આવનારી પેઢી માટે ત્રણ રત્નોનું ધ્યાન રાખોઃ દીકરી, પર્યાવરણ અને પીવાલાયક પાણી

25 March, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશ્વરે આપણી પેઢીને પીવાના પાણીની બચતની ગંભીર જવાબદારી સોંપી છે. પૃથ્વી પર ૯૭ ટકા ખારું પાણી છે અને માત્ર ૧ ટકો પાણી જ પીવાલાયક બચ્યું છે

મલાડનાં હર્ષા લધાણી ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સનાં ભૂતપૂર્વ પ્રમુખ છે

સમાજ આજે પણ દીકરાને ઘડપણની લાકડી માને છે, જ્યારે દહેજ કે આર્થિક ખર્ચના ડરે દીકરીને પારકી થાપણ ગણવામાં આવે છે. ઘરેલુ હિંસા અને બદલાતી જીવનશૈલી વચ્ચે આપણે એ ભૂલી રહ્યા છીએ કે સમાજની પ્રગતિ અને દેશની ઉન્નતિ દીકરીઓના જ કરકમળોમાં છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો બેટી બચાઓ-બેટી પઢાઓનો મંત્ર આ જ સ્વપ્નને સાકાર કરવા માટે છે. આ વાત આજના જમાનાના લોકોને સમજાવવી પડે એ શરમજનક બાબત છે.

આપણું અસ્તિત્વ પૃથ્વી સાથે જોડાયેલું છે. સવારે ઊઠીને વગર વિચાર્યે જે ધરતી પર આપણે પગ મૂકીએ છીએ એને બચાવવાની જવાબદારી પણ આપણી જ છે. પ્લાસ્ટિક, ઇલેક્ટ્રૉનિક કચરો અને કપડાંના અતિરેકથી થતું કાર્બન-ઉત્સર્જન પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. આપણે હવે REDUCE, REUSE & RECYCLE ના ત્રણ Rને જીવનમાં ઉતારવા જ પડશે. સૌર ઊર્જા અને પવન ઊર્જા જેવા અક્ષય સ્રોતોનો ઉપયોગ વધારીને તેમ જ વૃક્ષારોપણ દ્વારા જ આપણે પૃથ્વીને બચાવી શકીશું.

ઈશ્વરે આપણી પેઢીને પીવાના પાણીની બચતની ગંભીર જવાબદારી સોંપી છે. પૃથ્વી પર ૯૭ ટકા ખારું પાણી છે અને માત્ર ૧ ટકો પાણી જ પીવાલાયક બચ્યું છે. જો આપણે અત્યારે જ યુદ્ધના ધોરણે પાણીની બચત નહીં કરીએ તો આવનારી પેઢીને ભયંકર તંગી વેઠવી પડશે. એક કડવું સત્ય સ્વીકારવા જેવું છે: મારા દાદાએ નદીમાં પાણી જોયું, પિતાએ કૂવામાં જોયું અને આપણે બૉટલમાં જોઈ રહ્યા છીએ. જો આપણે નહીં જાગીએ તો ભવિષ્યમાં આપણી પેઢીએ કેમિસ્ટ પાસે જઈને કહેવું પડશે, મને બે ઔંસ પાણી આપશો? રેઇન-વૉટર હાર્વેસ્ટિંગ અને પાણીનો કરકસરભર્યો ઉપયોગ હવે માત્ર વિકલ્પ નથી, નૈતિક ધર્મ છે. આવનારી દીકરી, પર્યાવરણ અને પીવાલાયક પાણી આ ત્રણ રત્નોને બચાવવાં એ જ આપણું સાચું સત્કર્મ છે.

આજે આપણે જે વિકાસની આંધળી દોડમાં છીએ એ ક્યાંક આપણને આપણાં જ મૂળિયાંથી દૂર તો નથી કરી રહીને એ વિચારવાની ગંભીર જરૂર છે. આપણે હંમેશાં ‘તંત્ર’ કે ‘સમાજ’ પાસે અપેક્ષા રાખીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે પરિવર્તનની શરૂઆત મારા પોતાના ઘરથી થઈ શકે? દીકરીને માત્ર ભણાવવી પૂરતી નથી, તેને આત્મનિર્ભર બનાવવી અને નિર્ણય લેવાની શક્તિ આપવી એ પણ એટલું જ જરૂરી છે. ભૌતિક સુખ-સુવિધા પાછળની આંધળી દોટ આપણને માનવીય સંવેદનાઓથી દૂર કરી રહી છે. ઘરમાં વપરાતાં ઉપકરણો જો મર્યાદિત પાણી અને ઓછી ઊર્જા વાપરે એવાં હોય તો પણ આપણે મોટી બચત કરી શકીએ છીએ. આપણા રસોડામાંથી નીકળતા કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને રીસાઇકલ્ડ વસ્તુઓનો આગ્રહ રાખવો એ પૃથ્વી પ્રત્યેની આપણી કૃતજ્ઞતા છે. વૃક્ષોને માત્ર રોપવાં જ નહીં, સ્પ્રે દ્વારા પાણી છાંટીને એનો કરકસરભર્યો ઉછેર કરવો એ પણ એક કળા છે જે આપણે શીખવી પડશે. યુદ્ધના ધોરણે પાણી બચાવવાની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એનો અર્થ એ છે કે હવે આપણી પાસે નિષ્ક્રિય રહેવાનો સમય નથી. જો આજે આપણે નળના લીકેજ પ્રત્યે બેદરકાર રહીશું તો કાલે આપણી પેઢી પાસે પીવા માટે માત્ર બે ટીપાં જેટલું પાણી જ બચશે, જે એક ભયાનક વાસ્તવિકતા હોઈ શકે છે.

columnists gujarati mid day exclusive