ક્લાસમાં બધાં બાળકો માટે રોજ અલગ-અલગ ઘરમાંથી ટિફિન આવે, બધા એક જેવું જ જમે

23 December, 2025 01:19 PM IST  |  Mumbai | Heena Patel

સ્કૂલમાં શેઅર્ડ ટિફિનનો નવો કન્સેપ્ટ

પ્રતીકાત્મક તસવીર

ઍક્ટ્રેસ ગિરિજા ઓકના દીકરાની સ્કૂલમાં આ પ્રકારનો શેઅર્ડ ટિફિનનો કન્સેપ્ટ છે. એમાં બાળકોને નવો-નવો ટેસ્ટ મળતો રહે અને પેરન્ટ્સને પણ મહિનામાં એક જ વાર ટિફિન મોકલાવવાની ચિંતા રહે. નવો લાગતો કન્સેપ્ટ ખરેખર અમલમાં મૂકવો કેટલો સરળ છે અથવા તો એની સારીનરસી બાબતો કઈ છે એ વિશે જાણી લેવું પણ એટલું જરૂરી છે

અભિનેત્રી ગિરિજા ઓકે એક ઇન્ટરવ્યુમાં ઇન્ટરેસ્ટિંગ ટિફિન-કન્સેપ્ટ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘એક તો દરેક મમ્મીને એ સવાલ મૂંઝવતો હોય કે બાળકને દરરોજ શું નવું ટિફિનમાં આપું? શું એવું ડબ્બામાં ભરીને આપું કે જે તે ખાવાનું પસંદ કરે? મારા દીકરાની સ્કૂલમાં એવી સિસ્ટમ છે કે મારે તેને દરરોજ ટિફિન મોકલવું નથી પડતું. દરરોજ એક ઘરમાંથી ખાવાનું આવે છે, પણ બધાં જ બાળકો માટે આવે છે. ક્લાસમાં ૨૨-૨૩ બાળકો હોય તો પેરન્ટનો મહિને એક વાર ટિફિન બનાવવાનો વારો આવે. જોકે એ એક દિવસ તમારે બધાં જ બાળકો માટે ટિફિન બનાવવું પડે. એનાથી થાય એવું કે બાળકો દરરોજ અલગ-અલગ પ્રકારનું ખાવાનું ખાય છે. જમવાનું એક જ પ્રકારનું હોય છે જેમ કે દાળ, ભાત, શાક, રોટલી અને સૅલડ અથવા રાયતું. આમાં પણ કોઈ મૅન્ગલોરથી હોય, કોઈ કાશ્મીરી, કોઈ પંજાબી, કોઈ ગુજરાતી, કોઈ મહારાષ્ટ્રિયન હોય તો બધાના ઘરનો ટેસ્ટ પણ અલગ હોય. પેરન્ટ્સને પણ એન્કરેજ કરવામાં આવે કે તેઓ એ પ્રમાણે રસોઈ બનાવે જે રીતે તેમના રીજનમાં તેઓ બનાવતા હોય. એટલે બાળકોને દરરોજ નવી અને ઇન્ટરેસ્ટિંગ વરાઇટી ખાવા મળે.’

આ કન્સેપ્ટ કદાચ આંગળીના વેઢે ગણાય એટલી સ્કૂલોમાં જ હશે. એનો વ્યાપકપણે હજી એટલો અમલ થયો નથી ત્યારે આપણે એજ્યુકેશનિસ્ટ, ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, પેરન્ટિંગ કોચ સાથે વાત કરીને આ કન્સેપ્ટનાં સારાંનરસાં પાસાંઓ પર વિચાર કરીએ. 

બાળકોમાં સામાજિક ગુણો અને ભાવનાત્મક સુરક્ષા વધે - ડૉ. ધ્વનિ ગેસોટા, ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ

આ શેઅર્ડ ટિફિનના કન્સેપ્ટથી બાળકોને શું ફાયદો થાય છે એ વિશે વાત કરતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ ડૉ. ધ્વનિ ગેસોટા કહે છે, ‘અગાઉના સમયમાં બાળકો વેકેશનમાં સગાંસંબંધીઓના ઘરે રોકાવા માટે જતાં હતાં. ત્યાં તેમને અલગ-અલગ પ્રકારનું ભોજન અને માહોલ મળતાં હતાં એટલે તેઓ જલદીથી નવું ખાવાનું અપનાવતાં શીખી જતાં હતાં. શાળામાં અપનાવવામાં આવતો શૅઅર્ડ લંચનો કન્સેપ્ટ આ પરંપરાનું આધુનિક રૂપ કહી શકાય. રોજિંદા ધોરણે આ રીતે બાળકોમાં વહેંચવાની ભાવના અને સ્વીકાર્યતા વિકસાવવી એ એક બહુ સારી સકારાત્મક પહેલ છે. ખોરાક માત્ર પોષણ પૂરતો સીમિત નથી, પણ એ પાવરફુલ સોશ્યલ સિમ્બૉલ પણ છે. લંચ-બ્રેક બાળકો માટે એક એવો સમય હોય છે જ્યાં સરખામણી સૌથી વધુ જોવા મળે છે. જ્યારે કોઈ બાળકનું ટિફિન આર્થિક કારણોસર, સાંસ્કૃતિક ભિન્નતાના કારણે કે ડાયટની મર્યાદાને કારણે બીજાં બાળકોથી અલગ દેખાય છે ત્યારે અજાણતાં જ એ ફરક ઉજાગર થઈ જાય છે. નાનાં બાળકોમાં કે જેમનું ભાવનાત્મક મગજ હજી વિકાસ પામતું હોય છે એમાં વારંવાર અલગ લાગવાની અનુભૂતિ ધીમે-ધીમે શરમ, એકાંતમાં જવાની ટેવ અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો લાવી શકે છે. સમાન પ્રકારનું ભોજન વહેંચવાથી આ સામાજિક દબાણ ઓછું થાય છે, તેમનામાં પોતાનાપણાની ભાવના વધે છે અને સાથીઓ વચ્ચેનો તેમનો અનુભવ સામાન્ય અને સહજ બને છે. ભાવનાત્મક સુરક્ષા બાળકના શારીરિક અને માનસિક આરોગ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી છે. જે બાળકો પોતાને સ્વીકારેલા અનુભવે છે તેઓ આરામથી ભોજન કરે છે, ભોજન પૂર્ણ કરે છે અને ખોરાક સાથે સ્વસ્થ સંબંધ વિકસાવે છે. એની વિરુદ્ધ જે બાળકો પોતાના લંચને લઈને શરમ અથવા સંકોચ અનુભવે છે તેઓ ભોજન કરવાનું ટાળે, છુપાઈને ખાય અથવા સ્કૂલ-સંબંધિત ચિંતાઓ વિકસાવે જે તેમની વૃદ્ધિ, રોગપ્રતિકારક શક્તિ અને એકાગ્રતા પર અસર કરી શકે છે.’

એમાં ફૂડ ક્વૉલિટી, હાઇજીન પર એટલો કન્ટ્રોલ રહેતો નથી - સ્વાતિ પોપટ વત્સ, એજ્યુકેશનિસ્ટ

આ કન્સેપ્ટ એજ્યુકેશનિસ્ટ સ્વાતિ પોપટ વત્સના ગળે નથી ઊતરતો. એની પાછળનું કારણ સમજાવતાં તેઓ કહે છે, ‘કેટલીક સ્કૂલોએ આ કન્સેપ્ટ અજમાવ્યો છે, પણ કેટલાંક કારણોસર એને બંધ કરવો પડ્યો છે. જ્યારે તમે પોતાના બાળકનું ટિફિન ઘરેથી મોકલો છો તો તમને પૂરી જાણકારી હોય છે કે એમાં કઈ-કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે અને કઈ રીતે ખાવાનું બનાવવામાં આવ્યું છે. સ્કૂલ તરફથી પણ સ્નૅક્સ આપવામાં આવે તો પેરન્ટ્સને સ્કૂલ પર ભરોસો હોય છે કે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી સારી અને સુરક્ષિત હશે. હવે આ જે શૅઅર્ડ લંચનો કન્સેપ્ટ છે એમાં સૌથી મોટી સમસ્યા એ સામે આવી કે કેટલાક પેરન્ટ્સે ઘરે ખાવાનું બનાવવાની જગ્યાએ બહારથી ભોજન મગાવવાનું શરૂ કરી દીધું. ૨૦-૨૫ બાળકો માટે મહિનામાં એક વાર પણ ઘરે ખાવાનું બનાવવું ઘણા પેરન્ટ્સ માટે વ્યવહારિક નથી. એવામાં આઉટસોર્સિંગ થવા લાગ્યું, જેની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી. મને એક સ્કૂલનું ઉદાહરણ યાદ છે જ્યાં બાળકને ફૂડ-પૉઇઝનિંગ થઈ ગયું. બાદમાં ખબર પડી કે જમવાનું ઘરે બનાવવામાં આવ્યું નહોતું પણ બહારથી મગાવવામાં આવ્યું હતું. ખાવાના મામલે બાળકોનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. બહારથી મગાવવામાં આવેલા ભોજનમાં કઈ સામગ્રી ઉપયોગમાં લેવાઈ છે, સફાઈનું કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે એ બધી બાબતો પર સ્કૂલ અથવા બીજા પેરન્ટ્સનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ બધાં કારણોસર આ કન્સેપ્ટ દરેક જગ્યાએ સફળ નથી થઈ શકતો. એટલે મને આ કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો. એની જગ્યાએ એક સારી વ્યવસ્થા એ હોઈ શકે કે સ્કૂલ માતા-પિતાને એક ફૂડ- ટાઇમટેબલ આપે જે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોય. એમાં દિવસના હિસાબે બાળકને ટિફિનમાં શું મોકલવું એની સૂચના હોય. આનાથી દરેક બાળકનું ખાવાનું એકસરખું તો હશે, પણ એક નહીં હોય. આનાથી સંતુલન પણ બની રહેશે, સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહેશે અને બાળકોમાં તુલના કે હીન ભાવના પણ ઓછી થશે.’

બાળકોની ઍલર્જી, બૅલૅન્સ્ડ ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું જરૂરી  છે - ચાંદની સંઘવી, ન્યુટ્રિશનિસ્ટ

શૅઅર્ડ લંચનો કન્સેપ્ટ સારો છે, પણ એનો અમલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એમ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ ચાંદની સંઘવી કહે છે, ‘શૅઅર્ડ લંચ બાળકોને અલગ-અલગ ઘરોનાં ખાનપાન, સંસ્કૃતિ, ભોજન પકાવવાની રીત અને સ્વાદથી પરિચિત કરાવે છે. એના માધ્યમથી બાળકો ધીરે-ધીરે દરેક પ્રકારના ભોજનનો સ્વીકાર કરતાં શીખે છે. આનાથી તેમનાં ટેસ્ટ-બડ્સ વિકસિત થાય છે અને ભોજનને લઈને તેઓ વધારે ખુલ્લા વિચારોવાળાં બને છે. આજના સમયમાં બાળકો વધારે પડતાં પિકી ઈટર થઈ ગયાં છે. શૅઅર્ડ લંચ જેવી આદતો બાળકોમાં એ સમજ પેદા કરે છે દરરોજ પસંદનું ખાવાનું મળવું જરૂરી નથી, પરંતુ જે ઉપલબ્ધ છે એને અપનાવવું પણ જીવનનો અહમ હિસ્સો છે. આ વિચાર બાળકને ઍડ્જસ્ટેબલ અને અડૅપ્ટેબલ બનાવે છે જે આગળ ચાલીને જીવનની દરેક પરિસ્થિતિમાં કામ આવે છે. જોકે શૅઅર્ડ લંચમાં ઍલર્જી અને સેફ્ટીને હળવાશથી ન લઈ શકાય. જેમ કે ૨૦-૨૫ બાળકોના ક્લાસમાં કોઈ એક બાળકને કોઈ વસ્તુની ઍલર્જી હોય અને આ વાત અગાઉથી ખબર ન હોય તો બાળકના સ્વાસ્થ્યને ખતરો હોઈ શકે છે. એટલે જરૂરી છે કે સ્કૂલ અને ટીચર્સને અગાઉથી જ એ જાણકારી હોય કે કયા બાળકને કઈ વસ્તુથી ઍલર્જી છે. એવી જ રીતે ભોજન સાફસૂથરી રીતે બનાવવામાં આવે એની ખાતરી પેરન્ટ્સ કરે એ ખૂબ જરૂરી છે નહીંતર અન્ય બાળકોની તબિયત ખરાબ થઈ શકે છે. એ સાથે જ શૅઅર્ડ લંચમાં પોષણનું સંતુલન જાળવી રાખવા માટે સ્કૂલ તરફથી પેરન્ટ્સને બૅલૅન્સ્ડ ટિફિનની સરળ ગાઇડલાઇન્સ આપવી જરૂરી છે. સાથે જ પોર્શન કન્ટ્રોલનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે શૅઅર્ડ લંચને ફરજિયાત બનાવવાને બદલે પેરન્ટ્સની સંમતિથી અને શિક્ષકોની દેખરેખ હેઠળ અમલમાં મૂકવામાં આવે તો શૅઅર્ડ લંચની સિસ્ટમના જોખમ કરતાં ફાયદા વધુ છે.’

બાળકો ભોજનને સ્વીકારતાં થાય એ માટે પૂરતો સમય આપવો જોઈએ - ચેતના દેઢિયા, પેરન્ટિંગ કોચ

શૅઅર્ડ લંચ કન્સેપ્ટમાં પેરન્ટ્સ તરફનો દૃષ્ટિકોણ રજૂ કરતાં પેરન્ટિંગ કોચ ચેતના દેઢિયા કહે છે, ‘એકસાથે ૨૦-૨૫ બાળકોનું ભોજન તૈયાર કરવું ઘણા પેરન્ટ્સને તનાવપૂર્ણ લાગી શકે છે. એક દિવસ અગાઉ પ્લાનિંગ કરીને રાખ્યું હોય તો પણ એકસાથે આટલીબધી ક્વૉન્ટિટીમાં ખાવાનું બનાવવું અઘરું છે. એ માટે એક્સ્ટ્રા હેલ્પર બોલાવવો પડે. એટલે એકસાથે બે સ્ટુડન્ટના પેરન્ટ્સને ટિફિન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવે તો પેરન્ટ માટે પણ ૧૨-૧૩ બાળકો માટે ભોજન બનાવવું થોડું સરળ પડે. એ સિવાય જો કોઈ પેરન્ટ્સને એમ લાગતું હોય કે મારું બાળક ખાવા-પીવામાં બહુ નખરાં કરે છે, તે બીજાનું ટિફિન નહીં ખાય તો એ કેસમાં પેરન્ટ્સને છૂટ હોવી જોઈએ કે તે તેના બાળકને ટિફિન મોકલાવી શકે. અહીં ટીચરની ભૂમિકા બહુ મહત્ત્વની થઈ જાય છે. જો શિક્ષક બાળકને નવું ખાવાનું ચાખવા માટે પ્રોત્સાહિત કરે અને તેના પ્રયત્નોની સરાહના કરે તો બાળક ધીરે-ધીરે સહજ અનુભવવા લાગશે. થોડાક દિવસોમાં તેના મિત્રોને ભોજન કરતા જોઈને બાળક પણ એ ભોજન સ્વીકાર કરવાનું શીખી જશે. ઘણી વાર એવું પણ થાય કે કોઈના ઘરનું ખાવાનું અન્ય બાળકને વધારે પડતું તીખું લાગી શકે. એટલે તેની ખાવાની ઇચ્છા છતાં તે ભોજન ન ખાઈ શકે. એવા કેસમાં બાળક પાસે પોતાનું ટિફિન હોય તો વાંધો ન આવે. એ સિવાય સ્કૂલ પણ અગાઉથી જ પેરન્ટ્સને ભોજનને લઈને ગાઇડલાઇન્સ આપી દે તો સારું પડે. બધી જ બાબતોનો વિચાર કરીને શૅર્ડ ટિફિનની સિસ્ટમ અમલમાં મુકાય તો એ બાળકો માટે સહજ, સકારાત્મક અને અસરકારક બની શકે છે.’

columnists gujaratis of mumbai food news