સમયસર ગાડી સર્વિસમાં મોકલીએ, પણ શરીર માટે જ બેદરકાર રહીએ?

21 April, 2022 05:22 PM IST  |  Mumbai | JD Majethia

આજે ઘણાં ઘરોમાં વડીલો પોતાની હેલ્થ બાબતે બેદરકારી એટલે દાખવે છે કે દીકરાને ખોટો ખર્ચ થશે અને કાં તો દીકરો નાહકની ચિંતા કરશે, પણ એવું કેમ નથી વિચારતા કે તમે ફૅમિલીના ફેવરિટ છો, તમારી બેદરકારીને લીધે એ સૌએ ઇમોશનલી હેરાન થવું પડી શકે છે

સમયસર ગાડી સર્વિસમાં મોકલીએ, પણ શરીર માટે જ બેદરકાર રહીએ?

એક ઉંમર પછી શરીર માટે ગંભીરતા વધવી જોઈએ, પણ આપણે ત્યાં એનાથી ઊલટું થાય છે. આજે ઘણાં ઘરોમાં વડીલો પોતાની હેલ્થ બાબતે બેદરકારી એટલે દાખવે છે કે દીકરાને ખોટો ખર્ચ થશે અને કાં તો દીકરો નાહકની ચિંતા કરશે, પણ એવું કેમ નથી વિચારતા કે તમે ફૅમિલીના ફેવરિટ છો, તમારી બેદરકારીને લીધે એ સૌએ ઇમોશનલી હેરાન થવું પડી શકે છે

‘આપણે બ્લૉકેજને લગતી ટેસ્ટ કરાવી શકીએ?’
આપણે ગયા ગુરુવારની વાત આગળ વધારીએ. મારા મિત્રના મિત્ર જેની ઉંમર હજી માંડ ફોર્ટી-પ્લસ હતી અને તેને બાયપાસ સર્જરી આવી એ સાંભળીને મારી આંખ સામે મારું શેડ્યુલ આવી ગયું. બહુ ભાગદોડ રહે છે હમણાં. હેક્ટિક પણ એટલું જ અને કામનું સ્ટ્રેસ પણ ખરું. આ બધા વચ્ચે મને થયું કે સાલું ડોરબેલ વાગે અને આપણને ખબર પડે કે પ્રૉબ્લેમ ડોર પર આવીને ઊભો રહી ગયો છે એના કરતાં સજાગ થઈને શું કામ અત્યારે જ આપણે ચેકઅપ ન કરાવી લેવું. ચેકઅપ માટે મેં શરૂઆત કરી દીધી અને પહેલાં મેં ઈસીજી કરાવ્યો, જેમાં સહેજ ગરબડ લાગી એટલે મારી સ્ટ્રેસ-ટેસ્ટ બીજા દિવસ પર પોસ્ટપોન થઈ અને મેં નક્કી કરી લીધું કે આપણે હવે અંધારામાં રહેવું નહીં.
મેં તરત મારા મિત્ર એવા ડૉક્ટર દીપક નામજોષીને ફોન કર્યો અને કહ્યું કે મારે બધી જ ટેસ્ટ બહુ ડિટેઇલમાં કરાવવી છે અને એવું કહેવાની સાથોસાથ પૂછી પણ લીધું કે આપણે બ્લૉકેજને લગતી ટેસ્ટ કરાવી શકીએ કે નહીં? મારે એ જાણી લેવું હતું કે આર્ટરીમાં કોઈ બ્લૉકેજ છે કે નહીં? 
ડૉ. નામજોષીએ કહ્યું કે આપણે આટલી ટેસ્ટ કરાવવી જોઈએ અને એ પછી કોઈ જાતનું મોડું કર્યા વિના હું બીજા જ દિવસે પહોંચી ગયો મારી ટેસ્ટ કરાવવા. સીધું જ એમઆરઆઇ. એમઆરઆઇ કરતાં પહેલાં બૉડીમાં ડાય જેવું કોઈ લિક્વિડ ઇન્જેક્ટ કરે અને પછી તમને થોડી વાર બેસાડી રાખે, જેથી એ જે લિક્વિડ હોય એ તમારા આખા બૉડીમાં પ્રસરી જાય અને એ પછી એમઆરઆઇ કરે. કરવામાં આવેલી એ આખી પ્રોસેસમાં શું-શું હોય એની ચર્ચા અત્યારે કરવાને બદલે અત્યારે આપણે આગળ વધીએ. અમેઆરઆઇ થયા પછી તમને મોટા ભાગે થોડા કલાકથી માંડીને ૨૪ કલાક પછી એટલે કે બીજા દિવસે રિપોર્ટ મળે. એ રિપોર્ટ આવ્યો. 
મારા અત્યાર સુધીના જે ડાઉટ હતા, ચિંતા હતી એ બધા વચ્ચે મારો રિપોર્ટ એકદમ ક્લિયર આવ્યો અને રિપોર્ટ સારા હતા, પણ મને જે ધ્રાસકો પડ્યો હતો અને રિપોર્ટ નહોતો આવ્યો ત્યાં સુધી મારા મનમાં જે ચાલતું હતું એ વિચારો મારે તમારી સાથે શૅર કરવા છે. મને મનમાં થતું હતું કે જો એમાં કંઈ આવ્યું તો? જવાબ પણ હતો કે જો કંઈ આવ્યું તો હું એમાંથી રસ્તો કાઢી લઈશ, પણ ધારો કે મેં રિપોર્ટ ન કરાવ્યો હોત અને મને કંઈ થઈ ગયું હોત તો? 
હા, આ ‘તો’ વધારે ખતરનાક છે અને આપણે એનાથી બચવાનું છે.
આપણે આપણી વ્યસ્તતા વચ્ચે આપણી જાતને કેટલી ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ, ખાવા-પીવાની બાબતમાં દરકાર કરવાને બદલે કંઈ પણ બૉડીમાં નાખ્યા કરીએ અને આગળ વધતા રહીએ. કોઈ તબિયત વિશે કાળજી રાખવાનું કહે તો પણ આપણે ફટાક દઈને કહી દઈએ કે ‘અરે, આપણને કંઈ નથી થવાનું’, પણ ના, એવું નથી. એક ચોક્કસ એજ પછી આપણે બહુ સાવચેત રહેવું જોઈએે. દરેકેદરેકને આ વાત લાગુ પડે છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણા પર માત્ર આપણી ફૅમિલીની જ ડિપેન્ડન્સી હોય છે, પણ એવું નથી હોતું. મારી વાત કરું તો મારા પર ત્રણ જ વ્યક્તિ એટલે કે વાઇફ નીપા કે દીકરીઓ કેસર-મિસરી જ ડિપેન્ડ છે એવું નથી. મારી એક્સટેન્ડેટ ફૅમિલી પણ મારા પર ડિપેન્ડન્ટ છે. વાત અહીં માત્ર ફાઇનૅન્શિયલ ડિપેન્ડન્સીની જ નથી. ઇમોશનલ ડિપેન્ડન્સીની પણ છે અને એવા લોકો કેટલા! મારી જ વાત કરું તો મારી કંપનીનો સ્ટાફ જ ગણીએ તો એ ૩૦૦ની આસપાસ છે. એ લોકો, એ લોકોની ફૅમિલી, એ સિવાય મારાં અને તેમનાં સગાંવહાલાં. એ બધાંને જોઈએ તો મારી સાથે સંકળાયેલા હોય એવા કેટલા બધા લોકો થયા.
એક વાત યાદ રાખજો કે આપણી આસપાસ અઢળક લોકો એવા છે જેમની લાઇફ તમારી ગેરહાજરીથી સાવ બદલાઈ જવાની છે, જીવનઆખું બદલાઈ જવાનું છે અને એ દૃષ્ટિએ પણ તમારી લાઇફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા ફ્રેન્ડ અને સોની-સબ ટીવીના ચૅનલ હેડ નીરજ વ્યાસના મિત્રની વાત સાંભળી ત્યારથી લઈને મારા બધા રિપોર્ટ આવ્યા નહીં અને મને મનમાં શાંતિ થઈ નહીં ત્યાં સુધી મારા મનમાં આ જ બધું ચાલતું હતું.
જો મને અત્યારે, આ સમયે કંઈ થઈ જાય તો મારી સરાઉન્ડમાં જેકોઈ છે, જેકોઈ મારા પર કોઈ ને કોઈ રીતે આધારિત છે એ લોકોની હાલત કેવી કફોડી થાય? કલ્પના પણ ન થઈ શકે કે આપણા વિના તેઓ કેવી રીતે જીવી શકે અને કેવી રીતે એમ જીવી શકાય? બહુ વખત પહેલાં મારે ત્યાં રાઇટિંગ કરતો રાજેશ સોની અચાનક જ હાર્ટ-અટૅકને કારણે ગુજરી ગયો ત્યારે મેં લખ્યું હતું કે જનારાઓ તો ચાલ્યા જાય, પણ તેમની પાછળ રહી જનારાઓએ જીવવાનું છે અને એ જીવન કેવું હોય છે એની કલ્પના એક વાર સૌકોઈએ કરવી જોઈએ. તમે જો ડીપ-થિન્કિંગ કરશો તો તમારા શરીરમાં ધ્રુજારી આવી જશે અને તમારાં રૂંવાડાં ઊભાં થઈ જશે. 
એવું ન થવા દેવું હોય તો, એ લોકો તરફ આપણે જે કૅર રાખીએ છીએ એને અકબંધ રાખવી હોય તો, સૌથી વધારે આપણા તરફ ધ્યાન આપીને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આપણી મેન્ટાલિટી રહી છે કે શરીર ડોરબેલ વગાડે એટલે ભાગીને ડૉક્ટર પાસે પહોંચી જવાનું, પણ ધારો કે એ ડોરબેલ ન વાગી તો? ધારો કે શરીર ડોરબેલ વગાડ્યા કરે છે, પણ આપણને એ અવાજ આવતો નથી તો? હું કહીશ કે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ, પણ બીમારી આવે એ પહેલાં જ આપણે ચેકઅપ માટે જઈએ તો બીમારી આવશે જ નહીં.
ચેકઅપની બાબતમાં સજાગ થવા ઉપરાંત એક રિવર્સ કામ પણ આપણે કરવાની બહુ જરૂર છે. નિયમિત ચેકઅપનો નિયમ રાખવા ઉપરાંત ખાવાપીવાની બાબતમાં પણ સજાગ થવાની જરૂર છે. એક વાત યાદ રાખજો કે આપણું શરીર અમૂલ્ય છે. અમૂલ્યનો અર્થ જાણો છોને તમે. જેનું મૂલ્ય ન આંકી શકાય એ અમૂલ્ય. લાખો-કરોડો આપતાં પણ આ શરીર પાછું નથી મળવાનું, જિંદગી દાવ પર લાગી ગઈ હશે ત્યારે કરોડો રૂપિયા ખર્ચી નાખશો તો એ દાવ અન-ડુ નહીં થાય. જે ડૅમેજ થઈ ગયું હશે એની મરમ્મત થશે, રિપેરિંગ થશે, પણ એ પહેલાં જેવી અન-ઓપન્ડ તો નહીં જ કહેવાય. વારંવાર કહું છું કે આપણે એક એજ પછી બહુ બેદરકારી દાખવતા હોઈએ છીએ, જે ખરેખર બહુ ખોટું છે. મેં તો અનેક ફૅમિલીમાં એવું પણ જોયું છે કે વડીલો છે તેઓ પોતાની હેલ્થ વિશે વાત કરવાનું ટાળતા રહે છે. કાં તો તેમને ખબર ન હોય અને ખબર હોય તો કોઈને કહે નહીં. મનમાં ને મનમાં એવી દલીલ કરી લે કે રહેવા દોને, ખોટો ખર્ચો થશે. આ જે માનસિકતા છે એ પણ આપણે ચેન્જ કરવી પડશે. ચેકઅપની બાબતમાં પણ આ વડીલો એવું જ વિચારીને અટકી જાય છે કે આપણે કારણે દીકરા કે દીકરીને ખોટો ખર્ચ આવશે, પણ એ ખર્ચ બીજા બહુ મોટા ખર્ચમાંથી તમને ઉગારશે અને એનાથી પણ મોટી વાત, તમે જેમના પ્રિયજન છો તેમને માનસિક સંતાપ સહન કરવાનો વારો નહીં આવે.
હેલ્થની બાબતમાં રાખવામાં આવતી બેદરકારીને ખરેખર સૌકોઈએ દૂર કરવાની જરૂર છે. આપણે તો ભણેલા-ગણેલા છીએ. મિડલ ક્લાસ ફૅમિલીના છીએ. જો આપણે આવી બેદરકારી દેખાડીએ તો શું ફરક રહ્યો પેલા નાના વર્ગના અભણ લોકોમાં અને આપણામાં. એક પણ મેઇન્ટેનન્સ આપણે ચૂકીએ નહીં. સમયસર ગાડી સર્વિસ કરાવી લઈએ, પણ શરીરની બાબતમાં જરા પણ ચીવટ રાખીએ નહીં. શું આ યોગ્ય છે?
જરા જાતને પૂછજો અને જે જવાબ મળે એ જવાબ મને કહેજો. 

 આપણું શરીર અમૂલ્ય છે. જેનું મૂલ્ય ન આંકી શકાય એને અમૂલ્ય કહે. લાખો-કરોડો આપતાં પણ આ શરીર પાછું નથી મળવાનું, જિંદગી દાવ પર લાગી ગઈ હશે ત્યારે કરોડો ખર્ચી નાખશો તો પણ એ દાવ અન-ડૂ નહીં થાય. જે ડૅમેજ થઈ ગયું હશે એની મરમ્મત થશે, રિપેરિંગ થશે, પણ એ પહેલાં જેવી અન-ઓપન્ડ તો નહીં જ કહેવાય.

columnists JD Majethia