દેશ નહીં, માનવહિત મોટું ગણ્યું એટલે મહાત્મા વગોવાયા?

02 October, 2022 08:01 AM IST  |  Mumbai | Ruchita Shah

બાપુને સાચી રીતે જોવાની દૃષ્ટિ છે આપણી પાસે?, આજે ગાંધી જયંતીએ સહેજેય પ્રશ્ન થાય કે શું આપણી બાપુને જોવાની દૃષ્ટિમાં કચાશ રહી ગઈ? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો ‘મિડ-ડે’નાં રુચિતા શાહે.

ગાંધી જયંતી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્ણયોની ભૂતકાળમાં ટીકા થતી આવી છે, પણ એ અવાજ હવે મોટો થઈ રહ્યો છે. બાપુ એક માસ લીડર હતા અને લોકોના હૃદયમાં વસ્યા હતા એમાં કોઈ શંકા નથી, છતાં તેઓ કેમ આટલા અળખામણા થયા? શું આનું કારણ અવ્યવહારુ અભિગમ હતો? હોઈ પણ શકે, કારણ કે ઘણી વાર એવાય નિર્ણયો તેમણે લીધા હતા જેમાં તેમણે માનવજાતના હિતને વધુ મહત્ત્વ આપ્યું હતું. આજે ગાંધી જયંતીએ સહેજેય પ્રશ્ન થાય કે શું આપણી બાપુને જોવાની દૃષ્ટિમાં કચાશ રહી ગઈ? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો ‘મિડ-ડે’નાં રુચિતા શાહે.

સંત તરીકે કે મહાત્મા તરીકે ગાંધીજી ક્યાંય ઊતરતા નહોતા જ, પણ દેશની આઝાદી માત્ર અહિંસક સત્યાગ્રહોનું પરિણામ છે તો એ સદંતર જૂઠ છે. કદાચ તમને ખબર નહીં હોય પણ ૧૯૪૭માં આઝાદી પહેલાં આઝાદ હિન્દ સેનાના ૨૬ હજાર સૈનિકો શહીદ થઈ ગયા હતા જેમનું ઇતિહાસમાંથી નામોનિશાન મિટાવી દેવાના ભરપૂર પ્રયાસો થયા છે. 
રિટાયર્ડ મેજર જનરલ જી. ડી. બક્ષી

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એક સવિશેષ વ્યક્તિત્વ હતા એ નિર્વિવાદ વાત છે. તેમને અપાયેલા ‘મહાત્મા’ના બિરુદ સામે પણ ભાગ્યે જ કોઈને વાંધો હશે. દેશને એકજૂટ કરવામાં, જાતપાતનાં દૂષણો હટાવવામાં અને સ્ત્રીઓને સમાન અધિકાર અપાવવામાં, અહિંસા સાથેની નીડરતા, નાનામાં નાની વ્યક્તિ પ્રત્યે દયા, કરુણા અને સહિષ્ણુતાની ભાવના વગેરેમાં તેમની ભૂમિકાની કોઈ તુલના પણ ન થઈ શકે. જોકે એ પછી પણ તેઓ માણસ જ હતા અને અંતે તો માનવસહજ ભૂલો તેમનાથી પણ થઈ છે એ મુદ્દો ચર્ચાતો રહ્યો છે. આજે મહાત્મા ગાંધીની ૧૫૩મી જન્મજયંતી નિમિત્તે શું આપણે બાપુને તેમના સહજ સ્વરૂપે સ્વીકારવાની દૃષ્ટિ કેળવી શકીએ? ગાંધીવાદીઓના ‘ભગવાન મહાત્મા ગાંધી’ કે તેમના અમુક નિર્ણયોથી નાખુશ એવા ‘ટીકાખોરોની દૃષ્ટિના ગાંધી’ એ બન્નેમાંથી બહાર આવીને તટસ્થ રીતે તેમના જીવનને સમજીએ અને એમાંથી કંઈક શીખવાનો પ્રયાસ તો કરીએ આજે

બાપુએ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ક્યારેય પક્ષપાત નથી કર્યો. જોકે તેમની ઘણી વાતો મિસક્વોટ થઈ છે. જેમ કે કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ આગળ ધરો એવું વાક્ય બાપુના નામે ખૂબ ચગ્યું છે. બતાવો ક્યાં લખ્યું છે આવું? 

 તેમની કેટલીક વાતો પ્રૅક્ટિકલ નહોતી. જેમ કે આઝાદી મળે એટલે લશ્કર વિખેરી નાખવું. આ વાત કૉન્ગ્રેસીઓએ પણ ન જ સ્વીકારી. ભલે તેમનો ભાવ ઉદાત્ત હતો, એ વાત સમસ્ત માનવજાત માટેની હતી, પણ એમાં દેશહિત નહોતું.

યુવાન વયે પત્નીનું નિધન થયા પછી પોતાના એકના એક દીકરાને ઉછેરવાની જવાબદારી વચ્ચે ગુજરાતના પાટણમાં રહેતા સજ્જન મોહનલાલ પટેલ સ્વતંત્રતા ચળવળ ઉપરાંત વિનોબા ભાવે સાથે ભૂદાનના કાર્યમાં પણ જોડાય છે. કાર્યકર્તા તરીકે દેશભ્રમણ કરવાની ઇચ્છા ધરાવતા મોહનભાઈ પોતાના બે વર્ષના દીકરા રક્ષેશને ક્યાં સાચવવો એની ચિંતામાં છે ત્યાં બાપુ સહજ રીતે એ બાળકને પોતાની પાસે સાબરમતી આશ્રમમાં જ રાખી લે છે. બે વર્ષનું બાળક બાપુ પાસે સચવાઈ રહ્યું હોય એનાથી મોટી ધરપત કોઈ પણ પિતાને શું હોય? અહીં બીજી બાજુ બાપુ નિયમિત મોહનભાઈને પત્ર લખીને તેમના દીકરાના રાજીખુશીના સમાચાર આપવાનું ચૂકતા નથી. ‘રક્ષેશને પાચનની તકલીફ છે એટલે તેને મારા માટે જે બકરીનું દૂધ આવે છે એ જ દૂધ પિવડાવવાનું શરૂ કર્યું છે.’ આવી વિગતો પણ આ પત્રોમાં હોય. ‍

વિષ્ણુકુમાર પંડ્યા

બાપુ નથી રહ્યા અને રક્ષેશભાઈ પણ હવે નથી, પરંતુ બાપુ સાથેની તેમની યાદરૂપી પત્રોનો આ ખજાનો આજે પણ આ પરિવાર પાસે છે જે બાપુની ધન્યતાની શાખ પૂરે છે. બાપુ સિવાય આવું કોણ કરી શકે? આવા તો કેટલાય લોકો સાથે બાપુ જોડાયેલા હતા. કદાચ એટલે જ આપણે તેમને મોહનદાસ કરમચંદ ગાંધી કરતાં પણ બાપુ તરીકે વધુ ઓળખીએ છીએ. માત્ર કરોડો ભારતીયોનાં હૃદયને બાપુ સ્પર્શ્યા છે એવું નથી; પણ આઇન્સ્ટાઇન, લિયો ટૉલ્સ્ટૉય, નેલ્સન મન્ડેલાથી લઈને ઓબામા જેવા વિશ્વભરના વિદ્વાનો તેમની વ્યક્તિવિશેષતા માટે ભરપૂર માન ધરાવતા હતા. જોકે તેમના જીવનકાળ દરમ્યાન તેમણે લોકટીકાનો ભોગ બનવું પડ્યું. આજે એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે આ વિભૂતિના જીવનની વિશેષતાઓ સાથે કોઈ કારણોસર તેમનાથી થયેલી ભૂલોમાંથી પણ શીખવાની નમ્ર કોશિશ કરીએ આજે. 

છે કોઈ બીજું તેમના જેવું?
લાર્સન ઍન્ડ ટુબ્રોની જૉબ છોડીને ‘હવે જીવનભર મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરીશ’ કહેનારા અને પછી બસ એ જ દિશામાં છેલ્લાં પચાસ કરતાં વધુ વર્ષોથી કામ કરી રહેલા ૮૬ વર્ષના તુલસીદાસ રાધા કાનજી સોમૈયા (રાધા તેમની માતાનું નામ છે) એટલે કે ટી.આર કે. સોમૈયા કહે છે, ‘સાત વર્ષની ઉંમરે બાપુની એક ઝલક જોઈ છે, પણ પછી તેમને વાંચ્યા ખૂબ છે. બાપુ અને તેમનું જીવન શું કરી શકે એનો હું જીવંત દાખલો છું. આજે જે કંઈ છું અને દેશ-દુનિયાભરમાંથી જે આદર મળી રહ્યો છે એ બાપુને કારણે જ છે. દર ક્ષણે જ્યારે પણ બાપુને વાંચું ત્યારે મનમાં એક જ ભાવ આવે કે દયા, પ્રેમ, સત્ય, અહિંસા, કરુણાનો થોડોક પણ અંશ મારામાં આવશે તો જીવન ધન્ય થઈ જશે. જીવન જીવવાની કળા બાપુએ શીખવી. દેશ માટે શું કરી છૂટવું એ વિચારતો હતો ત્યાં બાપુનાં પુસ્તકોમાં રહેલા વિચારો જ મારા રાહબર બન્યા. મને તો જીવનની મકસદ જ બાપુ થકી મળી, કારણ કે તેમનો શબ્દદેહ પણ એટલો જ પાવરફુલ છે. બાપુના વિચારોની આ મહાનતા દુનિયાને પણ સ્પર્શી છે. આજે વિશ્વના સેંકડો દેશો દ્વારા અમે બાપુનાં જે પુસ્તકોનું ડિજિટાઇઝેશન કર્યું છે એ વંચાય છે. મારી પાસે ઑફિશ્યલ ફીગર્સ છે એના. સત્ય, અહિંસા, મૈત્રી, કરુણાના તેમના વિચારોની આજે વિશ્વને સૌથી વધુ જરૂર છે. એ જ કારણ છે કે બીજી ઑક્ટોબરને યુનોએ ‘વિશ્વ અહિંસા દિવસ’ ઘોષિત કર્યો છે, જેમાં વિશ્વના ૨૦૨ દેશોએ સહમતી આપી છે. દુનિયા જેમને પૂજતી હોય એ વ્યક્તિના વાંક જોવા માટે તમે દિવસે ફાનસ લઈને નીકળો તો કોઈ શું કરે? ક્યાંય બાપુએ પોતે એવો દાવો નથી કર્યો કે હું ભૂલો નથી કરતો કે હું મહાન છું. તેમણે જાત સાથે પ્રયોગો કર્યા છે. તેમની આત્મકથાનું નામ ‘સત્યના પ્રયોગો’ એટલે જ છે, કારણ કે તેમણે સત્યને પ્રાધાન્ય આપ્યું. પછી એ જીવનની નબળી ક્ષણોનું સત્ય કેમ ન હોય? તેમણે એ લેખિતમાં આપ્યું છે કોઈજાતના ખચકાટ વિના કે પોતાના વિશે લોકો શું વિચારશે એનો ખ્યાલ લાવ્યા વિના. આવા ગટ્સ અને સિદ્ધાંતો પ્રત્યેની આવી નિષ્ઠા હોય એવી બીજી એક વ્યક્તિ શોધી આપો મને.’

 

આજના નેતાઓ શીખે
બાપુ આજના નેતાઓની જેમ વાતો નહોતા કરતા અને ઉપદેશ પણ નહોતા આપતા; પરંતુ તેમનું જીવન, તેમનું આચરણ જ તેમનો ઉપદેશ છે. બાપુ પ્રત્યે અનન્ય અહોભાવ ધરાવતા લેખક, ચિંતક અને વિવેચક દીપક મહેતા કહે છે, ‘તમે બાપુને ઇગ્નૉર કરી જ ન શકો. તેમનું વ્યક્તિત્વ અનેક રીતે લોકોના હૃદય સાથે જોડાઈ ગયું છે. પરિશુદ્ધ આચરણ જે સ્તર પર ગાંધી કરી શક્યા એવું કોઈ ન કરી શકે. બેશક તેમના બહ્મચર્યના વિચારો મને પ્રૅક્ટિકલ નથી લાગ્યા, પરંતુ એટલામાત્રથી બાપુની મહાનતા અને તેમનું દેશ માટેનું યોગદાન ઓછાં નથી થઈ જતાં. ઇન ફૅક્ટ, તેમના જીવનની વાતો આજના સમયમાં સૌથી વધુ સાપેક્ષ છે અને આજના નેતાઓએ તો ખાસ અમલમાં મૂકવા જેવી છે.’

બાપુની વ્યક્તિત્વ-વિશેષતાને દરેકે જુદી રીતે જોઈ છે. જેમ કે જાણીતા લેખક, કૉલમનિસ્ટ અને વિવેચક વિષ્ણુકુમાર પંડ્યાના વિચારો જાણીએ. તેઓ કહે છે, ‘ગાંધીજીએ ગુલામીકાળમાં આખા દેશનો અવાજ બનવાની કોશિશ કરી એ સૌથી મોટો અને મહત્ત્વનો ગુણ તેમનો કહી શકાય. એના માટે તેમણે આખા દેશની અનેક વાર સફર કરી. વિવેકાનંદ, આદિ શંકરાચાર્યની જેમ દેશમાં પરિભ્રમણ કરીને તેમણે બ્રિટિશકાળમાં દેશની પ્રજાના સુખ અને દુખનો અહેસાસ કર્યો અને કરાવ્યો. તેમની દેશપ્રેમની રીત જુઓ કે જ્યારે તેઓ ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલે તેમને અર્ધનગ્ન ફકીર કહેલા ત્યારે તેમણે દુનિયાની સામે હિન્દુસ્તાનના લોકોની પીડા અને બ્રિટિશરાજે કઈ રીતે દેશને લૂંટ્યો છે એનો દુનિયાને અહેસાસ કરાવ્યો. તેમણે અહિંસા અને અસહકારના અમલીકરણની શરૂઆત પોતાનાથી કરી. અત્યંત સાદી અને સરળ ભાષાશૈલીને કારણે દરેકેદરેક વ્યક્તિ સુધી તેઓ પહોંચ્યા. તમે તેમનાં ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ જેવાં અખબારો જુઓ, તેમનાં પ્રવચનો જુઓ તો તમને ખબર પડે. તેમણે પોતાના જીવનમાં પચાસ હજાર કરતાં વધારે પત્રો લખ્યા છે. ગાંધીજી ઉચ્ચ કક્ષાના કમ્યુનિકેટર હતા.’

બીજા ગાલ પર તમાચો
બાકી બાપુએ સેક્યુલરિઝમને કારણે હિન્દુઓને અવગણ્યા છે તો એમાં હકીકત નથી. એ વાત સાથે ટી.આર.કે. સોમૈયા ઇતિહાસનાં પાનાંની અમુક ઘટનાઓને મૂલવતાં કહે છે, ‘આપણે હકીકતને ચોથી, પાંચમી અને છઠ્ઠી દૃષ્ટિએ જોઈ છે એટલે હું એ ચર્ચામાં ઊતરતો નથી. ભારતના ભાગલાના ગાળામાં કલકત્તામાં તોફાનો થયાં હતાં. આજના બંગલા દેશ અને એ સમયના ઈસ્ટ પાકિસ્તાનમાં બાપુ ખાસ હિન્દુઓ પર થઈ રહેલી હિંસાનો વિરોધ કરવા માટે ગયા હતા. તેમણે ક્યારેય પક્ષપાત નથી કર્યો. તેમની ઘણી વાતો મિસક્વોટ થઈ છે. જેમ કે કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ આગળ ધરો એવું વાક્ય બાપુના નામે ખૂબ ચગ્યું છે. બતાડો મને ક્યાં લખ્યું છે આવું? 

બાપુનાં સો વૉલ્યુમનું સાહિત્ય ખંગાળી ચૂક્યો છું અને મેં ક્યારેય આવું વાક્ય નથી વાંચ્યું. અહિંસાના ઉપાસક બાપુએ આત્મરક્ષાને કેન્દ્રમાં રાખી જ છે. એક ઇન્ટરવ્યુમાં બાપુએ બહેનો માટે કહેલું કે કોઈ તમારા પર બળજબરી કરવા આવે અને તમે તેને મારી નાખશો તો પણ હું એનો વિરોધ નહીં કરું.’

ગીતા માણેક

બાપુ સાથે અન્યાય 
બાપુના વ્યક્તિત્વને બિનજરૂરી ગ્લૉરિફાય કરીને આપણે જ તેમની સાથે અન્યાય કરી બેઠા છીએ. એવું કહેનારાં રાઇટર-પત્રકાર ગીતા માણેક બાપુની મહાનતાને સમગ્રતા સાથે બિરદાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર રિસર્ચ કરીને ડૉક્યુનૉવેલ લખનારા ગીતા માણેક કહે છે, ‘મને એવું લાગે છે કે ગાંધીજીને ફરીથી નવા દૃ​ષ્ટિકોણથી જોવાની જરૂર છે. આપણે તેમને ભગવાન બનાવી દીધા છે. આપણી મૂર્તિપૂજકની માનસિકતાએ બાપુ સાથે અન્યાય કર્યો છે. નિશ્ચિતપણે તેઓ એક મહાન વ્ય​ક્તિ હતા જ. પરંતુ એક પેઢી જે ગાંધીજીની સાથે જીવી અને બાપુ પ્રત્યે સમર્પિત હતી એ હવે રહી નથી. નવી જનરેશનનો આઉટલુક જૂદો છે. એ લોકો બહુ જ રૅશનલ છે. જ્યારે તમે ઐતિહાસિક વ્યક્તિઓને જુઓ ત્યારે આજની પેઢી એમાં તર્કબદ્ધતા સાથે આગળ વધવામાં માને છે. બાપુની અઢળક વિચારધારા જીવનમાં ઉતારવા જેવી હતી, પરંતુ આપણે તેમને ભગવાનના સ્થાને રાખી દીધા એટલે તેમનું સારું બધું આપણી રીચની જાણે બહાર થઈ ગયું. શ્રીકૃષ્ણની ભક્તિ આપણે કરીએ છીએ, પણ ભગવદ્ગીતામાં તેમણે દર્શાવેલા માર્ગ પર આપણે નથી ચાલતા. ક્યાંક ને ક્યાંક બાપુ સાથે પણ આ જ અન્યાય આપણાથી થયો છે.’

સરદારનું વડા પ્રધાનપદ
કેટલાક મુદ્દાઓને લઈને બાપુના નિર્ણયોની ભરપૂર ટીકા થઈ છે. જેમ કે તેમણે નહેરુને વડાપ્રધાન બનાવ્યા અને સરદારને નહીં. આ વિષય પર ગાંધીજીનો પક્ષ લઈને બહુ જ ખેદ સાથે દીપક મહેતા કહે છે, ‘ગમશે નહીં પણ આજકાલ ગાંધીજી અને નેહરુને ઉતારી પાડવાની એક ફૅશન થઈ ગઈ છે. કોઈ વાતની જડ સુધી જવા જ તૈયાર નથી. સદીઓથી સરદારને વડા પ્રધાન કેમ ન બનાવ્યા એ જ પ્રશ્ન ચર્ચાય છે. એક વાત સમજી લો કે ગાંધીજી ખૂબ જ આદર્શવાદી હોવાની સાથે પ્રૅક્ટિકલ હતા. જો પાકિસ્તાન ન આપ્યું હોત તો દેશને આઝાદી મળી ન હોત અને મળી હોત તો કદાચ વધુ નુકસાન સાથે. એટલે તેમણે જરૂર પડ્યે નમતું જોખ્યું. નેહરુને વડા પ્રધાન બનાવવા પાછળ માણસની પસંદગી તેમની સાચી હતી. એ વખતનો દેશ આજનો દેશ નહોતો. આપણે ગુલામીમાંથી બહાર આવ્યા હતા. રજવાડાંઓ ભેગાં કરવાનાં હતાં. આખી દુનિયામાં દેશની છબિને બનાવવાની હતી. દેશના ભવિષ્યની રચના કરવાની હતી. વિદેશને લગતાં કામ નેહરુ જે રીતે કરી શક્યા એ બીજું કોઈ ન કરી શક્યું હોત. ધારો કે ૧૯૪૭માં વડા પ્રધાન સરદાર પટેલ બન્યા હોત તો તેઓ કેટલાં વર્ષ એ કરી શક્યા હોત, કારણ કે આઝાદીનાં અઢી વર્ષમાં તો તેમનું મૃત્યુ થયુ હતું. એવું તો નહોતું કે તેઓ વડા પ્રધાન બન્યા હોત તો બીજાં પચ્ચીસ વર્ષ વધુ જીવ્યા હોત? શું કામ હવે એ વાત ઉખેડવી છે? સરદારનું અને નેહરુનું ટ્યુનિંગ બહુ સારું હતું. મતભેદ થયા, પણ પરસ્પર દ્વેષ નહોતો. ગાંધીજીને પણ કંઈ સરદાર ઓછા પ્રિય નહોતા.’

ટી.આર.કે. સોમૈયા

જોકે આ જ વાત પર ગીતા માણેક જુદો મત ધરાવે છે. તેઓ કહે છે, ‘એક ઇન્ટરવ્યુ દરમ્યાન આ જ સવાલ બાપુને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે બધામાં નેહરુ જ એક એવા છે જે બ્રિટિશર છે. આ ઇન્ટરવ્યુ મારી પાસે છે. મારા રિસર્ચ દરમ્યાન જે મારા ધ્યાનમાં આવ્યું છે તે એ છે કે સરદારનું સ્પષ્ટવક્તા હોવું, હિન્દુત્વવાદી હોવું અને પોતાના દેશીપણાને ખુમારી સાથે જીવવું તેમ જ તબિયત નાદુરસ્ત હોવી જેવાં કારણોને કારણે તેમને વડાપ્રધાન પદથી અળગા રખાયા. જોકે તેમને અપાયેલું ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરનું પદ માત્ર નામ પૂરતું રહી ગયું હતું અને પછી પણ સરદારે ‘હંમેશાં નેહરુનો સાથ આપજે’ એવું ગાંધીજીને આપેલું વચન અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું. ભલે પછી તેમની પોતાની સાથે ગમેતેવો અન્યાય નહેરુજીએ કર્યો હોય. કદાચ તમને ખબર નહીં હોય પણ નેહરુએ સરદારના નિધન પછી પોતાના નેતાઓને અને આઇએએસ અધિકારીઓને તેમની અંતિમ વિધિમાં પણ ન જવાનો ફતવો બહાર પાડેલો એવું કનૈયાલાલ મુનશી પોતાના પુસ્તકમાં લખે છે. હું માત્ર એટલું જ કહીશ કે ગાંધીજીએ ખૂબ સારું કામ કર્યું અને તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના માટે આદર હોય, પણ તેમણે કરેલી ભૂલોને પણ આપણે સાવ ભૂલી ન શકીએ. અહીં કોઈને ઉતારી પાડવાની વાત નથી, પણ જે સત્ય છે એને ઉજાગર કરવાની વાત છે. આપણે ત્યાં ભગવાન રામની પણ તેમણે સીતાની અગ્નિપરીક્ષા કરી એ માટે ટીકા થઈ જ છે. રામની ટીકા કરો તો ચાલે પણ ગાંધીજીની ટીકા કરો તો તમે કોઈ એક પક્ષના થઈ જાઓ એવું? હું એટલું જ કહીશ કે આખા ઇતિહાસને તટસ્થ થઈને જોઈએ અને એમાંથી શીખી શકાય એટલું શીખીએ. બીજી એક વાત સરદારની સામે મારે ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો વિશે કરવી છે. બૅરિસ્ટર સરદાર ૪૦ વર્ષની ઉંમરે બીમારીમાં પત્નીને ખોઈ બેસે છે અને એ સમયમાં તો બીજાં લગ્ન સહજ થતાં છતાં સરદારે પોતાનાં બે સંતાનોને બીજી પત્ની બરાબર નહીં સાચવે તો એ કારણથી લગ્ન ન કર્યાં. સરદારનું જીવન જોઈ લો. પત્નીના મરણ પછી તમે ક્યારેય કોઈ સ્ત્રી સાથેના મૈત્રીસંબંધમાં તેમનું નામ સાંભળ્યું નહીં હોય. ક્યાંય એનો ઉલ્લેખ પણ તેઓ નથી કરતા. હવે ગાંધીજીનું બ્રહ્મચર્ય મહાન કે સરદારનું? તમે જ જાતે નક્કી કરો. મને ગાંધીજીનું બહ્મચર્ય બહુ જ છીછરું લાગે છે જ્યાં તેમણે આ પ્રકારના પ્રયોગો કરવા પડે.’

બાપુની એકલતા
છેલ્લે-છેલ્લે બાપુ એકલા પડી ગયા હતા એવું તેમણે પોતે કબૂલ કર્યું છે. જાણીતા લેખક અને બાપુના જીવન પર પુષ્કળ વાંચન કરનારા, ચિંતક, વિવેચક દિનકર જોશી કહે છે, ‘ગાંધીજી તેમના કેટલાક સિદ્ધાંતોને કારણે, વિચારોને કારણે, વ્યાવહારિકતાને કારણે, નૈતિક પ્રામાણિકતાને કારણે લોકહૃદયમાં આજે પણ જીવંત છે જ અને રહેવાના. પરંતુ એ વાત નકારી ન શકાય કે છેલ્લે-છેલ્લે તેમનો વિરોધ થયો હતો. બાપુ સાથે સારોએવો સમય વિતાવનારા તેમના સેક્રેટરી પ્યારેલાલે તેમના અંતિમ દિવસોની અને રોજનીશીની વાતોને ‘પૂર્ણાહુતિ’ નામના ત્રણ ભાગના પુસ્તકમાં લખી છે.  બાપુને છેલ્લા અરસામાં જે પણ પત્રો આવ્યા હતા એ બધા તેમનો વિરોધ કરનારા હતા. હિન્દુઓ માનતા કે બાપુ મુસ્લિમોનો પક્ષ લે છે એટલે તેઓ તેમના વિરોધી બની ગયા હતા અને મુસ્લિમો પણ બાપુનો વિરોધ કરવા માંડ્યા હતા, કારણ કે તેમને બાપુ પાકિસ્તાન નહોતા ઇચ્છતા એ વાત મંજૂર નહોતી. જોકે લોકપ્રિયતામાં વધઘટ થવી એ મને લાગે છે કે કોઈ પણ રાષ્ટ્રીય નેતા, પબ્લિક ફીગર માટે સહજ હોય. જોકે બાપુની લોકપ્રિયતા સંપૂર્ણપણે ન ઘટી, કારણ કે તેઓ માત્ર રાજકીય નેતા નહોતા અનેક રીતે તેઓ લોકો સાથે જોડાયેલા હતાં.’ 
વાતને ગીતા માણેક આગળ વધારે છે જેમાં તેઓ કહે છે, ‘છેલ્લે છેલ્લે કૉન્ગ્રેસમાં કોઈ તેમનું સાંભળતું નહોતું. આઝાદી પછી દિલ્હીમાં બિરલા સભામાં તેઓ પોતે બોલ્યા છે કે આ દેશમાં મારી કિંમત હવે એક ઝાડુવાળા કરતાં પણ ઓછી છે. જીવતેજીવ કૉન્ગ્રેસીઓએ તેમને સાઇડ પર ધકેલી દીધા હતા એવું ખુદ ગાંધીજીએ કહ્યું છે. અત્યાર સુધી લોકોએ અને પૉલિટિશ્યનોએ તેમને એન્કૅશ કર્યા છે. તમે મારા જલદી મૃત્યુ માટે પ્રાર્થના કરો, મેં જ કહ્યું હતું કે ૧૨૫ વર્ષ જીવવું છે, પણ હવે જીવવાની ઇચ્છા નથી રહી આવું ગાંધીજી જાહેર સભામાં બોલ્યા છે.’ 

દિનકર જોશી

વિરોધાભાસી સિદ્ધાંતો
ગાંધીજીએ પોતે પણ પોતાના ઘણા સિદ્ધાંતોમાં વિરોધાભાસ આપ્યો છે. જેમ કે તેઓ અહિંસાની વાત કરે છે, પણ એ અહિંસાને સમૂળગી સ્વીકારી ન શકે. દિનકર જોશી આ જ દિશામાં આગળ કહે છે, ‘અહિંસક ગાંધી જ આશ્રમના બીમાર વાછરડાને મારી નાખવાની પરવાનગી આપે છે જેમાં તેમને હિંસાનો ભાસ નથી થતો. તેમની કેટલીક વાતો પ્રૅક્ટિકલ નથી. જેમ કે આઝાદી મળે એટલે લશ્કર વિખેરી નાખવું. આ વાત કૉન્ગ્રેસીઓએ પણ ન જ સ્વીકારી. ભલે તેમનો ભાવ ઉદાત્ત હતો, પરંતુ એ વાત સમસ્ત માનવજાત માટેની હતી પણ એમાં દેશહિત નહોતું. તેમણે સત્યાગ્રહીની વાત કરી હતી. સત્યાગ્રહી અહિંસક અને બ્રહ્મચારી હોવો જોઈએ, જે પ્રૅક્ટિકલ નહોતું. ગાંધીજી આદર્શ છે, પરંતુ તેમને વ્યાવહારિક જીવનમાં નખશિખ પાળી ન શકાય.’

દીપક મેહતા

જિદ્દી મહાત્મા
બાપુ જિદ્દી મહાત્મા હતા એવું બહુ જ સભાનતા પૂર્વક જણાવીને વિષ્ણુકુમાર પંડ્યા તેનું જસ્ટીફિકેશન આપતા કહે છે, ‘અસહકારની ચળવળ ૧૯૨૦માં શરૂ કરી એ સમયે ચોરીચોરા ગામમાં નાનકડું છમકલું થયું તો તેમણે જીદમાં એ પાછું ખેંચી લીધું. ભગત સિંહને ફાંસી અપાઈ ત્યારે લૉર્ડ ઇરવિનને તેઓ મળ્યા હતા. ઇરવિન-ગાંધી કરાર થયા હતા જેમાં જેલમાં હતા એ સ્વાતંત્ર્ય-સૈનિકોને છોડી દેવાનું નક્કી થયું, પરંતુ અહીં પણ પોતાને અહિંસાવાદી મનાવવા માટે અને દેશભક્તિ કરતાં પણ અહિંસા ઊંચી ચીજ છે એવું જતાવવા માટે ભગત સિંહ માટે ઇરવિન સાથે વાત ન કરી. એવી જ રીતે તેઓ સહિષ્ણુતાનો દેખાવ હોવા છતાં તેઓ પોતાના વિરોધીને કૉન્ગ્રેસમાં નહોતા ઇચ્છતા. દાખલા તરીકે હરિપુરા કૉન્ગ્રેસનું અધિવેશન થયું એમાં ચૂંટણી થઈ. એમાં સુભાષબાબુ ઊભા રહેલા. તે ન આવે એટલા માટે તેમણે પટ્ટાભિ સીતારામૈયાને ઊભા રાખ્યા, પણ એ પછીયે સુભાષબાબુ જીતી ગયા કૉન્ગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં. પટ્ટાભિ જીત્યા નહીં એટલે બાપુએ જાહેરામાં કહ્યું કે પટ્ટાભિનો પરાજય એ મારો પરાજય છે. છેલ્લે બાપુને કારણે કૉન્ગ્રેસના અન્ય નેતાઓએ યેનકેન પ્રકારેણ સુભાષબાબુ પર દબાણ કર્યું અને છેલ્લે તેમણે સામેથી રાજીનામું આપી દીધું. આને શું કહેશો તમે? તેમના બ્રહ્મચર્યના પ્રયોગો પણ તેમના કુંઠિત માનસને જ વ્યક્ત કરે છે જેનો ઠક્કરબાપાએ પ્રખર વિરોધ કરેલો. તેમની અહિંસાની લડતથી બ્રિટિશરોના પેટનું પાણી પણ નહોતું હલ્યું. ઈવન લૉર્ડ એટલીએ સ્પષ્ટ કહ્યું હતું કે અમે ગાંધીજીની ચળવળથી ડર્યા નથી, પણ સુભાષબાબુની આઝાદ હિન્દ સેનાએ જે ચળવળો કરી એને કારણે અમારું અહીં ટકવું મુશ્કેલ થયું છે. એથીયે મોટી વાત કહું કે બાપુનો એક પણ સત્યાગ્રહ આમરણાંત નહોતો. લીંબુનો રસ તેઓ ઉપવાસ દરમ્યાન લેતા જ હતા. એની સામે જેનું નામ પણ કદાચ તમે નહીં સાંભળ્યું હોય એવા ભગત સિંહ સાથેના સાથી ક્રાંતિકારી જતીન્દ્રનાથ દાસે જેલમાં પૉલિટિકલ કેદીઓ પર થતા અત્યાચારના વિરોધમાં ૬૫ દિવસના ઉપવાસ કર્યા હતા અને એ ઉપવાસમાં તે મૃત્યુ પામ્યા એ પછી સરકારે જેલમાં અમુક બદલાવો કરવા પડ્યા હતા જે ઇતિહાસ આપણા સુધી પહોંચ્યો નહીં. છેલ્લી વાત કહી દઉ, ૧૯૪૭માં આઝાદી સમયે બંગાળમાં રમખાણો ફાટ્યાં હતાં ત્યારે નોઆખલીમાં તેમણે એમ કહેવું પડેલું કે ‘મારી અંહિસા નિષ્ફળ ગઈ.’ અત્યારની સ્થિતિને કાવ્યાત્મક ઢબે કહેવી હોય તો કહી શકાય કે, ‘અમે બાપુતણા પગલે, બધા એવા છીએ ચાલ્યા, હવે બાપુતણા પગનું, પગેરું શોધવું પડશે.’

બાપુને કારણે આઝાદી લંબાઈ ગઈ?
‘દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ’ એવું ગાનારાઓએ ક્યાંક આઝાદી અપાવવામાં બાપુના કૉન્ટ્રિબ્યુશનને જરૂર કરતાં વધુ આંકી દીધું છે એમ જણાવીને ‘બોઝ ઍન્ડ બાપુ’ નામે પુસ્તક લખનારા રિટાયર્ડ મેજર જનરલ ગગનદીપ બક્ષી કહે છે, ‘ગાંધીજી એક મહાન સંત હતા એમાં કોઈ શંકા નહીં. તેમણે દેશ માટે કામ પણ ખૂબ કર્યું. માસ મોબિલાઇઝેશન માટે બાપુનો આભાર માનીએ એટલો ઓછો. જોકે તેમની અહિંસાની ચળવળને કારણે અંગ્રેજોએ ભારતને આઝાદી આપી એ વધુપડતું છે. ઇન ફૅક્ટ, તેમનાં કેટલાંક પગલાંને કારણે દેશમાં ઍગ્રેસિવલી આઝાદી માટેનું જે મોમેન્ટમ બની રહ્યું હતું એ શમી ગયું. ગાંધીજીના સુભાષચંદ્ર બોઝ સાથેના મતભેદો જગજાહેર છે, પણ આગળ જતાં તેમને નેતાજીની રીતમાં સત્ત્વ દેખાયું હતું અને એના જ બેઝીસ પર ૧૯૪૨માં ‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ શરૂ કરી હતી. ઇન ફૅક્ટ, ‘ફાધર ઑફ નેશન’ તરીકે નેતાજીએ જ તેમને પહેલી વાર ઉલ્લેખ્યા હતા. ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટને ડામી દેવા તમામ અગ્રણી કૉન્ગ્રેસી નેતાઓને જેલમાં પૂરી દેવાયા. બીજા વિશ્વયુદ્ધનો અંત થયો એટલે બ્રિટિશરાજે આઝાદ હિન્દ સેનાના ત્રણ અગ્રણી નેતાઓનો જાહેરમાં લાલ કિલ્લા પર કોર્ટમાર્શલ કરવાનો આદેશ આપ્યો. આ આદેશ આગની જેમ દેશના લોકોમાં ફેલાયો અને એનો ભયંકર વિરોધ થયો. દેશના લોકોમાં સુષુપ્ત થયેલી દેશદાઝ ફરી જાગી. એટલે સુધી કે બ્રિટિશરાજ માટે કામ કરતા તેમની સેનાના ૨૫ લાખ સૈનિકોએ બળવાનો સંકેત આપ્યો. બ્રિટિશ સેનામાં એ સમયે બ્રિટિશ મૂળના ચાલીસ હજાર સૈનિકો હતા અને બાકીના ૨૫ લાખ ભારતીય સૈનિકો હતા. આ બળવાના સંકેતથી અંગ્રેજો થરથર કાંપી ઊઠ્યા.  લંડનની લાઇબ્રેરીમાં ‘ટ્રાન્સફર ઑફ પાવર’નું એક ડૉક્યુમેન્ટ છે એ સિવાયના કેટલાક પત્રો છે જે અહીંના બ્રિટિશ જનરલે બ્રિટનના વડા પ્રધાનને લખ્યા છે. અહીં ટકવું અઘરું છે અને સેનાનો વિદ્રોહ થાય એ પહેલા સન્માનપૂર્વક અહીંથી નીકળી જવામાં સાર છે એવી સલાહ બ્રિટિશ જનરલે આપી છે અને એ પ્રૂફરૂપે મળશે તમને.’
આઝાદીની ચળવળમાં ખરેખર નિર્ણાયક ભૂમિકા સાથે કામ કરનારાઓને ચટાઈ તળે દબાવી દેવામાં આવ્યા છે. બહુ જ પદ્ધતિસર આપણા ઇતિહાસને દશકાઓથી ખોટી રીતે ભણાવવામાં આવી રહ્યો છે એમ જણાવીને તેઓ આગળ ઉમેરે છે, ‘એક વાત સમજી લો કે નૉન-વાયલન્સવાળી ચળવળ અંગ્રેજોની સહનશક્તિની હદમાં હતી. ભલે તેમણે આફ્રિકાની મેથડ અહીં અપનાવી હોય તો તમે આફ્રિકાનો ઇતિહાસ જુઓ તો ત્યાં ૧૯૯૦માં આઝાદી મળી. એ જ રીત આપણે ચલાવી હોત તો આપણી આઝાદી પણ સો ટકા લંબાઈ જ હોત અને વચ્ચે આ અહિંસા અને શાંતિપ્રિયતાને બદલે આક્રમકતાથી આગળ વધ્યા હોત તો કદાચ આઝાદી હજીયે વહેલી મળી હોત જે એક કટુસત્ય છે. અંગ્રેજો બાપુની ચળવળને પ્રોત્સાહન આપતા રહ્યા, કારણ કે અનાયાસ જ બાપુની પદ્ધતિએ દેશમાં શાંતિ બનાવી રાખવામાં અને અરાજકતાને મિનિમાઇઝ કરવામાં અંગ્રેજોની મદદ કરી હતી. હજીયે કહું છું કે એક સંત તરીકે કે મહાત્મા તરીકે ગાંધીજી ક્યાંય ઊતરતા નહોતા જ, પણ દેશની આઝાદી માત્ર અહિંસક સત્યાગ્રહોનું પરિણામ છે તો એ સદંતર જૂઠ છે. કદાચ તમને ખબર નહીં હોય પણ ૧૯૪૭માં આઝાદી પહેલાં આઝાદ હિન્દ સેનાના ૨૬ હજાર સૈનિકો શહીદ થઈ ગયા હતા જેમનું ઇતિહાસમાંથી નામોનિશાન મિટાવી દેવાના ભરપૂર પ્રયાસો થયા છે. ઍટ લીસ્ટ, હવે એવી આશા રાખું છું કે દસ્તાવેજો સાથે દેશનો સાચો ઇતિહાસ લોકો પાસે મૂકવામાં આવે.’

columnists ruchita shah gandhi jayanti deepak mehta