શનિવાર night (ધારાવાહિક નવલકથા, પ્રકરણ – ૧૩)

12 June, 2021 07:57 AM IST  |  Mumbai | Soham

સના, સારા, રાજ અને કિયારાએ પોતપોતાના ફ્રેન્ડ્સનાં નામ લખ્યાં. જવાબ આપવાનો પહેલો વારો આવ્યો સિદ્ધાર્થનો

શનિવાર night

કિચનમાં જઈને પાણીની બૉટલ અને સારા-સના અને સિદ્ધાર્થ માટે દૂધનાં ગ્લાસ લઈ કિયારા ફરીથી હૉલમાં આવી. હૉલમાં આવીને કિયારાએ લાઇટ ઑફ કરી.

લાઇટ ઑફ કરીને કિયારા જેવી ફરી કે તેની આંખો ફાટી ગઈ. કિયારાની આંખ સામે એક વિચિત્ર ચહેરો આવી ગયો. તેના માથે શિંગડાં હતાં, આંખો ફાટેલી હતી અને ફાટેલી આંખોમાં લાલ રંગ ઝબકી રહ્યો હતો.

ચીસ કિયારાની ગળામાં આવી ગઈ, પણ ગળામાંથી અવાજ નીકળ્યો નહીં.

ક્ષણના છઠ્ઠા ભાગમાં તેણે ફરી લાઇટ ઑન કરી અને તેણે ફરી એ જ દિશામાં જોયું જે દિશામાં તેણે ચહેરો જોયો હતો.

હાશ...

સુપર સ્પીડમાં ભાગતા કિયારાના ધબકારા હવે શાંત પડ્યા.

તેની આંખો દીવાલ પર હતી અને દીવાલ પર હરણનું માથું જડવામાં આવ્યું હતું. હરણની આંખો લાલ હોય એની પહેલી વાર કિયારાને ખબર પડી. એ લાલ આંખ બલ્બમાં ચળકતી હતી. મસ્તક પર રહેલાં શિંગડાં પણ હવે નૉર્મલ લાગતાં હતાં.

કિયારાએ ઊંડો શ્વાસ લીધો. હવે તેને શાંતિ થઈ હતી. જોકે એ જ સમયે ઘડિયાળમાં પડેલી બેલે કિયારાને ફરી એક વાર ધ્રુજાવી દીધી.

ટન... ટન...

૬ ફૂટની ઊંચાઈ ધરાવતી ઘડિયાળના આદમકદ ડંકાને લીધે આખો હૉલ ગુંજી ઊઠ્યો. કિયારાએ ઘડિયાળ તરફ જોયું અને એ જ સમયે લિવિંગરૂમમાંથી અવાજ સંભળાયો.

ટક... ટક...

ટક... ટક...

લાકડાનાં સૉલ જડ્યાં હોય એવા ચંપલના અવાજની દિશામાં કિયારાનું ધ્યાન ગયું. તે એ તરફ આગળ વધી અને લિવિંગ એરિયામાં આવીને તેણે લાઇટ ઑન કરી. આખો લિવિંગ એરિયા ઝળહળી ઊઠ્યો.

ત્યાં કોઈ નહોતું અને અવાજ પણ આવતો બંધ થઈ ગયો હતો.

મનનો ભ્રમ હશે એવું ધારીને કિયારા ફરી સ્વિચ-બોર્ડ તરફ વળી અને એ જ સમયે કિયારાનું ધ્યાન લિવિંગરૂમની ફર્શ પર ગયું.

તે ઉપર ગઈ એ પહેલાં આ જ ફર્શ પર પૉપકૉર્ન અને ચીઝલિંગ્સ બિસ્કિટ્સ ઢોળાયેલાં હતાં, પણ હવે ફર્શ એકદમ સાફ હતી. બચ્ચાંઓનાં ચંપલ અને શૂઝ પણ શૂ-રૅક પાસે લાઇનસર ગોઠવાયેલાં હતાં તો લગેજ પણ બધો વ્યવસ્થિત ગોઠવાઈ ગયો હતો.

‘વાહ રાજ... ગ્રેટ જૉબ.’

કિયારાએ ધારી લીધું કે તેને હેલ્પ કરવાના ઇન્ટેન્શથી આ બધાં કામ રાજે કરી લીધાં છે. રાજ આવી બધી બાબતોમાં ક્યારેય હેલ્પ કરતો નહીં એટલે નૅચરલી કિયારા ખુશ હતી. સ્માઇલ સાથે કિયારા લાઇટ બંધ કરવા માટે ફરી, પણ એ સમયે ફરીથી લાકડાનાં શૂનો અવાજ આવ્યો.

ટક... ટક...

ટક... ટક...

કિયારાએ ફરીને પાછળ જોયું અને તેનું ધ્યાન વિન્ડો તરફ ગયું. વિલાના ફ્રન્ટ સાઇડ પર ખૂલતી વિન્ડો સહેજઅમસ્તી ખૂલી હતી અને હવાને કારણે એ વિન્ડો બારસાખ સાથે અથડાતી હતી, જેને લીધે એ અવાજ આવતો હતો.

કિયારાએ વિન્ડો બંધ કરી અને લાઇટ ઑફ કરીને તે ફરીથી પોતાની રૂમ તરફ જવા માટે પગથિયાં તરફ આવી. કિયારાએ પગથિયાં ચડવાનું શરૂ કર્યું અને એ જ સમયે લિવિંગરૂમ અને ડ્રૉઇંગરૂમને અલગ પાડતું કર્ટન સહેજ હલ્યું અને ધીમેકથી એની પાછળથી એક લેડી બહાર આવી.

૨૭-૨૮ વર્ષની એ લેડીએ વાઇટ ગાઉન પહેર્યો હતો.

પેલીની નજર કિયારાના પગ પર હતી. જેમ-જેમ કિયારાના પગ નવા પગથિયા પર જતા હતા એમ-એમ એ લેડીની નજર ઊંચી થતી જતી હતી. કિયારા ઉપરના માળ પર પહોંચવાના છેલ્લા પગથિયે પહોંચી ત્યારે પેલી પડદા પાછળથી બિલકુલ સામે આવી ગઈ અને જેવી તે સામે આવી કે તરત જ નાઇટ લૅમ્પ લબૂકઝબૂક થવા માંડ્યો.

વાઇટ ગાઉનમાં રહેલી એ લેડી ભયાનક લાગતી હતી, તેની આ ભયાનકતામાં લબૂકઝબૂક થતો નાઇટ લૅમ્પ વધારે ખોફ ઊભો કરતો હતો.

lll

બેડરૂમમાં બધા ગેમ રમતા હતા. સનાએ સ્કેટર્ગોરિસ ગેમની આગેવાની લીધી હતી.

સનાએ બધા સામે જોયું.

‘બધાએ ફાસ્ટ જવાબ આપવાનો છે. બે મિનિટ છે બધા પાસે. ફ્રેશ આન્સર માટે ટેન પૉઇન્ટ્સ અને કૉમન આન્સર માટે ફાઇવ પૉઇન્ટ્સ...’ સનાએ વારાફરતી દરેકના ચહેરા પર નજર નાખી લીધી, ‘રેડી?’

બીજા બધાએ હા પાડી અને સિદ્ધાર્થે જવાબ આપ્યો,

‘યસ.’

‘ટાઇમ સ્ટાર્ટ્સ નાઉ...’

સના-સારા, સિદ્ધાર્થ, રાજ અને કિયારા ગેમ રમતાં હતાં.

પહેલો સવાલ હતો ઃ યૉર

બેસ્ટ ફ્રેન્ડ.

સના, સારા, રાજ અને કિયારાએ પોતપોતાના ફ્રેન્ડ્સનાં નામ લખ્યાં. જવાબ આપવાનો પહેલો વારો

આવ્યો સિદ્ધાર્થનો.

‘સે સીડ, હુ ઇઝ યૉર બેસ્ટ ફ્રેન્ડ...’

‘પરઝાન...’

કિયારાના કાન ચમક્યા. પરઝાન ક્યાંથી આવ્યો. તેણે તો ક્યારેય એ નામ સાંભળ્યું નહોતું. કિયારાએ સિદ્ધાર્થ સામે જોયું,

‘આ પરઝાન ક્યાંથી આવ્યો?’

સિદ્ધાર્થે બધાની સામે જોયું અને પછી ચારેયની પાછળ આવેલા દરવાજા તરફ જોયું. દરવાજા પાસેથી પરઝાન અંદર નજર કરતો હતો. એ જ પરઝાન જે વૉશ-બેસિનની વિન્ડો પાસે તેણે જોયો હતો. એ જ પરઝાન જે તેને પોતાની સાઇકલની પાછળ બેઠેલો દેખાયો હતો.

સિદ્ધાર્થ ચૂપ રહ્યો એટલે કિયારાએ ફરી પૂછ્યું,

‘આઇ ઍમ આસ્કિંગ યુ સમથિંગ સીડ, કોણ પરઝાન?’

સિદ્ધાર્થે મમ્મી સામે જોયું અને આછું સ્માઇલ કર્યું, પણ જવાબ આપ્યો નહીં. સિદ્ધાર્થ જવાબ આપે એ પહેલાં તો પરઝાન દરવાજા પાસેથી નીચેની તરફ દોડી ગયો હતો.

સારાએ ગેમને આગળ વધારી.

‘યૉર ફેવરિટ ફૂડ...’

જવાબ લખાવા માંડ્યા. કોઈએ ચાઇનીઝ લખ્યું, કોઈએ ફ્રૅન્કી લખ્યું તો કોઈએ પાઉંભાજી અને કોઈએ ચિકન ટિક્કા. હવે વારો આવ્યો સિદ્ધાર્થનો. બધાએ સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે સ્માઇલ કર્યું,

‘ધાન શાક...’

સના અને સારાની આંખો મોટી

થઈ અને કિયારાનું પણ એવું જ રીઍક્શન હતું.

‘તેં ક્યારેય ટેસ્ટ પણ કર્યો છે

ધાન શાકનો?’

રાજે કિયારા સામે જોયું.

‘નેવર અન્ડરએસ્ટિમેટ ગૂગલ કિયારા... ગૂગલમાંથી આ બધા બધું શોધી લે એવા છે. ઉસ્તાદ થઈ ગયા છે...’

આર્ગ્યુમેન્ટને કોઈ અવકાશ નહોતો. ધાન શાક વરાઇટી હતી અને જે યુનિક જવાબ હતો. સિદ્ધાર્થને ટ્વેન્ટી માર્ક્સ આપવામાં આવ્યા.

ત્રીજો સવાલ સનાએ વાંચ્યો,

‘યૉર ફેવરિટ ફેસ્ટિવલ...’

જવાબ સારાએ પહેલાં આપ્યો,

‘હૉલી...’

કિયારાએ સનાએ સામે જોયું.

‘દિવાલી...’

રાજે સામેથી જવાબ આપ્યો,

‘જન્માષ્ટમી... વાઉ ધૅટ કાર્ડ પાર્ટી.’

સારાએ કિયારા સામે જોયું.

‘યૉર્સ...’

‘હંઅઅઅ... માઇન ઇઝ કડવા ચોથ...’

જવાબ આપતી વખતે કિયારાની નજર રાજ પર હતી. જવાબ સાંભળીને રાજના ચહેરા પર રોમૅન્સ ઝળકવા માંડ્યો હતો. જોકે એ રોમૅન્સ પર બચ્ચાંઓનું ધ્યાન ન જાય એટલે કિયારાએ સિદ્ધાર્થ સામે જોયું.

‘સીડ, યૉર્સ ફેવરિટ ફેસ્ટિવલ...’

‘સેવન્ટીથ ઑગસ્ટ...’

‘શું હોય સત્તરમી ઑગસ્ટે?’

ખબર નથી એવા ભાવ સાથે સિદ્ધાર્થે ખભા ઉલાળ્યા,

‘આઇ નો...’ સનાએ કિયારાને કહ્યું, ‘એ ફિફટીન્થ ઑગસ્ટનું કહેતો હશે...’

‘નો, સેવન્ટીથ ઑગસ્ટ...’

સિદ્ધાર્થે ચોખવટ કરી અને કડક શબ્દોમાં ચોખવટ કરી.

સિદ્ધાર્થના અવાજમાં રહેલી માસૂમિયત કિયારાના મનમાં વહાલ જન્માવી ગઈ. તેણે સિદ્ધાર્થને નજીક ખેંચ્યો અને તેના ગાલ પર પપ્પી કરી.

રાજે બાજી હાથમાં લઈ લીધી.

‘નેક્સ્ટ ક્વેશ્ચન...’

સનાએ કાર્ડમાં જોયું.

‘યૉર બર્થ યર...’

બધાએ તરત જ પોતપોતાનું બર્થ યર લખવાનું શરૂ કર્યું. આ વખતે

જવાબ આપવાનો પહેલો વારો સિદ્ધાર્થનો આવ્યો.

‘૨૦૧૦...’

‘વૉટ?’ કિયારાની કમાન છટકી, ‘વૉટ યુ સેઇડ?’

‘૨૦૧૦...’

સિદ્ધાર્થે પોતાનો જવાબ રિપીટ કર્યો અને કિયારા ઇરિટેટ થઈ ગઈ.

‘તારે રમવું ન હોય તો ના પાડી દે...’

‘હા, ગેમ બગાડે છે આપણા બધાની...’

સનાએ સિદ્ધાર્થ સામે જોયું.

‘ડમ્બો, તારું બર્થ યર ૨૦૧૦ હોત તો તો તું મારાથી પણ મોટો હોત...’

ત્રણ લોકોનો અટૅક સિદ્ધાર્થ પર શરૂ થયો એટલે રાજ વચ્ચે પડ્યો અને તેણે સિદ્ધાર્થને નજીક ખેંચી લીધો,

‘એક કામ કરો તમે લોકો, તમારી ગેમ ચાલુ રાખો, હું અને સીડ ટેરેસ પર ચક્કર મારી આવીએ.’

‘યા, પ્લીઝ ગો...’

કિયારાએ ગેમ આગળ વધારવાનો ઇશારો કરતાં રાજને કહ્યું અને રાજ પણ જાણે કે આ પરમિશનની જ રાહ જોતો હોય એમ સિદ્ધાર્થ સાથે ઊભો થઈ ગયો.

સિદ્ધાર્થને તેડીને રાજ રૂમની બહાર નીકળ્યો. જેવો પગથિયાં ચડીને ઉપરની તરફ જઈ રાજે રાઇટ સાઇડ ટર્ન લીધો કે તરત જ રાજે હાથથી લેફ્ટ સાઇડનો ઇશારો કર્યો.

‘શું છે ત્યાં?’

‘ટેરેસ... ત્યાં છે...’

રાજને આશ્ચર્ય થયું કે સિદ્ધાર્થને કેવી રીતે ખબર પડી કે ટેરેસ એ સાઇડ પર છે. જોકે તે પૂછે કે કંઈ કહે એ પહેલાં તો સિદ્ધાર્થ નીચે ઊતરવા માંડ્યો. રાજે તેને નીચે ઉતાર્યો કે તરત સિદ્ધાર્થ દોડતો એ દિશામાં ગયો જે દિશા તરફ તેણે સાઇન કરી હતી.

એ દિશામાં ચળકતું એક હૅન્ડલ દૂરથી દેખાતું હતું.

રાજે લાઇટ કરી.

જૂના જમાનાનો યલો રંગનો બલ્બ ચાલુ થયો અને એ બલ્બ વચ્ચે રાજે જોયું કે પૉર્ચના સામેના ભાગ પર દીવાલની બાજુમાં દરવાજો હતો અને એ દરવાજાની જમણી બાજુએ ઍન્ટિક મિરર હતો. મિરરમાં પોતાને જોઈને પહેલાં તો રાજ હેબતાયો, પણ પછી તરત જ તેનું ધ્યાન દરવાજો ખોલતા સિદ્ધાર્થ તરફ ગયું.

સિદ્ધાર્થ ટેરેસનો દરવાજો ખોલતો હતો. દરવાજો જુનવાણી હતો અને એની સ્ટૉપર પણ એવી હતી કે સિદ્ધાર્થની ઉંમરનાં બચ્ચાંઓએ તો જોઈ પણ ન હોય અને છતાં સિદ્ધાર્થે સહજ રીતે એ સ્ટૉપર ખોલી નાખી.

સિદ્ધાર્થ ટેરેસમાં આવ્યો એટલે રાજ પણ તેની પાછળ ટેરેસમાં આવ્યો.

માથેરાનની ઠંડક ટેરેસમાં પ્રસરી ગઈ હતી. આ ટેરેસ વિલાની પાછળના ભાગમાં આવેલી વેલી તરફ પડતી હતી. રાજ સહેજ આગળ વધ્યો. સિદ્ધાર્થ એનાથી પાંચેક ફુટ આગળ હતો. રાજનું ધ્યાન પહેલાં સિદ્ધાર્થ પર હતું, પણ ટેરેસમાં આવી ગયા પછી અને ટેરેસમાં પ્રસરેલી ઠંડકના અનુભવ પછી હવે રાજનું ધ્યાન આજુબાજુનાં ઝાડ પર હતું.

રાજે છાતીમાં ઊંડો શ્વાસ ભર્યો અને એ જ સમયે તેના ચહેરા પાસેથી કોઈ હવાની ઝડપે પસાર થયું.

ઝૂપ...

રાજ ધ્રૂજી ગયો.

 

વધુ આવતા શનિવારે

columnists