01 March, 2026 01:55 PM IST | Mumbai | Aashutosh Desai
૬૮ વર્ષના અમરજિત અને તેમનો ૨૪ વર્ષનો પૌત્ર રવિ ચૈના.
પંજાબના ફરીદકોટના નાનકડા ગામડામાં રહેતા એક દાદા અને પૌત્ર એવા છે જે મહામૂલી જણસ તરીકે રોકડા, ઘરેણાં, મકાનો કે મોટરકાર્સ નહીં પરંતુ ખેતી માટેનાં વિવિધ બીજ સાચવી રહ્યા છે. માત્ર ૪ એકર જેટલી જમીન, પણ ૪૦૦ એકર જેટલી મહેનત, ૪ હજાર એકર જેટલી લગન અને ૪ લાખ એકર જેટલી શુભ ભાવના. દાદા કામ શું કરે છે? પોતાની ૪ એકર જમીનમાં જીવતાં-જાગતાં દેશી બીજ વાવે છે, ઉગાડે છે અને એને બૅન્ક કરે છે. પહેલાં વહેંચતા હતા, હવે વેચે પણ છે. ઉદ્દેશ છે ભારતની મૂળભૂત ખેતી સાચવવાનો; ભારતનાં દેશી શાકભાજી, અનાજ અને ફળોને એનાં મૂળ બીજ સાથે સાચવવાનો
તમે હમણાં સુધીમાં કેવી-કેવી અને કેટલી બૅન્ક્સ વિશે સાંભળ્યું છે? એક સામાન્ય બૅન્ક જે કાગદી નાણું અને ઘરેણાં સાચવે, બીજી બ્લડ-બૅન્ક જે લોહીનો જથ્થો સાચવે, ત્રીજી સ્પર્મ-બૅન્ક જે પુરુષવીર્યની જાળવણી કરે. એમાં હવે તો બીજી નવી બે બૅન્ક્સ ઉમેરાઈ છે. DNA બૅન્ક અને સ્ત્રીબીજ બૅન્ક. બસ, આટલી જને? એકાદ-બે કદાચ બીજી હશે જે ગણાવવાની રહી ગઈ હશે પરંતુ શું ક્યારેય સીડ્સ બૅન્ક વિશે સાંભળ્યું છે? બસ, આજે આપણે જે દાદા અને પૌત્રની વાત છેડી છે એ આ સીડ્સ બૅન્ક વિશે જ છે. પણ, પણ, પણ... માત્ર સીડ્સ બૅન્ક વિશે નથી. આ વાત છે ભારતની મૂળભૂત ખેતી સાચવવાની; ભારતનાં દેશી શાકભાજી, અનાજ અને ફળોને એનાં મૂળ બીજ સાથે સાચવવાની. આ કહાણી છે સ્વાદ, ન્યુટ્રિશન અને ક્વૉલિટી ખોઈ રહેલા હાઇબ્રિડ ખેતઉત્પાદનોની સામે ઝીંક ઝીલતા અને જીતી રહેલાં મૂળ દેશી ખેતઉત્પાદનોની જે પહેલાંના સમયના જેવા જ વધુ ગુણકારી, વધુ હિતકારી, વધુ દળદાર અને એનો મૂળ સ્વાદ જાળવી રાખનાર સાબિત થયાં છે.
ફરીદકોટનું નાનકડું ગામડું ચૈના અને આ ચૈના ગામમાં વસે છે ૬૮ વર્ષના વયોવૃદ્ધ અમરજિત અને તેમનો ૨૪ વર્ષનો પૌત્ર રવિ ચૈના. કોઈ મોટી-મોટી મશીનરીઝ નહીં, કોઈ કૉર્પોરેટ કૉન્ટ્રૅક્ટ કે માર્કેટિંગ સ્ટ્રૅટેજી નહીં કે નહીં કોઈ વાઇટ કૉલર પ્રેઝન્ટેશન. જમીનના માણસ છીએ, જમીન સાથે રમીએ છીએ અને વારસાઈ સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ દાદા-પૌત્રની જોડીએ પોતાની જાતમહેનત અને દૂરંદેશી દ્વારા બનાવી નાખી છે એક સીડ્સ બૅન્ક, જેનું નામ છે ‘સિનિયર સીડ્સ’. માત્ર ૪ એકર જેટલી બાપ-દાદાની જમીન પર અમરજિતજીએ પોતાને સમજાય એ પ્રમાણે ખેતી કરવાની શરૂઆત કરી. ક્યારે આ ખેતી જ તેમનું પૅશન બની ગયું અને ક્યારે તેમને પોતાની વારસાઈ સાચવાની ધૂન સવાર થઈ ગઈ એનો કોઈ ચોક્કસ સમય, દિવસ કે
ચોઘડિયું કહેવું તો મુશ્કેલ છે; પરંતુ વિચાર શું હતો એ અમરજિતજીને પૂછશો તો નિઃશંક કહી દેશે.
સફરની શરૂઆત
વર્ષ હતું ૨૦૦૫નું, જ્યારે અમરજિત નામનો આ ખેડૂત હજી માત્ર એક સ્ટેનોગ્રાફી ડિપ્લોમા હોલ્ડર તરીકેની ઓળખ ધરાવતો હતો, પરંતુ જન્મે ખેડૂતનો દીકરો આથી માટીની પેલી મહેક અને માટી સાથેનો લગાવ તો હજીયે અકબંધ હતાં. હવે ગળથૂથીમાં મળેલા આ સંસ્કારને કારણે અમરજિતને એક બાબત સતત પરેશાન કરી રહી હતી અને એ હતું ખેતીમાં બદલાઈ રહેલો ટ્રેન્ડ. અમરજિત જોઈ રહ્યા હતા કે પારંપરિક દેશી ખેતી અને દેશી બીજ ભારતનાં ખેતરોમાંથી ગાયબ થઈ રહ્યાં છે અને એમની જગ્યા ખૂબ ઝડપથી હાઇબ્રિડ અને નકલી બીજ લઈ રહ્યાં છે. ખેડૂતનો દીકરો હોવાથી અમરજિત એટલું તો જાણતા જ હતા કે નજીકના ભવિષ્યમાં આ હાઇબ્રિડ અને નકલી બીજના જેટલા ફાયદા દેખાઈ રહ્યા છે એના કરતાં લાંબા ગાળે ગેરફાયદા અનેક છે અને એનાથી થતું નુકસાન ઘણું મોટું છે. જેમ કે દરેક ખેડૂતને રોપણીના સમયે મોટી-મોટી કંપનીઓ પર નિર્ભર રહેવું પડે છે. તગડી પેદાવાર અને મોટા ફાયદાની લાલચમાં આવી જતો ખેડૂત સરવાળે તેની જમીનનો કસ ખોઈ બેસે છે અને જમીન બંજર થતી જાય છે. આ સિવાય સૌથી મોટું જે નુકસાન થઈ રહ્યું છે એ વિશે તો કોઈ વિચાર જ નથી કરી રહ્યું. આ નુકસાન એટલે આવાં હાઇબ્રિડ અને નકલી બીજને કારણે બાયોડાયવર્સિટી, ન્યુટ્રિશન, સ્વાદ અને આત્મનિર્ભરતા બધું કહેતાં બધું જ પાયમાલીના ઉંબરે ઊભું છે. હાઇબ્રિડ અને નકલી બીજ ભલે પેદાશ વધુ આપે પરંતુ એ ખેતપેદાશો માત્ર ક્વૉન્ટિટીમાં જ વધુ હોય. એમાં ન્યુટ્રિશન કે સ્વાદના નામે કશું જ હોતું નથી. એથી સાવ ઊલટું આવી ખેતપેદાશો માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને પોષણ વધારવાની જગ્યાએ ઊલટાનું નુકસાન કરી રહી હતી. ઉદાહરણ તરીકે હમણાં બજારમાં મળતાં સરસ શોપીસ જેવા નીટ ઍન્ડ ક્લીન, બિગ ઇન સાઇઝ જમરૂખ; જે દેખાવમાં મોટાં હોય, સુંદર હોય; પરંતુ સ્વાદના નામે, પોષણના નામે કશું જ નહીં.
બસ, આટલી એક બાબત અમરજિતની ભીતરના ખેડૂતને જગાડવા માટે પૂરતી હતી. અને અહીંથી શરૂ થઈ અમરજિતજીની એક નવી સફર. તેમણે ભારતના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને અલગ-અલગ ખેતપેદાશોનાં દેશી બીજ ભેગાં કરી સાચવવા માંડ્યાં. અને એ બીજથી ૪ એકરની પોતાની જમીનના એક નાના હિસ્સામાં શરૂ કરી શાકભાજીની ખેતી. આ સાથે જ તેમણે ભેગાં કરેલાં અનેક બીજને જતનથી સંભાળવાનું પણ શરૂ કર્યું. માત્ર વિચાર દ્વારા શરૂ થયેલી આ પહેલ ધીરે-ધીરે એક મિશનમાં પરિવર્તિત થતી ગઈ અને ૨૦૧૨-’૧૩ આવતા સુધીમાં તો અમરજિતનું આખુંય ખેતર અનેક દેશી શાકભાજી અને ફળોના ઉત્પાદનનું પૌષ્ટિક ખેતર બની ગયું.
વાત અહીં જ પૂર્ણ નથી થઈ જતી, અમરજિતે જે પહેલ આદરી હતી એ જ પગલે ચાલવા માટે તેમણે બીજા અનેક ખેડૂતો સાથે વાત કરવા માંડી અને તેમને પ્રોત્સાહિત કરવા માટે લગભગ ૭-૮ વર્ષ સુધી એ દેશી બીજ મફતમાં પણ વહેંચ્યાં.
આવું કરવા પાછળ અમરજિતના માત્ર બે જ સ્વાર્થ હતા. એક, વધુમાં વધુ ખેડૂત ફરી પારંપરિક દેશી બીજ દ્વારા ખેતઉત્પાદન તરફ વળે અને બીજો, આ રીતે વધુ દેશી બીજનું ઉત્પાદન થઈ શકે જેથી એ વધુ ખેડૂતો સુધી પહોંચાડી શકાય. આ પ્રવૃત્તિમાં અમરજિતનો હજીયે ક્યાંય એવો ઉદ્દેશ્ય નહોતો કે એમાંથી નફો કમાઈ શકાય. તેમની તો માત્ર એક જ નેમ હતી કે વધુમાં વધુ ખેડૂતો મૂળભૂત ખેતી તરફ વળે અને ભારતીય લોકોને પૌષ્ટિક ખેતપેદાશો મળે.
ખેતરમાં કામ કરી રહેલા અમરજિત.
જાગરૂકતા પણ અને વેપાર પણ
અમરજિતના આ શ્રમયજ્ઞમાં ૨૦૧૯ના વર્ષમાં તેમનો પૌત્ર પણ જોડાયો, રવિ ચૈના. દાદાજીની પ્રવૃત્તિ અને વૃત્તિ બન્ને પૌત્રને આકર્ષી ગયાં હતાં. આજના આધુનિક યુગમાં એક તરફ જ્યાં યુવાનોને ઠીકઠાક પૈસો રળી આપતી AC ઑફિસવાળી વાઇટ કૉલર જૉબમાં રસ હોય છે ત્યાં જ રવિ ચૈનાને દાદાજીની પારંપરિક દેશી બીજની ખેતી અને એ માટે તેમનું ડેડિકેશન આકર્ષી ગયાં. તેમણે દાદાજીને એક સજેશન આપ્યું, ‘આપણે આ દેશી બીજનાં નાનાં-નાનાં પૅકેટ્સ બનાવીને વેચીએ તો કેવું? આપણી આ પહેલને એક સસ્ટેનેબલ બિઝનેસ મૉડલ પણ મળશે અને સસ્ટેનેબલ ખેતી પણ મળશે.’
દાદાજીને પૌત્રનો વિચાર ગમ્યો અને શરૂ થયું ફરી એક નવું મિશન.
બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (BBA) થયેલા પૌત્રને કારણે હવે અમરજિતના મિશનને સોશ્યલ મીડિયા અને માર્કેટિંગનો પણ સહારો મળ્યો. સાથે જ શ્રમયજ્ઞને હવે થોડીઘણી કમાણી દ્વારા એક નામ મળવાનું હતું. બસ, અહીંથી શરૂ થઈ દેશી બીજની હરતી-ફરતી બૅન્ક, સિનિયર સીડ્સ. પૌત્રને એટલું તો સમજાઈ ગયું હતું કે દાદાજીના આ યજ્ઞમાં કમાણી નહીં પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય આપણી વિરાસતને બચાવવાનું છે.
એક તરફ અમરજિત પોતાનો દશકોનો અનુભવ લઈને સાથે હતા તો બીજી તરફ રવિ એમાં ડિજિટલ આઉટરીચનો ગોલ્ડન ટચ લઈને આવ્યો. સોશ્યલ મીડિયા પ્રમોશન, ફાઇનૅન્શિયલ પ્લાનિંગ અને વેબસાઇટ. આજે તેમની વેબસાઇટ seniorseeds.in નામના ઑનલાઇન સ્ટોર પર સમર સીડ તરીકે લગભગ ૪૩ વરાઇટીનાં અલગ-અલગ દેશી બીજ ઉપલબ્ધ છે. સાથે વિન્ટર સીડ્સ તરીકે ૩૬ જેટલા કૉમ્બો અવેલેબલ છે. આ સિવાય બન્નેનું કૉમ્બિનેશન તરીકે સમર કૉમ્બો અને બિગ વિન્ટર કિટ પણ છે જેમાં અનેક અલગ-અલગ શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનાં દેશી બીજ દેશના અનેક ખેડૂતો માટે સાવ સસ્તા ભાવે મળી રહે છે.
બીજનું જતન કરનારા આ સાત ધુરંધરોને પણ મળો
દારલાપુડીરવિ
આંધ્ર પ્રદેશના દારલાપુડી રવિ મોખરાની યાદીમાં સ્થાન પામે એવા છે. અને ખરું માનજો, તેમને માત્ર ખેડૂત કહેવા કરતાં ઇનોવેટરનું વિશેષણ લગાડીએ તો વાજબી લેખાય. કેમ? તો દારલાપુડી રવિએ અંદાજે ૩૬૦૦ કરતાંય વધુ અલગ-અલગ પ્રકારનાં દેશી બીજ ઉગાડ્યાં અને વિકસાવ્યાં છે. ૫૪ વર્ષના દારલાપુડી એક સમયે સારાએવા પગારની કૉર્પોરેટ જૉબ કરનારી વ્યક્તિ હતા. પરંતુ ખેતી તરફનો લગાવ અને આપણા પારંપરિક ખેતીસંસ્કાર જાળવી રાખવાની તેમની નેમે તેમને વાઇટ કૉલર નોકરી છોડી પોતાની માટી તરફ પાછા વળ્યા અને તેમણે સિનિયર સીડ્સની જેમ જ પોતાની એક બીજ-બૅન્ક બનાવી જેમાં આજે ૩૬૦૦ જેટલાં ભિન્ન-ભિન્ન બીજો સચવાયાં છે.
સંગીતાશર્મા
આંધ્ર પ્રદેશ નજીક જ કર્ણાટકના બૅન્ગલોરનાં સંગીતા શર્માએ તો પોતાના અભિયાનનું નામ જ ‘અન્નદાન સીડ બૅન્ક’ રાખ્યું છે. સંગીતા શર્મા નામ વાંચી જો તમને એવો પ્રશ્ન થાય કે સ્ત્રી ખેડૂત? તો એ પ્રશ્ન ભુલાવી દેજો કારણ કે સંગીતા એક એવાં હોશિયાર અને ઇનોવેટિવ ખેડૂત છે જેમની સલાહ લેવા માટે અનેક પુરુષ ખેડૂતો પણ તેમની પાસે જતા હોય છે. ૨૦૦૧ની સાલમાં તેમણે પોતાની આ સીડ-બૅન્કની શરૂઆત કરી અને આજે લગભગ ૮૦૦ જેટલાં દેશી બીજ તેમણે પોતાની બૅન્કમાં જણસ તરીકે સાચવ્યાં છે જેના દ્વારા તે અનેક ખેડૂતોને પારંપરિક બીજો દ્વારા ખેતી તરફ વાળવાની પ્રેરણા આપી રહ્યાં છે.
જી. કૃષ્ણપ્રસાદ
કર્ણાટકના ખેડૂતોમાં વાત કરશો તો જવલ્લે જ કોઈક ખેડૂત એવો મળશે જેણે જી. કૃષ્ણપ્રસાદનું નામ નહીં સાંભળ્યું હોય. અને ધારો કે કોઈક એવું મળી પણ જાય તો તેણે પણ ‘સહજ સમૃદ્ધિ’ તો સાંભળ્યું જ હશે, કારણ કે આખુંય કર્ણાટક તેમને ‘દેશી બીજવાલે આદમી’ તરીકે ઓળખે છે.
ઋતુચક્ર આધારિત દેશી બીજ સાથે મબલક પાક લેવાનો હુનર જી. કૃષ્ણપ્રસાદે પોતે કેળવ્યો છે અને હવે તેઓ બીજા અનેક ખેડૂતોને એ હુનર શીખવી રહ્યા છે એટલું જ નહીં, તેઓ ખેડૂતોને એ માટે પણ પ્રોત્સાહિત કરે છે કે તમે જાતે દેશી બીજ ઉગાડો અને એના એક્સચેન્જમાં બીજાં દેશી બીજ મારી પાસેથી લઈ જાઓ. તેઓ પણ અમરજિતજીની માફક જ કહે છે કે દેશી બીજ અને પારંપરિક ખેતી આપણી વિરાસત છે અને આપણા સંસ્કાર છે. તેમનું માનવું છે કે હાઇબ્રિડ બીજ અને એના દ્વારા ઉગાડાતાં શાકભાજી, ફળો અને અનાજ વાસ્તવમાં આપણને પોષણ નથી આપતાં બલકે એથી સાવ ઊલટું આપણને વધુ નબળા અને શરીરની રોગો સામે લડવાની શક્તિ ઓછી કરી નાખતી પેદાશો છે.
સલાઈઅરુણ
દક્ષિણ ભારતની જ આપણી આ સફર આગળ વધારતાં તામિલનાડુ તરફ જઈએ તો સલાઈ અરુણનું નામ દક્ષિણના ખેડૂતોમાં અજાણ્યું નથી. કૃષિલક્ષી અનેક ઇન્ટરવ્યુ અને જાગરૂકતા ફેલાવતી અનેક ખેતીની વાતો કરતી શૉર્ટ ફિલ્મ્સમાં સલાઈ અરુણ આપણને નજરે પડશે. અનેક દુર્લભ શાકભાજીનાં બીજ બચાવી તેમણે ‘કર્પગાથારુ’ નામનો ભંડાર ઊભો કર્યો છે.
વી. પ્રિયારાજનારાયણ
એક એવા ખેડૂત જેમનું નામ કોઈ એક રાજ્ય કે કોઈ એકાદ ખેતર સાથે જોડવું મુશ્કેલ છે. વી. પ્રિયારાજનારાયણે લગભગ ૬૦૦થી પણ વધુ દેશી શાકભાજીનાં બીજ સંભાળીને રાખ્યાં છે. એનું વાવેતર કરી નવાં બીજ ઉગાડે છે એટલું જ નહીં, જાતમહેનતે ઉગાડેલી આ વિરાસત તેઓ અનેક ખેડૂતો અને માળીઓને મફતમાં વહેંચે છે. શરત માત્ર એટલી જ કે હાઇબ્રિડ અને નકલી બીજ છોડી ભારતના ખેડૂતો ફરી પારંપરિક દેશી બીજો દ્વારા થતી ખેતી તરફ વળે.
હરીશજી
દક્ષિણથી મધ્ય ભારત તરફ આવીએ તો મધ્ય પ્રદેશના ખેડૂતવીર હરીશજીએ પણ અમરજિત અને રવિ ચૈનાની જેમ જ પોતાની એક બીજ-બૅન્ક ઊભી કરી છે જેને તેમણે ‘સામુદાયિક બીજ બૅન્ક’ નામ આપ્યું છે. હરીશજી બંસી ઘઉં, અનેક પ્રકારની દાળ અને બાજરાની ખેતીની પારંપરિક વારસાઈ બચાવવામાં માહેર છે.
વંદના શિવા
અને છેલ્લે વાત કરવી છે એક ભોમિયાની. કોઈ અંદાજ મૂકી શકો કેટલી બીજ-બૅન્ક બનાવવામાં તેમણે મદદ કરી હશે? આખાય ભારતનાં કુલ ૨૨ રાજ્યોમાં. અમે અમસ્તા જ તેમને ભોમિયો નથી કહી રહ્યા, બાવીસ રાજ્યોમાં અંદાજે ૧૫૦થી પણ વધુ બીજ-બૅન્ક્સ બનાવવામાં વંદના શિવાએ સિંહફાળો આપ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી ટાણે આપણા દેશના રાજકારણીઓ લોકોના વોટ્સ ઉઘરાવવા માટે રાજ્યો-રાજયોમાં ફરતા હોય છે, જ્યારે વંદના શિવા બાવીસ રાજ્યોમાં ફર્યાં છે અને ફરતાં રહે છે દેશી
બીજ-બૅન્ક્સ બનાવવામાં મદદ કરવા માટે.
બ્રૅન્ડ સિનિયર સીડ્સ
અમરજિત અને રવિની આ બ્રૅન્ડનું નામ જ તેમના વિચાર અને પહેલને દર્શાવે છે. આ દાદા અને પૌત્ર માને છે કે કોઈ પણ પ્રકારનાં બીજ દેશી પારંપરિક બીજથી વધુ પ્રામાણિક અને સિનિયર નહીં જ હોઈ શકે. જમીનના એક નાનકડા ટુકડા પર શાકભાજીની ખેતીથી શરૂ થયેલી વાત આજે હવે લગભગ ૧૦૦થીયે વધુ પારંપરિક બીજની ખેતી સુધી વિસ્તરી ચૂકી છે.
એમાં દેશી ટીંડા, લાંબાં, ગોળ અને કાંટાવાળાં અલગ-અલગ કારેલાં, લાલ મકાઈ, લાલ શક્કરટેટી, લાલ ભીંડા, સફેદ કાકડી, મીઠાં અને કાળાં ગાજર, અર્ધરંગી મૂળા, પારંપરિક પાલક, કોળુથી લઈને દેશી ઘઉં, બાજરો, અનેક પ્રકારની દાળ, આમલી, આંબા હળદર અને લીલી હળદર જેવી અનેક કહેતાં અનેક પેદાશો સામેલ છે.
આટલાં વૈવિધ્યસભર દેશી બીજ ભારતનાં જ નહીં, હવે તો ભારત બહારના ખેડૂતોને પણ પહોંચાડવા માટે તેઓ દર વર્ષે ૧૦૦થીયે વધુ પ્રકારનાં ૨૫થી ૨૬ કવિન્ટલ બીજ ઉગાડે છે. એ માટે તેઓ દર એક એકર જમીનમાં સરેરાશ છથી ૭ કવિન્ટલ બીજનું ઉત્પાદન કરે છે.
તો હવે પ્રશ્ન એ થાય કે દાદાની આટલાં વર્ષોની મહેનત જે હવે એક વેલ-પ્લાન્ડ બિઝનેસમાં પરિણમી ચૂકી છે એ ખરેખર કંઈ કમાણી પણ કરે છે કે પછી બસ સામ જ? તો લેબર અને બીજા ખર્ચ સાથે સરેરાશ પ્રતિ એકર એક લાખના ખર્ચ સામે આજે દાદા-પૌત્ર પ્રતિ એકર ત્રણથી ચાર લાખની કમાણી કરી જાણે છે. અને એમાં પણ જો ઋતુચક્ર અને મોસમની મહેરબાની રહી તો આ આંકડો વધુ હોય છે.
આટલાં વર્ષોની મહેનત અને શુભ આશય એ પરિણામ લઈને આવ્યાં છે કે આજે તેમના કુલ પ્રોડક્શનનો ૧૫ ટકા હિસ્સો કૅનેડા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને ન્યુ ઝીલૅન્ડ સુધી એક્સપોર્ટ થાય છે. આજે બહોળા અનુભવને કારણે રવિ ચૈના ગર્વથી કહે છે, ‘દેશી બીજ હાઇબ્રિડ અને નકલી બીજની સરખામણીએ ખેતપેદાશોને બહેતર સ્વાદ, વધુ ન્યુટ્રિશન-વૅલ્યુ અને શરીરને બીમારીથી લડવાની વધુ તાકાત આપી શકે છે. પૈસા સો ટકા જ જરૂરી છે, પરંતુ દેશી બીજોને બચાવવાં અને એની જાળવણી કરવી એ હવે અમારું પૅશન બની ચૂક્યું છે.’
તો બીજી તરફ દાદા અમરજિત કહે છે, ‘મેં વર્ષો સુધી કોઈ મોટી પહેચાન બનાવ્યા વિના ચૂપચાપ બીજોની રક્ષા કરી, પરંતુ રવિએ એને એક સસ્ટેનેબલ મૉડલ અને ગ્લોબલ વૉઇસમાં બદલી દેખાડ્યું છે.’