ચરર ચરર મારો ચરખો ચાલે

02 October, 2022 11:51 PM IST  |  Mumbai | Shailesh Nayak

સ્વતંત્રતા દરમ્યાન સ્વાવલંબનના પ્રતીક સમાન ચરખાએ આજે પણ ગામડાંની દાદી-નાનીઓને સ્વાવલંબી બનાવી છે. દુનિયા ફરી એક વાર સુતરાઉ અને સસ્ટેનેબલ ફૅશન તરફ જઈ રહી છે ત્યારે આજીવિકા માટે સૂતર કાંતતી બહેનોની આવતી કાલ બહુ ઉજ્જવળ હશે એવું માની શકાય

ચરર ચરર મારો ચરખો ચાલે

‘ગાંધીજીને મેં જોયાં નથી, પણ તેમના વિશે અને તેમના ચરખા વિશે સાંભળ્યું છે. મહિલાઓને પણ ચરખો ચલાવવાનું ગાંધીબાપુ કહેતા હતા એ સાચી વાત હતી, કેમ કે આજે બાપુની વાતને ધ્યાનમાં રાખીને અમે ચરખો ચલાવીને આર્થિક ઉપાર્જન કરીને ઘરમાં મદદ કરીએ છીએ.’

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી છે ત્યારે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના આરીખાણા ગામનાં ૭૦ વર્ષનાં હંસાબા જાડેજા આમ કહીને પાછલી ઉંમરે ગર્વ અનુભવી રહ્યાં હતાં. આરીખાણા  ગામનાં ૯૦ વર્ષનાં ગજરાબા હોય કે પછી ૮૦ વર્ષનાં સદાકોરબા હોય કે હેમબા હોય, ૭૦ વર્ષનાં હંસાબા હોય કે નંદુબા હોય, આ ગ્રામીણ વૃદ્ધાઓ ચરખો ચલાવી જીવનની ઢળતી સંધ્યાએ સ્વમાનભેર જીવી રહી છે. માત્ર આ દાદી-નાનીઓની જ વાત નથી, પણ આરીખાણા ગામની મહિલાઓ ઘરના કામ પતાવીને નવરાશના સમયે ઝાડ નીચે બેસીને ચરખો કાંતે છે. એનાથી તેઓ પરિવારને આર્થિક ઉપાર્જનમાં મદદ કરે છે. સસ્ટેનેબલ ફૅશન માટેનું આ ખાદી ફૅબ્રિક કેટલું ડિમાન્ડમાં છે એનાથી આ બહેનો કદાચ અજાણ છે, પણ ધરતીને કેમિકલ કચરાથી બચાવવામાં તેમનું સારું એવું યોગદાન છે.

ગામની મહિલાઓને અને પોતાનાં સાસુને ચરખો કાંતતાં જોઈ-જોઈને પોતે પણ ચરખો ચલાવતા શીખી ગયેલાં આરીખાણા ગામનાં પ્રેમબા જાડેજા કહે છે કે ‘ગાંધીજી જે ચરખાથી સૂતર કાંતતા હતા એવા જ ચરખાથી અમે સૂતર કાંતીએ છીએ. આ ચરખો અમારી આજીવિકાનું સાધન બન્યો છે. અમારામાં દરબારની બહેનોથી બહાર નીકળાય નહીં એટલે અમે ઘરેબેઠાં નવરાશ મળે ત્યારે ચરખો કાંતીએ છીએ. અમે સૂતરની આંટી બનાવીને સંસ્થાવાળા આવે એટલે આપી દઈએ છીએ. ગાંધીજી કાંતતા હતા એ એક તારવાળો રેંટિયો હું શીખી છું. ગામમાં ઘણી મહિલાઓ રેંટિયો કાંતતી હતી એ હું જોતી હતી, મારાં સાસુમા સદાકોરબા પણ રેંટિયો કાંતતા હતાં એ હું જોતી હતી. એ જોતાં-જોતાં હું પણ શીખી ગઈ. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડા સમય પહેલાં અમદાવાદ આવ્યા હતા ત્યારે બધી બહેનોને બોલાવી હતી એમાં હું અને મારા ગામની ૩૦ બહેનો અમદાવાદ ગઈ હતી અને ચરખા ચલાવ્યા હતા.’

છેલ્લાં વીસેક વર્ષથી ચરખો ચલાવતાં પ્રેમબા જાડેજા ગાંધીબાપુની ચરખો ચલાવી સ્વાવલંબન થવાની વાત સાથે સહમત થતાં કહે છે કે ‘ચરખાથી રોજગારી મળે અને સ્વાવલંબી થવાય એ ગાંધીબાપુની વાત અમને બરાબર લાગે છે, કેમ કે અમને રોજગારી મળે છે. ઘર ચલાવી શકીએ, છોકરાઓને ભણાવી શકીએ છીએ. અમારા ગામની ઘણી બહેનો કામમાં છે. ચંદ્રાબા, હેમબા, પ્રિયંકાબા, પવનબા, ગજરાબા, હંસાબા, નંદુબા, હેમુબા, મારાં સાસુ સદાકોરબા એમ બધી બહેનો ઝાડ નીચે બેસીને સાથે મળીને ચરખો ચલાવીએ છીએ.’

છેલ્લાં પાંત્રીસ વર્ષથી ચરખો ચલાવતાં ૭૦ વર્ષનાં હંસાબા રામસંગજી જાડેજા કહે છે કે ‘ઘરે બેઠાં હોઈએ અને કોઈ કામ ન હોય તો ચરખો ચલાવવો શું ખોટો. વસ્તારી કુટુંબ હોય અને એક જણની કમાણી હોય ત્યારે ચરખો ચલાવીએ તો ઘરનો રસ્તો હાલે, શાક-બકાલુનો ખર્ચ નીકળે. મોંઘવારી કેટલી છે એટલે બધા સાથે બેસીને અમે બધા સાથે મળીને સૂતર કાંતીએ છીએ અને આર્થિક ઉપાર્જન કરીને ઘરમાં મદદ કરીએ છીએ.’

ગામની વૃદ્ધાઓને ચરખો કાંતતી જોઈને કેટલીયે મહિલાઓ હવે તો ચરખો ચલાવતાં શીખી ગઈ છે. આરીખાણા ગામ ઉપરાંત અન્ય ગામો અને નાનાં-મોટાં નગરોમાં પણ બહેનો ચરખો ચલાવી રહી છે. થોડા દિવસ પહેલાં ભુજ હાટ ખાતે યોજાયેલા હાથશાળા અને હસ્તકલા મેળામાં વૃદ્ધાઓને ચરખો કાંતતી જોઈને યંગસ્ટર્સ અચંબામાં મુકાઈ ગયા હતા અને દાદીમાઓને ચરખો કાંતતાં જોઈને તેમને જોતા જ રહી ગયા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ચરખો ચલાવવા પર ભાર મૂક્યો હતો. બાપુની વાત આજે પણ અમલમાં મૂકીને ગ્રામીણ મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી રહી છે અને ચરખો ચલાવવાના કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. પાછલી ઉંમરે વધુ મહેનત પડે એવા કામ ન થઈ શકે એવા સંજોગોમાં હળવાશથી ચરખો ચલાવીને આ વૃદ્ધાઓ બીજાઓને પણ પ્રેરણા આપી રહ્યાં છે.

columnists