ઘર-ઘરના કાનુડા મળે તો કેવી કિટી થાય?

09 August, 2022 05:08 PM IST  |  Mumbai | Rupali Shah

હિંડોળે ઝૂલતા કાનુડાે યશોદા મૈયા વિશે ગૉસિપ કરે ત્યારે ભક્તિના રંગે પણ સાથે રંગાવાની મજા છે. કાંદિવલીની બહેનપણીઓએ પોતપોતાના કાન્હાને ભેગા કરીને કરેલી પાર્ટીમાં શું થયું એ જાણવા જેવું છે

ઘર-ઘરના કાનુડા મળે તો કેવી કિટી થાય?

કાંદિવલી વેસ્ટમાં રહેતાં રૂપા સેદાણી અને શ્વેતા સેદાણીના ઘરે તાજેતરમાં કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કિટી પાર્ટીઓ આજે કૉમન છે, એમાં અવનવું શું? જોકે સાસુ-વહુની આ જોડીએ લેડીઝલોગની નહીં, પણ કાનુડાની કિટી પાર્ટી યોજી હતી! લાલાની કિટી પાર્ટી? એમાં શું ખાસ હોય? રૂપા સેદાણી કહે છે, ‘એકલા ખવાતું નથી અને એકલા જિવાતું નથી એમ એકલા ભક્તિ કરવાને બદલે અમે બધી બહેનપણીઓ સાથે મળીને ભક્તિ કરીએ, આનંદ લૂંટીએ, લૂંટાવીએ અને એ નિમિત્તે અમારા લાલા પણ એકબીજાના હેવાયા થાય. સાથે રમે, સાથે જમે અને સાથે મજા કરે એવા વિચારે અમે લાલનની કિટી પાર્ટી કરી. અમારા ઘરના ૩ અને બીજા ૧૦ એમ કુલ મળીને ૧૩ કાન્હા અમારે ત્યાં વિવિધ હિંડોળામાં ઝૂલ્યા.’ 

ચાતુર્માસ અને શ્રાવણ મહિનો તહેવારોની વણઝાર લઈને આવે છે. વૈષ્ણવ પરિવારોમાં ભાવ-ભાવનાનું વિશેષ મહત્ત્વ છે. હિંડોળા ઉત્સવ એટલે હરિને હેતથી ઝુલાવવાનું પર્વ. અષાઢ વદ બીજથી હિંડોળા મહોત્સવ ઊજવવામાં આવે છે. પુષ્ટિમાર્ગમાં વલ્લભકુળનાં બાળકો ઠાકોરજીને ઝુલાવે છે અને સ્વામિનારાયણ સંપ્રદાય, જગન્નાથ મંદિર તથા અન્ય મંદિરોમાં ભક્તો (વૈષ્ણવો) પ્રભુને ઝુલાવે છે. હિંડોળામાં પ્રભુ ૩૨ દિવસ ઝૂલે છે. નિતનવા રંગના સાજ-શૃંગાર ધરવામાં આવે છે. આ દિવસો દરમિયાન ઠાકોરજીને ફળ-ફૂલ-પાન, ગુલાબ, આસોપાલવ, શાકભાજી, સૂકો મેવો, મોરપિચ્છ, આભલાં-મોતી-છીપ-કાચ, પવિત્રા, રાખડી, સોના-ચાંદી જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી તૈયાર કરેલા હિંડોળે ઝુલાવાય છે. પીળી ઘટા, શ્યામ ઘટા, નાવ મનોરથ, કેળના હિંડોળા, છાકનો મનોરથ, શ્રાવણ ભાદો જેવી અનેક લીલા પણ હિંડોળા મહોત્સવમાં ઊજવાય છે એમ જણાવતાં શ્વેતા કહે છે, ‘ભક્તિ સાથે તમારી ક્રીએટિવિટી પણ ખીલે છે. કિટીને દિવસે અમે બધાએ પોતપોતાના હિંડોળા ગુલાબનાં ફૂલ, મોતી, મોરપિચ્છ, જેમ્સ પેપરમિન્ટ જેવી સામગ્રીઓથી સજાવ્યા હતા.’ 

શીતલ ઠક્કર, ઉર્વશી સચદેવ, કિંજલ સચદેવ, શિલ્પા શાહ, ચંદ્રિકા પોપટ, રેણુ પોપટ, રાજશ્રી ગોરડિયા, ઉષા કોટડિયા, રીના ઠક્કર, મીતા કોટડિયા, ભક્તિ પરમાર જશોદામાના ભાવ સાથે પોતપોતાના કાનુડાને લઈને આવ્યાં હતાં. એ ઉપરાંત બીજી મિત્રમંડળી પણ ભક્તિના રંગે રંગાવા અને ઉત્સવને રંગેચંગે ઊજવવા આવી પહોંચી હતી.

કિટીની શરૂઆતમાં દરેક જણે પોતાના અને એના દોસ્તાર કાનુડાને હેતથી ઝુલાવ્યા. ‘શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોળ વહાલા તારો હિંડોળો ઝાકમઝોળ’, ‘મારા લાલાનો હિંડોળો સવા લાખનો’, ‘આવો-આવોને શ્યામ ઝૂલવાને આવો’ જેવાં ભજન-કીર્તન ગવાયાં અને ઝિલાયાં. શીતલ ઠક્કર કહે છે, ‘કીર્તન કરવાથી જીવનના દોષ નાશ પામે છે. પ્રભુનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને હિંડોળો ઝુલાવવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે.’ 

કૃષ્ણ ભક્તિની સાથે ઉમંગ-ઉત્સાહ અને રાસ-ગરબા જોડાયેલા જ છે. સ્વાભાવિક છે, આ બધી માવડીઓ આનંદના આ અવસરે ગરબે ઘૂમવાનું કેવી રીતે ચૂકે? બાળકને રમાડવાનું અને જમાડવાનું પરાણે વહાલું લાગે. અને એ જ નામ પર આ બધી સખીઓએ કૃષ્ણની કિટીને અનુરૂપ કનૈયાના નામને લગતી બે ગેમ્સ રમી, જેમાં એકમાં એક મિનિટમાં સૌથી વધુ વાર શ્રી કૃષ્ણ શરણં મમઃ અને બીજીમાં એક મિનિટમાં વધુમાં વધુ શ્રી કૃષ્ણનાં જુદાં-જુદાં નામ લખવાનાં હતાં. પોતાના બાળકની સાથે એના દોસ્તારોને પણ ભાવતું ખવડાવવાની રીતસરની હોડ મચી પડી હતી. ગુલાબજાંબુ, કોપરાપાક, કાજુકતરી, માખણ, મિસરી, સાબુદાણાની ખીચડી, ફરાળી પૅટીસ, મખાણાં, ઢોકળાં, સૂકો મેવો, ફળફળાદિ, મસાલાનું દૂધ, ઠંડાઈ અને બીજી અનેક સામગ્રીઓનો રસથાળ પિરસાયો હતો.

બધી માડીઓ ભેગી મળે ત્યારે પોતાના બાળકની વાતો સિવાય તેની પાસે બીજી કઈ વાત હોય? કાનુડાની કિટી પાર્ટીમાં આવેલી મમ્મીઓ વચ્ચે ચર્ચા ચાલી હતી. રીના ઠક્કર અને મીતા કોટડિયા કહે છે, ‘મોટા ભાગની કિટીમાં ગૉસિપ થતી હોય છે તેમ આજે અમારોય વારો નીકળવાનો છે. મારી જશોદા મૈયા તો મને એટલું ગરમાગરમ ભોજન પીરસે છે કે દાઝી જવાય છે અને મારી માવડી ખાવાનું પીરસીને હું ખાઉં ન ખાઉં ત્યાં તો તાળીઓ પાડીને મારો પીરસેલો ભોગ સરાવી લે છે એવી ફરિયાદો અમારા કાનુડા અને એના દોસ્તારો વચ્ચે થઈ હશે.’ 
તો કૃષ્ણનું બાળસ્વરૂપ પૂજાવા પાછળના ભાવ વિશે પલ્લવી પટાડિયા કહે છે, ‘કૃષ્ણએ સાંદીપનિ ઋષિ પાસે વરદાન માગ્યું હતું કે મને જીવનભર માના હાથનું ભોજન મળે. આ માના હાથનું ભોજન એટલે શું? કૃષ્ણ જ્યાં જાય ત્યાં એની જોડે દેવકી કે જશોદામા જાય અને એને રાંધીને ખવડાવે? ના, ‘માતૃ હસ્તેન ભોજનમ્’ એમ કહીને કૃષ્ણએ શું માગ્યું? એણે કહ્યું કે જે સ્ત્રી મારે માટે રાંધે એ મા થઈને રાંધે. જે સ્ત્રી મને જમાડે એ મને મા થઈને જમાડે. જે સ્ત્રી મને લાડ કરે એ મને મા થઈને લાડ કરે. આટલાં હજારો વર્ષો પછી પણ આ બાળસ્વરૂપની પૂજા ઘર-ઘરની જશોદામૈયાઓ થકી શાશ્વત છે.’ 

આવી ખટમીઠી ગોઠડીઓ અને આનંદી વાતાવરણ વચ્ચે ઠાકોરજીના થાળ, આરતી ગવાયા પછી પ્રસાદ લેવાયો. થોડી વારમાં હવે બહુ મોડું થશે, ચાલો બાળકો પોતપોતાની 
માડીઓ સાથે પોતપોતાના ઘરે પધારો અને ટા-ટા - બાય-બાય કરતી બધી સખીઓ અનોખી અલૌકિક ભક્તિની ઊર્જા સાથે પોતપોતાના ઘરે પાછી ફરી.

 

 

columnists