કેસૂડાંના ફૂલોની સુગંધથી સ્વાવલંબન તરફ કૂચ

17 May, 2026 01:04 PM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતનાં જંગલોમાં ગરમીમાં વિપુલ માત્રામાં મળી આવતાં કેસરિયા રંગનાં આ ફૂલોએ અનેક મહિલાઓને ગૃહઉદ્યોગ થકી આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું છે

કેસૂડાંનાં ફૂલોમાંથી સાબુ બનાવતી રેંગણકચ્છ ગામની મહિલાઓ.

ઉનાળાના ઊગતા પહોરમાં સૂર્યદેવ પોતાના રથમાં સવાર થઈને ધરતી માથે આવવાની તૈયારીઓ કરી રહ્યા હોય ત્યારે બીજી તરફ નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓ સુધીના પ્રદેશોમાં ગ્રામીણ મહિલાઓ પણ સવારે ઊઠીને ગામની નજીક આવેલા ડુંગરા, વન-વગડો અને જંગલ ખૂંદીને કેસૂડાંનાં ફૂલો એકઠાં કરવા લાગી જાય છે. અત્યારે વન-વગડામાં કેસૂડો લહેરાઈ રહ્યો છે ત્યારે કેસૂડાંનાં ફૂલો એકઠાં કરી એને ધોઈને, સૂકવીને એમાંથી સુગંધીદાર સાબુ બનાવીને એનું વેચાણ કરીને આ ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની છે.

તાપી જિલ્લાના રેંગણકચ્છ ગામની બહેનો હોય કે નર્મદા જિલ્લામાં આવેલા કોઠી ગામ કે ગોરા ગામની બહેનો હોય, આ મહિલાઓ કેસૂડાંના સાબુ બનાવીને આત્મસન્માન સાથે આવક રળી રહી છે. આ મહિલાઓ સખી મંડળમાં જોડાઈને અન્ય મહિલાઓ સાથે મળીને કામ કરતાં મહિને ૨૦,૦૦૦થી લઈને ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ રૂપિયા સુધીની આવક તેમના સખી મંડળને થઈ રહી છે. મહેનત કરીને રૂપિયા મળતા થવાથી હવે આ મહિલાઓની અને તેમના ઘરની પરિસ્થિતિ બદલાઈ છે. અડધી રાતે જરૂર પડે તો તેમને કોઈની સામે હાથ લાંબો કરવો ન પડે એવી સક્ષમ બની છે એટલું જ નહીં, ઘરમાં આર્થિક મદદ પણ કરતી થઈ છે. જાતે લઘુ ઉદ્યોગ કરીને કેટલીક મહિલાઓએ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપીને કાબેલ બનાવી રહી છે. કેસૂડાંનો સાબુ બનાવતી મહેનતકશ ગ્રામીણ મહિલાઓની ખુદ્દારી, પરિવાર માટે સમર્પણની ભાવના અને આત્મસંતોષની પ્રેરણાદાયી અને ઉદાહરણીય વાત જાણવા જેવી છે.


સ્ટૅચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં લહેરાતાં કેસૂડાંનાં ફૂલો.

કોઠી ગામની મહિલાઓનું મહેકી ઊઠ્યું જીવન

નર્મદા જિલ્લામાં આવેલા કોઠી ગામમાં રહેતી નીરુ તડવી જેવી ગામની બહેનો આમ તો ગૃહિણી જ હતી. ક્યારેક ખેતીકામ કરવા પણ જતી, પણ આ મહિલાઓએ ૩ વર્ષ પહેલાં સાબુ બનાવવાની તાલીમ લીધી અને મહેનત કરતાં-કરતાં આજે તેમનું જીવન પણ સાબુની ખુશ્બૂની જેમ મહેકી ઊઠ્યું છે. મહેનત કરીને આત્મસંતોષ સુધીની સફર કરનારાં કોઠી ગામનાં નીરુ તડવી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારા ગામમાં રાધેકૃષ્ણ મિશન મંગલમ મંડળ ચાલે છે. એમાં મારા સહિત ૧૦ જેટલી બહેનો કામ કરે છે. અત્યાર સુધી અમે બહેનો ખેતીકામ કરતી હતી, પણ રાજપીપળામાં સાબુ બનાવવાની તાલીમ લીધી અને કેસૂડાંનાં ફૂલોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી. અમારા ગામની આસપાસ ડુંગર વિસ્તાર છે એટલે કેસૂડાંનાં ફૂલ મળી રહે છે. હોળી પહેલાં કેસૂડાંનાં ફૂલો આવવાનાં શરૂ થયાં હતાં. ડુંગર વિસ્તાર તેમ જ ખેતરોની આસપાસ કેસૂડો હોય છે એટલે એનાં ફૂલો અમે બહેનો વીણીને લાવીએ છીએ. આ ફૂલ વીણવા જવામાં મહેનત લાગે છે. કેસૂડાંનાં ફૂલો ઘરે લાવી એને ધોઈને સાફ કરીએ છીએ અને સૂકવી દઈએ છીએ. કેસૂડાંનો સાબુ બનાવવા માટે ગ્લિસરીન ગરમ કરીને કેસૂડાંનાં ફૂલ કે કેસૂડાંનો પાઉડર એમાં નાખીને મિક્સ કરવાનો રહે. એ પછી મૉલ્ડમાં આ પ્રવાહી નાખીને ઠંડું પાડીએ છીએ. ઠંડું થતાં એમાંથી સાબુ તૈયાર થાય છે. આ સાબુનાં પૅકિંગ કરીએ છીએ. મારી સાથે દક્ષાબહેન, અનીતાબહેન અને રીટાબહેન સહિતની બહેનો સાબુ બનાવે છે. અમારા ગામ પાસે સ્ટૅચ્યુ ઑફ યુનિટી આવેલું છે. ત્યાં અમારો સ્ટૉલ લાગે છે. આ ઉપરાંત જુદાં-જુદાં શહેરોમાં મેળા લાગે છે એમાં અમે સ્ટૉલ રાખીને સાબુનું વેચાણ કરીએ છીએ. કેસૂડાંનાં ફૂલો વીણીને લાવીએ છીએ એને કોથળામાં ભરીને મૂકી દઈએ છીએ એટલે આખું વર્ષ એ ફૂલો ચાલે છે અને એમાંથી ખુશ્બુદાર કેસૂડાંનો હર્બલ સાબુ બનાવીએ છીએ. એના વેચાણમાંથી અમને પૈસા મળી રહ્યા છે.’


કેસૂડાંનાં ફૂલો અને લીમડાનાં પત્તાંની સુકવણી.

જાતે કમાઈને મહિલાઓ ઘરમાં થાય છે મદદરૂપ

કોઠી ગામની મહિલાઓને કેસૂડાંના સાબુના ઑર્ડર પણ મળે છે અને એના વેચાણથી આવક થવાથી ઘરમાં તેઓ આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ વિશે વાત કરતાં નીરુ તડવી કહે છે, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટીની એકતા નર્સરી, એકતા મૉલમાંથી તેમ જ હોટેલોમાંથી પણ કેસૂડાંના સાબુના ઑર્ડર આવે છે. બીજા શહેરોના મેળાઓમાં પણ અમે સ્ટૉલ લગાવીએ છીએ. જો પબ્લિક વધુ આવી જાય તો રોજ હજાર-બે હજારના સાબુ વેચાઈ જાય છે અને મહિને ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયાનો સાબુનો ધંધો થઈ જાય છે. એમાંથી સાબુ બનાવવાનો ખર્ચો બાદ કરીને ભાગે પડતા પૈસા વહેંચી લઈએ છીએ. સાબુ બનાવવાની તાલીમ લીધા પછી અમે અમારા પગ પર ઊભા થયા છીએ. મોંઘવારીને કારણે હું ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાઉં છું. આખું ઘર ચલાવવાનું હોય એટલે હું મારા પતિને આર્થિક મદદ કરુ છું. જાતે કમાઈને ઘરમાં મદદરૂપ થઈએ એનો આત્મસંતોષ કંઈક અલગ જ હોય છે. હું પગભર છું એટલે મારા દીકરાને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં MScમાં ભણાવી શકું છું. અમારા જેવા ગામડાના માણસો પાસે એટલું બધું ન હોય, પણ હવે ‘પગ પર ઊભા છીએ’ એટલે ફી ભરી શકી છું. જાતમહેનત કરીને પૈસા કમાઈ રહ્યા છીએ એનાથી આત્મસંતોષ છે. મહેનત કરીએ એ પ્રમાણે મળી રહી છે.’


કોઠી ગામનાં નીરુ તડવી.

સ્ટૉલ પર કેસૂડાંના સાબુનું વેચાણ

ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી આવેલી છે. એની પાસે આવેલી એકતા નર્સરીમાં સ્ટૉલ પર કામ કરતાં ગોરા ગામનાં સુમિત્રા તડવી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારું એકતા મહિલા મંડળ છે જેમાં ૧૦ બહેનો કેસૂડાંનો સાબુ બનાવવાનું કામ કરે છે. અત્યારે કેસૂડાંનાં ફૂલોની સીઝન છે એટલે અમે  કેસૂડાંનાં ફૂલો વીણવા માટે જંગલમાં ફરીએ. જોકે એમાંથી બનતો સાબુ પ્યૉર અને હર્બલ હોય છે એટલે પ્રવાસીઓને એ ગમે છે. અહીંથી બારેય મહિના સાબુનું વેચાણ થાય છે. કેસૂડાંમાંથી સાબુ ઉપરાંત કેસૂડાંનાં ફૂલમાંથી શરબત પણ બનાવીએ છીએ. ગરમીના સમયમાં આ શરબત ઠંડક આપે છે. રોજનું સરેરાશ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનું વેચાણ થાય છે. રજાઓના દિવસોમાં આ વેચાણ વધી જાય છે. મહિને અંદાજે ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ રૂપિયાના સાબુ વેચાય છે. અમારું ગ્રુપ મોટું છે જેમાં ૪૦ જેટલી બહેનો છે.’


સ્ટૉલ પર કેસૂડાંનાં ફૂલોના સાબુનું વેચાણ કરતાં સુમિત્રા તડવી.

હાથ લાંબો કરવો પડતો નથી

ગોરા ગામની મહિલાઓને હવે ઝાઝી ચિંતા સતાવતી નથી કેમ કે તેઓ હવે આર્થિક રીતે પગભર થઈ છે. સુમિત્રા તડવી કહે છે, ‘પહેલાં અમે ઘરકામ કરતાં હતાં, પણ મહિલામંડળમાં જોડાઈને કેસૂડાંના સાબુ બનાવવાની તાલીમ લીધી એ પછી આજે અમે મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ છીએ અને અમારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે. પહેલાં અમારે કોઈ ચીજવસ્તુ લેવી હોય તકલીફ પડતી, પણ હવે સારું લાગે છે.’

મહેનત કરીને લીધી પિક-અપ વૅન

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલુ રેંગણકચ્છ ગામ. આ ગામમાં રહેતી મહિલાઓ માટે કેસૂડાંનાં ફૂલો આર્થિક રીતે આત્મનિર્ભરતાનો આધાર બન્યાં છે. એટલું જ નહીં, મહેનત કરવામાં પાછીપાની ન કરનારાં રેંગણકચ્છ ગામનાં કોકિલા ચૌધરી તો કેસૂડાંના સાબુ સહિત લીમડો અને અલોવેરાના સાબુના વેચાણ દ્વારા આવક મેળવીને લોન પર પિક-અપ વૅન લાવ્યાં છે. કોકિલા ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘ઉનાળાનો સમય છે એટલે કેસૂડાંનાં ફૂલોના સાબુ બનાવવામાંથી મહિને ૨૫,૦૦૦ રૂપિયા સુધી મળી જાય છે. મેળો આવે તો ૭૦,૦૦૦ રૂપિયા સુધીનું પણ કામ થઈ જાય છે. આ ઉપરાંત કેસૂડાંના સાબુ તેમ જ અન્ય સાબુ હું કુરિયરથી અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિતનાં શહેરો તેમ જ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઑર્ડર પ્રમાણે પણ મોકલું છું. મારી કમાઈથી લોન પર ગયા વર્ષે મેં પિક-અપ વૅન લીધી છે. માલસામાનની આ પિક-અપ વૅનમાં હેરફેર કરું છું તેમ જ મારે કામ ન હોય ત્યારે આ પિક-અપ વૅન ભાડે પણ આપું છું. મહિલાઓને હું મેસેજ આપીશ કે આપણે એવું કરીએ કે એનાથી આત્મનિર્ભર બની શકીએ. એમાં થોડો સમય લાગે, મહેનત કરવી પડે. ઘણી બહેનો થોડું કામ કરે પછી આળસ કરે એ ન ચાલે. કામ કરવામાં ભોગ આપવો પડે, સમય આપવો પડે. કંઈક કરવું હોય તો આળસ ન કરો, બેસી રહેવાથી કંઈ મળશે નહીં. મારા મિસ્ટર જૉબ કરે છે. હું જે કંઈ કમાઉં છું એનાથી મારા ઘરમાં મદદ થાય છે.’

વન-વગડામાં બીક નથી લાગતી બહેનોને

મહિલાઓને કેસૂડાંનાં ફૂલો વીણવા માટે વન-વગડામાં, જંગલમાં જવું પડે છે, પરંતુ આ ગ્રામીણ મહિલાઓ જનાવરથી ગભરાતી નથી. કોકિલા ચૌધરી કહે છે, ‘કેસૂડાંનાં ફૂલો વીણવા માટે અમે થોડીક બહેનો સાથે મળીને જઈએ છીએ. ગામ નજીક જંગલ છે એમાં તેમ જ ખેતરોની આસપાસ પણ કેસૂડાંનાં ફૂલો થાય છે ત્યાંથી ફૂલો વીણી લાવીએ. આ કામ અમારું રોજનું છે અને આ વિસ્તાર અમારો જાણીતો હોય એટલે બીક નથી લાગતી. જાનવર રાતે નીકળે છે, દિવસે નીકળતાં નથી.’


વગડામાં કેસૂડાંનાં ફૂલો વીણી રહેલાં કોકીલા ચૌધરી.

ગુણકારી કેસૂડો અને એનાં પાકેલાં ફૂલ

કોકિલા ચૌધરીના મતે કેસૂડાંનાં પાકેલાં ફૂલો અસરકારક હોય છે. તેઓ કેસૂડાંનાં ફૂલોના ગુણ વિશે વાત કરતાં કહે છે, ‘કેસૂડાંનાં પાકીને નીચે પડેલાં ફૂલોને ઉપયોગમાં લેવાં વધુ સારાં. કેસૂડાંનાં પાકેલાં ફૂલ અસરકારક હોય છે. આ ફૂલ અનેક રીતે ગુણકારી છે. ઉનાળાના સમયમાં કેસૂડાંનાં ફૂલના સાબુથી નાહવાથી ઠંડક મળે છે એટલું જ નહીં, આખો દિવસ કામના કારણે તડકામાં ફરતા હોઈએ તો ઘરે આવીને કેસૂડાંનાં ફૂલના પાણીથી નાહવાથી ઠંડક મળશે. એના માટે સવારે ઘરે એક ડોલમાં પાણી લઈને એમાં એક ખોબો કેસૂડાંનાં ફૂલ નાખીને પલાળી રાખવાનાં. સાંજે ઘરે પાછા આવો ત્યારે એ પાણીથી નાહવાનું. કેસૂડાંનાં ફૂલોના સાબુથી નાહવું ત્વચાનું ટૅનિંગ દૂર કરવા માટે સારું છે તેમ જ સ્કિન સારી રહેશે. કેસૂડાંનાં ફૂલોનું શરબત પણ આરોગ્ય માટે સારું છે. ઉનાળામાં આ શરબત ઠંડક આપે છે.’

પર્વત વિસ્તારમાં કેસૂડાંનું રાજ

ડુંગરાળ વિસ્તારમાં આજકાલ જાણે કે કેસૂડાંનું રાજ જામ્યું હોય એટલી માત્રામાં કેસૂડાંનાં મનમોહક અને આંખોને ઠંડક આપે એવાં દૃશ્યો જોવા મળશે. કેવડિયા વન ડિવિઝનના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર જિતેન્દ્ર ભેડા ‘મિડ-ડે’ને કહે છે, ‘નર્મદા નદી વહે છે એની એક તરફ સાતપુડાની અને બીજી તરફ વિંધ્યાચલની પર્વતમાળાઓ છે એટલે નર્મદા નદીની બન્ને સાઇડ પુષ્કળ પ્રમાણમાં કેસૂડો થાય છે. નર્મદા, તાપી, ડાંગ, અરવલ્લી સહિતના જિલ્લાઓના પર્વતીય વિસ્તારોમાં કેસૂડો મોટા પ્રમાણમાં થાય છે.’

columnists business news gujarat news shailesh nayak gujarati mid day lifestyle news life and style