શનિવાર night (પ્રકરણ ૭૮)

01 October, 2022 08:31 AM IST  |  Mumbai | Soham

એ અમિત હતો. અમિતની નજર મધુ પર જ હતી, તેની નજરમાં રહેલો તાપ જોઈને ઍમ્બ્યુલન્સમાં બેઠેલા મધુને પરસેવો છૂટવા માંડ્યો હતો. બહાર ચાલતી વાત તેને અત્યારે સંભળાતી નહોતી પણ અમિતના હાવભાવ પરથી તે અનુમાન માંડી શકતો હતો

શનિવાર night

‘પરઝાન આપ મને...’

‘આ પરઝાન નથી શહનાઝ... ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ.’ 

ગાર્બેટ પૉઇન્ટ પર સિડને તેડીને કિયારા ઊભી હતી. તેની સામે શહનાઝ હતી. શહનાઝે વાઇટ ગાઉન પહેર્યો હતો, એ જ વાઇટ ગાઉન જે કિયારાને સેસિલમાંથી મળ્યો હતો અને તેણે પહેર્યો હતો. એ સમયે કિયારાને ખબર નહોતી કે આવી દરેક ચીજવસ્તુ સાથે શહનાઝ તેના શરીર પર કબજો કરી રહી છે. હવે કિયારા પર કબજો કરવાનો આખરી દોર શરૂ થયો હતો. શહનાઝ કોઈ પણ હિસાબે સિડ પર કબજો કરવા માગતી હતી. તેને ખબર હતી કે કિયારાનો જીવ સિડમાં છે. 

‘એ પરઝાન છે. તેં લઈ લીધો...’ શહનાઝની બૉડી લૅન્ગ્વેજ ભલભલાને પરસેવો છોડાવી દે એવી હતી, ‘દે, મારે લઈ જવો છે.’

‘ના, નહીં દઉં... આ સિડ છે.’

શહનાઝ કોઈ તકનો ગેરલાભ ન લેવા એવા ભાવથી કિયારાની નજર શહનાઝ પર મંડાયેલી હતી. જોકે અત્યારે એ લાભ ગૂગલે લીધો અને કિયારાની પાછળ આવી ગયેલા ગૂગલે કિયારા પર છલાંગ લગાવી પણ તે સિડ સુધી પહોંચી શક્યો નહીં અને કિયારાની કમરેથી જ પાછો પડ્યો. 

પીઠ પર ગૂગલના આગળના પગનો સ્પર્શ થતાં કિયારા ઝબકી ગઈ હતી. તે ઝાટકા સાથે નેવું ડિગ્રી ફરી અને તે ઝાટકા સાથે ફરી એટલે ગૂગલ પણ ગભરાયું. ગૂગલ ગભરાઈને સીધું શહનાઝ પાસે પહોંચી ગયું.

‘જો આ પણ ઓળખી ગયો... પરઝાન છે આ. આપ મને.’

‘ના, સિડ છે...’ કિયારા ફરી શહનાઝ સામે ફરી, ‘એ એને પણ ખબર છે.’

શહનાઝે ગૂગલને પૂછ્યું,

‘પ્રિન્સી, આ પરઝાન છેને...’

ગૂગલે શહનાઝની સામે ઘૂરકિયું કર્યુ અને પછી કિયારાની સામે જોઈને તે જોરથી ભસવા માંડ્યું.

‘જો પ્રિન્સી કહે છેને...’

‘એ પ્રિન્સી નથી... ગૂગલ છે.’

‘ના, પ્રિન્સી છે... અમિત લાવ્યો હતો એને... પરઝાન માટે...’

કિયારાના આખા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. જો આ પ્રિન્સી હોય તો શું એને પણ શહનાઝે મારી નાખ્યો હતો?

lll

‘બહુ હેરાન કરે છેને, શાંતિ નથીને તને...’ શહનાઝે પ્રિન્સી સામે કુહાડી ઉગામી, ‘લે આ...’

ધાડ... ધાડ...

સેસિલમાં પ્રિન્સીની ચીસ પ્રસરી ગઈ, જે સાંભળીને મધુ અને સુમન પણ દોડતાં બહાર આવી ગયાં. સેસિલના આઉટહાઉસનો પોર્ચ પ્રિન્સીના લોહીથી ખરડાઈ ગયો હતો અને લોહીના એ ખાબોચિયા વચ્ચે પ્રિન્સીનું શબ પડ્યું હતું. કુહાડીના ઘાથી પ્રિન્સીનું માથું તો રીતસર વધેરાઈ ગયું હતું, જેમાંથી નીકળેલા માંસના ટુકડા છેક શહનાઝના ચહેરા પર ચોંટ્યા હતા.

શહનાઝના હાથમાં રક્તરંજિત કુહાડી જોઈને સુમન અને મધુ અટકી ગયાં.

એ રાતે શહનાઝના સૂઈ ગયા પછી તે બન્નેએ પ્રિન્સીને પણ સેસિલમાં જ દાટ્યો હતો. મધુએ જ્યારે પહેલી વાર ગૂગલનો જોયો ત્યારે જ તે સમજી ગયો હતો અને એ જ કારણે તે ગૂગલથી દૂર રહેતો હતો.

lll

‘જલદી ઍમ્બ્યુલન્સ ગાર્બટ પૉઇન્ટ પર લો...’ ડૉક્ટર સંધ્યા પહેલી વાર હરકતમાં આવી, ‘ફાસ્ટ...’

ઍમ્બ્યુલન્સ આગળ વધી અને પાંચેક મિનિટમાં જ એ જગ્યા પર પહોંચી જ્યાં સિડને તેડીને કિયારા ઊભી હતી. ત્યાં હાજર રહેલા સૌકોઈને શહનાઝ પણ દેખાતી હતી.

ઍમ્બ્યુલન્સ જેવી ઊભી રહી કે તરત જ રાજે દરવાજો ખોલ્યો પણ સંધ્યાએ ડોર પકડી લીધું અને રાજને રોક્યો. 

‘જો કિયારા અને સિડ સલામત જોઈતાં હોય તો પ્લીઝ, ઇમોશન્સ પર કાબૂ રાખ...’

‘પણ શહનાઝ કિયારાને...’

‘હા, પણ હું છુંને.’ સંધ્યાએ આંખો બંધ કરી, ‘ટ્રસ્ટ ધ ગૉડ...’

સૌકોઈ સંધ્યાને જોતાં રહી ગયાં.

થોડી ક્ષણો પછી સંધ્યાએ આંખો ખોલી અને વિન્ડોના ગ્લાસમાંથી જ આજુબાજુમાં નજર ફેરવી.

‘અમિત અહીં જ છે. આટલામાં જ છે.’ હાથમાં રહેલા લીંબુ પરની પકડ મક્કમ કરી સંધ્યાએ ઍમ્બ્યુલન્સનો દરવાજો ખોલ્યો, ‘કોઈ બહાર નહીં આવે... કોઈ એટલે કોઈ નહીં...’

સંધ્યાની નજર મધુ પર હતી. મધુના જીવનની અંતિમ ક્ષણો શરૂ થઈ છે એવું તેને સ્પષ્ટ દેખાતું હતું પણ તે ઇચ્છતી હતી કે એ ક્ષણો આજની રાત પૂરતી લંબાઈ જાય.

ડોર બંધ કરી સંધ્યા અવળી ફરી અને કિયારા-સિડ જ્યાં ઊભાં હતાં એ તરફ ચાલતી થઈ. ઍમ્બ્યુલન્સના ગ્લાસમાંથી સંધ્યા સૌને દેખાતી હતી. 

આગળ વધતી સંધ્યા એક જગ્યાએ ઊભી રહી અને હવામાં જ તેણે કોઈની સાથે વાત ચાલુ કરી. સંધ્યા કોની સાથે વાત કરતી હતી એ કોઈને દેખાતું નહોતું, એકમાત્ર મધુને બાદ કરતાં. સંધ્યાની સામે ઊભેલા લાંબી દાઢીધારી માણસને મધુ ઓળખી ગયો હતો.

એ અમિત હતો. અમિતની નજર મધુ પર જ હતી, તેની નજરમાં રહેલો તાપ જોઈને ઍમ્બ્યુલન્સમાં બેઠેલા મધુને પરસેવો છૂટવા માંડ્યો હતો. બહાર ચાલતી વાત તેને અત્યારે સંભળાતી નહોતી પણ અમિતના હાવભાવ પરથી તે અનુમાન માંડી શકતો હતો. 

lll

‘અત્યારે અમિત, તું મને સપોર્ટ કર પ્લીઝ...’

‘મધુ...’ અમિતે દાંત કચકચાવ્યા, ‘એ મને આપવાનો...’

અમિતના માથાના ભાગમાંથી સણકા નીકળતા હોય એમ તે બોલતી વખતે પણ પીડાનો અનુભવ કરતો હતો. આ એ ઘા હતો જે મધુએ તેને સેસિલ વિલામાં માર્યો હતો અને અમિતનો જીવ ગયો હતો.

‘પ્લીઝ, અમિત... એવું કરીને તું શું મેળવી લઈશ?’ સંધ્યાએ વાતનો વિષય બદલાવ્યો, ‘કિયારાની સામે જો તું, તું સિડને જો. એણે શું બગાડ્યું તમારા લોકોનું કે આવી રીતે શહનાઝ એ નાના બચ્ચાનો જીવ લેવા માટે અધીરી થઈ છે.’

‘મધુ...’

અમિતનું ધ્યાન હજી પણ મધુ પર હતું. તેને અત્યારે બીજું કોઈ દેખાતું નહોતું.

‘કામની વાત કર અમિત...’ 

સંધ્યાએ અમિતનો હાથ પક્ડ્યો. હાથ બરફ જેવો ઠંડો હતો.

‘આપણે આ બધામાંથી બહાર આવવું છે. આવવું છેને તારે એ બધાની બહાર, નવી જિંદગી શરૂ કરવી છેને હવે?’ સંધ્યાએ અમિતની આંખમાં જોયું, ‘એ ત્યારે જ મળશે જ્યારે બધો હિસાબ અહીં પૂરો કરીએ. ડિવાઇન પાવરને તું જો, જો તું એને જે તમને ક્યારેય ક્યાંય નડ્યા નથી અને તમારે જે કરવું હતું એ તો તમે કરી લીધું.’

‘મધુ બાકી છે...’

‘હા પણ એમાં કિયારાને શું, શું છે સિડને? એ લોકોએ તમારું શું બગાડ્યું કે તમે એની પાછળ પડ્યા.’ અમિત જરા હળવો થયો હોય એવું સંધ્યાને લાગ્યું એટલે તેણે તરત જ અમિતને જવાબદારી આપી, ‘શહનાઝને તું રોક... ચાલ જલદી.’

‘મધુ આપીશ તું મને?’

ડૉક્ટર સંધ્યા બિશ્નોઈ માટે ધર્મસંકટ ઊભું થતું હતું પણ તે એમાં કોઈ કાળે ફસાવા રાજી નહોતી. સંધ્યાએ હાથમાં રહેલા લીંબુને આંખે લગાડ્યું અને પછી પોતાના હોઠ પાસે લઈ અમિતની સામે જોયું.

‘આપણે કામ કરીએ કે તને પાછો મોકલવાની તૈયારી કરું...’

‘જરૂર તને મારી છે...’

‘અને તને પણ એટલી જ મારી જરૂર છે...’ સંધ્યાએ વાતને વળ ચડાવ્યા વિના જ અમિતનો હાથ પકડ્યો, ‘જલદી ચાલ... શહનાઝને રોક.’

lll

ઍમ્બ્યુલન્સમાં બેઠેલા મધુ સિવાયના બીજા બધાને માત્ર સંધ્યાના હાવભાવ અને વર્તણૂક જ દેખાતી હતી. સંધ્યા કોઈનો હાથ ખેંચતી હોય એ રીતે હાથ લંબાવીને એ ખેંચતી આગળ વધતી હતી. રાજની આંખો ફાટી ગઈ હતી તો ઇન્સ્પેક્ટર તોડકર માટે આ સમયની દરેક નવી ક્ષણ કોઈ નવું જ તાજ્જુબ લઈને આવનારી પુરવાર થતી હતી. સુમનને અમિત દેખાતો નહોતો પણ તેને અણસાર આવી ગયો હતો કે સંધ્યા કદાચ અમિત સાથે જ વાત કરે છે. તેને અમિનેત જોવાની બહુ ઇચ્છા થઈ હતી તો અમિતના પગમાં પડીને સુરેશ વતી વધુ એક વાર માફી માગવાનું પણ તેને મન થતું હતું.

મધુની આંખો અમિત પર હતી. સંધ્યા તેને ખેંચીને આગળ વધતી હતી પણ અમિત વારંવાર પાછળ ફરીને તેની સામે જોતો હતો. તેની આંખોમાં રહેલું ખૂન્નસ મધુ પારખી ગયો હતો. તેને અત્યારે અઘોરીબાબા યાદ આવતા હતા. મન થતું હતું કે તે દોડીને બાબા પાસે પહોંચે, પણ બહાર નીકળવાની તેની હિંમત ચાલતી નહોતી.

કાશ, અત્યારે બાબા...

‘જય ગિરનારી...’ 

જાણે કે બાબાએ તેની વાત સાંભળી હોય એમ દૂરથી મધુને બાબા આવતા દેખાયા. બાબાના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. તેમણે પોતાના પ્રાઇવેટ પાર્ટની ફરતે વજનદાર સાંકળ વીંટી એના પર તાળું માર્યું હતું. આખા શરીર પર ભભૂતનો લેપ હતો અને આંખમાં ધૂણીની રાખ આંજી હતી, જેને લીધે તેમનો દેખાવ ભયાનક બની ગયો હતો.

‘જય ગિરનારી...’

હાથમાં રહેલો ચીપિયો હવામાં પછાડી બાબા ઍમ્બ્યુલન્સ તરફ આગળ વધ્યા. મધુએ જમણી તરફ જોયું. અમિતને ખેંચીને આગળ વધતી સંધ્યા પણ બાબાના અવાજથી ઊભી રહી ગઈ હતી અને અમિત પણ એકીટશે બાબાને જોતો હતો.

‘બાબા.’

મધુના અવાજે ઍમ્બ્યુલન્સમાં બેઠેલા સૌકોઈનું ધ્યાન પહેલાં મધુ પર અને એ પછી મધુ જે દિશામાં જોતો હતો એ તરફ ખેંચાયું અને એ બધાની આંખો ખુલ્લી રહી ગઈ.

ઍમ્બ્યુલન્સના પાછળના દરવાજાના ગ્લાસમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે કોઈ જાતના ડર વિના ધીમી ચાલે દીપડો આગળ વધતો ઍમ્બ્યુલન્સ તરફ આવતો હતો!

lll
આ આખી પરિસ્થિતિમાં જો કોઈની સૌથી કફોડી હાલત હતી તો એ ડૉક્ટર સંધ્યાની હતી. સંધ્યા જાણી ગઈ હતી કે અમિતની જ આ બધી રમત છે. તેણે અમિતને પોતાની તરફ ખેંચ્યો. 

‘નહીં કર અમિત... પ્લીઝ...’

‘એ રાતે મેં પણ મધુને એ જ કહ્યું હતું...’ અમિતના ચહેરા પર માયૂસી હતી પણ હોઠ પર સ્માઇલ હતું, ‘આવી જ રીતે, ડિટ્ટો...’

‘ભૂલ થાય કોઈની પણ... એનો અર્થ એવો નથી કે આપણે એવા થઈને ઊભા રહીએ, આપણે કોઈને હાનિ પહોંચાડીએ...’

‘સારું છે સાંભળવામાં...’ અમિતે સંધ્યાની સામે જોયું, ‘જ્યારે જાત પર વીતે ત્યારે આ જ ડાયલૉગ તું તારી જાતને કહેજે. અને પછી જોજે...’

સંધ્યા જવાબ આપે એ પહેલાં તેણે ઍમ્બ્યુલન્સમાંથી રાડ સાંભળી...

‘નહીં...’

સંધ્યાની નજર ઍમ્બ્યુલન્સ તરફ ગઈ.

ઍમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખૂલી ગયો હતો અને એમાંથી મધુ બહાર આવીને ગાર્બેટ પૉઇન્ટથી અવળી દિશામાં, પેલા દીપડા તરફ દોડતો હતો. ત્યાં હાજર હતા એ બધાને એ દીપડો દેખાતો હતો પણ મધુને એમાં અઘોરીબાબાનાં દર્શન થતાં હતાં.

‘જય ગિરનારી...’

મધુએ ફરી એક વાર બાબાનો ગગનચુંબી નાદ સાંભળ્યો એટલે તેણે સામે પ્રતિસાદ આપ્યો.

‘બાબા કી જય...’

મધુની સામે આવતો દીપડો ઊભો રહ્યો અને મધુએ સીધું તેના પગમાં લંબાવી દીધું. દીપડાએ પહેલાં મધુ સામે અને પછી અમિત સામે જોયું. અમિતે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને પોતાની ગરદનને મરોડ આપતાં આગળ ઝૂકી એને પાછળની તરફ ખેંચી. દીપડાએ પણ એ જ કર્યું અને એની ગરદનને મરોડ આપી પગ પાસે સૂતેલા મધુનું મસ્તક આખું ઝાટકા સાથે ફાડી નાખ્યું.

ઍમ્બ્યુલન્સમાં ચીસાચીસ મચી ગઈ. સંધ્યાનું લોહી થીજી ગયું અને અમિત, અમિતના હોઠમાંથી લોહી ટપકવું શરૂ થયું. અમિતે જીભ બહાર કાઢીને નીચેના હોઠ પર બાઝેલું લોહી ચાખ્યું.

વધુ આવતા શનિવારે

columnists