04 January, 2026 03:23 PM IST | Mumbai | Sairam Dave
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આ અંગ્રેજો દેશ છોડીને ગ્યા તોયે મગજની માસીનો અઠ્ઠો કરવાનું મૂકતા નથી. દિવાળીએ સાલ મુબારક કરવાનું ચૂકી ગ્યા હોય તો હરખ-શોક નો હોય પણ ઈસુ ખ્રિસ્તનું વરસ પૂરું થાય એટલે રાતે બાર વાગ્યે જ બધાય ધબાધબી મેસેજ કરવા ઉપર આવી જાય. હૅપી ન્યુ યર ને હેપી ૨૦૨૬ ને એવું બધુંય. આપણને કે’વાનું મન થાય કે તું ઝાયલો જા તો અમારું આખો જન્મારો હૅપી છે વાલીડા. સૂઈ જા, છાનોમાનો એટલે જલદી સવાર પડે.
આ નવા વરસને વેલકમ કરવા માટે દારૂનીયે બરાબરની પ્રથા ચાયલી છે. ગુજરાતમાં તો દારૂબંધી છે પણ તોયે રસિયાવ દારૂની વ્યવસ્થા કરી લ્યે. આ દારૂની પ્રથા શું કામ પયડી ઈ સમજવા જેવું છે. ફૉરેનના દેશોમાં ડિસેમ્બરમાં હાડબાળ ઠંડી પડતી હોય એટલે એ લોકો ગરમાવો લેવા છાંટોપાણી કરે પણ માળું બેટું આપણી ન્યાં તો ઠંડીનું નામોનિશાન નથી ને તોયે છાંટોપાણી કરવા જોઈ. ક્યે છે કે મુંબઈવાળાવે તો નવા વર્ષના નામે કરોડોનો દારૂ ઢીંચી લીધો, એની સામે કાઠિયાવાડમાં અમારે નિરાંત. નવા વરસને વધાવવા છાશના પ્રોગ્રામોયે થાય ને જરાક ગરમાવો જોતો હોય તો કેસર નાખેલું ખજૂરવાળું દૂધેય પીરસવામાં આવે.
આ OTT આવી ગ્યા પછી ટીવીના પ્રોગ્રામની બાબતમાંય લમણાઝીંક થઈ ગઈ છે. OTTની પે’લા અને વરસ સાથે લખવું હોય તો ૨૦૧૯ની પે’લા નવું વરસ ચાલુ થાવાનું હોય એ રાતે એકાદો ફિલ્મ અવૉર્ડનો પ્રોગ્રામ ટીવી પર નક્કી જ હોય. રાતે નવ વાગ્યે પ્રોગ્રામ પૂરો થાય અને ૧૧ વાગીને પ૯ મિનિટ ને માથે પ૦ સેકન્ડ થાય એટલે ટીવીની સ્ક્રીન પર કાઉન્ટ-ડાઉન આવવાનું ચાલુ થઈ જાય. ન્યુઝ ચૅનલ પર પણ એ સમયે પ્રોગ્રામ થતા ને વરસની સૌથી યાદગાર કહેવાય એવી ઘટનાઓ દેખાડવામાં આવતી. ન્યુઝ ચૅનલ પણ હવે એવું કંઈ કરતી નથી ને સામા પક્ષે ટીવી ચૅનલને પણ હવે ખબર પડી ગઈ છે કે આ નવા વરસના હરખપદૂડાવને ટીવીમાં રસ નથી રયો, એ કાંય જોવાના નથી એટલે આપણે કાંય દેખાડવાનું નથી.
હું કૉલેજમાં ભણતો ત્યારે તો ટીવીનાયે વાંધા હતા. કલર ટીવી હોય તે ચાર ફુટ ઊંચો ચાલતો. આજુબાજુવાળા ટીવી લ્યે એટલે આપણને બા સામેથી એમ કહી દ્યે કે હવે બાજુવાળા હારે કોઈએ બાજવાનું નથી. કાં તો જવાબ મળે, ‘હવે એની ન્યાં ટીવી આવી ગ્યું છે, તમે બગાડશો તો પછી મારે ચિત્રહાર જોવા કોની ન્યાં જાવું?’
આવું કીધા પછી સૌથી પહેલું બાજુવાળા હારે ધિંગાણુંયે બાનું જ થાય.
મારા ભાઈબંધ અતુલની બાએ આવી જ સૂચના આપી દીધી ને અઠવાડિયા પછી બડીકો લઈને (ટીવીવાળા) બાજુવાળાના છોકરાને મારવા ગઈ. માંડ-માંડ અતુલે તેને શાંત પાડ્યાં તો બડીકો અતુલને ઝીંકી દીધો. ક્યે, ‘તને એના છોકરાના હાથનો માર ખાવાનું કોણે કીધું’તું?’
‘બા, તમે જ કીધું’તું કે બાજુવાળા હારે હવે બાજતાં નઈ, એમાં તેણે ઝીંકી દીધી ને મેં ચૂપચાપ ખાઈ લીધી.’ અતુલ હેબતાયેલો હતો, ‘મેં જે કયરું એ તારા ચિત્રહાર સાટું કયરું.’
‘મૂઅું મારું ચિત્રહાર. મારા છોકરાને હાથ શેનો અડાડે...’
બાને પાછું શૂરાતન ચડ્યું ને અતુલે માંડ-માંડ તેને પકડી.
માનું આવું જ હોય. તે પોતે છોકરાને ઢીબી નાખશે પણ જો બીજું કોઈ આવીને આંગળી પણ અડાડી જાય તો તેનામાં મા કાળકા પ્રવેશી જાય. દરેક માનું આવું હોતું હશે. પણ હમણાં-હમણાંની મમ્મીઓ બદલાઈ છે. આપણી મમ્મીઓ બીજાના છોકરા બરાબર જમી લે એટલે આપણી ઉપર ધૂઆંપૂઆં થતી પણ આજકાલની મમ્મીઓની કમાન છટકવાનું કારણ જુદું હોય છે. બીજાના છોકરાઓ જો અંગ્રેજીમાં વાત કરે તો હવેની મમ્મીઓની કમાન છટકી જાય છે.
‘સી... સી... હાઉ મચ ફાઇન ઇંગ્લિશ ને યુ સાવ ડોબા...’
આવું અંગ્રેજી સાંભળીને એક અંગ્રેજે મને પૂછ્યું, ‘વિચ લૅન્ગ્વેજ ઇઝ ધિસ?’
‘ઇટ્સ અવર મધર ટન્ગ...’
છોકરાવ અંગ્રેજી બોલે એના સૌથી વધારે અભરખા મમ્મીઓને હોય છે. એ બાબતમાં પપ્પાનું કામકાજ ડૅડી-કૂલ જેવું હોય. તમે જોજો, મોટા ભાગના ઘરમાં મમ્મીઓ જ છોકરાઓ ભેગી અંગ્રેજીમાં વાત કરતી હશે. પપ્પા તો એયને પોતાના ઓરિજિનલ રૂઆબમાં જ વાત કરે, ‘ક્યાં ગ્યો’તો...’, ‘કોની હારે હતો...’, ‘શું કામ ગ્યો’તો?’
આ બધી વાતના જવાબથી જો બાપને સરખા ન મળે કે સરખા ન લાગે તો પછી સીધો આવે ધબ્બો. પણ સાહેબ, એ જે ધબ્બો હતો એ ધબ્બાનું જ પરિણામ છે કે આજે આપણે બે પાંદડે થયા છીએ. માનું કામ લાડ કરવાનું ને બાપનું કામ વધારે પડતાં મળેલાં લાડને ઘટાડવાનું. જોકે ખેદ સાથે કહેવું પડે કે એ જે બૅલૅન્સ હતું એ બૅલૅન્સ અત્યારે અમુક ઘરોમાં તૂટી ગયું છે. હવે બાપ છોકરાઓને દબડાવે કે તરત મમ્મી વચ્ચે આવી જાય અને તરત કહી દે, ‘તમારે એને કાંય નથી કહેવાનું...’
બેન, બાપા નહીં કહે તો છોકરાવને કહેવા માટે કોણ આવશે, બહારવટિયા? યાદ રાખજો, જે ઘરમાં બાપ બહારવટિયા જેવો છે એ ઘરની પ્રજાને સપનામાં પણ ખોટું કરતાં બીક લાગે છે ને બીક ત્યારે જ અકબંધ રહે જ્યારે સમૂહમાં એક જણો ગુંડો બની શકતો હોય. પછી એ સમૂહ ઘરનું હોય કે ઑફિસનું.