04 October, 2026 06:01 PM IST | Mumbai | Shailesh Nayak
કચ્છમાં શરૂ થયો ગોબરના પંચગવ્ય સ્નાનનો ટ્રેન્ડ
દેશી ગાયનું તાજું ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને ચંદનનું મિશ્રણ કરીને શરીર પર લગાવવાનું અને પછી સવા કલાક રહેવા દઈને ભજનોની સુરાવલી સાથે ૐકારનો નાદ કરવાનો, ધૂન બોલાવવાની. આ સ્નાન એટલું લોકપ્રિય થઈ રહ્યું છે કે હવે તો એ માટે વેઇટિંગ-લિસ્ટમાં નામ નોંધાવવું પડે છે
ગોબર... ગાયનું છાણ. આ શબ્દ કાને પડતાં, વાંચતાં કે પછી એની ગંધ માત્રથી સ્વાભાવિક રીતે જ નાકનું ટેરવું ચડી જાય. જોકે આપણે એ પણ જાણીએ છીએ કે ગાયનું ગોબર ખૂબ જ ગુણકારી છે અને એનું મહત્ત્વ હવે અનેક લોકો સમજતા થયાં છે. જોકે નવાઈ પમાડે એવો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે ગોબરના પંચગવ્ય સ્નાનનો. કચ્છમાં આ વિશિષ્ટ સ્નાનનું ધીરે-ધીરે એટલું મહત્ત્વ વધી રહ્યું છે અને હવે તો એમાં પણ વેઇટિંગ શરૂ થયું છે. મહિને કે ૧૫ દિવસે એક વાર વહેલી સવારે પુરુષો ગૌશાળામાં એકઠા થઈને દેશી ગાયનું તાજું ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને ચંદનનું મિશ્રણ બનાવીને શરીર પર ઘસી-ઘસીને સ્નાન કરે છે. પછી તરોતાજા થઈને કામધંધે વળગે છે. ગૌશાળામાં ગાયોના ભાંભરવાના અવાજ વચ્ચે વહેલી સવારે લોકો પંચગવ્ય ગોબરસ્નાન કરતા હોય, ધૂન બોલાવતા હોય, ભજન ગાતા હોય અને ૐકારનો નાદ કરતા હોય ત્યારે એક આધ્યાત્મિક માહોલ સર્જાય છે અને આ વાતાવરણની અનુભૂતિ કંઈક અલગ જ હોય છે.
ગોસેવા ગતિવિધિએ શરૂ કર્યું અભિયાન
શાસ્ત્રોમાં પણ પંચગવ્ય સ્નાનનો મહિમા વર્ણવ્યો છે. એ પંચગવ્ય સ્નાન માટેનું અભિયાન કચ્છમાં ગોસેવા ગતિવિધિએ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ૬ વાર પંચગવ્ય સ્નાન કરી ચૂકેલા અને ગોસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર-સંયોજક રામજી વેલાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘ભુજમાં સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં ગોબરસ્નાન હમણાં યોજાયું હતું. અહીં આ બીજી વખત સ્નાન થયું. કચ્છનાં જુદાં-જુદાં ગામોની ગૌશાળાઓમાં છેલ્લાં બે વર્ષથી આ પ્રયોગ શરૂ થયો છે. આ શરૂઆત છે, પરંતુ હવે એ ધીરે-ધીરે વેગ પકડી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોસેવા ગતિવિધિ વિભાગ દ્વારા આ અભિયાન ચાલે છે. એની પાછળનો હેતુ લોકો ગાય સાથે તાદાત્મ્ય કેળવે એ છે. ગાયનું ગોબર અને મૂત્ર માનવ તેમ જ ખેતી માટે ઉપયોગી છે. ગાયનું માત્ર દૂધ જ મહત્ત્વનું નથી, ગોબર અને ગૌમૂત્ર પણ મહત્ત્વનાં છે એનું મૂલ્ય લોકોને સમજાય એ જરૂરી છે. ગોબરસ્નાનનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે. કોઈ પણ પવિત્ર કર્મ શરૂ કરીએ ત્યારે ગાયનું ગોબર અને ગૌમૂત્ર વપરાય છે. યજ્ઞ કરવો હોય, હવન કરવો હોય કે આવાં કોઈ મંગળ કાર્યો થતાં હોય ત્યારે સૌથી પહેલાં ગોબર એટલે કે છાણાં અને ગૌમૂત્રની જરૂર પડે છે. દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર શરીર પર લગાવીએ એ ચિકિત્સાનો એક ભાગ છે. ગૌશાળામાં મંત્રોચ્ચાર થતા હોય, ભજન ગવાતાં હોય, શરીર પર પંચગવ્ય લગાવીને ધ્યાનમાં બેસવાનું અને ૐકારનો નાદ કરવાનો હોય એટલે આ સ્નાનથી માણસને ઘણી રીતે ફાયદો થાય છે. કચ્છમાં મહિને કે પંદર દિવસે એક વાર ધીમે-ધીમે પંચગવ્ય ગોબરસ્નાન શરૂ થયાં છે. ભુજ, રામપર વેકરા, નાની નાગલપર, ભચાઉ રોડ પર આવેલા ગુરુકુળ સહિતનાં સ્થળોએ આવેલી ગૌશાળાઓમાં પંચગવ્ય ગોબરસ્નાન થઈ રહ્યાં છે અને હવે આ પ્રયોગો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શરૂ થયા છે. છેલ્લા દોઢેક વર્ષમાં કચ્છમાં ઓછામાં ઓછાં પચીસથી વધુ વખત પંચગવ્ય ગોબરસ્નાન યોજાયાં છે જેમાં અંદાજે ૧૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો છે. ગોબરસ્નાનની શરૂઆત થઈ ત્યારે ઓછા લોકો આવતા હતા, પરંતુ હવે જ્યારે આ સ્નાન થાય છે ત્યારે ૧૦૦થી વધુ લોકો જોડાય છે.’
મેઘજી હીરાણી, બાળકો પણ જોડાઈ રહ્યાં છે પંચગવ્ય ગોબરસ્નાનમાં.
શાસ્ત્રમાં દેહશુદ્ધિની વાત
કચ્છમાં પંચગવ્ય ગોબરસ્નાનને પુનર્જીવિત કરનારા અને જેમણે ૩૬ વખત પંચગવ્ય ગોબરસ્નાન કર્યું છે એવા સદ્ગૃહસ્થોમાંના એક મેઘજી હીરાણી એની પુનઃ શરૂઆત વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘આપણાં શાસ્ત્રોમાં પહેલેથી જ પંચગવ્ય સ્નાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ ગોબરસ્નાન કરતા હતા એટલે આ ગોબરસ્નાનની પુનઃ શરૂઆત છે. આપણા સમાજમાં જે પરંપરા હતી એને અમે ફરી સામે લાવ્યા છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે સત્કર્મ કરવું હોય તો દેહશુદ્ધિ કરીને જ કરી શકાય. પંચગવ્યથી દેહશુદ્ધિ થાય છે. આ સ્નાનથી બાહ્ય શરીર શુદ્ધ થાય છે અને અંદર મનને શાંતિ મળે છે. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને દોઢેક વર્ષ પહેલાં પંચગવ્ય ગોબરસ્નાનનો પ્રારંભ કર્યો હતો. ૨૦૧૩માં મેં એની વ્યક્તિગત રીતે શરૂઆત કરી હતી. પહેલાં હું એકલો જ ગોબરસ્નાન કરતો હતો, પરંતુ દોઢેક વર્ષ પહેલાં અંજારના રાયમલધામ આશ્રમની ગૌશાળામાં પહેલી વાર સમૂહમાં ગોબરસ્નાન કર્યું હતું. એમાં બાવીસ લોકો જોડાયા હતા. લોકોને સારો અનુભવ રહ્યો એટલે ત્યાર પછી રામપર વેકરા તપોવન ગુરુકુળમાં અંદાજે ૧૫૦ લોકોએ સ્નાન કર્યું. અમારી ગૌશાળા અંજાર પાસે નાની નાગલપરમાં છે. ત્યાં દર ૧૫ દિવસે ગોબરસ્નાન કરીએ છીએ. આ ઉપરાંત ભુજ શહેરમાં બે વખત, ચાંદ્રાણી ગામે, માંડવી તાલુકાના ગંગાપર ગામે, ભુજ તાલુકાના જવાહરનગર ગામે તેમ જ અન્ય ગામોની ગૌશાળાઓમાં પંચગવ્ય ગોબરસ્નાન ક્યાંક એક વાર તો ક્યાંક બે, ૩ કે ૪ વખત યોજાઈ ચૂક્યાં છે અને હજી પણ થઈ રહ્યાં છે. જૂનાગઢ, ભાવનગરના કોબડી ગામ, બોટાદ, ધંધૂકા પાસેનાં ગામો સહિત સૌરાષ્ટ્રમાં પણ પંચગવ્ય સ્નાનના પ્રયોગો થઈ રહ્યા છે.’
જેમનું મિશ્રણ કરીને પંચગવ્ય ગોબરસ્નાન કરાવાય છે એ પંચગવ્ય સામગ્રી.
પંચગવ્ય સ્નાનની વિધિ
આ વિશિષ્ટ સ્નાન કેવી રીતે થાય છે અને એમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે એ વિશે વાત કરતાં મેઘજી હીરાણી કહે છે, ‘એક વ્યક્તિ માટે દેશી ગાયનું એક કિલો તાજું ગોબર, ૨૦૦ ગ્રામ દૂધ, ૨૦૦ ગ્રામ દહીં, ૨૦૦ ગ્રામ ગૌમૂત્ર, ૧૦ ગ્રામ ઘી અને ૨૦ ગ્રામ ચંદન પાઉડરને ૮૦૦ મિલીલીટર પાણીમાં ભેળવીને મિશ્રણ બનાવીએ છીએ. જેટલા લોકો સ્નાન કરવા આવવાના હોય એ પ્રમાણે આ મિશ્રણ સ્નાન પહેલાં વહેલી સવારે તૈયાર કરવામાં આવે છે. સવારે સાડાપાંચ વાગ્યે પુરુષો ગૌશાળામાં આવે છે. ટૂંકી ચડ્ડી પહેરીને લાંબા પગ કરીને બેસવાનું. બે વ્યક્તિ વચ્ચે એક ડોલમાં મિશ્રણ આપીએ છીએ. સ્નાનની શરૂઆત જમણા પગના તળિયેથી થાય છે. પંચગવ્યનું મિશ્રણ પહેલાં જમણા પગના તળિયે ઘસવાનું, એ પછી ડાબા પગે, ત્યાર બાદ પેટ, બન્ને હાથ, પીઠ, ચહેરો તેમ જ માથા પર દ્રવ્ય લગાવીને ઘસી-ઘસીને સ્નાન કરવાનું હોય છે. એને કારણે શરીરનાં રોમછિદ્રો ખૂલી જાય છે. ત્યાર બાદ બ્રહ્મનાદ એટલે કે ૐકાર કરાવીએ છીએ. એ પછી ગાયની ધૂન બોલાવીએ અને મૌન સાથે ધ્યાનમાં બેસાડીએ છીએ. ત્યાર બાદ સ્નાનના લાભોનું વર્ણન કરીએ છીએ. સવા કલાક સુધી ગોબર શરીરે રહેવા દઈએ છીએ. એ પછી ચોખ્ખા પાણીની કૂંડીમાં ડૂબકી લગાવીને સ્નાન કરાવીએ છીએ. કૂંડીનું જે પંચગવ્યમિશ્રિત પાણી હોય એને ખેતરમાં, છોડવાઓમાં અને વૃક્ષોમાં નાખી દઈએ છીએ જેથી એ પાણીનો પણ સદુપયોગ થાય. ત્યાર બાદ સાત્ત્વિક આહાર લઈને સૌ છૂટા પડે છે. આ પંચગવ્ય સ્નાન માટે માનદ શુલ્ક ૨૦૦ રૂપિયા લઈએ છીએ.’
હવે મહિલાઓએ પણ શરૂ કર્યું પંચગવ્ય ગોબરસ્નાન
પુરુષોમાં ગોબરસ્નાનનો ટ્રેન્ડ શરૂ થયા પછી હવે કચ્છમાં મહિલાઓએ પણ અલગથી પંચગવ્ય ગોબરસ્નાન કરવાની શરૂઆત કરી છે. એમાં પુરુષોની હાજરી હોતી નથી. આ મુદ્દે વાત કરતાં રામજી વેલાણી કહે છે, ‘ભાઈઓ સ્નાન કરે તો બહેનો પણ આ સ્નાન કરી શકે છે અને એની શરૂઆત થઈ ચૂકી છે. કચ્છના માંડવી તાલુકાના ગંગાપર ગામે આવેલી ગૌશાળામાં ગયા અઠવાડિયે મહિલાઓએ પંચગવ્ય ગોબરસ્નાન કર્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન બહેનોએ જ કર્યું હતું. ઘણી મહિલાઓ આ પંચગવ્ય ગોબરસ્નાનમાં જોડાઈ હતી. તેમને આ સ્નાનથી થતા શારીરિક-માનસિક લાભો વિશે પૂરતી જાણકારી આપવામાં આવી હતી.’
રામજી વેલાણી.
પંચગવ્ય ગોબરસ્નાનથી થતા ફાયદા
પંચગવ્ય ગોબરસ્નાનથી અનેક લાભ થાય છે એવો દાવો કરતાં મેઘજી હીરાણી કહે છે, ‘દેહશુદ્ધિ માટે આ સ્નાન ખૂબ મહત્ત્વનું છે અને એનાથી શરીર તેમ જ મનને ઘણા ફાયદા થાય છે. આ સ્નાનથી શરીરનાં રોમછિદ્રો ખૂલી જાય છે અને શરીરની આંતરિક-બાહ્ય શુદ્ધિ થાય છે. ત્વચા માટે આ સ્નાન આશીર્વાદરૂપ છે. એનાથી ચામડીના રોગોમાં રાહત રહે છે, શરીરમાંથી નકારાત્મક ઊર્જા તેમ જ ઝેરી તત્ત્વો દૂર થાય છે. પરસેવાની દુર્ગંધ દૂર થાય છે, માથામાંથી ખોડો મટે છે અને વાળ સિલ્કી બને છે. તનાવભર્યા આ સમયમાં લોકોને પંચગવ્ય ગોબરસ્નાનથી શાંતિ મળે છે અને મન પ્રફુલ્લિત બને છે. આ સ્નાન કર્યા બાદ શરીર એકદમ હળવુંફૂલ લાગે છે. આવા તો અનેક લાભો થાય છે જેના અનુભવો સ્નાન કરનારા લોકો પોતે વર્ણવે છે. આ જ કારણથી હવે સતત પ્રયોગો થઈ રહ્યા છે અને લોકો સ્વયંભૂ એનો લાભ લઈ રહ્યા છે.’
સ્નાન માટે વેઇટિંગ લિસ્ટ છે
આપણને આશ્ચર્ય થાય, પરંતુ એ હકીકત છે કે ગોબરસ્નાન કરવા માટે હવે તો વેઇટિંગ લિસ્ટ બની રહ્યું છે. આ વિશે વાત કરતાં મેઘજી હીરાણી કહે છે, ‘છેલ્લા કેટલાક સમયથી પંચગવ્ય ગોબરસ્નાનનું મહત્ત્વ સમજાતાં લોકો હવે સામેથી આ સ્નાન માટે સંપર્ક કરે છે. અમારે ત્યાં નાની નાગલપર ગામે ગૌશાળામાં દર ૧૫ દિવસે પંચગવ્ય ગોબરસ્નાન રાખીએ છીએ. આ સ્નાન માટે રજિસ્ટ્રેશન ખુલ્લું મૂકીએ ત્યારે થોડાક કલાકોમાં જ સ્લૉટ ફુલ થઈ જાય છે, જેથી બાકીના લોકોનો બીજી વખત વારો આવે છે. હવે વેઇટિંગ શરૂ થયું છે. જેમણે એક મહિને લાભ લીધો હોય તે વ્યક્તિએ ફરી વાર બીજા મહિને આવવાનું કહેવાય છે જેથી અન્ય લોકોને પણ તક મળે. જુદી-જુદી જગ્યાએ યોજાતા આ સ્નાનમાં ડૉક્ટરો, વેપારીઓ ઉપરાંત નોકરિયાત વર્ગ અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.’