મા માનવતા નહીં, નજરે ભાળેલો પરમકૃપાળુ ઈશ્વર છે

11 May, 2025 01:11 PM IST  |  Mumbai | Sairam Dave

માની વાત નીકળે ને જો આંખો ભીની થાય તો માનવું કે હજીયે તમારા મનમાં મા માટે પ્રેમ છે. માની વાત નીકળે ને જો હજીયે કાલાવાલા કરવાનું મન થાય તો માનવું હજીયે તમારામાં પેલું બાળક અકબંધ છે

સાઈરામ દવે

ધરતી ઉપર આપણી સૌપ્રથમ સીટને સેટ કરનાર લોકોને માની વાત બાબતે બહુ સેન્ટિમેન્ટલ થઈ જતા જોયા ત્યારે મને થયું આનંદના ખજાના જેવી માની વાતોમાંથી આ ફન કેમ બાયપાસ થઈ ગયું હશે!

મા શબ્દ નથી, તીર્થ છે. મા નજરે ભાળેલો ઈશ્વર છે. કરુણાનો દરિયો અને મમતાનું ઝાડ છે. મા વ્યક્તિ નથી, પરંતુ પ્રકૃતિ છે. મા પોતે તૂટી જાય પણ તેનાં સંતાનોને તૂટવા દેતી નથી. રાતે અગિયાર વાગ્યે દીકરો ઘરે આવ્યો ન હોય એટલે મા જાગતી જ હોય કે મારા ગગાએ કાંઈ ખાધું નહીં હોય અને બાપા પણ જાગતા હોય, પણ લાકડી હાથવગી કરીને કે આવે તો બે ફટકારું.

તમે જુઓ, કુદરતે કેવી કરામત કરી છે. તમે ‘મા’ બોલશો એટલે મોઢું ખૂલી જાશે ને ‘બાપ’ બોલશો તો મોઢું બંધ થઈ જાશે, કા૨ણ કે બાપ દીકરાને ખભો આપે છે જ્યારે મા દીકરાને ખોળો આપે છે. બાપ દીકરાને ગાદી આપે છે ને મા દીકરાને ગોદ આપે છે પણ એટલું યાદ રાખજો, દુનિયાની કોઈ પણ ગાદી ઉપર હુમલો થાય પણ ગોદ ઉ૫૨ હુમલો ન થાય કા૨ણ કે માએ એમાં મમતાનો પાલવ ઢાંક્યો હોય છે. એ જ તો કારણ છે સાહેબ કે નાની-નાની તકલીફો વખતે આપણા મોંમાંથી ‘ઓય મા’ શબ્દ નીકળી જાય, પણ ફોર- વ્હીલર ગાડી ડ્રાઇવ કરતાં-કરતાં સામે અચાનક ટ્રક ઊતરે ને મોત ભાળી જાય ત્યારે ‘ઓય બાપ રે’ જ નીકળે હોં!

માને સમાજે, સાહિત્ય જગતે અને ફિલ્મ જગતે સદાય લાચાર અને રડતી જ ચીતરી છે, જેનાથી હું પર્સનલી થોડો અસહમત છું કારણ કે મારી મા મારા માટે બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ છે. મારામાં જે કાંઈ થોડીઘણી સેન્સ ઑફ હ્યુમર છે એ મારી જનેતાની બક્ષિસ છે. માના કૅરૅક્ટરને આપણે ખૂબ ગંભીર બનાવી દીધું છે. મા થોડી હળવીફૂલ પણ હોઈ શકે. મારી માની વાત કરું તો હું હંમેશાં કહું કે મારામાં લોકકલાકાર જન્માવવાનું કામ મારા પપ્પાએ કર્યું પણ મારામાં હાસ્યકલાકાર જન્માવવાનું કામ મારી મમ્મી સરોજબહેને કર્યું. નાની ને ઝીણી અમસ્તી વાતમાં પણ તેના એવા ચાબખા તૈયાર હોય કે તમે એ ખાધા પછી પણ હસ્યા વિનાના રહો નહીં. હું ડાયરાના કાર્યક્રમમાં જતો હોઉં ત્યારે હળવીફૂલ સલાહ કાયમ આપે કે ‘બેટા, તારે બહુ તૂટી ન મરવું, આયોજકોએ પહેલી વાર ડાયરો કર્યો હોય, આપણે તો રોજનું થયું!’ વળી ક્યારેક પ્રોગ્રામમાંથી થાકીને હજી તો ઘરમાં પગ મૂકું ત્યાં મારી મમ્મી તેના આગવા મિજાજમાં તેના હાથે બનાવેલા ગીતની કડી ગાઈને મને પૂછે કે ‘ખંભે કાળી શાલ, લાંબો ઝભ્ભો, માથે ટાલ, બેટા બોલો, કહાં ગએ થે?’

ચટાપટાવાળા બર્મુડા અને લાલ-પીળા ટી-શર્ટમાં સજ્જ કોઈ NRI ફૅમિલી મમ્મીને ઓળખાણ આપતાં કહે કે ‘અમે સાંઈરામના ફૅન છીએ. તો મમ્મી આંગણામાં જ તેમને સટાય૨થી પોંખી લ્યે,

‘હા, એ તો બધુ સાચું, પણ ટેબલ ફૅન કે સીલિંગ ફૅન?’

વળી વધુપડતા ચોખલા મહેમાન ચા કે ઠંડું પીવાની ના પાડે તો મમ્મી વીટો પાવ૨ વાપરીને રસોડામાં કહી દે કે ‘વઉબેટા, ચા બને ત્યાં સુધીમાં ઠંડું લાવજો.’

ગયા વર્ષે મેં મારાં મમ્મી ગુમાવ્યાં. એ સમયે મને એવું કહેવામાં આવ્યું કે હું મારા દાઢી ને વાળ નહીં ઊતરાવું તો ચાલશે. આમ પણ કલાકાર માટે તેનો બાહ્ય દેખાવ અકબંધ રહે એ જરૂરી પણ હોય છે. પણ મેં ના પાડી. પંચકર્મની વિધિ કરાવી અને પછીના ત્રણ મહિનાના મારા બધા શો કૅન્સલ કરી નાખ્યા. આ મારો મા પરનો ઉપકાર નહોતો પણ તેણે કરેલા તમામ ઉપકારનું ૦.૦૦૦૧‍ ટકાનું ચુકવણું હતું ને આ ચુકવણું હું આખી જિંદગી કરતો રહેવાનો છું. એ પછી પણ માએ કરેલા ઉપકારનો બદલો સંતાન ચૂકવી નથી શકતું.

અત્યારે જ્યારે હું મારી માને યાદ કરીને આ લેખ લખું છું ત્યારે મને એક વાતનો અફસોસ છે કે શું કામ માની હયાતીને લોકો ઊજવતા નહીં હોય? માની હયાતી ઉત્સવ છે ને એ ઉત્સવની ઉજવણી તહેવાર છે. મા (અને બાપ પણ)ની હાજરીને આજે માણી લેજો સાહેબ, નહીં તો ભવિષ્યમાં જ્યારે માથે હાથ ફેરવવાવાળાની કમી મહેસૂસ થશે ત્યારે આંખોમાં દરિયો ને હૈયામાં વાવાઝોડું ઊભું થાશે ને એ વખતે તમને સાચવી લેવાવાળું કોઈ નહીં હોય.

અમારા ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ ચાલુ થ્યો છે. માથે કરા ધબાધબ પડે છે ત્યારે મને માની જ એક વાત યાદ આવે છે. સાંબેલાધાર વ૨સાદમાં છોકરો પલળીને ઘરમાં આવે તો બાપ ખિજાય કે ભાન નો’તી પડતી? બહેન કહે કે ભાઈ છત્રી લઈને જવાય તો ભાઈ કહે કે છાપરા હેઠે ઊભા રહી જવાય, પણ, મા તો તેના બાળકને ગોદીમાં લઈને એટલું જ કહે કે નફ્ફટ વરસાદે મારા દીકરાને ભીંજવી નાખ્યો!

આનું નામ મા!

મારી મા મારા માટે માતા નથી, નિર્માતા છે ને એ નિર્માતાએ મને તમારી સામે મૂક્યો છે. તમારો પ્રેમ એ તેનાં શ્રદ્ધા ને સંસ્કારનું વળતર છે.

columnists mothers day gujarati mid-day