વિજ્ઞાન સ્વીકારે છે યોગના આ લાભ

07 June, 2023 08:03 PM IST  |  Mumbai | Ruchita Shah

આમ તો યોગ વર્ષોથી ટ્રાઇડ ઍન્ડ ટેસ્ટેડ પરંપરા છે અને એને મૉડર્ન સાયન્સના થપ્પાની કોઈ જરૂર જ નથી. એ પછીયે ઘણા લોકો એવા છે જે આજના સંદર્ભમાં યોગની અકસીરતાને વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં સિદ્ધ થાય તો જ સ્વીકારવા તૈયાર છે. તેમના માટે જ આજનો આ લેખ છે

વિજ્ઞાન સ્વીકારે છે યોગના આ લાભ

યોગ અત્યારે ઇન થિંગ છે અને સ્ટેટસ સિમ્બૉલ તરીકે પણ લોકો યોગને અપનાવી રહ્યા છે. જોકે એક વર્ગ એવો પણ છે જેને યોગ એક ગિમિકથી વધારે નથી લાગતું. યોગમાં માત્ર વાતોનાં વડાં છે અને એના લાભ વિશે થતી વાતો એ પ્લેસીબો ઇફેક્ટથી વિશેષ કંઈ નથી એવું માનનારા મહારથીઓ માટે આજનો આ લેખ છે. યોગથી થતા લાભને વિજ્ઞાને પદ્ધતિસર થયેલાં વૈજ્ઞાનિક પરીક્ષણોએ પુષ્ટિ આપી છે. આજે વિજ્ઞાનની એરણ પર સાબિત થઈ ચૂકેલા યોગના ફાયદાઓ વિશે વાત કરીએ. 

લચીલાપણું વધે, વધે ને વધે જ |  યોગથી ફ્લેક્સિબિલિટી વધે છે એ સર્વમાન્ય સત્યને વિજ્ઞાને પુષ્ટિ આપી છે. યોગ જર્નલ અને યોગ અલાયન્સવાળી ઘણીબધી ઇન્સ્ટિટ્યૂટે ભેગી થઈને ૨૦૧૯માં કરેલો અભ્યાસ કહે છે કે યોગ માત્ર યંગ લોકોમાં જ નહીં પણ ૬૫ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા વડીલોની ફ્લેક્સિબિલિટી વધારવામાં પણ ઉપયોગી છે. ફ્લેક્સિબિલિટી ઇન્જરીથી બચવા અને શરીરનાં ઑર્ગન્સ બરાબર કામ કરે એના માટે જરૂરી છે. ઉંમર સાથે જડતા આવતી હોય છે, જેને તમે યોગ થકી કન્ટ્રોલમાં લાવી શકો છો.

મેન્ટલ હેલ્થ સુધરે | હવે ફ્લેક્સિબિલિટી વધે અને શરીરના પ્રત્યેક અંગ સુધી પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો પહોંચતાં હોય ત્યારે સ્ટ્રેસ ઘટે, મન શાંત થાય અને વિચારોમાં સ્થિરતા આવે તો મેન્ટલ હેલ્થ પણ વધવાની જ છે. આ સામાન્ય જ્ઞાનને પણ વિજ્ઞાને પુષ્ટિ આપી છે. અમેરિકન સાઇકોલૉજિકલ અસોસિએશને કરેલા સર્વે પ્રમાણે યોગાભ્યાસ દ્વારા ૮૪ ટકા લોકોએ ફ્રેશ અને માનસિક રીતે વધુ ચાર્જ્ડ થયાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૭માં થયેલા ૨૩ જેટલા અભ્યાસોનું એક કૉમન ઍનૅલિસિસ કહે છે કે મેજર ડિપ્રેસિવ ડિસઑર્ડરનાં લક્ષણોમાં યોગાભ્યાસ પછી ફાયદો થયો હતો અને એનાં તારણો પછી યોગને મેજર ડિપ્રેસિવ ડિસઑર્ડરમાં ઑલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ ગણી છે. 

ઇન્ફ્લેમેશન ઘટે |  હૃદયરોગ, ડાયાબિટીઝ, આર્થ્રાઇટિસ જેવા રોગો લાંબા ગાળા માટે શરીરમાં ઇન્ટરનલી રહેતા સોજાનું પરિણામ હોઈ શકે છે અને પંદર જેટલા અભ્યાસોનું તારણ કહે છે કે યોગના નિયમિત અભ્યાસથી શરીરના અંદરના અને બહારના સોજાનું પ્રમાણ ઘટે છે. ઑર્ગન્સની કાર્યક્ષમતા વધે છે. રક્ત પરિભ્રમણ બહેતર થાય છે. 

સ્ટ્રેંગ્થ અને બૅલૅન્સ વધે | ઘણા લોકો સ્નાયુઓની સ્ટ્રેંગ્થ વધારવા માટે અને એને ટોન્ડ કરવા માટે જિમમાં જઈને વજન ઉપાડતા હોય છે. જોકે બૉડીબિલ્ડિંગ ધ્યેય ન હોય તો આપણી જરૂરિયાત મુજબની સ્નાયુઓની સ્ટ્રેંગ્થ અને બૅલૅન્સ વધારવામાં યોગ ખૂબ જ અદ્ભુત પરિણામ આપી શકે છે એવું અમે નહીં, પણ ઍરફોર્સના અધિકારીઓ પર થયેલો એક અભ્યાસ આ વાતની પુષ્ટિ કરે છે. ઇન ફૅક્ટ કેટલાક અભ્યાસોમાં બ્રેસ્ટ-કૅન્સરના સર્વાઇવર માટે, સિનિયર સિટિઝનો અને બાળકો માટે પણ યોગે સ્ટ્રેંગ્થ બિલ્ડિંગનું કામ કર્યું હોય એ સાબિત થઈ ચૂક્યું છે.

ઊંઘ અને ઇમ્યુનિટી સુધરે | સ્ટ્રેસ આપણી ઇમ્યુનિટીને સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે. તમે જો સ્ટ્રેસને ટૅકલ કરી શકો અને એમાં તમારી ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેંગ્થ પણ વધેલી હશે તો એનો લાભ ઇમ્યુનિટીને પણ મળવાનો છે. આ દીવા જેવી સ્પષ્ટ વાતને સાબિત કરી છે વૈજ્ઞાનિકોએ. પબમેડ નામની સાઇટ પર પબ્લિશ થયેલા એક અભ્યાસમાં યોગથી સેલ મિડિએટેડ ઇમ્યુનિટી વધી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે અને સાથે જ યોગના નિયમિત અભ્યાસથી વ્યક્તિની સ્લીપ ક્વૉલિટી ઇમ્પ્રૂવ થતી હોવાનું તારણ પણ મળે છે.  

આ સિવાય પણ વ્યક્તિનો સેલ્ફ-એસ્ટીમ સુધારવામાં, પૅનિક અટૅકથી તેની રક્ષા કરવામાં, તેના મસ્તિષ્કની ક્ષમતા વધારવામાં, તેની હાડકાંની હેલ્થ સુધારવામાં, તેની વર્તમાનને લગતી સભાનતા બહેતર કરવામાં અને વ્યક્તિને ઊર્જાથી સભર કરવામાં અફલાતૂન પરિણામ યોગથી મળતું હોવાનું ઢગલાબંધ રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે. 

ruchita shah yoga columnists international yoga day