ઑનલાઇન પેમેન્ટની દુનિયામાં ક્રાન્તિકારી સાબિત થવાનું છે એક ગુજરાતીનું આ સ્ટાર્ટઅપ

05 December, 2022 03:19 PM IST  |  Mumbai | Ruchita Shah

તમારી ફૅશન ઍક્સેસરીમાં પહેરી શકાતું નાનકડી ચિપ જેવુ આ કાર્ડ આવનારા સમયમાં ઑનલાઇન પેમેન્ટમાં ગેમચેન્જર બનવાનું છે.

વિરાજ મજુમદાર

ન તમારે વૉલેટની જરૂર પડે કે ન ફોનની, પણ તમારા હાથમાં પહેરેલો બૅન્ડ કે ગળામાં પહેરેલા બ્લુટૂથથી જ તમે ખરીદેલા કોલ્ડ ડ્રિન્ક કે હોટેલનું બિલ તમે ચૂકવી શકતા હો તો કેવું? ‌તમારી ફૅશન ઍક્સેસરીમાં પહેરી શકાતું નાનકડી ચિપ જેવુ આ કાર્ડ આવનારા સમયમાં ઑનલાઇન પેમેન્ટમાં ગેમચેન્જર બનવાનું છે. અંધેરીના બિઝનેસમૅન વિરાજ મજુમદારને આનો આઇડિયા કેવી રીતે આવ્યો અને કઈ રીતે એનું સર્જન થયું એની રસપ્રદ વાતો જાણીએ 

બહુ જ વરસાદ પડી રહ્યો છે. તમારા એક હાથમાં છત્રી છે અને એક હાથથી તમે કપડાને સાચવીને ખાડાવાળા રસ્તામાંથી પસાર થઈ રહ્યા છો અને એવામાં તમારે કોઈક વસ્તુ લેવાની આવી. તમે એક જનરલ સ્ટોર પર ઊભા રહ્યા. સામાન લીધો. હવે એનું પેમેન્ટ કરવા માટે કાં તો બૅગમાંથી વૉલેટ કાઢવું પડશે અથવા ફોન કાઢવો પડશે. જોકે બન્નેમાં વરસાદનું પાણી ન જાય એનો ડર પણ રહેશે. હવે માની લો કે તમારા હાથમાં જ એક વૉટરપ્રૂફ બૅન્ડ છે જેને તમે એટીએમના કાર્ડ સ્વાઇપ માટે વપરાતા મશીન પર મૂક્યું અને તમારું પેમેન્ટ થઈ ગયું. માની લો કે તમે પહેરેલાં ગ્લવ્ઝને તમે એ મશીન પર મૂક્યાં અને પૈસા કપાઈ ગયા. માની લો કે તમે તમારા માથા પર લગાવેલી હેરબૅન્ડને મશીન પર મૂકી અને પૈસા કપાઈ ગયા. આ કોઈ કલ્પના જ નથી, આવી પ્રોડક્ટ્સ બની રહી છે. હાથમાં પહેરવાનો વૉટરપ્રૂફ બૅન્ડ તો માર્કેટમાં લૉન્ચ પણ થઈ ગયો છે અને એને બનાવવાનું શ્રેય જાય છે એક ગુજરાતી બિઝનેસમૅનને. વિશ્વમાં પહેલી વાર વેઅરેબલ પેમેન્ટ ઍક્સેસરી વિરાજ મજુમદારે બનાવી છે, જે સાઇબર ક્રાઇમથી તો તમને પ્રોટેક્ટ કરશે જ પણ તમારી સગવડનો પણ પૂરો ખ્યાલ રાખશે. શું છે આ પ્રોડક્ટ અને કઈ રીતે થયું એનું સર્જન એની રોચક યાત્રા જાણીએ. 

જર્નીની શરૂઆત

અંધેરી વેસ્ટમાં જ જન્મ અને ઉછેર કરનારા વિરાજભાઈએ પોતાની કરીઅરની શરૂઆત એક ન્યુઝપેપરમાં માર્કેટિંગ અને ઍડ્વર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ તરીકે કરી છે. પોતાની જર્નીના શરૂઆતના દિવસોની ટૂંકમાં વાત કરતાં તેઓ કહે છે, ‘બહુ જ અગ્રણી પેપર અને ૧૫૦ વર્ષનું એ વર્ષમાં સેલિબ્રેશન થઈ રહ્યું હતું અને ઘણી નવી માર્કેટિંગ અને બિઝનેસ સ્ટ્રૅટેજીઓ ત્યાં બનાવી અને ઇમ્પ્લીમેન્ટ કરી. હું કહીશ કે મારા જીવનનાં એ સાત વર્ષમાં ખાતાં, બેસતાં, ઊઠતાં, સૂતાં માત્ર એ ગ્રુપને આગળ કેમ લઈ જવું અને બિઝનેસ કેમ લાવવો એ જ હું વિચારી રહ્યો હતો. એ અનુભવે મને ઇનોવેશન, ટીમ બિલ્ડિંગ, બિગ થિન્કિંગ, સેન્સ ઑફ પ્રાઇડ જેવી બાબતો બહુ જ સારી રીતે શીખવી. તમે જે કરો છો એના માટે ગૌરવ હોય તો વધુ સારી રીતે તમે એ કામ કરી શકતા હો છો. એ પછી બીજા એક ન્યુઝપેપર ગ્રુપ સાથે જોડાઈને ગુજરાતમાં એમની પ્રોડક્ટ લૉન્ચ કરી અને એમાં પણ જબરી સફળતા મળી. અમદાવાદ, બરોડા, રાજકોટમાં એ ન્યુઝપેપરનું સર્ક્યુલેશન તોતિંગ કરી નાખ્યું હતું. એ ગાળામાં એમ. એસ. યુનિવિર્સિટીમાં લેક્ચર આપવા જતો. ઘણા ગુજરાતના ટૉપ ઑફિસરો સાથે ઊઠવા-બેસવાનું હતું, પણ ત્યાંય પછી કંઈ શીખવા નથી મળી રહ્યું એવું લાગતાં પાછો મુંબઈ આવ્યો. ફૅમિલી પણ મુંબઈમાં હતું. એ દરમ્યાન દેશની પહેલી મરાઠી ચૅનલ લૉન્ચ કરી. એક વાર અમસ્તામાં ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે ગીત ગાઈ રહેલા એક બૅગરને મળ્યો. તેને જોઈને થયું કે ટ્રેનમાં જ સૅટેલાઇટ રેડિયો સાંભળવા મળે તો. રેલવેને આ પ્રોજેક્ટમાં રસ પડ્યો. પહેલી વાર અમે ‘રેલ રેડિયો’ની શરૂઆત કરી, જેને આગળ જતાં સહારા ગ્રુપે ખરીદી લીધેલો. છેલ્લે પોતાની ઍડ એજન્સી બનાવીને ઇનોવેટિવ વે પર ઍડ કૅમ્પેન્સ પર કામ કર્યું એ દરમ્યાન એક અનોખું કામ થયું, જેને હું મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ કહી શકું.’

આ ટર્નિંગ પૉઇન્ટ એટલે પેમેન્ટની દુનિયામાં પગરણ. પણ એની શરૂઆત લોકસેવાથી થયેલી અને એમાં જ વિરાજભાઈએ ૨૦૦૬માં ‘બિલ બૉક્સ’ નામની કંપની શરૂ કરેલી. તેઓ કહે છે, ‘બન્યું એવું કે એક બિલનું પેમેન્ટ કરવાનું હતું અને એનો ચેક મારે બૅન્કમાં ભરવાનો હતો પણ મને સમય મળતો નહોતો અને કામ લંબાઈ જતું હતું. ચેક આપવા જવામાં જે મગજમારી મેં સહન કરી એના પરથી થયું કે મારી નજીક જ એવું કોઈ ડ્રૉપ બૉક્સ હોય જેમાં ચેક નાખી દઉં અને બૅન્કને મળી જાય તો કેવું સારું. બસ, આઇડિયા ક્લિક થઈ ગયો. સૌથી પહેલાં આવાં બિલ પેમેન્ટનાં બૉક્સ અમે રેલવે-સ્ટેશન પર અને પછી સોસાયટીઓમાં મૂક્યાં. બિલ નાખવાનું બૉક્સ હતું એટલે એનું નામ બિલ બૉક્સ પાડ્યું. બધાં જ રેલવે-સ્ટેશન પર આ બૉક્સ લગભગ પંદર વર્ષ રહ્યાં. લોકોની ખૂબ દુઆ પણ મળી. આજે પણ ૫૦૦ સોસાયટીમાં આવાં બિલ બૉક્સ છે. હવે રેલવે-સ્ટેશનો પર ઑનલાઇન પેમેન્ટના વ્યાપને કારણે જરૂર નથી રહી. જોકે પછી તો એમાંને એમાં બિલ બૉક્સ ભારતમાં પેમેન્ટ અને મર્ચન્ટ ઈકો-સિસ્ટમ સાથે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન આપતી કંપની તરીકે ઊભરી. ઘણી બૅન્ક અને સરકારી સંસ્થાઓ સાથે પેમેન્ટ કલેક્શન પાર્ટનર તરીકે જોડાઈ ગયા છીએ.’

કોવિડની કૃપા

‘ટૅપ ટૅપ’નો વિચાર વિરાજભાઈને આવ્યો એના માટે કોવિડ જવાબદાર છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘લૉકડાઉનમાં એક વાર મારા મિત્ર ગાડીમાં વૉલેટ ભૂલી ગયા અને મેડિકલમાં પહોંચ્યા ત્યારે યાદ આવ્યું. મારી સાથે પણ આવું ઘણી વાર થયું હોય કે વૉલેટ ભૂલી જવાય કે પછી ફોન સાથે ન રાખવો હોય તો પણ પેમેન્ટનું વિચારીને રાખવો પડે. એ દરમ્યાન થયું કે એવું કંઈક હોય જેને તમે ભૂલો જ નહીં અને એનાથી પેમેન્ટ પણ થાય. એમાં આ વેરેબલ પેમેન્ટ ઍક્સેસરીનો વિચાર આવ્યો. મિત્રો સાથે વાતો કરી. આવી ટેક્નૉલૉજી અમેરિકામાં છે. વધુ અભ્યાસ કર્યો, ભારતમાં એને કેમ ઍક્સેસેબલ કરવી એના પર સંશોધન શરૂ કર્યું. લગભગ ત્રણેક વર્ષનાં ગહન રિસર્ચ, ટ્રાયલ ઍન્ડ એરર પરથી કેટલીક પ્રોડક્ટ‌ ડિઝાઇન કરી. વિઝા કંપનીને આ વિશે કન્વિન્સ કરવામાં અને એનાં સર્ટિફિકેશન અને અપ્રૂવલ લેવામાં પણ ઘણા પડકારો આવ્યા. પણ અમે એક પછી અેક પડકારો દૂર કરતા ગયા. અત્યારે જે સિલિકૉન બૅન્ડ માર્કેટમાં છે એના પચીસથી વધુ સૅમ્પલ બન્યા પછી ફાઇનલ પ્રોડક્ટ સુધી પહોંચ્યા. વિઝા અને એનએસડીએલ પેમેન્ટ્સ બૅન્કે આમાં પાર્ટનરશિપ કરી હોવાથી હવે આ દિશામાં સ્કાય ઇઝ ધ લિમિટ જેવી સ્થિતિ છે. લોકોના જીવનમાં ડેફિનેટલી આ એક ક્રાન્તિકારી પ્રોડક્ટ સાબિત થવાની છે.’

શું કામ ખાસ છે આ પ્રોડક્ટ?

સિલિકૉન મટીરિયલમાંથી બનેલા સફેદ, કાળા અને બ્લુ કલરના બૅન્ડ, સ્ટ્રૅપ અને ઘડિયાળમાં પહેરી શકાય એવાં સિલિકૉન લૂપ માર્કેટમાં લૉન્ચ થઈ ગયાં છે. વિરાજભાઈ કહે છે, ‘અત્યારે અમે રિંગ, ઍક્સેસ કાર્ડ, ઍરપૉડ કવર, કફલિન્ક્સ, ગ્લવ્ઝ, જૅકેટ્સ, ચશ્માં, મોબાઇલ કવર, બ્રેસલેટ્સ, ચશ્માં, બ્લુટૂથ જેવી પ્રોડક્ટ્સમાં પણ આ પેમેન્ટ કાર્ડ જોડી શકાય એના પર કામ કરી રહ્યા છીએ. આ પેમેન્ટ પ્લસ ફૅશન ઍક્સેસરી અત્યારે માત્ર સિલિકૉનમાં આ પ્રોડક્ટ અવેલેબલ છે, પરંતુ આવનારા સમયમાં તમને લેધર, ગ્લાસ, આર્ટિફિશ્યલ અને સિલ્વર-ગોલ્ડની જ્વેલરીથી પણ પેમેન્ટ કરી શકો એવી પ્રોડક્ટ્સ બની રહી છે. ફોન, ક્યુઆર કોડ, વૉલેટ, એટીએમ કાર્ડ જેવી એકેય વસ્તુની જરૂર નથી હવે પેમેન્ટ માટે. માત્ર એને પહેરો, ટૅપ કરો અને તમારું પેમેન્ટ થઈ ગયું. વૉટરપ્રૂફ છે એટલે દરિયામાં પહેરીને સ્વિમિંગ કરી શકો, ચાર્જિંગની જરૂર નથી, સ્કિન-ફ્રેન્ડ્લી છે’. 

વિરાજ મજુમદારનો આજની યુવા પેઢી માટે મેસેજ

 જીવનમાં શૉર્ટકટ નહીં ચાલે. પોતાની જાત પર ભરોસો કરો.

 ફૅમિલી મેમ્બર્સ પર પહેલાં ટ્રસ્ટ કરો, એ પછી મિત્રો આવે. 

 સેવ, ઇન્વેસ્ટ અને સ્પેન્ડ - આ ત્રણ ફૅક્ટર તમારી ઇન્કમમાં ઍડ થવા જોઈએ. 

 મોંઘું છે એ બધી જ સારું છે એવા ભ્રમમાં ન રહો. 

 આપણા દેશની વૅલ્યુ સિસ્ટમ અને સંસ્કારોથી દૂર ન જાઓ. 

માય લકી ચાર્મ 

વિરાજ મજુમદારનાં પત્ની સ્નેહા આ કંપનીમાં પાર્ટનર છે અને ક્રીએટિવ પાર્ટ તેઓ જુએ છે. વિરાજભાઈ કહે છે, ‘પ્રોડક્ટની ડિઝાઇનથી લઈને એના મૅન્યુફૅક્ચરિંગ અને લાઇસન્સને લગતી પણ ઘણી જવાબદારીઓ સ્નેહાએ જ ઉપાડી લીધી છે. બિઝનેસ પાર્ટનર અને લાઇફ-પાર્ટનર સિવાય તે મારો લકી ચાર્મ છે. તેના સપોર્ટ વિના આ પ્રોડક્ટ ડેવલપ કરવાનું શક્ય જ નહોતું મારા માટે.’

યસ, હું પેઇનકિલર છું!

મારા કેટલાક મિત્રો મને પેઇનકિલર કહે છે એમ જણાવીને વિરાજ મજુમદાર કહે છે, ‘હા, મને લોકોનું પેઇન દેખાય એટલે એને દૂર કરવામાં મારા સ્તર પર હું શું ઇનોવેશન કરી શકું એ જ વિચારતો હોઉં છું. નહીં આવડે તો શીખી લઈશ અને નહીં શીખાય તો જેને આવડે છે એવા લોકોને હાયર કરીને પણ લોકોના પ્રૉબ્લેમનું સોલ્યુશન તો શોધીશ જ. આ જ સીક્રેટ છે મારી સક્સેસનું.’

columnists ruchita shah