08 November, 2026 07:27 AM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
માયાભાઈ આહીરે બહુ સરસ વાત કરી છે કે દશરથથી રામાયણ શરૂ થાય અને દશાનન પર પૂર્ણ થાય. પોતાની દસેય ઇન્દ્રિયોનો જે રથ બનાવી શકે તેના ઘરે બ્રહ્મ બાળક થઈને અવતરે, પણ જે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બને તે સ્વર્ણલંકાનો અધિપતિ હોવા છતાં પોતાનો જ અંત આણે.
શ્રીરામ ૧૪ વર્ષ પછી અયોધ્યા પાછા પધાર્યા હતા એટલે અવધવાસીઓએ ઘરે-ઘરે દીપમાળાઓ પ્રગટાવી અને કદાચ ત્યારથી જ દીપાવલી પ્રકાશના પર્વ તરીકે પ્રખ્યાત બની. લગભગ ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ દેશમાં રામ મંદિર બન્યું એનો આનંદ પ્રત્યેક ભારતીયની જેમ મને પણ છે. જોકે મને-કમને કહેવું છે કે મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ધામધૂમે થઈ જાય છે, પણ ઘણી વાર આપણા પ્રાણોમાં મૂર્તિની પ્રતિષ્ઠા બાકી રહી જાય છે. મારા ‘પાંચજન્ય’ ગીતસંગ્રહનું એક ગીત દિવાળીના આ સપરમા દિવસે શ્રીરામના ચરણે મૂકું છું.
ક્યારે થાય દિવાળી?
રામ આવીને મારા મનના કામને નાખે બાળી,
ત્યારે થાય દિવાળી.
શંકાની લંકામાં કેવળ અટવાયું મન;
સમજરૂપી સીતાને બાંધે અશોકવન;
વિવેકરૂપી ભાઈ વિભીષણ લંકા લ્યે સંભાળી,
ત્યારે થાય દિવાળી...
દશાનન સૃષ્ટિમાં સર્વશક્તિશાળી હતો. તો વિચારો કે એ રાવણને ઘૂંટણિયે પાડનાર કામ કેવો શક્તિશાળી હશે. નવગ્રહને પોતાના સિંહાસને બાંધનાર રાવણ કામને બાંધી ન શક્યો. આશ્ચર્ય એ કે તેના આરાધ્ય મહાદેવ કામને બાળનાર હોવા છતાં...!
પોતાની ઇચ્છા ન હોવા છતાં ઘણી વાર મનુષ્ય પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ગીતાજીના ત્રીજા અધ્યાયના છત્રીસમા શ્ળોકમાં આપણા સૌ વતી પુછાયેલા અર્જુનના આ સવાલનો નારાયણ પ્રત્યુત્તર આપે છે કે ‘રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. એ ઘણું ખાનારો એટલે કે ભોગોથી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ.’
પ્રભુએ કામને જ જ્ઞાનીઓનો નિત્ય વેરી કહ્યો છે. આમ પણ આપણી કહેવત છેને કે ‘પરાણે પ્રીત ન થાય’, પણ પરાણે પાપ તો થાય જ છેને! અહીં રાઘવના ચરણે નતમસ્તક પ્રાર્થના છે કે આ દેશમાં કોઈ દીકરી સાથે નિર્ભયા જેવી ઘટના ન બને. કોઈ માસૂમ બાળકી કામાંધ શેતાનોના હાથે પીંખાય નહીં એ જ પ્રાર્થના છે. સરકાર જઘન્ય દુષ્કૃત્યો માટે કડક કાયદા બનાવી શકે, પણ સરકાર કંઈ સંસ્કાર ન આપી શકે. એ કાર્ય તો સદ્ગ્રંથી, સત્પુરુષો, મંદિરો કે શ્રદ્ધાનાં આશ્રયસ્થાનો જ કરી શકશે. દારૂ પીનારને પકડવાનું કામ કાયદો કરી શકે; પણ સહેલાઈથી દારૂ મળતો હોવા છતાં જેને ટીપું પણ પીવાનું મન ન થાય એ કામ કાયદો નહીં, કાળિયો ઠાકર જ કરી શકે. જીવનની સ્વયંશિસ્ત સાચી અધ્યાત્મની સમજ થકી જ આવે છે. મન માટે લંકા કરતાં શંકાનો રાવણ વધુ ખતરનાક છે. લંકાવાળો તો એક વાર જ અપહરણ માટે આવ્યો હતો. અત્યારે સમજણરૂપી આપણી સીતાને શંકા રોજ હરી જાય છે. વળી ‘અશોકવન’ નહીં, તેને ‘શોકવન’ની નીચે રાખે છે.
વધ એ આપણો સ્વભાવ નથી રહ્યો. છેલ્લી કંઈકેટલીયે સદીઓથી આપણે સહન કર્યું છે, ભૂખ્યા ગુલામી વહન કરી છે. એટલે જ એકાદ-બે કોમને બાદ કરતાં ૯૦ ટકા હિન્દુઓના ઘરમાં સમ ખાવાનું ‘શસ્ત્ર’ પણ નહીં મળે. વળી આપણે જેને પૂજીએ છીએ એ તમામ દેવી-દેવતાઓ એક હાથમાં શાસ્ત્ર અને બીજા હાથમાં શસ્ત્ર રાખે છે તો પણ..? શસ્ત્ર અને શાસ્ત્ર આ બન્ને આપણી સંસ્કૃતિની શોભા છે. આપણા શ્રીકૃષ્ણ સુદર્શનધારી છે, ભોળાનાથ ત્રિશૂળધારી છે, શ્રીરામ ધનુષધારી છે, મહાકાલીના હાથમાં લોહીવાળું ખડક છે. હવે મને કોઈ સમજાવશો કે આપણને શસ્ત્રોથી દૂર કોણે કર્યા?
અરે ભાઈ! એકાદ તલવાર શક્તિસ્વરૂપ માનીને ઘરની પૂજામાં રાખો તો ખરા! કો’ક દિ’ ઘરમાં ભવાનીને રાખવાની હિંમત રાખશો તો જ પેઢિયુંમાં ખપ પડ્યે કો’ક એ શસ્ત્રને વાપરવાની હિંમત પણ દાખવશે. હજારો વર્ષોથી ક્ષત્રિયો દશેરાએ શસ્ત્રપૂજન કરતા આવ્યા છે. તેમને અભિનંદન, પણ મારી લાગણી એ છે કે શસ્ત્ર માટેનું સન્માન જ્યારે અઢારે વરણમાં જાગશે ત્યારે સ્વયં દશેરા રાજી થાશે. આપણે ક્યાં રોજ ધીંગાણાં કરવાં છે! પણ આ શસ્ત્રો થકી આપણા વડવાઓએ માતૃભૂમિની રક્ષા કરી છે માટે ઇતના તો બનતા હૈ! ઍટ લીસ્ટ પૂજા માટે એકાદ શસ્ત્ર અને નાનકડી ભગવદ્ગીતા જેના ઘરમાં ન હોય એ મારે મન સાચા અર્થમાં માનસિક રીતે ગરીબ છે.
હનુમાનજી હિંમત રૂપે સદા રહે સંગાથે,
અંગદ માફક રામના આશિષ સદાય મારી સાથે,
લક્ષ્ય લખનજી દિયે મોહના મેઘનાદને ટાળી,
ત્યારે થાય દિવાળી...
હનુમાનજી મારે મન સ્વયં સાહસ અને હિંમતનું પ્રતીક છે. તે કોઈ પણ ચૅલેન્જ સ્વીકારવા તત્પર છે. હે રામ! લક્ષ્મણજી જેવું ફોકસ્ડ લક્ષ્ય અમારા યુવાધનને આપજે જે વારે ઘડીએ સોશ્યલ મીડિયાની શૂર્પણખા સાથે ફેરા ફરવાને બદલે તેનું નાક કાપતાં શીખે. અમારી અંદર પ્રગટેલા મેઘનાદ જેવા મહાશક્તિશાળી મોહને મારવા માટે લક્ષ્મણ જતિ જેવા સંયમની અને લક્ષ્યની દૃઢતા આવશ્યક છે. તો જ અમારી સાચી દિવાળી થાશે પ્રભુ! બાકી તો દર વર્ષે ફટાકડાની જેમ અંદરથી અમે જ ફૂટી રહ્યા છીએ. માંહ્યલો સળગે ત્યારે ફાયર-બ્રિગેડને બોલાવે કોણ?
ધીરજ જાણે ધર્મ થયો ને સવૃત્તિ થઈ શબરી,
બન્ને આંખો બની અહલ્યા કરે પ્રતીક્ષા જબરી,
જીવતર થાય જટાયુ સમ તો નાખે ફેરા ટાળી,
ત્યારે થાય દિવાળી..!
ધ્યેય એ જ અમારો ધર્મ બને. સદ્ગતિ કે સત્કાર્યો કર્યા પછી કેટલાક લોકો ઇન્સ્ટન્ટ રિવૉર્ડ ઇચ્છતા હોય છે. અલ્યા ભઈ! રાત્રે કસરત કરીને સવારે પહેલવાન ન થવાય. તો તારાં પાંચ—છ પુણ્યોને સમસ્ત જગતના સૃષ્ટિનિયંતા સુધી પહોંચતાં સમય તો લાગેને! શબરી શ્રદ્ધા અને ધીરજનો અરીસો છે. પુરુષાર્થ કર્યા પછી રાહ જોતાં કોઈ રામાયણમાંથી શીખી લ્યે તો પણ બેડો પાર! અહલ્યાનો વાંક ન હોવા છતાં તેને પથ્થર થવું પડ્યું. જોકે એક કથા એવી વાંચેલી કે એક વાર ઇન્દ્રને જોઈને અહલ્યાના મનમાં સહેજ અમથો કામ જાગેલો. બસ, એ કામના માટે જ પછીની ઘટનાઓ ઘટી. ચેતજો! ક્ષણિક પળ માટે પણ કોઈ તરફ ખોટી કામના જાગશે તો આ નહીં તો આવતા જન્મે હિસાબ ચૂકવવા પથ્થર બનીને પણ આવવું પડશે એ નક્કી છે.
ભારતવર્ષની એક સન્નારીની દુર્દશા જટાયુથી સહન ન થઈ. તેણે પ્રતિકાર કર્યો. નસીબ તો જુઓ કે એ જટાયુના અગ્નિસંસ્કાર સ્વયં શ્રીરામના હસ્તે થયા. બાકી એ સૌભાગ્યથી તો મહારાજા દશરથ પણ વંચિત રહ્યા હતા. કથાઓ આપણને જીવતાં શીખવે છે. મહાભારતમાં ભીષ્મ પ્રતિજ્ઞાબદ્ધ અને પવિત્ર જીવન જીવવા છતાં દ્રૌપદીના ચીરહરણ વખતે મૌન રહ્યા તેથી ભીષ્મને બાણશય્યા મળી અને જટાયુને અંત સમયે બ્રહ્મનો સ્પર્શ. જટાયુની જેમ હે રાઘવ અમે દેશની કોઈ દીકરીને બચાવી શકીએ, કોઈની ફી ભરીને ભણાવી શકીએ, કોઈને આત્મહત્યાથી બચાવી શકીએ, કોઈ આંધળા પ્રેમમાં ફોસલાઈને ફસાઈ ગયેલીને બહાર કાઢી શકીએ, કોઈને રોજ પોતાના પતિનો માર ખાતાં અટકાવી શકીએ તો એ ક્ષણે અમારી સાચી દિવાળી ઊજવાશે.
અરમાનોની અવધપુરીમાં ચાહતની ચાખડિયું,
રામની રાહે થઈ ગઈ જાણે ભરત સમી આંખડિયું,
તુલસી રામાયણ ખીલે જીવનની ડાળી-ડાળી,
ત્યારે થાય દિવાળી...
ભાઈઓ-ભાઈઓ વચ્ચે જમીન, મકાન કે સંપત્તિના કોર્ટકેસ વધી રહ્યા છે. મતલબ એ કે એ ઘરમાં માતા-પિતા કે દાદા-દાદી એ બાળકોમાં ‘રામાયણ’ વાવવાનું ભૂલી ગયાં. ખરેખર કેસ તો એ ઘરના વડીલો પર પણ થવો જોઈએ. શિક્ષણપ્રણાલીમાંથી સદ્ગ્રંથોની બાદબાકી કરીને આપણે હોંશે-હોંશે ભૂલકાંઓને Twinkle Twinkle Little Star... ગોખાવ્યું. સંતાનોના ડૉક્ટર, CA કે એન્જિનિયરિંગ સ્ટ્રીમની જ ચિંતા કરી એમાં તેની આસ્થા ‘ટ્રિમ’ થઈ ગઈ.
રામ અને ભરત જેવા ભાઈઓના પવિત્ર સંબંધોની સ્મૃતિઓ એ આપણી સાચી વિરાસત છે. ‘હે રામચંદ્રજી! તમે તમારા જીવનની પ્રત્યેક પરીક્ષાનો હિંમતપૂર્વક સામનો કર્યો, સહેલાઈથી મળતી મદદને બદલે પોતાના કાંડા પર સેના બનાવી, પાપીઓને દંડ અને યોગ્ય વ્યક્તિને આશીર્વાદ આપ્યા, જે લંકા જીતી એ પણ પ્રેમપૂર્વક ત્યાગ કરી બતાવી. તમારા રામરાજ્યની એકસો ચાલીસ કરોડ ભારતીયો રાહ જુએ છે, પણ આમાંથી એકાદ-બે ગુણ પણ લેવાની કે જીવનમાં ઉતારવાની વાત આવે ત્યારે ગલ્લાં-તલ્લાં કરે છે. પ્રભુ! ઓણ દયા કરજો. રામમંદિર તૈયાર થઈ ગયું. હવે અમારા મનમંદિરને અયોધ્યા જેવું પવિત્ર કરજો, અમારા અનેક અવગુણોને માફી બક્ષજો. તો જ દિવાળી ખરા અર્થમાં થાશે, બાકી હોળી જ રહેશે હોં!’