પણ બે ફુટ ચાલીને બગડી ગઈ. એ પછી કાર શરૂ જ ન થાય અને ભીડ હવે બહાર તરફ આવતી હતી. તમે માનશો, આ કલાકારોને કેવી રીતે સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હશે?

હાજર હતા એ યુનિટ-મેમ્બરે કારને ધક્કા મારીને મેઇન રોડ સુધી પહોંચાડી અને ડિરેક્ટર ઑલરેડી ત્યાં ઊભો રહીને ટૅક્સી કરતો હતો. ટૅક્સી જેવી મળી કે તરત જ એમાં આ લીડ પૅરને બેસાડીને હોટેલ પહોંચાડવામાં આવી. અહીં, આ બાજુએ સ્ટેડિયમમાં પણ ધીમે-ધીમે શાંતિ થવા માંડી. સ્ટાર્સ તો હવે ત્યાં હતા નહીં. ફૅન્સ ત્યાં રહીને આમ પણ શું કરવાના એટલે એ લોકો ધીમે-ધીમે વિખેરાઈ ગયા, પણ હવે દેકારાનાં વાદળો મંડરાયાં હતાં હોટેલ પર, ડિરેક્ટર રાકેશકુમાર પર.

અમિતાભ બચ્ચને રાકેશકુમારનો વારો કાઢી નાખ્યો અને કાઢે પણ શું કામ નહીં. તેમની આર્ગ્યુમેન્ટ સાચી હતી કે આ અવસ્થામાં જો કોઈને કંઈ ઈજા થઈ જાય તો એની જવાબદારી કોની. એક તબક્કે તો એવી હોહા થઈ ગઈ કે ડિરેક્ટરને એમ જ લાગ્યું કે હવે બચ્ચનસાહેબ કામ નહીં કરે અને શૂટિંગ કૅન્સલ કરવું પડશે, પણ સાહેબ, આ તો અમિતાભ બચ્ચન. પ્રોફેશનલિઝમ પડતું મૂકે નહીં. તેમણે એ જ રાતે ડિરેક્ટરને કહી દીધું કે શૂટિંગ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ જો બધા પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હશે તો અને તો જ.

બીજા દિવસે આખેઆખું એ સ્ટેડિયમ પોલીસપહેરા વચ્ચે સુરક્ષિત કરવામાં આવ્યું અને બપોર પછી શૂટિંગ શરૂ થયું. શૂટિંગમાં હવે જે લોકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સાચા ફૅન્સ જ હતા, પણ આગળની ત્રણ લાઇનમાં પોલીસ-પરિવારના સભ્યોને ગોઠવી દેવામાં આવ્યા હતા, એ પરિવારના સભ્યો સાથે કોઈ જેવું તેવું પગલું લેવાની હિંમત કરે જ નહીં એ સ્વાભાવિક છે. ચાર દિવસ શૂટિંગ ચાલ્યું અને આ ચાર દિવસના શૂટિંગમાં આખું ગીત શૂટ કરવામાં આવ્યું.

આ ગીતમાં અમિતાભ બચ્ચનને લાઇટવાળો ડ્રેસ પહેરાવવામાં આવ્યો હતો, જે ડ્રેસ પહેરેલો ફોટો ક્યાંય લીક ન થાય એનું ધ્યાન પ્રોડ્યુસર-ડિરેક્ટરે ખૂબ રાખ્યું અને એ પછી પણ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં ફોટો લીક થઈ ગયો હતો, જેને લીધે એક તબક્કે તો એ લાઇટવાળો ડ્રેસ પહેરેલા અમિતાભનો ફોટો પણ પ્રમોશનમાંથી હટાવી દેવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ એ પછી ઓરિજિનલ પ્લાન અકબંધ રહ્યો.

‘સારા ઝમાના હસીનોં કા દીવાના’ સૉન્ગના રેકૉર્ડિંગ સમયની વાતો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ વાતો કરતાં પહેલાં એક વાત કહેવાની કે આ ફિલ્મમાં ૬ સૉન્ગ હતાં, પણ એ છમાંથી એક પણ સૉન્ગમાં ફીમેલ વૉઇસ વાપરવામાં નથી આવ્યો! પાંચ ગીત કિશોરકુમારે ગાયાં અને એક ગીત મોહમ્મદ રફીએ ગાયું. પોતાના ભાગે એક પણ સૉન્ગ નહીં એ જાણીને નીતુ સિંહને બહુ ખરાબ લાગી આવ્યું હતું. જોકે તેણે એ ક્યારેય જાહેર થવા દીધું નહીં અને એનું કારણ એ જ હતું કે તેને પોતાને ખબર હતી કે હવે તે લાંબો સમય ફિલ્મોમાં કામ કરી શકવાની નથી, કારણ કે જ્યારે તેણે આ સૉન્ગ શૂટ કર્યું એના ત્રણ જ મહિનામાં તેનાં મૅરેજ ફાઇનલ હતાં.

થૅન્ક ગૉડ, નડિયાદવાલાએ એ જફા સહન કરવી પડી નહીં, નહીં તો નીતુ સિંહની ફરિયાદના ફોન રિશી કપૂર કરતો હોત અને કોઈ પ્રોડ્યુસર ઇચ્છતો નહોતો કે કપૂર ખાનદાનને માઠું લાગે.
‘યારાના’ના સુપરહિટ સૉન્ગ ‘સારા ઝમાના...’ અને એ જ ફિલ્મોની બીજી વાતો કરીશું હવે આપણે આવતા શુક્રવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists