વનલાઇનર જેવા સંવાદોમાંથી સર્જાતા સંદેશ જીવન બદલવા સક્ષમ

14 September, 2025 04:09 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આપણા રોજબરોજના જીવનમાં એકબીજા લોકો સાથે આપણા સંવાદ થતા રહેતા હોય છે, જેમાં ધ્યાન આપીએ તો ઘણી વાર એમાંથી પણ જીવનના સુંદર પાઠ, પ્રેરણા, સબક અને સંકેત મળતાં રહે છે. કોઈ કહે કે આવતી કાલ એટલે બાકીની જિંદગીનો પહેલો દિવસ તો કોઈ કહે કે આવતી કાલ હોતી જ નથી.

શોલે

તાજેતરમાં ફિલ્મ ‘શોલે’ને ૫૦ વરસ પૂરાં થયા. એના વિશેની રસપ્રદ વાતોનો વરસાદ મીડિયામાં વરસવા અને પ્રસરવા લાગ્યો. ખાસ કરીને એના વનલાઇનર સંવાદોની ચર્ચા ચાલી : કિતને આદમી થે..., મૈં તેરા ખૂન પી જાઉંગા..., બસંતી, તુમ્હારા નામ કયા હૈ..., યે હાથ મુઝે દે દે ઠાકુર... વગેરે. માની લઈએ કે આવા વનલાઇનર સંવાદો ફિલ્મની ભવ્ય સફળતા અને ૫૦ વરસની ઐતિહાસિક ઘટનાને કારણે લોકો ફરી યાદ કરે એ ફિલ્મ અને એના નિર્માતા, નિર્દેશક, લેખક, સ્ક્રિપ્ટ-ડાયલૉગ રાઇટર સહિત તમામ સ્ટાર્સ તેમ જ ફિલ્મઉદ્યોગ માટે સારી વાત ગણાય. ‘શોલે’ ફિલ્મે ભલે ઇતિહાસ રચ્યો, પરંતુ સંવાદોની વાત આવતી હોય ત્યારે અન્ય કેટલીક ફિલ્મોને અને એના સંવાદોને પણ યાદ કરવા જોઈએ જેમાંથી જીવનનો સાર્થક સંદેશ મળે છે, જે ઇતિહાસ નહીં પણ કાયમ વર્તમાન બનીને રહી શકે એવી સમર્થ છે. આવી ફિલ્મો અનેક છે, પરંતુ હાલ તો બે ફિલ્મની વાત કરીએ.

યાદ કરીએ ફિલ્મ ‘આનંદ’ને અને એના સંવાદોને. બાબુમોશાય, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં..., હમારી મુશ્કિલ કયા હૈ પતા હૈ? હમ આનેવાલે ગમ કો આજ કી ખુશી મેં લે આતે હૈ ઔર ઉસ ખુશી મેં ઝહર ઘોલ દેતે હૈ... એક દૃશ્યમાં પાત્ર બીજા પાત્રને કહે છે, તુમ્હે પતા હૈ તુમ્હારી બીમારી કયા હૈ? યે જો તુમ્હારા શરીર હૈ વો રોજ ક્ષીણ હો રહા હૈ... બાકી આ લાઇફટાઇમ સંવાદ તો કેમ ભુલાય? બાબુ મોશાય, ઝિંદગી ઔર મૌત ઉપર વાલે કે હાથ મેં હૈ જહાંપનાહ, હમ સબ તો રંગમંચ કી કઠપૂતલિયાં હૈં, કોન, કબ, કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા... બાય ધ વે, ભવ્ય સફળતા પામનાર ‘આનંદ’ ફિલ્મને ૫૪ વરસ થઈ ગયાં છે.

આવા સંવાદો માટે ૫૩ વરસ પહેલાંની ફિલ્મ ‘બાવર્ચી’ (રાજેશ ખન્ના)ને પણ યાદ કરવી જોઈએ, જે આજના સમય-સંજોગ સાથે રિલેવન્ટ પણ છે. શાંતિ નિવાસ નામના મકાનમાં સતત અશાંતિમાં રહેતા પરિવારની વાર્તામાં જવાને બદલે એના ચોક્કસ સંવાદ જોઈએ તો કિસી બડી ખુશી કે ઇન્તેઝાર મેં હમ યે છોટે-છોટે ખુશીયોં કે મૌકે ખો દેતે હૈં... ઇટ ઇઝ સો સિમ્પલ ટુ બી હૅપી, બટ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ... અપના કામ તો સભી કરતેં હૈં, લેકિન દૂસરોં કા કામ કરને મેં જો ખુશી મિલતી હૈ ઉસે છોડના નહીં ચાહિએ...

આપણા રોજબરોજના જીવનમાં એકબીજા લોકો સાથે આપણા સંવાદ થતા રહેતા હોય છે, જેમાં ધ્યાન આપીએ તો ઘણી વાર એમાંથી પણ જીવનના સુંદર પાઠ, પ્રેરણા, સબક અને સંકેત મળતાં રહે છે. કોઈ કહે કે આવતી કાલ એટલે બાકીની જિંદગીનો પહેલો દિવસ તો કોઈ કહે કે આવતી કાલ હોતી જ નથી, જે હોય છે તે આજ હોય છે. શું આ સંવાદમાંથી જીવનનો સાર-સંદેશ મળતો નથી? સંવાદનું માનવીના હૃદયને સ્પર્શી જવું અને જીવનમાં ઊતરી જવું મહત્ત્વનું હોય છે.

sholay jayesh chitalia bollywood buzz bollywood news bollywood gossips