સમાજની ક્રૂરતા સામે વ્હીલચૅર પરથી જંગ લડતા અનોખા સંત

09 August, 2026 05:13 PM IST  |  Palitana | Ruchita Shah

પાલિતાણાના શરદગિરિ બાપુ પોલિયોની મર્યાદા છતાં ઘાયલ, બીમાર અને નિરાધાર પશુ-પક્ષીઓની સેવા કરે છે. ૧૨ વર્ષમાં તેમની ગૌશાળામાં પાંચ હજારથી વધુ જીવોની સારવાર થઈ છે.

સમાજની ક્રૂરતા સામે વ્હીલચૅર પરથી જંગ લડતા અનોખા સંત

પાલિતાણાના ઘેટી ગામના વતની શરદગિરિ બાપુએ ૧૨ વર્ષ પહેલાં એક એવી ગૌશાળા શરૂ કરી જ્યાં ઍસિડ-હુમલાથી દાઝેલાં, અકસ્માતનો ભોગ બનેલાં, દુનિયાએ તરછોડેલાં પશુ-પક્ષીઓને જ પ્રવેશ અપાય છે. અત્યાર સુધીમાં આવા પાંચ હજારથી વધુ જીવોની સારવાર કરી ચૂકેલા અને સંન્યાસ લઈને સંપૂર્ણ જીવન મૂંગા જીવોની સેવા માટે સમર્પિત કરનારા પોલિયોગ્રસ્ત આ મહારાજ જ્યારે વ્હીલચૅર પર નીકળે છે ત્યારે તોફાની ગાયો પણ તેમને વહાલથી ચાટવા લાગે છે

સમય હશે લગભગ પાંચેક વાગ્યાનો. અમને ખબર પડી કે પાલિતાણામાં એક એવી ગૌશાળા છે જ્યાં માત્ર નિરાધાર, બીમાર અને ઘાયલ પશુઓને જ એન્ટ્રી છે. પાલિતાણાના જ સ્થાનિક વતની અબ્બાસભાઈ અને બાડુભાઈ અમારા રાહબર બન્યા. પાલિતાણાથી ૭ કિલોમીટર દૂર દુધાળા રોડ પર ઘેટી ગામમાં આવેલી દયાવાન ગૌશાળાએ જવા માટે અમે નીકળીએ એ પહેલાં એ ગૌશાળાના સ્થાપક શરદગિરિ બાપુ પોતે ત્યાં જ છે એની તપાસ કરી લીધી હતી. જોકે અમે પહોંચ્યા અને ખબર પડી કે બાપુ પોતે અહીં નથી પણ બાજુના ગામમાં કૂતરાની સારવાર માટે ગયા છે. મૂંગા જીવની પીડા દૂર કરવી એ મુલાકાત કરતાં મહત્ત્વની પ્રાયોરિટી છે એ અપ્રોચે બાપુ માટે વધુ માન જગાડવાનું કામ કર્યું અને અમે પણ પાછળ-પાછળ ત્યાં જ પહોંચી ગયા. નજારો જોવા જેવો હતો. પીડાથી કણસતા એક કૂતરાને ત્રણેક લોકોએ પકડીને રાખ્યો હતો. બાપુ પોતાની ફર્સ્ટ એઇડ કિટ સાથે એ કૂતરાની સારવાર કરી રહ્યા હતા, ઇન્જેક્શનની મદદથી પાણી કાઢી રહ્યા હતા. લગભગ અડધો કલાકમાં ટ્રીટમેન્ટ પૂરી થઈ. પેઇનકિલરનું ઇન્જેક્શન એ ડૉગીને અપાઈ ગયું હતું અને અમારી નજર સામે જ પીડાથી કણસતો એ કૂતરો જેવો એને છોડ્યો એટલે ગણતરીની ક્ષણોમાં ત્યાંથી ઊંહકારો કર્યા વિના દોડી ગયો. બાપુએ ચહેરા પર અનેરા સંતોષ સાથે ટ્રીટમેન્ટ માટે ખોલેલો સામાન પૅક કર્યો. 
એક તરફ જ્યાં લોકો પોતાની નાની-નાની તકલીફો સામે હારીને બેસી જાય છે ત્યારે સમાજમાં કેટલાક એવા વિરલાઓ પણ હોય છે જેઓ પોતાની મર્યાદાઓને પણ આશીર્વાદ બનાવી દે છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસે આવેલા ઘેટી ગામના શરદગિરિ બાપુ આવી જ એક અસાધારણ મિસાલ છે. જન્મના દોઢ જ વર્ષમાં પોલિયોનો ભોગ બનેલા, વ્હીલચૅર વિના એક ડગલું પણ ન ભરી શકતા ૩૭ વર્ષના આ યુવાન આજે સેંકડો અસહાય પશુ-પક્ષીઓ માટે મસીહા બન્યા છે. પ્રત્યક્ષ મળીને જાણવા મળેલી આ સંન્યાસીની સંવેદનશીલ સફરની હૃદયસ્પર્શી વિગતો અહીં પ્રસ્તુત છે.

પરવશતાથી પરમાર્થની સફર

દોઢ વર્ષની ઉંમરે પરિવારના સૌથી નાના દીકરાને પોલિયો ડિટેક્ટ થયો અને તેના બન્ને પગ કામ નહીં કરે એની ખબર પડી એ વાત પરિવાર માટે વજ્રઘાત જેવી હતી. શરદગિરિ બાપુ કહે છે, ‘મારા બે મોટા ભાઈ અને એક બહેન અને હું એમ ચાર ભાઈ-બહેનનો પરિવાર. નાનપણમાં જ પોલિયો આવવાથી અને ગામડાગામમાં એવી કોઈ સુવિધાઓ ન હોવાથી શરૂઆતનાં વર્ષો તો હું ખૂબ તકલીફમાં રહ્યો. મને અંદરખાને બહુ પીડા થતી કે હું બીજા છોકરાઓની જેમ રમી નથી શકતો, દોડી નથી શકતો. જોકે મારા ભાઈઓ મારી સાથે રહેતા અને વ્હીલચૅર પર બેસાડીને મને ફેરવતા પણ ખરા. ધીમે-ધીમે મનોબળ મજબૂત ત્યારે થવાનું શરૂ થયું જ્યારે પહેલી વાર હું ઇલાજ માટે અપંગોની એક હૉસ્પિટલમાં ગયો. મેં જોયું કે મારા કરતાં પણ વધુ તકલીફ ધરાવતા લોકો છે અને તોય તેમના ચહેરા પર સ્મિત હોય છે તો હું શું કામ દુખી રહું છું. ત્યારથી જીવનને જોવાનો નજરિયો બદલાવો શરૂ થયો.’
પોલિયોગ્રસ્ત સ્થિતિમાં બાળપણમાં જ મૂંગા જીવો સાથેની અનોખી માયા લાગી ગઈ હતી. શરદગિરિ બાપુ કહે છે, ‘નાનપણમાં પણ જો કોઈ બીમાર પશુ દેખાય તો હું ગમે ત્યાંથી પૈસાનો જુગાડ કરીને તેમને સ્પ્રે કરવાથી લઈને અન્ય સારવાર કરવાનો પ્રયાસ કરતો. મને મળતી પૉકેટમનીના પૈસા હું પશુઓને ખવડાવવા, એમની સારવાર માટે વાપરતો. અમારે ત્યાં પશુઓના ડૉક્ટર આવતા તો તેમની સાથે ને સાથે રહેતો અને શીખવાના પ્રયાસ કરતો.’

શરૂ થઈ એક નવી યાત્રા

હૃદયમાં પશુપ્રેમ અને પોતાનાથી બનતી પશુઓની સેવા કરતા શરદગિરિ બાપુ ભણવાની સાથે પશુઓની સેવા કરતા. બારમા ધોરણનો અભ્યાસ પાલિતાણામાં પૂરો કરીને અમરેલીમાં કૉલેજના પહેલા વર્ષમાં ઍડ્‍મિશન લઈને ભણી રહ્યા હતા. વેકેશનમાં ઘરે આવ્યા અને કીડાઓથી બણબણતું એક બીમાર વાછરડું તેમના ઘર પાસે પડ્યું હતું. બાપુ કહે છે, ‘એના ઘામાં જીવાતો પડી ગઈ હતી. એ જોઈને હું અંદરથી કંપી ઊઠ્યો. એ વાછરડાની સારવાર કરાવડાવી. એ પછી હું અને મારા ભાઈબંધો ભેગા થયા અને અમે જોયું કે આવી તો કેટલીયે ગૌમાતાઓ રઝળી રહી છે, કેટલાંય પશુઓ પીડાથી કણસી રહ્યાં છે. ત્યારે અમે અમારા ગામમાં એક બંધ પડેલી આંગણવાડીમાં આવાં બીમાર પશુઓની સારવાર કરવાનું શરૂ કર્યું. પોતાની પાસે રહેલા પૈસાથી દવા લાવતા. જેના ઘરમાં પશુઓ હોય તેઓ એમના માટે લાવેલા ભોજનમાંથી થોડુંક અહીં પણ લઈ આવતા. ધીમે-ધીમે લોકોને ખબર પડી તો કેટલાક લોકો સામેથી મદદ પણ કરતા. જોકે આ રીતે સાતેક વર્ષ અમારી ગૌશાળા ચાલી હશે.’ 
ગામના યુવાનોની આ નિઃસ્વાર્થ સેવા જોઈને ગામના અગ્રણીઓ પીગળ્યા. ગ્રામપંચાયતે દોઢ એકર જમીનનો ઠરાવ કરી આપ્યો અને સેવાભાવી દાતા ધીરુભાઈ ખૈનીના સહયોગથી ‘દયાવાન ગૌ સેવા ચૅરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના સાથે ગૌશાળા બની ગઈ.

સંન્યાસ તરફ ડગર

ખિસ્સાખર્ચના પૈસા બચાવીને પશુઓની સેવાની શરૂઆત કરનારા શરદગિરિ બાપુને સમજાયું કે સંસારનાં બંધનોમાં રહીને આ વ્યાપક સેવા શક્ય નથી. પરિણામે ૨૦૨૧ના હરિદ્વારના કુંભમેળામાં તેમણે નરેન્દ્રગિરિ બાપુ પાસે દીક્ષા લઈને સંન્યાસ અંગીકાર કર્યો. એ પછી તેમના કાર્યને વધુ વેગ મળ્યો, કારણ કે હવે સાંસારિક જવાબદારીઓની ચિંતા નહોતી અને જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું બીમાર પશુઓની સેવા. શરદગિરિ બાપુ કહે છે, ‘આપણી ગૌશાળામાં સાજાં અને દુધાળાં પશુઓને નહીં પણ માત્ર એવા જ જીવો આશરો મેળવે છે જેમને દુનિયાએ તરછોડી દીધાં છે, જે અંધ છે, ત્રણ પગવાળાં છે કે આજીવન ખોડખાંપણ ધરાવે છે. છેલ્લાં ૧૨ વર્ષથી ચાલતી આ યાત્રામાં અત્યાર સુધીમાં ૪૦૦૦થી ૫૦૦૦ પશુઓને નવજીવન મળ્યું છે. આજે આ ગૌશાળામાં ગાય, આખલા, બળદ ઉપરાંત ગધેડા, કૂતરા, બિલાડા, બકરી, ઘેટા, નીલ ગાય અને મોર-પોપટ જેવાં પક્ષીઓ સહિત ૧૫૦થી વધુ આશ્રિતો સારવાર લઈ રહ્યાં છે.’
અહીં ઉલ્લેખનીય છે કે કોઈ વેટરિનરી ડિગ્રી ન હોવા છતાં શરદગિરિ બાપુ આજે અનુભવ અને પશુઓ પ્રત્યેના અગાધ પ્રેમથી એક કુશળ સર્જ્યન બની ગયા છે. ડૉક્ટરોની કામગીરી જોઈને અને સતત અનુભવથી તેઓ હવે ગાયોના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાનું ઑપરેશન, કૅન્સરની ગાંઠનું ઑપરેશન, કૂતરાના પેટમાં પાણી ભરાવાની સમસ્યા અને ફ્રૅક્ચર થયેલા હાડકાની કૉમ્પ્લિકેટેડ કહી શકાય એવી સર્જરી પણ જાતે જ કરી લે છે. તેમની આ ક્ષમતા જોઈને ફૉરેસ્ટ વિભાગ અને પોલીસના જવાનો પણ ઘાયલ વન્યજીવોને સારવાર માટે બાપુ પાસે મૂકી જાય છે.

...ત્યારે હૃદય કંપી ઊઠે છે

આ આખી વાતચીત દરમ્યાન બાપુ ખૂબ જ ભાવુક થઈ ગયા જ્યારે તેમને પશુઓ કેવી-કેવી હાલતમાં આપની પાસે આવતાં હોય છે એવું પૂછવામાં આવ્યું. પશુઓ સાથે સમાજના કેટલાક લોકો કેવી ક્રૂરતા દાખવતા હોય છે એની વાત કરતાં બાપુ કહે છે, ‘થોડા દિવસ પહેલાં કોઈ નરાધમે એક ગાયના મોં પર ગરમ તેલ રેડી દીધું હતું. અમે એને બચાવવા દિવસ-રાત એક કર્યાં. અન્નનળી સંપૂર્ણ બળી ગઈ હતી એટલે ખોરાક આપી શકાય એમ નહોતો. રોજની ૯-૯ ગ્લુકોઝની બૉટલો ચડાવી, પણ ત્રીજા દિવસે ગાયે દમ તોડી દીધો. પહેલાં સતયુગમાં રાક્ષસો અલગ રહેતા અને દેવો અલગ રહેતા. આજે કળિયુગમાં સારા-નરસા બધા માણસો ભેગા થઈ ગયા છે. બહુ જ ક્રૂરતા જોઈને હૃદય દ્રવી ઊઠે છે. કોઈ પશુના માથા પર ઍસિડ નાખે છે, કોઈ પગ કાપી નાખે છે, કોઈ તેના શરીરમાં સળિયો ખોસી દે છે.’
બીજી તરફ પશુઓની કૃતજ્ઞતાનો અનુભવ વહેંચતાં બાપુ કહે છે, ‘એક વાર પાલિતાણામાં એક તોફાની ગાય દોડીને આવી. બધા ડરીને ભાગ્યા, પણ એ ગાય મારી વ્હીલચૅર પાસે આવીને એકદમ શાંત થઈને મને વહાલથી ચાટવા લાગી. પશુઓ પ્રેમની ભાષા બહુ સાzરી રીતે સમજે છે.’

ભવિષ્યનું સપનું અને આહ‍્વાન

શરદગિરિ બાપુએ ક્યારેય કોઈની સામે હાથ લંબાવીને ફાળો નથી માગ્યો. ઈશ્વર જે આપે એને સ્વીકારીને તેઓ સેવાયજ્ઞ ચલાવે છે. મર્યાદિત બજેટ હોવા છતાં તેમનું લક્ષ્ય ગૌશાળાને હાઈ-ટેક હૉસ્પિટલ બનાવવાનું છે. તેઓ ગૌશાળામાં જ આધુનિક ઑપરેશન થિયેટર, સોનોગ્રાફી મશીન, એક્સ-રે મશીન અને બીમાર ગાયોને ઊભી કરવા માટેનાં હાઇડ્રોલિક લિફ્ટિંગ મશીનો વસાવવા માગે છે જેથી કોઈ પણ મૂંગો જીવ સારવાર વિના તડપીને ન મરે. તેઓ કહે છે, ‘જીવીએ ત્યાં સુધી કોઈની સેવા લેવી નથી. બસ, મૂંગા જીવોની સેવા કરવી છે. આત્માની શાંતિ પશુઓની પીડા હરવામાં જ છે.’

હું તો બોલીને મારી પીડા કહી શકું છું, પણ જેઓ બોલી શકતા નથી એવા આ મૂંગા અને ઘાયલ જીવોનું કોણ? આ સવાલે મને બેઠો-બેઠો દોડતો કરી દીધો : શરદગિરિ બાપુ

columnists exclusive gujarati mid day gujarat ruchita shah