25 March, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થોડાક સમય પહેલાં ભારત આવેલા ઓપનAIના સ્થાપક સેમ ઑલ્ટમૅને દેશની પ્રતિષ્ઠિક શૈક્ષણિક સંસ્થાની વિઝિટ દરમ્યાન ત્યાંના વિદ્યાર્થીઓને સંબોધતી વખતે કહ્યું કે યુવાનોની સૌથી મોટી મિસ્ટેક છે કે તેઓ વડીલોની વાતો સાંભળે છે. ઑલ્ટમૅન કહેવા માગતા હતા કે ઝડપથી બદલાઈ રહેલા સમયમાં કોની વાતો ક્યારે કેટલી રેલવન્ટ રહેશે એ કહેવું મુશ્કેલ છે એટલે યુવાનોએ પોતાના ઇન્ટ્યુશનને જ મહત્ત્વ આપવું જોઈએ. જોકે વડીલોનું સાંભળવું એ સૌથી મોટી મિસ્ટેક છે એ વાક્યએ સોશ્યલ મીડિયા પર જબરી ડિબેટ શરૂ કરી છે. વડીલોનું સાંભળવું અને તેમના અનુભવમાંથી શીખવું એ વાતો વર્ષોથી આપણે ત્યાં કહેવાતી આવી છે ત્યારે શું એ સાચું કે તેમની આઉટડેટેડ વાતોના આધારે પોતાની જાતને મર્યાદિત કરવાને બદલે પોતાનો માર્ગ પોતે બનાવવા માટે ડર્યા વિના આગળ વધતા જવું એ યોગ્ય છે? કેટલાક અગ્રણીઓને જ પૂછીએ આ વિશે...
અગ્રણી મલ્ટિનૅશનલ કંપનીમાં નૅશનલ ક્વૉલિટી હેડ તરીકે સક્રિય અને ઇમેજ-કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરતી ચાર્મી શાહ-સોરાપને ૧૬ વર્ષનો દીકરો છે. આજનાં સંતાનો તેમના પેરન્ટ્સની વાત સાંભળે એ સૌથી મોટી ભૂલ છે એ વાતને ચાર્મી હાસ્યાસ્પદ ગણાવે છે. આવું બોલનારી વ્યક્તિમાં દુનિયાદારીનું જ્ઞાન નથી એમ જણાવીને ચાર્મી કહે છે, ‘એવું નથી કે આજના પેરન્ટ્સને કરીઅરનું નૉલેજ નથી. ઇન ફૅક્ટ આજના પેરન્ટ્સ સૌથી વધુ બાળકના ભવિષ્યને લઈને જાગ્રત છે અને એટલે જ તેમના અનુભવનો સંતાન શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે એમ છે. આજે ચાઇલ્ડને મેન્ટલ હેલ્થથી લઈને ફિઝિકલ હેલ્થ એમ દરેક સ્તર પર પેરન્ટ્સ સમજતા હોય છે. પેરન્ટ્સ પોતાની મર્યાદાઓને લઈને ઓપન છે અને કોઈ પણ વાત બાળક પર થોપવી નહીં એ પણ સમજે છે. એ સમયે પેરન્ટ્સની વાત સાંભળવી જ નહીં એ વાત કેટલી બેહૂદી છે. આજે જ્યારે સંતાનો પાસે ઑપ્શન છે, પૈસા છે ત્યારે તેમને વૅલ્યુઝથી જોડેલાં રાખવાં સૌથી વધુ જરૂરી છે. દુનિયા બ્લૅક ઍન્ડ વાઇટથી નથી ચાલતી. અહીં ગ્રે અને એવા કેટલાય શેડ્સ હોય છે જેમાં પેરન્ટ્સનો અનુભવ કિડ્સ માટે બહુ ઉપયોગી બની શકે છે. અમે અમારા દીકરા સાથે ફ્રૅન્ક છીએ. તેને રિસ્ક લેવા માટે મોટિવેટ કરીએ છીએ અને એની વચ્ચે ભૂલ થાય તો અમે તારી સાથે છીએ એ કૉન્ફિડન્સ પણ આપીએ છીએ. આનાથી વધારે શું હોઈ શકે?’
જુહુમાં રહેતી ૨૦ વર્ષની લબ્ધિ વિકમાણી માટે પેરન્ટ્સનાં બધાં જ વાક્ય બ્રહ્મવાક્ય નથી અને એ જ પ્રૅક્ટિકલ બાબત છે. યોગ-ટીચર, કોરિયોગ્રાફર તરીકે સક્રિય અને સાથે ભણી રહેલી લબ્ધિ પોતાની સાઇડ શૅર કરતાં કહે છે, ‘પેરન્ટ્સથી બેસ્ટ દુનિયામાં કોઈ મોટિવેટર હોતું નથી. એ જ તમને જરૂર પડ્યે ફાઇનૅન્શિયલી પણ હેલ્પ કરતા હોય છે. તેમના ફાઇનૅન્શિયલ એક્સ્પીરિયન્સ સાવ નકામા નથી હોતા એટલે જરૂર પડ્યે તેમની વાત સાંભળવી જ જોઈએ. એમાં મને કોઈ મિસ્ટેક જેવી બાબત નથી દેખાતી. કોઈ પણ પેરન્ટ્સ પોતાનાં કિડ્સનું ખરાબ તો ન જ વિચારતા હોય એટલે એક વાર તેમના ઓપિનિયનને કન્સીડર તો ૧૦૦ ટકા કરવો જોઈએ. પણ હા, પછી તમે તમારા દિલની વાત પણ સાંભળો એ જરૂરી છે. જેમ કે મને મારા સ્ટડીઝ સાથે યોગ, ડાન્સ વગેરે પ્રોફેશનલી કરવા હતા ત્યારે શરૂઆતમાં મારા પેરન્ટ્સનો વિરોધ હતો, કારણ કે તેમને લાગતું હતું કે અત્યારે અર્નિંગ નહીં પણ લર્નિંગની જરૂર છે અને મારું બધું જ ફોકસ સ્ટડી પર હોવું જોઈએ. જોકે મને ભણવામાં એટલો રસ નહોતો પડી રહ્યો એટલે મેં તેમને કન્વિન્સ કર્યા અને હવે તેઓ મારા ડિસિઝનથી ખુશ છે. એટલે મને લાગે છે કે કરીઅરમાં આપણે આપણા મનની વાતને ફૉલો કરવી જોઈએ, પણ લાઇફના બીજા ડિસિઝનમાં પેરન્ટ્સના એક્સ્પીરિયન્સનો લાભ લેવો જોઈએ. જેમ કે લાઇફ-પાર્ટનરની પસંદગી કરવાની હોય કે મની-મૅનેજમેન્ટની વાત હોય કે આપણા બિહેવિયરમાં ક્યાંક ચેન્જ કરવાની બાબતમાં ઓપિનિયન લેવો હોય તો એ માટે પેરન્ટ્સની વાત સાંભળવી જોઈએ.’
સાઉથ મુંબઈની SNDT મહિલા વિદ્યાપીઠમાં અનુસ્નાતક વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. કવિત પંડ્યા બહુ જ સ્પષ્ટતા સાથે આ વાતને નકારે છે. અમેરિકામાં આ વાત લાગુ પડે, ભારતમાં નહીં એ તર્ક સાથે તેઓ કહે છે, ‘આપણા દેશમાં જ્યાં પરિવારની, મૂલ્યોની, સંસ્કાર, સંસ્કૃતિ અને સંબંધોની વાતો થાય છે ત્યારે આ ઑલ્ટમૅન ભાઈ જ્યાંથી આવે છે ત્યાં સંબંધો અને સ્નેહભાવનો દુકાળ છે. ત્યાં તો આમેય એક ઉંમર પછી સંતાનો મા-બાપથી છૂટાં પડી જાય. તેમને ત્યાં તો મા-બાપની કે વડીલોની વાતો સાંભળવાનો પ્રશ્ન જ નથી હોતો. જ્યાં આપણે ત્યાં તો વસુધૈવ કુટુંબકમની વાત આવે છે. સોશ્યલ લાઇફ વિકસેલી છે અને સંબંધોમાં હૂંફ અને આદર જોડાયેલાં છે. ત્યાં એકબીજાના પડખે ઊભા રહેવાની વાત આવે છે. આવા સમયે તમે તેમની વાતને સાંભળો એ ભૂલ છે એ વાત અસ્થાને છે. આ વાતને સહેજ પણ ગંભીરતાથી લેવાની જરૂર નથી.’