15 February, 2026 02:48 PM IST | Mumbai | Rashmin Shah
મળો ફિલ્મ ઓ રોમિયોનાં રિયલ શાહિદ અને તૃપ્તિને
ઓહ બાપ રે! હુસૈન ઉસ્તરાની દીકરી સનોબર શેખે મુંબઈની સિવિલ કોર્ટમાં કહ્યું કે તેના પપ્પા પોલીસ-ઇન્ફૉર્મર તો હતા જ, સાથોસાથ એક જર્નલિસ્ટ પણ હતા.
અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે રહ્યા પછી ધર્મને કારણે છોટા રાજન તેની સામે પડ્યો એ વાત દેશ આખો જાણે છે, પણ શું તમને ખબર છે આ જ દાઉદ સામે એક છોકરી પડી હતી અને એ પણ મુસ્લિમ છોકરી? તમને એ પણ ખબર છે કે તે છોકરીએ માત્ર ને માત્ર પોતાના પતિનો બદલો લેવા માટે એશિયા કપની શારજાહમાં રમાતી મૅચ દરમ્યાન હજારો લોકોની સામે દાઉદ ઇબ્રાહિમને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને એ પ્લાનને અમલમાં મૂકવા માટે બાકાયદા તેણે ટ્રેઇનિંગ લીધી હતી? આ બધી વાતો સાથે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓ રોમિયો’માં તે છોકરીનું કૅરૅક્ટર તૃપ્તિ ડિમરીએ કર્યું છે અને બદલાની આગમાં સળગતી તે છોકરીને ટ્રેઇન કરનારા હુસૈન ઉસ્તરાનું કૅરૅક્ટર શાહિદ કપૂરે કર્યું છે. હુસૈન ઉસ્તરાની દીકરી સનોબર શેખે ફિલ્મની રિલીઝના રોકવા માટે ભારે ધમપછાડા કર્યા, પણ મુંબઈની સિવિલ કોર્ટે ફિલ્મની રિલીઝ અટકાવી નહીં અને ફાઇનલી ફિલ્મ રિલીઝ થઈ. અલબત્ત, આપણે ફિલ્મની વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે ધોળે દિવસે દાઉદના છક્કા છોડાવી દેનારી તે છોકરીની એટલે કે સપનાદીદી અને તેના ટ્રેઇનર હુસૈન ઉસ્તરાની.
ક્રાઇમ-જર્નલિસ્ટ એસ. હુસૈન ઝૈદીએ લખેલી ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના ચૅપ્ટર ‘The Avenging Angel’માં સપનાદીદી અને તેના ટ્રેઇનર-મેન્ટર અને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાવાની મોઢામોઢ ના પાડી દેનારા હુસૈન ઉસ્તરાની વાત કરવામાં આવી છે.
કોણ હતો હુસૈન ઉસ્તરા?
હુસૈન ઉસ્તરાનું સાચું નામ હુસૈન શેખ હતું, પણ માત્ર ૧૬ વર્ષની ઉંમરે ઘર પાસે થયેલા એક ઝઘડામાં હુસૈને દાઢી કરવાના અસ્ત્રાથી એક માણસનું મર્ડર કરી નાખ્યું. ત્યારથી અન્ડરવર્લ્ડમાં તેનું નામ હુસૈન ઉસ્તરા પડી ગયું. બન્યું એમાં એવું કે સામાન્ય બોલાચાલીમાં સામેના માણસે હુસૈન સામે ગન કાઢી અને ક્ષણના પણ વિલંબ વિના હુસૈને બાજુમાં આવેલી વાળંદની લાકડાની કૅબિનમાં પડેલો દેશી અસ્ત્રો ઉપાડી લીધો અને પેલાના ગળા પર વાર કરી દીધો. હુસૈને એક જ વાર કર્યો અને એ પછી પણ પેલો માણસ બીજી જ સેકન્ડે રામનામ સત્ય થઈ ગયો. હુસૈને જેને માર્યો હતો તે બીજો કોઈ નહીં પણ ઊગતા દાઉદનો રાઇટ હૅન્ડ જેવો હતો.
ડૉક્ટરે લાશ જોયા પછી પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું કે આ એવા કોઈ માણસનું કામ છે જે મેડિકલ ફીલ્ડ સાથે સંકળાયેલો છે, આટલી સિફતપૂર્વક ગળામાંથી પસાર થતી ધોરી નસ તે જ કાપી શકે. બસ, એ દિવસથી હુસૈન શૈખનું નામ હુસૈન ઉસ્તરા પડી ગયું અને હુસૈને પણ એવું જ રાખ્યું. તેના ખિસ્સામાં અસ્ત્રો હોય જ હોય. અસ્ત્રો તેનું લાઇફટાઇમનું હથિયાર બની ગયો.
આવ ભાઈ હરખા...
આપણે બેઉ સરખા... પણ ના, એવું બન્યું નહીં. હુસૈને જે હિંમત સાથે પોતાના માણસને મારી નાખ્યો એ જોયા પછી દાઉદ ઇબ્રાહિમે તેને સામે ચાલીને બોલાવ્યો અને પોતાની ગૅન્ગમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. જોકે હુસૈનને પહેલેથી જ દાઉદ પર ખુન્નસ હતું. દાઉદ ઇબ્રાહિમ અને હુસૈન ઉસ્તરા બન્ને ભીંડીબજારમાં પોતાની દાદાગીરી ચલાવતા. હુસૈનને દાઉદ પર ખીજ એ વાતની હતી કે તે રસ્તા પર બેસનારાઓ પાસેથી પણ હપ્તો ઉઘરાવતો. હુસૈને દાઉદ સાથે હાથ મિલાવવાને બદલે તેની સામે ઊભા થવાનું નક્કી કર્યું. હુસૈન કરતાં દાઉદ સાતેક વર્ષ મોટો. હુસૈને જ્યારે પહેલું મર્ડર કર્યું ત્યારે દાઉદની લુખ્ખાગીરી શરૂ થઈ ગઈ હતી. આ વાત છે ૧૯૭૭-’૭૮ની.
એ સમયે દાઉદ કરતાં પણ તેના ભાઈઓની દાદાગીરી આ વિસ્તારમાં વધારે રહેતી. દાઉદની સાથે જોડાવાને બદલે હુસૈને પોતાની ગૅન્ગ ઊભી કરી જે બધી જ રીતે અનોખી હતી.
આવી તે ગૅન્ગ!
હુસૈનની ગૅન્ગમાં શારીરિક રીતે અક્ષમ હોય એવા લોકો જોડાયેલા હતા. તેઓ બોલી શકતા નહીં, પણ લિપ-રીડિંગના બાદશાહ હતા તો સાથોસાથ અનઑફિશ્યલી ફોન-ટૅપિંગમાં પણ અવ્વલ હતા. હુસૈન ઉસ્તરા મસ્જિદ બંદરમાં આવેલા બદાની બિલ્ડિંગમાં રહેતો હતો. નેવુંના દશકના મધ્યમાં તો હુસૈને આ બિલ્ડિંગને એ સ્તર પર અત્યાધુનિક બનાવી દીધું હતું કે તે પોતાની રૂમમાં બેઠો-બેઠો બહાર કોણ આવે છે અને કોણ જાય છે એના પર નજર રાખતો.
આ એ સમયની વાત છે જે સમયે ઇન્ટરનેટ અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અલ્ટ્રા-મૉડર્ન ટેક્નૉલૉજી ગણાતી, પણ હુસૈન એ ટેક્નૉલૉજી લાવ્યો અને એનો ઉપયોગ તેણે પોતાના બિલ્ડિંગમાં કર્યો હતો. ૧૯૯૪-’૯પમાં તો એવી હાલત હતી કે દાઉદના માણસો કે પોલીસ એ વિસ્તારમાં ફરકે કે તરત જ હુસૈનને ખબર પડી જતી અને તે બદાની બિલ્ડિંગના પાછળના દરવાજેથી નીકળીને ગુમ થઈ જતો.
કૅમેરાની સાથોસાથ હુસૈને પાયધુની પોલીસ-સ્ટેશનની બહાર પણ પોતાની ગૅન્ગના પેલા બહેરા-મૂંગા છોકરાઓને ગોઠવી રાખ્યા હતા, જે દૂરથી જ પોલીસ કે બાતમીદારોની લિપ-મોમેન્ટ પારખી લેતા અને હુસૈનને પહોંચાડી દેતા. ફોન-ટૅપિંગ કરવા ઉપરાંત હુસૈને મુંબઈ ટેલિફોન એક્સચેન્જના એવા જુનિયર લાઇનમેનને પણ પોતાની ગૅન્ગમાં રાખ્યા હતા જે ટેલિફોનની લાઇનનું ક્રૉસ-કનેક્શન કરીને એ ફોન હુસૈનની બદાની બિલ્ડિંગની ઑફિસમાં આવે એવી ગોઠવણ કરી દેતા.
હુસૈન પોતાના કન્ટ્રોલ-રૂમ પર એ સ્તર પર મુસ્તાક હતો કે વટથી કહેતો કે આ ગલીમાં કીડી પણ ચાલે તો મને ખબર પડી જાય. આ હાઈ-ટેક નેટવર્કને કારણે જ હુસૈન વર્ષોથી સુધી દાઉદ ઇબ્રાહિમના શૂટરથી બચતો રહ્યો.
કર લી ઉંગલી...
કૉન્ટ્રૅક્ટ-કિલર બનીને કામ કરતો હુસૈન આ આખા વિસ્તારમાંથી હપ્તા ઉઘરાવતો અને સાથોસાથ દાઉદનાં કન્સાઇનમેન્ટ પણ લૂંટતો. જે સમયે તેને એવું લાગતું કે પોતે એ લૂંટી શકે એમ નથી એ સમયે તે સામે ચાલીને દાઉદના આવતા માલની પોલીસમાં જાણ કરી દેતો. એ સમયે દાઉદ સ્મગલિંગથી મોટા પાયે સોનું લાવવાનું કામ કરતો. સમય જતાં દાઉદ કન્સાઇનમેન્ટમાં હથિયાર પણ મગાવવા માંડ્યો અને હુસૈને એ પણ લૂંટવાનું ચાલુ રાખ્યું.
દાઉદ ઇબ્રાહિમને લૂંટવાની તેને ગજબ જ મજા આવતી હતી. એક તબક્કે તો એવું પિક્ચર પણ ઊભું થયું હતું કે હુસૈન ઉસ્તરા પોલીસ-ઇન્ફૉર્મર છે, પણ હકીકતમાં એવું હતું નહીં. પોલીસના રેકૉર્ડ પર પણ હુસૈન વિરુદ્ધ મર્ડર કરવાના, ખંડણી ઉઘરાવવાના અને ધાકધમકી આપીને પ્રૉપર્ટી ખાલી કરાવવાના કેસ નોંધાયા છે. જોકે સપના માટે એ જ મહત્ત્વનું હતું કે હુસૈન ઉસ્તરા દાઉદ ઇબ્રાહિમનો વિરોધી હતો અને તેનાથી સહેજ પણ ડરતો નહોતો. હુસૈનની આ જ ઇમેજને કારણે સપના હુસૈનની નજીક આવી.
સપનાદીદી તરીકે કુખ્યાત થયેલી આ લેડીને ઓળખતાં પહેલાં એ જાણવું પડે કે દાઉદ ઇબ્રાહિમ અને મહમૂદ કાલિયા વચ્ચે શું દુશ્મની હતી?
વાત કાલિયાની
મહમૂદ ખાન દુબઈમાં રહેતો. તે પોતાની વાઇફ અશરફ ખાનને મળવા માટે વારતહેવાર ઇન્ડિયા આવતો. દુબઈમાં સામાન્ય નોકરી કરતો મહમૂદ ખાન મુંબઈ આવે ત્યારે બીવી માટે બધી રીતે ન્યોછાવર થઈ જતો. બન્ને પ્રેમથી ફરવા જતાં, મજા કરતાં અને રજા પૂરી થાય એટલે મહમૂદ ફરી દુબઈ જતો રહેતો.
૧૯૮૬ની વાત છે. મહમૂદ મુંબઈ આવ્યો. વાઇફ અશરફ ખુશી-ખુશી તેને લેવા માટે ઍરપોર્ટ પહોંચી. મહમૂદ ઍરપોર્ટની બહાર નીકળતો હતો ત્યાં જ પોલીસ-ફાયરિંગ શરૂ થયું અને અશરફની આંખ સામે તેના ખાવિંદ મહમૂદનું એન્કાઉન્ટર થયું. એ પછી પહેલી વાર અશરફ ખાનને ખબર પડી કે તેનો ખાવિંદ મહમૂદ ખાન હકીકતમાં મહમૂદ કાલિયા છે અને તે દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરતો. સમય જતાં એ પણ ખબર પડી કે આ એન્કાઉન્ટર દાઉદના કહેવાથી જ થયું હતું.
દાઉદને શક હતો કે મહમૂદ કાલિયા તેની આવકમાં કટ રાખીને અનઑફિશ્યલી પૈસા સેરવી લે છે તો દાઉદને એ પણ શક હતો કે મહમૂદ દુબઈમાં બેઠો-બેઠો પોલીસને તેની ઇન્ફર્મેશન આપે છે અને એટલે દાઉદે કાલિયાનું એન્કાઉન્ટર કરાવી નાખ્યું.
અશરફ સામે આ આખી વાત આવી અને અશરફે નક્કી કર્યું કે તે પતિના મોતનો બદલો લેશે. આ એ સમયની વાત છે જે સમયે ભલભલા ચમરબંધી, મૂછે લીંબુ લટકાવીને ફરતા ભાયડા પણ દાઉદ પર હાથ ઉપાડવાનું સપનામાંય વિચારી નહોતા શકતા અને એની સામે હંમેશાં બુરખામાં રહેતી એક ઔરતે દાઉદના મોતને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું અને એ પણ માત્ર પતિના મોતનો બદલો લેવા માટે.
અશરફ બની સપના
દાઉદને મારવા માટે અશરફને મન અને ધનથી સપોર્ટની જરૂર હતી, જ્યારે તેની પાસે આપવા માટે માત્ર તન હતું. અશરફને ખબર પડી કે હુસૈન એકમાત્ર એવો માણસ છે જે દાઉદની સામે ખુલ્લેઆમ લડે છે અને બસ, અશરફ હુસૈન પાસે પહોંચી. અશરફની એક જ અપેક્ષા હતી કે હુસૈન તેને ટ્રેઇન કરે.
છોકરીબાજીમાં અવ્વલ એવા હુસૈનને અશરફના શરીરમાં રસ પડ્યો અને બન્ને વચ્ચે સોદાબાજી થઈ. હુસૈનને જે જોઈએ એ અશરફ આપે અને અશરફને ટ્રેઇન કરવાની જવાબદારી હુસૈનની. હુસૈને અશરફને બંદૂક ચલાવવાથી માંડીને ઘોડેસવારી કરવાની, ઘેરબેઠાં હાથબૉમ્બ બનાવવાની અને માર્શલ આર્ટ સહિતની ટ્રેઇનિંગ આપી. આ પ્રકારની ટ્રેઇનિંગમાં બુરખો નડતર બનતો હોવાથી ભારોભાર ઑર્થોડૉક્સ એવી સપનાએ જીન્સ અને શર્ટ પહેરવાનું શરૂ કર્યુ અને એ પછી હુસૈને જ અશરફનું નવું નામકરણ કર્યું - સપના. હુસૈને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દાઉદને મારવું એ એકમાત્ર અશરફનું સપનું હતું એટલે તેનું નામ સપના કર્યું. સમય જતાં આ સપના ‘સપનાદીદી’ તરીકે લોકોમાં કુખ્યાત થવા માંડી. જોકે કુખ્યાત એવી આ લેડી ક્યારેય ભૂલી નહીં કે તેની લાઇફનો એક જ ગોલ છે - દાઉદને ખતમ કરવો. હુસૈન અને સપનાએ લગાતાર ૪ વર્ષ સુધી સતત દાઉદ ઇબ્રાહિમના મુંબઈના અડ્ડાથી માંડીને ક્લબ, કન્સાઇનમેન્ટ પકડાવવાનું કામ કર્યું. આજે પણ મુંબઈ પોલીસમાં સપનાનું નામ એક ઇન્ફૉર્મર તરીકે રજિસ્ટર્ડ છે, પણ સાથોસાથ એવું પણ લખાયું છે કે આ ઇન્ફૉર્મર ધીમે-ધીમે પોતે ડૉન બની ગઈ.
એકદમ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની સપનાની આગળ-પાછળ કોઈ નહોતું. સપનાની ઇચ્છા મા બનવાની હતી, પણ તેણે નક્કી કર્યું હતું કે તે દાઉદને માર્યા પછી જ એ દિશામાં આગળ વધશે અને એટલે જ તેને પોતાની સલ્તનત કરતાં વધારે ઇન્ટરેસ્ટ દાઉદને પરાસ્ત કરવામાં હતો.
નેવુંનો દશકો શરૂ થાય એ પહેલાં દાઉદ ઇબ્રાહિમ આણિ મંડળી મુંબઈ છોડીને કાયમ માટે દુબઈમાં સેટલ થઈ ગઈ. સપનાએ અહીંથી પોતાના જીવનનું મૂળ ધ્યેય પકડવાનું શરૂ કર્યું.
દુબઈમાં સતત સીનસપાટા કરતા દાઉદ ઇબ્રાહિમ પર નજર રાખવા માટે સપનાએ પોતાનું અને હુસૈનનું નેટવર્ક કામે લગાડ્યું. દાઉદ પાર્ટી કરતો, હોટેલમાં જતો, ખુલ્લેઆમ ઑફિસે જતો અને રસ્તા પર પણ જોવા મળતો. આ બધા ફોટોગ્રાફ્સના આધારે સપનાના મનમાં ક્લિયર થયું કે દાઉદને જો મારવો હોય તો દુબઈથી બેસ્ટ જગ્યા બીજી કોઈ નથી અને સપનાએ પ્લાન બનાવવાનું શરૂ કર્યું.
દીકરીને શું વાંધો પડ્યો?
હુસૈન ઉસ્તરાની દીકરી સનોબર શેખનું કહેવું છે કે તેણે ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટીઝર રિલીઝ થયું ત્યારે જ ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટરને નોટિસ મોકલી, પણ તેમણે સ્વીકાર્યું નહીં કે આ ફિલ્મ તેના અબ્બાની લાઇફ પર આધારિત છે. ટ્રેલર-લૉન્ચ વખતે ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટરે પ્રેસ-કૉન્ફરન્સમાં સ્વીકાર્યું કે આ ફિલ્મ હુસૈન ઉસ્તરા અને સપનાદીદીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
એ પછી સનોબર શેખે સિવિલ કોર્ટમાં કેસ કર્યો. સનોબરનું કહેવું છે કે આ ફિલ્મથી તેની અને તેની ફૅમિલીની લાઇફમાં તકલીફો વધી શકે છે. સનોબરે કહ્યું હતું કે ‘ફિલ્મમાં દેખાડ્યું છે એમ મારા અબ્બા ગૅન્ગસ્ટર નહોતા. તે પોલીસ-ઇન્ફૉર્મર હતા અને દાઉદની વિરુદ્ધ લડતા હતા. મારા અબ્બા અને સપનાદીદી વચ્ચે કોઈ રિલેશનશિપ પણ નહોતી. મારા અબ્બા તો સપનાને પોતાની બહેન માનતા, પણ ફિલ્મમાં બન્ને વચ્ચે ઇન્ટિમેટ રિલેશનશિપ દેખાડી છે. મારા અબ્બા ક્યારેય એક પણ અપશબ્દ બોલતા નહીં, જ્યારે ફિલ્મના ટ્રેલરમાં જ પાંચથી સાત ગાળો આવે છે.’
સનોબરનું એ પણ કહેવું છે કે હુસૈનના નામની પાછળ લાગતું ‘ઉસ્તરા’ પણ જે સ્ટોરી ઇન્ટરનેટ અને બુકમાં છે એ પ્રકારનું નથી. સનોબરે કહ્યું હતું કે ‘ઉસ્તરા બનાવવાની અમારી ખાનદાની દુકાન હતી. માત્ર મારા અબ્બા જ નહીં, અમારા બીજા ચાચાઓ પણ પોતાના નામની પાછળ ઉસ્તરા લગાડે છે અને આ લોકોએ લગાડવાનું શરૂ કર્યું છે, અમે નહીં અને એ પણ અમારા ખાનદાની બિઝનેસના કારણે.’
હુસૈન ઉસ્તરાને માત્ર એક દીકરી સનોબર જ છે. સનોબરનાં મૅરેજ થઈ ગયાં છે અને તે મુંબઈમાં જ રહે છે.
મૅચ નહીં, મોત ફિક્સ
૧૯૮૮માં શારજાહમાં એશિયા કપની ટુર્નામેન્ટ રમાવાની હતી. સપનાએ હુસૈન ઉસ્તરા સાથે મળીને પ્લાન બનાવ્યો કે એ મૅચમાં શાર્પશૂટર્સ પ્રેક્ષક બનીને સ્ટેડિયમમાં જશે અને બધાનું ધ્યાન મૅચમાં હશે ત્યારે દાઉદ પર એ લોકો ફાયરિંગ કરશે. જે અંધાધૂંધી ફેલાશે એ જોતાં પોતાના શાર્પશૂટર્સ ત્યાંથી નીકળી જશે અને બીજું, શારજાહ એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ છે એટલે દાઉદના માણસો ભાગાભાગી કરતા લોકો પર ફાયરિંગ નહીં કરે.
પ્લાન પર્ફેક્ટ હતો, પણ દાઉદનું નેટવર્ક એટલું શાર્પ હતું કે તેના સુધી આ માહિતી પહોંચી ગઈ અને દાઉદ એ સીઝનની ટુર્નામેન્ટમાં એક પણ વખત સ્ટેડિયમમાં ગયો નહીં. અલબત્ત, હવે તેણે નક્કી કરી લીધું કે સપનાને જીવતી મૂકવી નહીં.
છોટા શકીલને એ જવાબદારી સોંપવામાં આવી અને ૧૯૯૦ના ફેબ્રુઆરીમાં શકીલના માણસોએ તાડદેવમાં આવેલા મોતીવાલા બિલ્ડિંગમાં રહેતી સપના પર મધરાતે અટૅક કર્યો અને છરીની સાથોસાથ અસ્ત્રાથી તેના પર બાવીસ ઘા કર્યા અને સપનાદીદી અધૂરા સપના સાથે ખુદા પાસે પહોંચી ગઈ. મુંબઈ પોલીસના રેકૉર્ડ મુજબ મુંબઈની કોઈ લેડી ડૉન પર આટલો ઘાતકી હુમલો ક્યારેય થયો નહોતો. દાઉદે ધાર્યું હોત તો તે ગોળી મારીને પણ સપનાને મરાવી શક્યો હોત, પણ તેણે મુંબઈમાં દાખલો બેસાડવો હતો કે કોઈ તેની સાથે આવું કરવાનું વિચારે સુધ્ધાં નહીં એટલે તેણે આવી નિર્લજ્જ રીતે સપનાને મરાવી.
આઠ વર્ષ પછી ઉસ્તરા
સપનાને માર્યાના ૮ વર્ષ પછી ૧૯૯૮ની ૧૧ સપ્ટેમ્બરની સાંજે હુસૈન સાથે પણ એ જ થયું. છોટા શકીલના માણસોએ હુસૈનને માર્યો. સહજ રીતે મનમાં આવે કે આટલો લાંબો સમય શું કામ ખેંચાયો તો એનો જવાબ છે હુસૈન ઉસ્તરાએ તેના વિસ્તારમાં ઊભી કરેલી સિક્યૉરિટી અને તેનું CCTV કૅમેરાનું નેટવર્ક. સપનાના મોત પછી હુસૈન મોટા ભાગે પોતાના એરિયામાં જ રહેતો, પણ તેનો આશિક મિજાજ નડી ગયો.
કોલાબા વિસ્તારમાં આવેલી શીલા હોટેલમાં પોતાની ગર્લફ્રેન્ડને મળીને તે પાછો આવતો હતો ત્યારે હોટેલ પાસે આવેલા પાર્કિંગ એરિયામાં પહેલેથી ગોઠવાયેલા શકીલના શૂટરોએ હુસૈન ઉસ્તરા પર ફાયરિંગ કર્યુ અને હુસૈનની બૉડીમાં ૧૮ર ગોળી ઓરી દીધી.
હુસૈન ઉસ્તરાના મોત સાથે દાઉદ ઇબ્રાહિમ મુંબઈમાં અજેય બની ગયો. મુંબઈમાં બેસીને તેની સામે હુંકાર કરનારું કોઈ બચ્યું નહીં અને દાઉદ ઇબ્રાહિમ સલામત રીતે દુનિયાથી અલોપ થઈ ગયો.