12 July, 2026 03:45 PM IST | Mumbai | Rashmin Shah
જસવંત સિંહ ખાલડા અને દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’
પંજાબના સૌથી કાળમીંઢ એવા નેવુંના દશકનો ઇતિહાસ બહાર લાવતી ફિલ્મ સતલજને રિલીઝ કરવાની સેન્સર બોર્ડની પરવાનગી નહોતી એટલે એને ચૂપચાપ OTT પર રિલીઝ કરી દેવાઈ. જોકે અહીં પણ એ ૪૮ કલાકમાં ઑફ-ઍર થઈ જતાં ફરી એક વાર જસવંત સિંહ ખાલડા લાઇમલાઇટમાં આવી ગયા. હજારો પંજાબી યુવાનોની કતલને બહાર લાવવાનું કામ કરનારા આ હીરોની લાઇફ ખરા અર્થમાં ફિલ્મી હતી. વાંચો...
વિચાર કરો કે દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ કયા નસીબે બનવાની શરૂ થઈ હશે કે ન તો એ ફિલ્મ થિયેટરમાં આવી અને ન તો એને OTT રિલીઝ મળી. હા, ૪૮ કલાક પૂરતી ફિલ્મ ZEE5 પર આવી અને એ પછી કોઈ પણ જાતની સ્પષ્ટતા કે ખુલાસા વિના એને ઑફ-ઍર કરી નાખવામાં આવી. ૩ વર્ષ સુધી સેન્સર સર્ટિફિકેટ માટે સેન્સર બોર્ડમાં પડી રહેલી આ ફિલ્મ માટે સેન્સર બોર્ડે સજેશન આપ્યું હતું કે ફિલ્મમાં કુલ ૧૨૦ કટ્સ મૂકવામાં આવે તો ફિલ્મ રિલીઝ કરવા મળશે. સેન્સરની વાત જો માનવામાં આવે અને ૧૨૦ કટ્સ મૂકવામાં આવે તો પાછળ ‘સતલજ’ બચતી હતી બાવીસ મિનિટની!
જુવાનીના દિવસોમાં જસવંત સિંહ ખાલડા પત્ની, દીકરો-દીકરી અને મમ્મી સાથે.
થાકી-હારીને અને કંટાળીને દિલજિત દોસાંઝ અને ફિલ્મના ડિરેક્ટર હની ત્રેહાને નક્કી કર્યું કે ફિલ્મ OTT પર રિલીઝ કરી દેવી. કરી પણ ખરી, પણ ફિલ્મ પર લાગેલું ગ્રહણ અકબંધ રહ્યું અને ૪૮ કલાકમાં ફિલ્મ ઉતારી લેવામાં આવી. કારણ એવું આપવામાં આવ્યું કે ફિલ્મ ‘સતલજ’ને કારણે પંજાબમાં ખાલિસ્તાની માનસિકતાને નવેસરથી વેગ મળી શકે છે જે પંજાબની શાંતિ ભંગ કરશે. મુદ્દો એ છે કે ફિલ્મમાં એવું તે શું છે કે પ્રવર્તમાન સરકારથી માંડીને ન્યાયાલયો સુધીના સૌકોઈને એ વાતમાં તથ્ય દેખાય છે? ફિલ્મનો વિષય એવો કયો છે કે લોકો ઉશ્કેરાય અને પંજાબે ટેન્શનમાં આવવું પડે?
‘સતલજ’માં વાત છે જસવંત સિંહ ખાલડાની અને તેમણે આપેલા ભોગની.
પોલીસે કરેલા દમન સામે કાયદાકીય તલવાર માંડનારા જસવંત સિંહ ખાલડાએ એક એવું કામ હાથમાં લીધું જે કામે તેમને પંજાબીઓના સુપરહીરો તો બનાવી દીધા, પણ તેમનું જીવન દોજખ કરી નાખ્યું.
વાત પહેલાં ફિલ્મની
‘સતલજ’ના નામે રિલીઝ થયેલી આ ફિલ્મનું પહેલાં ટાઇટલ ‘પંજાબ ૯પ’ હતું, કારણ કે એમાં વાત ૧૯૯પના અરસાની હતી. પંજાબ પોલીસે ૧૯૮પથી ૧૯૯પના દસકામાં પંજાબના ૨૫,૦૦૦થી વધારે યુવાનોની હત્યા કરી જેની ક્યારેય ઇન્ક્વાયરી થઈ જ નહીં, પણ જસવંત સિંહ ખાલડાને કારણે એ વાતો બહાર આવી અને પંજાબ પોલીસમાં રહેલા દાનવો બહાર આવ્યા.
જસવંત સિંહ ખાલડાનું પાત્ર ફિલ્મમાં દિલજિત દોસાંઝે ભજવ્યું છે અને એ હદે આબેહૂબ રીતે નિભાવ્યું છે કે જોનારાઓ ધ્રૂજી જાય. દિલજિત કહે છે, ‘ફિલ્મ બે પ્રકારની હોય. એક મનોરંજન માટે અને બીજી જીવનને નવી દિશા આપવા માટે. ‘સતલજ’ આ બીજા પ્રકારની ફિલ્મ છે. અમે પ્રયાસો કરીશું કે ફિલ્મ ભારતમાં ફરીથી જોવા મળે અને ઑડિયન્સ સુધી એ સમયની સાચી વાતો પહોંચે.’
એ કહેવું જરા પણ અતિશયોક્તિભરેલું નથી કે ‘સતલજ’ જસવંત સિંહ ખાલડાની બાયોપિક છે. દિલજિત દોસાંઝથી માંડીને ફિલ્મ સાથે સંકળાયેલું સૌકોઈ જાણતું હતું કે આ ફિલ્મ લોકો સુધી પહોંચવા દેવામાં નહીં આવે અને એટલે જ તો એક પણ પ્રકારની અનાઉન્સમેન્ટ કે પ્રમોશન વિના જ ફિલ્મને ZEE5 પર રિલીઝ કરી દેવામાં આવી, પણ બન્યું એ જ જેનો અંદેશો હતો.
વાત જસવંત સિંહ ખાલડાની
સામાન્ય કદ-કાઠીના આ માણસે પંજાબ પોલીસ દ્વારા ફેલાવવામાં આવેલા અંધકાર સામે એકલપંડે મશાલ હાથમાં લીધી અને આખેઆખા પોલીસ ડિપાર્ટમેન્ટ અને પંજાબ સરકારને ધ્રુજાવી દીધાં હતાં. ૧૯૫૨માં જન્મેલા જસવંત સિંહ ખાલડાને રાજકારણ સાથે નાહવા-નિચોવવાનો પણ સંબંધ નહીં. ધી અમૃતસર સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્કના કર્મચારી એવા જસવંત સિંહ ખાલડાના જીવનનો હેતુ અને દિશા બન્ને ક્લિયર હતાં : ઘરથી બૅન્ક અને બૅન્કથી ગુરુદ્વારા. આડોશી શું કરે છે અને પાડોશી ક્યાં ફરે છે એ જોવામાં પણ તેને દિલચસ્પી નહોતી. જોકે એક ઘટના એવી ઘટી કે સામાન્ય બૅન્કર પોતાની ઇકૉનૉમિક્સની દુનિયા છોડીને ઇન્વેસ્ટિગેટર બની ગયો અને જસવંત સિંહ ખાલડાની વર્ષોની જહેમતે ખાખી વર્દી પાછળ છુપાયેલા ગુનાઓનું એ રજિસ્ટર ખોલી નાખ્યું કે દિલ્હીની કેન્દ્ર સરકાર પણ ધ્રૂજી ગઈ.
આખી વાત સમજવા માટે થોડું રિવાઇન્ડ થવું પડશે.
વાત છે ૧૯૮૪ની અને એ પછીના સમયગાળાની. ખાલિસ્તાનની પ્રખર માગણી સાથે પંજાબમાં અશાંતિ ફેલાવતા ભિંડરાંવાલે નામના ઉગ્રવાદીને હટાવવા અમ્રિતસરના સુવર્ણમંદિરમાં થયેલા ઑપરેશન બ્લુસ્ટાર અને ઑપરેશન બ્લુસ્ટારને કારણે થયેલી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં ફાટી નીકળેલાં સિખવિરોધી રમખાણોએ દેશને ધ્રુજાવી દીધો હતો. કાયદો-વ્યવસ્થાની બાબતમાં પંજાબ ભયાનક કટોકટીમાંથી પસાર થતું હતું. એક તરફ ખાલિસ્તાનને પાકિસ્તાનનો સપોર્ટ મળતો હતો તો બીજી તરફ પંજાબમાં પણ અલગ રાષ્ટ્રની માનસિકતા ઘર કરવા માંડી, જેને ડામવા પંજાબ સરકારે પંજાબને ઑલમોસ્ટ પોલીસરાજ બનાવીને આખું રાજ્ય ખાખી વર્દીધારીઓને સોંપી દીધું હતું.
સરકાર અને ઉગ્રવાદીઓ વચ્ચે સામાન્ય અને નિર્દોષ લોકો પિસાતા અને બૅન્ક-કર્મચારી જસવંત સિંહ ખાલડા આ બધું જોતા. પ્રવર્તમાન પરિસ્થિતિ તેમને ચેન નહોતી લેવા દેતી, પણ તે કશું કરી શકતા નહોતા. વાત ત્યારે વણસી જ્યારે ૧૯૯૦ના આરંભમાં પંજાબમાં નવો પણ ભયાનક ટ્રેન્ડ શરૂ થયો. કાયદાની બોલીમાં ‘એન્ફોર્સ્ડ ડિસઅપીઅરન્સ’ તરીકે ઓળખાતા આ ટ્રેન્ડમાં પંજાબમાં લોકોને બળજબરીપૂર્વક ગાયબ કરી દેવાનું શરૂ થયું. આ આખી એવી પ્રક્રિયા હતી જેમાં પોલીસથી માંડીને મીડિયા સુધ્ધાં ચૂપ રહેતું અને જેનો સદસ્ય ગુમ થયો હોય એ પરિવારની કફોડી સ્થિતિ થઈ જતી.
મેરે પિચ્છે તૂ લડના હૈ
જસવંત સિંહ ખાલડા તેમનાં પત્ની પરમજિત કૌરને હંમેશાં આ વાત કહેતા અને પરમજિત કૌરે એ કરી બતાવ્યું. પોલીસ ખાલડાને લઈ ગઈ એ પછી પતિ જીવે છે કે મરી ગયા એની કોઈ માહિતી નહોતી, પણ પરમજિત કૌર હાર્યાં નહીં, તેમણે કાનૂની લડત ચાલુ રાખી. CBI તપાસની માગણીથી લઈને ૨૦૦૫માં દોષી પોલીસ-અધિકારીઓને સજા અપાવવા સુધી પરમજિતબહેન એકલા હાથે સિસ્ટમ સામે લડતાં રહ્યાં એટલું જ નહીં, પતિની ગેરહાજરીમાં તેમણે બાળકોને પણ એ જ હિંમત અને મર્દાનગી આપી જે તેમના પતિમાં હતી.
પત્ની પરમજિત કૌરે પતિને ન્યાય અપાવવા અવાજ ઉઠાવ્યો હતો.
પરમજિત કૌરે સુપ્રીમ કોર્ટમાં ડિમાન્ડ કરતાં કહ્યું હતું કે કોઈ અપરાધી પણ હોય તો પણ ભારતીય કાયદા મુજબ સજા પામ્યા કે મૃત્યુ પામ્યા પછી તેના મૃતદેહ પર માત્ર તેના પરિવારનો હક છે. પરમજિત કૌરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું માનવઅધિકારો માત્ર જીવતા લોકો માટે જ છે, લાશો માટે નહીં?
જસવંત સિંહ ખાલડા અને પરમજિત કૌરને એક દીકરો અને એક દીકરી છે. દીકરી નવકિરણ કૌર હ્યુમન રાઇટ્સ લૉયર છે તો દીકરા જન્મેજય સિંહની પોતાની અકાઉન્ટિંગ ફર્મ છે. બન્ને ભાઈ-બહેન આજે પણ હ્યુમન રાઇટ્સ માટે લડે છે. જન્મેજય સિંહે જ દિલજિત દોસાંઝનો સંપર્ક કર્યો હતો અને એ મીટિંગ પછી જ આખી ફિલ્મ ડિઝાઇન થઈ.
પરમજિત કૌર દીકરા સાથે અમ્રિતસરમાં રહે છે.
રિયલ ટાઇટલ ‘કલ્લુગારા’
ફિલ્મનું ટાઇટલ ‘સતલજ’ છે, પણ પહેલાં એનું ટાઇટલ ‘પંજાબ ૯પ’ હતું અને એ પહેલાં આ ફિલ્મનું ટાઇટલ ‘કલ્લુગારા’ રાખવામાં આવ્યું હતું. કલ્લુગારા પંજાબી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘નરસંહાર’. પંજાબ અને સિખ ઇતિહાસમાં નરસંહારની અત્યાર સુધીમાં ૩ મોટી દુખદ ઘટનાઓ નોંધાયેલી છે. છોટા કલ્લુગારા તરીકે ઓળખાતી પહેલી ઘટના ઈસવીસન ૧૭૪૬માં ઘટી હતી. એ સમયે મોગલ ફોજ અને સિખો વચ્ચેની લડાઈ પછી લાહોરમાં સિખો, સ્ત્રીઓ અને બાળકોની કત્લેઆમ કરવામાં આવી હતી. એ પછી વડા કલ્લુગારાની ઘટના ઈસવીસન ૧૭૬૨માં બની. અહમદશાહ અબ્દાલીએ માલવા તરફ જઈ રહેલા સિખોના કાફલા પર હુમલો કરીનો હજારો આબાલવૃદ્ધ સિખોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ૧૯૮૪ના ઑપરેશન બ્લુસ્ટાર અને એ પછીનાં સિખવિરોધી રમખાણોને પણ સિખ સમુદાય ૧૯૮૪નું કલ્લુગારા કહે છે.
સતલજ ફિલ્મનું દૃશ્ય.
પંજાબમાં ૧૯૯૫માં બનેલી પ્રસ્તુત ઘટનાને પણ લોકો આ જ કૅટેગરીમાં મૂકે છે એટલે જ ફિલ્મનું પહેલું ટાઇટલ ‘કલ્લુગારા’ રાખવામાં આવ્યું હતું, પણ ટિપિકલ પંજાબી શબ્દ હોવાથી એ ટાઇટલ ચેન્જ કરવામાં આવ્યું.
વાત કાર્યપદ્ધતિની
બનતું એવું કે ઇન્ક્વાયરીના નામે પોલીસ ઘરે આવતી અને જે-તે વ્યક્તિને સાથે લઈ જતી. ફૅમિલી એવું માનીને બેસી રહેતી કે ઇન્ક્વાયરી પૂરી થતાં પોતાનો સભ્ય ઘરે પાછો આવી જશે. આ એક આશામાં છોકરો બે-ચાર દિવસ સુધી પાછો આવે નહીં એટલે પોલીસ-સ્ટેશને તપાસ કરવામાં આવે અને ત્યાંથી જવાબ મળે કે તેને તો અમે છોડી દીધો છે. બસ, અહીંથી જેને ઘરેથી લઈ જવામાં આવ્યો હોય તે આકાશમાં ઓગળી ગયો કે જમીનમાં ગરક થઈ ગયો એની કંઈ ખબર પડતી નહીં. પોલીસ પોતાના રેકૉર્ડ રજિસ્ટરમાં તે છોકરાની સહી પણ દેખાડતી કે અમે તેને રવાના કરી દીધો છે. પીડિત પરિવારો નવેસરથી બહાર તપાસ કરવામાં લાગતા અને પછી ફરીથી પોલીસ-સ્ટેશનોના ધક્કા શરૂ કરી દેતા, પણ હવે પોલીસનો એક જ જવાબ રહેતો કે અમારી પાસે એનો કોઈ જવાબ નથી. મોટા ભાગના કિસ્સામાં પોલીસ જે જવાબ આપતી એ જવાબ હતો કે તે કાં તો પાકિસ્તાન ભાગી ગયો હશે અને કાં તો ખાલિસ્તાનની ડિમાન્ડ કરતા ઉગ્રવાદીઓમાં ભળી ગયો હશે.
પોલીસની મકસદ ક્લિયર હતી કે સરકારને નડતા કે ચોક્કસ રાજકારણીઓની સામે આડખીલીરૂપ બનતા યંગસ્ટર્સને જ ઉપાડવા અને પછી તેમને કાયમ માટે ગાયબ કરી દેવા. ગાયબ થનારા યુવાનોની સંખ્યા વધવા માંડી, પણ મોટા ભાગનાં મીડિયા હાઉસ ચૂપ રહ્યાં તો એકલદોકલની વાત સરકારના કાન સુધી પહોંચતી નહીં.
વાત એ ઘટનાની
બૅન્કર એવા જસવંત સિંહ ખાલડા સુધી પણ આ વાતો પહોંચતી, પણ ખાલડાને પોતાની મર્યાદાઓ ખબર હતી એટલે વાત સાંભળીને તે ચૂપ રહેતા. જોકે એક દિવસ તેમની અત્યંત નજીકના એક મિત્ર અને હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ હરભજન સિંહ ગોરીની પોલીસે અટકાયત કરી. સ્વાભાવિક છે કે મિત્ર માટે જસવંત સિંહ ખાલડા સામે આવ્યા અને તેમણે પોલીસ-સ્ટેશનના ધક્કા ખાવાનું શરૂ કર્યું. હરભજન સિંહ ગોરીના પરિવારજનોને મદદ કરવાની ભાવના સાથે જસવંત સિંહ ખાલડા હાર્યા નહીં અને કલાકો સુધી પોલીસ-સ્ટેશનની બહાર બેસી રહેતા. તેમની વાત એટલી જ હતી કે ગોરીને એક વાર મળવું. ચારેક દિવસ પછી ગોરી અને ખાલડાની મુલાકાત થઈ. ગોરીને તપાસ માટે બહાર લઈ જવામાં આવતા હતા. અડધી મિનિટની એ મુલાકાત જીવનની છેલ્લી મુલાકાત અને પછીના થોડા દિવસોમાં સમાચાર આવ્યા કે ગોરી ગુમ છે. ખાલડાની સામે પણ એ જ રજિસ્ટર રજૂ કરવામાં આવ્યું જેમાં ગોરીની સહી હતી કે તેને છોડી મૂકવામાં આવ્યો છે. ખાલડાની આંખ સામે નજીકના સમયનો એ આખો ભૂતકાળ આવી ગયો જેમાં યુવાનો ગુમ થતા હતા અને એવું કહેવાતું કે તેમને મારી નાખવામાં આવ્યા છે.
ખાસ મિત્ર અને હ્યુમન રાઇટ્સ માટે લડતા મિત્રના ગુમ થવાની આ ઘટનાએ ખાલડાને હચમચાવી નાખ્યા. તેમને સમજાઈ ગયું કે બહુ મોટી રમત રમાઈ રહી છે. પોલીસ ઇન્ક્વાયરીના નામે માત્ર લોકોને પકડતી નથી, પણ કાયદાને નેવે મૂકી એ લોકોનો નિકાલ કરે છે. સામાન્ય માણસ ડરીને ઘરમાં બેસી જાય અને તેનું વર્તન સ્વાભાવિક જ કહેવાય, કારણ કે સામે આખી પોલીસફોર્સ અને સત્તા હતી. જોકે ખાલડાએ નક્કી કર્યું કે હવે તે ચૂપ નહીં રહે, પણ હજી યક્ષપ્રશ્ન એ હતો કે આ વાતને સાબિત કરવી કઈ રીતે?
ફિલ્મ છે વન-સાઇડેડ?
‘સતલજ’માં જસવંત સિંહ ખાલડાની એક જ વાત દેખાડવામાં આવી હોય એવો આક્ષેપ પૉલિટિકલ એક્સપર્ટ્સ કરે છે. જસવંત સિંહ કૉલેજમાં ભણતા ત્યારે પંજાબની સ્થાનિક પાર્ટી અકાલી દલની સ્ટુડન્ટ વિંગમાં હતા અને પછી એ છોડીને તે ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકો સાથે જોડાયા હતા. આ વાતને ફિલ્મમાં ક્યાંય દર્શાવવામાં નથી આવી જેને લીધે એવું જ પિક્ચર ઊભું થાય છે કે પંજાબીઓ માટે મસીહા બનીને આ માણસ મેદાનમાં ઊતરી આવ્યો છે.
એ સમયે પંજાબમાં ખાલિસ્તાન અને અલગતાવાદની જે માનસિકતા ફેલાયેલી હતી એનો કોઈ ઉલ્લેખ ફિલ્મમાં કરવામાં આવ્યો નથી. જે યુવાનો ગુમ થયા અને જેમની હત્યા કરવામાં આવી એ હત્યા માટે પણ કોઈ એવું કારણ આપવામાં નથી આવ્યું જેને લીધે પંજાબ પોલીસનું આખું મિશન ક્લિયર થાય. પંજાબ પોલીસનો દાવો હતો કે પંજાબની શાંતિ માટે એ અનિવાર્ય હતું, કારણ કે પાકિસ્તાનને લીધે પંજાબના મોટા ભાગના યુવાનો એવું માનતા થઈ ગયા હતા કે ભારત સાથે રહેવા કરતાં અલગ રાષ્ટ્ર બનાવવું જોઈએ.
હિન્દુસ્તાનવિરોધી જે નફરત પંજાબમાં ફેલાવવામાં આવતી હતી એના વિશે પણ ફિલ્મમાં કોઈ ઉલ્લેખ નથી. પંજાબને કેમ પોલીસ સ્ટેટ બનાવવું પડ્યું, એની પાછળ આતંકવાદનું કેવું ભયાનક વાતાવરણ હતું એ બૅકસ્ટોરી ફિલ્મમાંથી ગાયબ છે.
અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલના મ્યુઝિયમમાં શહીદોના સ્મારકમાં પણ જસવંત સિંહ ખાલડાનો સમાવેશ છે.
વાત એ ઇન્વેસ્ટિગેશનની
બૅન્કર જસવંત સિંહ ખાલડાએ લિટરલી કવાયત આરંભી અને જાસૂસ બનીને તેમણે સરકાર વિરુદ્ધ કામ શરૂ કર્યું. તેમણે સૌથી પહેલાં તો એ લોકોને એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું અને છાના ખૂણે એક આખું એવું નેટવર્ક ઊભું કર્યું જેથી તેમને બધેબધી વિગતો મળે અને એ વિગતોના આધારે તે ઇન્ક્વાયરી કરી શકે. બનાવેલા આ નેટવર્કના આધારે જ એક દિવસ ખાલડાને સ્મશાનમાં કામ કરતા કેટલાક લોકો પાસેથી એવી માહિતી મળી જેણે ખાલડાનાં ઍન્ટેના ઊભાં કરી દીધાં.
ખાલડાને ખબર પડી કે રાતના અંધારામાં પોલીસ સ્મશાને ટ્રક ભરી-ભરીને અજ્ઞાત ડેડ-બૉડી લાવે છે અને સ્મશાનના રજિસ્ટરમાં એ મૃતદેહોને લાવારિસ લાશ ગણાવીને ફટાફટ સામૂહિક અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવે છે.
આ માહિતીએ ખાલડાના મગજમાં ચમકારો આપ્યો અને તેમને વિચાર આવ્યો કે પોલીસ ભલે એ લાશોને લાવારિસ ગણાવતી હોય, પણ સ્મશાનના ચોપડે એ લાશ સળગાવવા માટે લાકડાંથી માંડીને ઘી કે તેલ ખરીદવા માટે જે સરકારી ફન્ડ વપરાય છે એની રસીદો તો બનતી જ હોય અને જો એ બનતી હોય તો એ ફન્ડ કોના નામે મંજૂર થાય છે? એને મંજૂરી કોણ આપે છે?
બસ, આ પ્રશ્નોએ ખાલડાને એક સામાન્ય માણસમાંથી ભારતના ઇતિહાસના સૌથી મોટા ઇન્વેસ્ટિગેટર બનાવી દીધા. જસવંત સિંહ ખાલડા કૉલેજમાં હતા ત્યારે તે સ્ટુડન્ટ પૉલિટિક્સમાં ઍક્ટિવ હતા તો સાથોસાથ તેમણે પૉલિટિકલ સાયન્સ સાથે જ ગ્રૅજ્યુએશન કર્યું હતું. રાજનીતિ અને કાયદાનાં પાસાંઓને તે બરાબર સમજતા હતા. તેમને ખબર હતી કે કોર્ટમાં લાગણીઓ કે ભાષણો નહીં, પાકાં-કડક-મજબૂત પ્રૂફ જોઈએ. હવે ખાલડા ઍક્ટિવિસ્ટ બનીને પોતાના જીવના જોખમે અમ્રિતસર, મજીઠા અને તરણતારણની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઑફિસોનાં જૂનાં, ધૂળ ખાતાં રજિસ્ટરો ફેંદવા માંડ્યા.
ચેકબુક, પાસબુક અને ટોકનની દુનિયા છોડીને ખાલડા ઍક્ટિવિસ્ટ બની ગયા અને દિવસ-રાત એક કરીને તેમણે મ્યુનિસિપલ રેકૉર્ડ્સ, લાકડાંના વપરાશની રસીદો અને સ્મશાનના ચોપડાઓની નકલો એકઠી કરી. એ આંકડાઓના આધારે જે સત્ય બહાર આવ્યું એ જોઈને દુનિયા આખી સ્તબ્ધ થઈ ગઈ.
ખાલડાની તપાસમાં પ્રૂવ થતું હતું કે પંજાબ પોલીસે હજારો યુવાનોની ગેરકાયદે અટકાયત કરી, કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટૉર્ચર આપીને તેમની હત્યા કરી અને પછી તેમના પરિવારોને જાણ કર્યા વિના, ઓળખ છુપાવીને ‘બેનામી’ અગ્નિસંસ્કાર કરી નાખ્યા. ખાલડાએ માત્ર અમ્રિતસર જિલ્લામાંથી જ આવા આશરે ૨૦૦૦થી વધુ અને સમગ્ર પંજાબમાંથી ૨૫,૦૦૦થી વધુ લોકોની લાશોના ગેરકાયદે નિકાલના પાકા, સત્તાવાર પુરાવાઓ એકઠા કર્યા.
વાત એ ઍક્શનની
કોઈ હરામીપંતી કરે તો તમે પોલીસ પાસે જાઓ, પણ પોલીસ જ હરામખોરી કરે તો તમે કોની પાસે જાઓ?
જસવંત સિંહ ખાલડા સામે આ યક્ષપ્રશ્ન હતો અને ખાલડાએ પબ્લિક અને મીડિયાનો આધાર લઈને ૧૯૯પની ૧૬ જાન્યુઆરીએ અમ્રિતસરમાં
પ્રેસ-કૉન્ફરન્સ કરી અને ‘ડિસઅપીઅર્ડ ઍન્ડ ક્રેમેશન ગ્રાઉન્ડ્સ’ નામે પ્રેસનોટ જાહેર કરી. સાથે તરણતારણ, પટ્ટી અને અમ્રિતસરનાં સ્મશાનોમાં થયેલા આશરે ૨૦૦૦ જેટલા ગેરકાયદે અગ્નિસંસ્કારની યાદી અને પુરાવા પણ જોડ્યાં. દેશભરમાં દેકારો બોલી ગયો, પણ કોઈ ઍક્શન લેવાઈ નહીં એટલે ખાલડાએ ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કર્યો. ૧૯૯પના એપ્રિલ અને જૂન મહિના દરમ્યાન તે કૅનેડા અને બ્રિટન ગયા અને કૅનેડાની સંસદના સભ્યો સામે અને ઇન્ટરનૅશનલ હ્યુમન રાઇટ્સ એજન્સી સામે ભારતમાં થતા માનવઅધિકારોના ઉલ્લંઘનના બધા પુરાવાઓ રજૂ કર્યા. કૅનેડાએ તો એ જ સમયે ખાલડાને રાજકીય આશ્રય આપવાની ઑફર આપી, પણ ખાલડાને ખબર હતી કે તેમણે ભારતમાં રહેવું જરૂરી છે એટલે તેઓ ફરી ભારત આવ્યા અને ભારત પાછા આવીને તેમણે પીડિત પરિવારોને એકઠા કરીને કોર્ટમાં પિટિશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી. દેશ અને દુનિયામાં પંજાબ પોલીસની હલકટાઈ પુરવાર થઈ ગઈ હોવાથી હવે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે સામેલ થઈ અને એણે ઇન્ક્વાયરી શરૂ કરાવી. પરિણામે CBIને આ કેસ સોંપવામાં આવ્યો. અહીંથી આ આખી ઘટના બે પાર્ટમાં વહેંચાય છે. એક, ખાલડાએ જે પ્રૂફ મૂક્યાં હતાં એ ભાગ અને બીજો ભાગ ખાલડાના જીવનમાં એ પછી શું બન્યું એની વાત.
પહેલાં વાત કરી લઈએ CBI ઇન્ક્વાયરીની.
CBIએ ઇન્ક્વાયરી કરીને સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સબમિટ કર્યો. પોતાની ઇન્ક્વાયરીમાં CBIએ ઑફિશ્યલી સ્વીકાર્યું કે જસવંત સિંહ ખાલડાનો દાવો સાચો છે. માત્ર અમ્રિતસર જિલ્લાનાં ૩ સ્મશાનગૃહોમાં ૨૦૯૭ ગેરકાયદે અને બેનામી અગ્નિસંસ્કારના પુરાવા મળ્યા છે જે પોલીસે કર્યા છે. CBIના આ રિપોર્ટના આધારે ૧૯૯૬ના ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આ ઘટનાને માનવઅધિકારોનું ઘોર ઉલ્લંઘન ગણાવીને આખો કેસ નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને સોંપ્યો, જ્યાં વર્ષો સુધી કેસ ચાલ્યો અને અંતે પંજાબ સરકારને આદેશ આપવામાં આવ્યો કે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર ચૂકવવામાં આવે.
વાત ખાલડાના અંતની
કૅનેડા અને બ્રિટનના પ્રવાસથી પાછા આવેલા જસવંત સિંહ ખાલડાને જે પ્રકારનો પ્રતિસાદ દુનિયાભરમાંથી મળતો હતો એ જોઈને પંજાબ સરકારની રીતસર ડરી ગઈ હતી. રાજ્ય સરકાર પર કેન્દ્ર સરકારમાંથી પણ એટલું જ દબાણ હતું કે કોઈ પણ હિસાબે ખાલડાને રોકો. પાછા આવ્યા પછી ખાલડા પણ ચૂપ નહોતા. તે તો પોતાની કવાયત આગળ વધારતાં દેશભરમાં ફરવા માંડ્યા હતા અને પંજાબીઓને એક થવા અને પંજાબ સરકાર અને પોલીસ સામે લડવા માટે ઉશ્કેરતા હતા.
પાણી નાકથી ઉપર જતું રહ્યું હોવાનું દેખાતાં ફાઇનલી ખાલડાને રસ્તામાંથી હટાવવાનું નક્કી થયું અને એના માટે પણ એ જ કાર્યપદ્ધતિ વાપરવામાં આવી જેને ખુદ જસવંત સિંહ ખાલડાએ જ ખુલ્લી પાડી હતી.
૧૯૯પની ૬ સપ્ટેમ્બરે પંજાબ પોલીસે ઇન્ક્વાયરીના બહાને જસવંત સિંહ ખાલડાને ઘરની બહારથી ઉઠાવી લીધા. કોઈ પણ જાતના વૉરન્ટ વગર, ધોળા દિવસે આખા પંજાબના હીરોનું તેના જ ઘરની બહારથી અપહરણ કરી લેવામાં આવ્યું. અપહરણ પછી તેમને કોઈ સત્તાવાર જેલમાં નહીં પણ ગુપ્ત ટૉર્ચર સેલમાં રાખવામાં આવ્યા. ખાલડાને જબરદસ્ત ટૉર્ચર કરવામાં આવ્યા અને એ પછી તેમને પણ ગાયબ કરી દેવામાં આવ્યા. ઑક્ટોબર મહિના સુધી ખાલડાનો કોઈ અતોપતો મળ્યો નહીં એટલે તેમનાં પત્ની પરમજિત કૌરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને સુપ્રીમ કોર્ટે ૧૯૯પના નવેમ્બર મહિનામાં આ કેસની ઇન્ક્વાયરી પણ CBIને સોંપી.
કહે છે કે અહીં પણ પંજાબ સરકાર મસ્તમજાની રમત રમી ગઈ.
પંજાબમાં જે લોકોને ગેરકાયદે મારીને અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા એ ઘટના પાછળ જે પોલીસ-ઑફિસરો સામેલ હતા એ જ પોલીસ-ઑફિસરોએ ખાલડાની પણ હત્યા કરી હતી. CBI કોર્ટમાં પુરવાર થયું કે ખાલડાની હત્યામાં એ સમયના ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ જસપાલ સિંહ સહિત અન્ય ૬ પોલીસ-ઑફિસરો સામેલ છે. CBIએ એ છએ છને આજીવન કેદની સજા કરી જે પાછળથી સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી. આ અધિકારીઓએ સ્વીકાર્યું કે ઑક્ટોબર મહિનામાં અમાનવીય યાતનાઓ આપ્યા પછી ખાલડાની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને તેમના મૃતદેહને હરિકે બૅરેજ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. આ હેરિકે બૅરેજમાં જે નહેરનું પાણી ભળે છે એ સતલજ નદીનું હોય છે. અફસોસની વાત એ છે કે ખાલડા-પરિવારને ક્યારેય તેમનો પાર્થિવ દેહ પણ ન મળ્યો. જે માણસ આખી જિંદગી લાવારિસ લાશોને નામ અપાવવા માટે લડતો રહ્યો, અફસોસ કે તે જ માણસની લાશને પોલીસે લાવારિસની જેમ પાણીમાં વહાવી દીધી.