ડાઉન હોવા છતાં આઉટ ન થઈ અને બની ગઈ અવ્વલ

16 April, 2024 11:53 AM IST  |  Mumbai | Rupali Shah

બે વર્ષની ઉંમરે ગ્રિષ્માને પ્લેસ્કૂલમાં મૂકી ત્યારે તેને સ્પેશ્યલ ચૅર પર બેસાડી બેલ્ટથી બાંધવી પડતી, કારણ કે તેનું બૅલૅન્સ ન રહેતાં તે પડી જતી હતી.

ગ્રીષ્મા દવે

સેરિબ્રલ પૉલ્ઝી અને લર્નિંગ ડિસેબિલિટી હોવા છતાં મજબૂત મનોબળ અને મહેનતથી ગ્રિષ્મા દવે આજે એ મુકામ પર પહોંચી છે કે તે ૪૫ સ્પેશ્યલ બાળકોને ભણાવે છે. પોતાની અક્ષમતાઓને કારણે ઘણી વાર અપમાનિત થવા છતાં ગ્રિષ્માએ હાર માન્યા વગર આપબળે BComની ડિગ્રી મેળવી; બૅન્કની બે એક્ઝામ આપી; શૅડો ટીચર, કાઉન્સેલર, સ્પેશ્યલ એજ્યુકેટરનો કોર્સ કર્યો; પપ્પાની મદદથી બેથી ૧૦ વર્ષનાં બાળકો માટે છ બુકમાં વહેંચાયેલો સાત મહિનાનો ફૉનિક્સનો કોર્સ ડિઝાઇન કર્યો અને હવે ઑક્યુપેશનલ થેરપિસ્ટ પણ બની ગઈ છે. ગ્રિષ્માની પ્રેરક દાસ્તાન વાંચીને કોઈ પણ બોલી ઊઠશે કે તમે કંઈક કરવાનું-બનવાનું મન મનાવી લો તો નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ

કાંદિવલીના ચારકોપમાં જુનિયર KGથી BCom સુધીના રાજવિદ્યા ટ્યુટોરિયલ્સ ચાલે છે. બેથી ૧૦ વર્ષનાં બાળકો માટે જૉલી ફૉનિક્સ નામનો ફૉનિક્સ કોર્સ પણ ચાલે છે અને ૧૦૦થી વધુ ઇન્ટેલિજન્સ ગેમ્સ ધરાવતી પ્લે-લાઇબ્રેરી પણ છે. આ બધું સંભાળતી ૨૬ વર્ષની ગ્રિષ્મા દવે કોઈ બાળકની મિત્ર છે, કોઈની ક્યુટ માનીતી ટીચર છે તો કોઈ માટે ભગવાન છે. ગ્રિષ્મા પોતે સેરિબ્રલ પૉલ્ઝી અને લર્નિંગ ડિસેબિલિટીનો શિકાર હોવા છતાં સાહસ અને પૉઝિટિવિટી સાથે પરિસ્થિતિને માત આપીને આ મુકામ પર પહોંચી છે. કોરોનાકાળના લૉકડાઉન દરમ્યાન હાઇપરસેન્સિટિવ, મોબાઇલ કે ટીવીનાં ઍડિક્ટ, એકાગ્રતા ન કેળવી શકતાં, અગ્રેસિવ કે ઓછું બોલતાં બાળકો માટે ગ્રિષ્માએ ટ્યુશન શરૂ કર્યાં હતાં. શરૂઆતમાં એક જ સ્ટુડન્ટ ગ્રિષ્મા પાસે આવતો હતો અને આજે ઑટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી, હાઇપરઍક્ટિવનેસ, સેરિબ્રલ પૉલ્ઝી, ડાઉન્સ સિન્ડ્રૉમ ધરાવતા ૪૫ સ્ટુડન્ટ્સ છે. અત્યારે ગ્રિષ્મા પાસે જુનિયર KGથી દસમા ધોરણ સુધીનાં આવાં બાળકો છે. ગ્રિષ્મા ‘મિડ-ડે’ને કહે છે, ‘ટ્યુશન તો હું લઉં જ છું, પણ ઍકૅડેમિક્સ પૂરતી જ બાળકોની ટીચર નથી; તેમનાં કાઉન્સેલિંગ સહિત રેગ્યુલર માઇલસ્ટોન અને ડેવલપમેન્ટ પર પણ હું કામ કરું છું.’ 

ગ્રિષ્માને ત્યાં એક છોકરો આવતો ત્યારે એ બિલકુલ બોલતો નહોતો, પણ વર્ષની અંદર અત્યારે એ છોકરો વાતો સમજતો થઈ ગયો છે અને આખાં વાક્યો બોલવાના પ્રયત્ન પણ કરે છે. બીજા એક કેસ વિશે વાત કરતાં ગ્રિષ્મા કહે છે, ‘લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા એક છોકરાને ઍકૅડેમિક્સમાં પંચાવનથી વધુ ટકા આવ્યા જ નહોતા. તે દસમા ધોરણમાં મારી પાસે આવ્યો અને હું જેમ કહેતી એમ ભણતો ગયો. બારમામાં તેને ૯૧ ટકા આવ્યા.’ 

જિંદગી જ્યારે કસોટી કરે છે

ગ્રિષ્મા સાતમે મહિને જન્મી છે. ટ્વિન્સ બાળકોમાંની ગ્રિષ્મા બચી ગઈ. લગભગ દોઢેક મહિનો ઇન્ક્યુબેટરમાં રાખવી પડી હતી. ઘરે આવતાંની સાથે જ કમળો થવાને કારણે બ્લડ-ટ્રાન્ફ્યુઝન કરવું પડ્યું. બધું ધીમે-ધીમે થાળે પડવા લાગ્યું, પણ પેટમાં હતી ત્યારે ઑક્સિજન ઓછો મળવાને કારણે અને અધૂરા મહિને જનમવાને લીધે ગ્રિષ્માનો ગ્રોથ ખૂબ ઓછો હતો. દોઢેક વર્ષની ગ્રિષ્મા પડખું પણ નહોતી ફરી શકતી એટલે મમ્મી ઈલાબહેન અને પપ્પા મયૂરભાઈએ ડૉક્ટરને બતાવ્યું અને એમાં જણાયું કે તેનો કમરથી નીચેનો ભાગ સેરિબ્રલ પૉલ્ઝીનો ભોગ બનેલો છે એટલે તે ચાલી નહીં શકે. અને એ જ દિવસથી ગ્રિષ્માની જિંદગીની દોડમાં ચાલવા માટેની કવાયત શરૂ થઈ. ગ્રિષ્મા કહે છે, ‘દોઢ વર્ષની હતી ત્યારથી તે હું ૧૪ વર્ષની થઈ ત્યાં સુધી ફિઝિયોથેરપી સેન્ટરમાં જવાનું મારું રૂટીન રહ્યું હતું.’ 

બે વર્ષની ઉંમરે ગ્રિષ્માને પ્લેસ્કૂલમાં મૂકી ત્યારે તેને સ્પેશ્યલ ચૅર પર બેસાડી બેલ્ટથી બાંધવી પડતી, કારણ કે તેનું બૅલૅન્સ ન રહેતાં તે પડી જતી હતી. ગ્રિષ્મા પોતાના પગ પર ઊભી રહી શકે એ માટેના મમ્મી-પપ્પાના અથાગ પ્રયત્નો ચાલુ જ હતા અને ચોથા ધોરણમાં જાણ થઈ કે ગ્રિષ્મા સ્લો લર્નર છે એટલે ફિઝિયોથેરપીની સાથે તેની ઑક્યુપેશનલ અને રેમેડિયલ થેરપી પણ શરૂ કરવામાં આવી.  ગ્રિષ્માની આ આખી સફરની સાક્ષી તેનાથી પાંચ વર્ષ મોટી બહેન અષ્મિ દવે-દત્તા પણ રહી છે. નાની બહેનની પરિસ્થિતિને પચાવીને અષ્મિએ નાનપણથી આજ સુધી ખરા અર્થમાં સમજદાર મોટી બહેનનો રોલ અદા કર્યો છે. ગ્રિષ્માની ફિઝિયોથેરપી અને ઘરમાં થતી એની વાતોને લીધે એ વિષયમાં રસ પડતાં તેણે ફિઝિયોથેરપીની ડિગ્રી મેળવ્યા બાદ સ્પોર્ટ્સ
ફિઝિયોથેરપીમાં માસ્ટર્સ કર્યું છે.

મમ્મી-પપ્પા ઈલાબહેન અને મયૂરભાઈ તથા બહેન અષ્મિ સાથે ગ્રિષ્મા.

અપમાનના અનુભવો

તમે કોઈ કારણસર બીજાથી નબળા હો ત્યારે હાથ પકડવાને બદલે તમને પાટુ મારનારા લોકો વધુ મળે છે. મયૂરભાઈ ગળગળા અવાજે કહે છે, ‘નાનપણમાં એક વાર સ્કૂલમાં ગ્રિષ્માને બાથરૂમ જવામાં કોઈએ મદદ નહોતી કરી. એ વખતે તે એકલી ઘૂંટણિયે ચાલીને બાથરૂમ સુધી પહોંચી હતી. બાથરૂમ ગંદું હતું, છતાં વિકલ્પ નહોતો. તેનાં કપડાં, હાથ બધું જ ગંદું થયું હતું. એક વાર ગ્રિષ્માથી સ્કૂલમાં ગ્રુપ-સિન્ગિંગના પ્રોગ્રામમાં ગાવામાં ભૂલ થઈ ગઈ ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે તેની પગની આવી પરિસ્થિતિ હોવા છતાં ટાઇ પકડીને તેને જમીન પર પછાડી હતી. ચૉકલેટ આપતી વખતે ટીચર એમ કહે કે તને અડીશ તો હું તારા જેવી થઈ જઈશ, સ્કૂલમાં કોઈ તેની બાજુમાં ન બેસે, તેની બૅગ ફેંકી દે, સૅન્ડલ ઊંચકીને ઘા કરી દે એવાં તો અનેક અપમાન સ્કૂલકાળ દરમ્યાન ગ્રિષ્માએ અનુભવ્યાં છે. એ બધા કડવા ઘૂંટડા અમે પણ પીધા છે. ક્યારેક પાડોશી પણ ગ્રિષ્મા સાથે પોતાનાં બાળકોને રમવા દેવાથી કતરાતા. નજીકની વ્યક્તિઓ, અમુક ટીચર અને કેટલીક વાર બીજાં બાળકોના પેરન્ટ્સ પણ આંખ આડા કાન કરી તમને સહકાર આપવાને બદલે તમારું અને તમારા બાળકનું અપમાન કરે ત્યારે એ અસહ્ય બને છે.’

પરિસ્થિતિ થોડીક સુધરી

ક્રચિસની મદદ ઉપરાંત પણ ગ્રિષ્માને કોઈનો સપોર્ટ જોઈતો. ગ્રિષ્મા લખતી પણ નહોતી. એને લીધે રાતે ૯ પછી ઈલાબહેન અને મયૂરભાઈ તેની કોઈ ફ્રેન્ડના ઘરે જઈ બુક લાવી લેસન પૂરું કરતાં અને એ સ્ટુડન્ટની બુક પાછી આપતાં. ચોથા ધોરણમાં ગ્રિષ્માના એક પગનું અને ત્યાર પછી સાતમા ધોરણમાં બીજા પગનું ઑપરેશન થયું. પગના અંગૂઠા આગળની બહાર નીકળેલી હાડકી સીધી કરવા માટેનું ઑપરેશન થયું. પગમાં ફુલ પ્લાસ્ટર અને વચ્ચે સ્કેલ હોવાથી આશરે છ મહિના ગ્રિષ્મા ટોટલી બેડ પર હતી. હાડકાં તેમ જ મસલ રિલીઝ માટેનાં આ બે ઑપરેશન પછી ગ્રિષ્માની ઊભા રહેવાની અને ચાલવાની થોડી શક્તિ વધી. પ્રાઇમરી પછી સેકન્ડરી સ્કૂલમાં ગ્રિષ્માને સારોએવો સપોર્ટ મળ્યો. ગ્રિષ્મા કહે છે, ‘આ દરમ્યાન મને આયુષી નામની સારી ફ્રેન્ડ પણ મળી. મમ્મીની કોશિશ રહે કે હું વધુ ને વધુ મારી ઉંમરનાં બાળકો સાથે રહું. એ માટે અમારા ઘરમાં ખાસ એક રૂમ ફાળવેલી જેમાં બેસીને હું બધા સાથે રમું-ભણું. એક ટીચર ઘરે આવતા અને દસ-બાર બાળકોને ભણાવતા.’ 

ગ્રિષ્માનો પેરન્ટ્સને સંદેશ
તમે બાળકના માર્ક પાછળ ન ભાગો. તેઓ ઍકૅડેમિક્સમાં જે કંઈ સ્કોર મેળવે છે એમાં સંતોષ માનો અને તેમને પ્રોત્સાહિત કરતા રહો. તેમને ડાન્સ, સિન્ગિંગ, આર્ટના વિષયમાં સહકારની જરૂર હોય તો એ આપો. આને લીધે તમારા બાળકનો સર્વાંગી વિકાસ પણ થશે અને તેના રસનો વિષય જાણી શકાશે, જેથી ભવિષ્યમાં તેની કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે.

જાતે જ ભણવાનો નિર્ણય

આઠમા ધોરણ પછી ગ્રિષ્માની ભણવાની રિધમ પકડાઈ એમ જણાવતાં મયૂરભાઈ કહે છે, ‘નવમા ધોરણના ટીચરે ખૂબ સપોર્ટ કર્યો. દસમામાં ૩૫ ટકા લાવે તો બસ એવું હતું એને બદલે ગ્રિષ્માને ૭૦ ટકા આવ્યા. અગિયારમા ધોરણમાં કોચિંગ ક્લાસમાં આખા વર્ષની ફી ભરી હોવા છતાં સાત જ દિવસમાં થયેલા કડવા અનુભવોને લીધે ગ્રિષ્માએ મક્કમતાથી જાતે જ ભણવાનું નક્કી કર્યું. રાતે બે વાગ્યા સુધી તો તે ભણે જ, પછી અમને લાગે કે ગ્રિષ્મા ફ્રેશ થવા મ્યુઝિક સાંભળે છે પણ તે તો પોતાની રૂમમાં જઈને મોબાઇલમાં ટેપ કરી રાખેલા સવાલ-જવાબ સાંભળતી. બારમામાં પણ જાતે ભણીને ગ્રિષ્મા ૭૦ ટકા લાવી.’ ગ્રિષ્માનું મનોબળ પણ મક્કમ. તે બહાર જાય ત્યારે તેને કોઈ તકલીફ ન પડે એટલે પપ્પા રિક્ષાના પૈસા આપે, પણ જો શક્ય હોય તો તે બસમાં જ ટ્રાવેલ કરે અને પૈસા બચાવે. ગ્રિષ્મા કહે છે, ‘મારો આત્મવિશ્વાસ પણ વધે અને પૈસાની પણ બચત થાય.’ 

અને ગ્રિષ્મા બની ગઈ ટીચર
BComની ડિગ્રી ગ્રિષ્માએ આપબળે જ લીધી. જોકે ડિગ્રીના લાસ્ટ યરમાં એક અનોખો કિસ્સો થયો. જાતમહેનત સાથે ભણતી ગ્રિષ્મા પાસે તેની એક મિત્ર ભણવા આવતી. તેને ગ્રિષ્માનું ભણાવેલું ખૂબ સરસ રીતે અને તરત સમજાઈ જતું. એ બહેનપણીને ફિફ્થ સેમેસ્ટરમાં સારા માર્ક્સ આવ્યા. તેણે પોતાનો આ અનુભવ ફ્રેન્ડસર્કલમાં શૅર કર્યો અને એક દિવસ બધાએ ગ્રિષ્માને અમુક વિષય ભણાવવાની રિક્વેસ્ટ કરી. ગ્રિષ્મા કહે છે, ‘એ દિવસે અમારી કૉલેજની કૅન્ટીનમાં આખું ટોળું મારી ફરતે અને વચ્ચે બેસીને હું ભણાવતી હતી. કૅન્ટીનમાં અમારો ક્લાસ ચાલતો હતો. આ દૃશ્ય CCTV કૅમેરામાં પકડાયું અને પ્રિન્સિપાલે મને બોલાવી. વાત જાણતાં તેમણે મને બિરદાવી પણ ખરી.’

ડિગ્રી બાદ ગ્રિષ્માએ બૅન્કની બે એક્ઝામ આપી. એટલામાં લૉકડાઉન આવ્યું. એ દરમ્યાન ગ્રિષ્માને પોતે જ્યાં ભણેલી એ જ સ્કૂલમાં સ્પેશ્યલ એજ્યુકેટર અને કાઉન્સેલર તરીકેની જૉબ મળી. એ વખતે સવારે તે સ્કૂલમાં જતી અને સાંજે ઘરે ટ્યુશન લેતી, પણ સ્કૂલમાં શારીરિક અને માનસિક રીતે અક્ષમ બાળકો અને તેમના પેરન્ટ્સની સામે થતા પૉલિટિક્સને લીધે તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું.  ગ્રિષ્મા બેસી રહે એવી તો ક્યારેય હતી જ નહીં. ગ્રૅજ્યુએશન પછી તેણે શૅડો ટીચરનો કોર્સ કર્યો. શૅડો ટીચર શારીરિક કે માનસિક રીતે અક્ષમ બાળકોનું ઍકૅડેમિક્સ સંભાળતા હોય છે. ત્યાર બાદ તેણે કાઉન્સેલર તેમ જ સ્પેશ્યલ એજ્યુકેટરનો કોર્સ કર્યો. આ કોર્સમાં સ્પેશ્યલ બાળકોને કેવી રીતે ઍકૅડેમિક્સ કરાવવું તેમ જ તેમની રોજબરોજની પ્રવૃત્તિઓમાં કેવી રીતે મદદરૂપ થવું જેવી પડકારરૂપ બાબતો સાથે તેમને મોલ્ડ કરવાનાં રહે છે.

ટ્યુશન શરૂ કરવાનો વિચાર
કૉલેજમાં બધાને સરસ ભણાવતી ગ્રિષ્માને થયું કે હું સારી રીતે ભણાવી શકું છું તો ઘરે ટ્યુશન શરૂ કરું તો? પણ ગ્રિષ્માને ક્વૉલિટી કામ કરવું હતું અને શારીરિક-માનસિક અક્ષમ બાળકો માટે કંઈ કરી છૂટવાનો ઇરાદો પણ પાકો હતો અને એમાંથી જ તેના પપ્પાને સ્ફૂર્યો એક નવો કન્સેપ્ટ. અને શરૂ થઈ ટ્યુશનની જર્ની. એકમાંથી ૪૫ બાળકો થતાં વાર ન લાગી.
ગ્રિષ્માએ તેના પપ્પાની મદદથી બેથી ૧૦ વર્ષનાં બાળકો માટે છ બુકમાં વહેંચાયેલો અને સાત મહિનાનો ફૉનિક્સનો આખો કોર્સ પોતે ડિઝાઇન કર્યો છે. હવે તે ઑક્યુપેશનલ થેરપિસ્ટ પણ બની ગઈ છે. મમ્મી-પપ્પા અને ગ્રિષ્માનું ટીમ-વર્ક જબરદસ્ત છે. ગ્રિષ્માના જીવનને સતત નજીકથી જોનારાં અને જીવનારાં તેનાં 

મમ્મી ઈલાબહેન અડધાં ટીચર અને બાળકોની માનસિક પરિસ્થિતિ સમજનારાં બની ગયાં છે એટલે તેઓ પણ ગ્રિષ્માનાં ટ્યુશનનાં બાળકો માટે સતત ગ્રિષ્માના પડખે ઊભાં રહે છે. મયૂરભાઈ ગ્રિષ્માને ફૉનિક્સના કોર્સ માટે મદદ કરવાની હોય કે બાળકો માટે રામમંદિર નિર્માણ દિનનો કોઈ મસ્તીભર્યો પ્રોગ્રામ ઘડવાનો હોય, એ ટુ ઝેડ બાબતમાં તેની સાથે ને સાથે જ હોય. મયૂરભાઈ કહે છે, ‘અત્યારે સામાન્ય બાળકોને પણ ઘરમાં ઘણી વાર હેલ્ધી વાતાવરણ નથી મળતું. મોબાઇલ અને ટીવીને કારણે ઘણો દાટ વળ્યો છે, પણ તમારામાં ધીરજ હશે તો અહીં ચોક્કસ તમારા બાળકનો વિકાસ થશે.’ બાળકો મોબાઇલ અને ટીવી-ઍડિક્ટ ન થાય એ માટે આ ટીમે રવિવારે સવારે ૧૧થી બપોરે ૧ દરમ્યાન કોઈ પણ બાળક આવીને રમી શકે એ માટે પ્લે-લાઇબ્રેરી પણ શરૂ કરી છે. તેમની પાસે એજ્યુકેશનલ, ક્રીએટિવ, સાયન્સ અને મગજને લગતી આશરે દોઢસો જેટલી ગેમ્સ છે.

columnists life and style gujarati community news