ધારો કે કાઠિયાવાડ ઍરલાઇન્સ ચાલુ થાય તો?

05 February, 2023 02:21 PM IST  |  Mumbai | Sairam Dave

કાઠિયાવાડી જબાનનો એક અલગ જ અંદાજ છે અને એ અંદાજને કારણે જ આજે દુનિયાભરમાં ગુજરાતી અને કાઠિયાવાડી જબાનની બોલબાલા છે, પણ ધારો કે આ કાઠિયાવાડી જબાનમાં ઍરલાઇન્સનો સ્ટાફ આવી જાય તો શું થાય અને પછી પ્લેનમાં કેવી બોલીમાં વાત થતી હોય એ જોવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓ રોજે’ય નવું અને નોખું ચાખવા ને કરવા ટેવાયેલા-સર્જાયેલા છે. જેટ ઍરલાઇન્સનો ખરખરો ચાર વર્ષ જૂનો થઈ ગયો છે ત્યાં દુનિયાભરની ઍરલાઇન્સમાં એવા ભગા ચાલુ થ્યા છે કે આપણને એમ થાય કે આ લોકો કૉમેડી માટે આવા ખેલ કરતા હશે કે શું? પચાસ-પચાસ પૅસેન્જર ભુલાઈ જાય એવું કોઈ ’દી બને?! હા, બને જો એ ઇન્ડિયન ઍરલાઇન્સ હોય તો. આજે આપણે આવી જ ઍરલાઇન્સની વાતું કરવાની એવું નક્કી કરીને લેખ લખવાનું ચાલુ કર્યું ન્યાં તો મનમાં વિચાર આવ્યો કે જો ભલભલી ઍરલાઇન્સમાં ભગા થતા હોય તો જરાક વિચારો કે કાઠિયાવાડ ઍરલાઇન્સ ચાલુ થાય તો-તો શું હાલત થાય?
કાઠિયાવાડ ઍરલાઇન્સની વાત કરતાં પહેલાં વાત કરીએ રેગ્યુલર પ્લેન-સર્વિસની કે પ્લેનમાં કેવી-કેવી સૂચનાઓ આપવામાં આવે છે. ઈ બધું વાંચ્યા પછી એનું કાઠિયાવાડીકરણ કરીશું. તો પહેલાં રેગ્યુલર પ્લેન-સર્વિસની સૂચનાઓ...
lll
નમસ્કાર... ઇન્ડિગો કી ઉડાન આઇ-370 પર હમ સભી યાત્રીઓં કા સ્વાગત કરતે હૈં! હમારા વિમાન રાજકોટ સે મુંબઈ જાએગા. યે દૂરી પચપન મિનિટો મેં તય કી જાએગી. ઇસ ઉડાન કે મુખ્ય કપ્તાન પ્રદીપ ગોલમાલકર હૈ ઔર સહકપ્તાન વિનય માત્રે હૈ ઔર મૈં ઉડાન કી મુખ્ય કર્મીદલ વિનીતા શિંદે આપકા સ્વાગત કરતી હૂં...
ઇસ ઉડાન કે સભી કર્મચારી હિન્દી, અંગ્રેજી ઔર મરાઠી બોલ સકતે હૈં. ઉડાન કી તૈયારી કે લિયે ખુરશી સીધી ૨ખે, ટ્રે ટેબલ બંધ કર દે ઔર અપના સીટ-બેલ્ટ બાંધ લે. સામાન કો ઉપરી લગે સામાનકક્ષ મેં રખ દે. ટેક-ઑફ ઔ૨ લેન્ડિંગ કે વક્ત ખિડકિયાં ખુલ્લી રખે, સરકારી નિયમો કે અનુસાર ઇસ સમય ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણ બંધ રખે. મોબાઇલ ફોન સ્વિચ-ઑફ કર દે, ક્યૂંકિ ઇસ સે ઉડાન ભરતે વક્ત તકનીકી ખામી હો સકતી હૈ. ઉડાન મેં મદિરા પીના ઔ૨ ધૂમ્રપાન કરના મના હૈ. સભી જગહ ધૂમ્ર અનુસાંગિક યંત્ર લગાયે ગયે હૈં. અબ હમ સુરક્ષા સંબધિત સૂચનાએ દેંગે. કૃપા કર કે વિમાન કર્મીદલ કી ઔર ધ્યાન દે.
આપકી ખુરશી કી પેટી ઇસ તરહ સે બાંધી જાતી હૈ. કૅબિન મેં હવા કા દબાવ કમ હોને ૫૨ ઑક્સિજન નકાબ અપનેઆપ ઉપરી પૅનલ સે નીચે આ જાએંગે. પહલે ઉસ નકાબ કો ઇસ તરહ સે પહને. ખુદ નકાબ પહેન ને કે બાદ હી દૂસરોં કી સહાયતા કરે. વિમાન મેં આઠ આપાતકાલીન દ્વાર હૈ. રક્ષા જૅકેટ ખુરશી કે નીચે હૈ ઉસે ઇસ તરહા સે પહેને... ઝ્યાદા જાનકારી કે લિયે સુરક્ષાપત્ર સામને કી ખુરશી મેં રખા હૈ... ધ્યાન દેને કે લિયે ધન્યવાદ. હમ આપકી યાત્રા સુખદ હોની કી કામના કરતે હૈ...
વિમાનમાં બેસનાર દરેક મુસાફરને આ લગભગ ગોખાઈ ગ્યું છે. હવે વિચારો કે ધારો કે ‘કાઠિયાવાડ ઍરલાઇન્સ’ શરૂ થાય તો? 

કાઠિયાવાડ ઍરલાઇન્સમાં કૅબિન-ક્રૂ બહેને ચકમકતાં ચણિયાચોળી અને ભાઈએ કેડિયું–ચોઈણી અને માથે પાંચાળી પાઘડી પહેરી હશે. આગળની આખી સૂચનાઓનું પોસ્ટમૉર્ટમ કાઠિયાવાડી અંદાજમાં કહેશે.

‘એ બાપલા સૌને રામ રામ... કાઠિયાવાડી હવાઈયાત્રાનું આ પ્લેન... એ’લા ક્યા નંબરનું છે? જરાક બારીની બહારથી વાંચી લેજો! આ બલૂન ઊપડવાની અણી માથે સે. હવે તમે અટાણે હાલતી ગાડીએ મોબાઇલું ચાલુ રાખીને અમારી અણી નો કાઢતા. આપણા પાઇલટ બહુ ગ૨મ મગજના છે. તેણે પીધો નહીં હોય તો રાજકોટથી મુંબઈ પંચાવન મિનિટમાં પોગશું ને પીધો હશે તો પચ્ચી મિનિટમાં, હમજ્યા....! હું રવજી, ભાઈબંધની ઍરલાઇન્સ છે એટલે ટાઇમપાસ સાટું નોકરી કરું છું. ગુજરાતી સિવાય એકેય ભાષા બલૂનમાં કોઈને નથી ફાવતી, અંગરેજીમાં કોઈએ ટઇંડટઇંડ કરવું નહીં...! હાલો, હવે સટાસટ સંધાય સાગમટે મોબાઇલ ને લૅપટૉપ ઠારી નાખો. પસી ઊડવામાં કાંઈ લોચો પડે તો લાગે-બાગે ને થાય લોહીની ધાર, આપણી ઉપર કાંઈ નહીં. બારિયું ઉઘાડી રાખજો એટલે બાપગોતર પેલી વાર બલૂનમાં બેઠા હો તો હેઠે જોવાની મોજ પડે. સહુ-સહુના પટા આવડે એવી રીતે બાંધી લ્યો ને ઘચકાવીને બાંધજો. પસી કે’તા નહીં કે કીધું નહીં..! સીટુ સખણી રાખજો, લાંબો વાંહો ક૨વામાં વાંહે બેઠેલાના ગોઠણ છોલાઈ જાહે. ખાવાની થાળિયુંનું ટેબલ અટાણથી ખુલ્લું ન રાખવું.... ભૂખડીબા૨સ ભેગા 
થયા લાગો છો? બલૂન ઊપડશે એટલે ગોંડલનાં ગાંઠિયા-ચટણી ને રાજકોટની બાસુંદી જેવી ચા મફત મળશે. હમજ્યા! બીજું ખાસ કે તમારાં કરમ કૂતરાં લઈ ગ્યાં હઈશ તો બલૂનમાં હવાનું દબાણ 

ઓછું થાંહે ને પસી ઑક્સિજનની આવી પીરી કોથળિયું લબૂક દે’તી એની મેળે હેઠી પડશે, પણ બે કોથળી પોર કોક લુખ્ખો કાઢી ગ્યો સે એટલે બે ભાઈ સિવાય હંધાય માથે કોથળી પઈડશે! બીજી ભાભીયુંની સેવા કરતાં પે’લાં પોતે કોથળી પે’રી લેવી. હરખપદૂડા થાવામાં જાનથી જાહો. પસી કેતા નહીં કે કીધું નહીં!
આ બલૂનમાં આઠેક કમાડ છે એવું સાંભળ્યું છે, પણ મને તો એક જ જઈડું સે. બીજા સાત તમને મળે તો તમારી રીતે ગોતી લેજો. મળે ને ખૂલે તો તમારા ભાઈગ. બલૂનને જો પાણીમાં ઊતરવું પડે તો આમ તો કાંઈ વેંત રેંશે નહીં, પણ છતાં’ય ટાણું રયે તો સીટ હેઠનું પાણીમાં તરે એવી બંડી છે, ઈ છોકરાના દફ્ત૨ની જેમ પહેરી લેજો ને નળિયું ફુલાવી ‘મગન’ મળે ત્યાંથી કળી જાજો ને પાછું કહું છું કે બીડિયું–ચલમ ઠારી નાખજો. બલૂનમાં ઍરહૉસ્ટેસ સવિતાબેન, ચંપાબેન, રંજનબેન આ ત્રણેય અમારા કુટુંબની જ દીકરીયું છે. એટલે સંધાય બેનને બાની નજરથી જોજો. મુંબઈ ઊતરીને એકાદને લમધારવા નો પડે ઈ ધ્યાન રાખજો. પછી કોઈ હગું નહીં થાય. પાઇલટનું મગજ બહુ ગરમ છે ને તમે જાનમાં નથી આઈવા. યાદ રાખજો સીટ જ ભાડે લીધેલ છે, આખું બલૂન નહીં...હો.... 
હાલો, હવે તમતમારે ઊપડો. મારેય બેહીને પટિયું પેરી લેવાની છે.
ડાયરાને રામ...

columnists gujarati mid-day