✕

નવલિકા : તમે નથી ત્યારે!

18 October, 2026 02:55 PM IST  |  Mumbai | Raam Mori

વાંચો નવલિકા અહીં

ઇલસ્ટ્રેશન

આ ક્ષણે મને સમજાય છે કે મંથન, તમે નથી તો ખરેખર એવું લાગે છે કે જાણે કશું જ નથી. હું એ હું છું જ નહીં જેને તમે ઓળખતા હતા. આજકાલ તો અરીસામાં હું મને જોઉં તો ખુદને ઓળખી શકતી નથી. મંથન, હું સાવ આવી એકલવાયી-ડઘાયેલી-ગભરું ક્યારેય નહોતી અને મારે આવું નથી રહેવું. મંથન, તમે સાંભળો છોને? આ કાગળ હું તમને લખી રહી છું. તમે એ વ્યક્તિ, જે ૧૫ દિવસ પહેલાં જ મને છોડીને જતી રહી કાયમ માટે. મંથન, તમે માત્ર મને જ છોડી દીધી હોત તો પણ હું ચલાવી લેત, પણ તમે તો તમારા અસ્તિત્વને અને મારા ટકી શકવાના કારણને છોડીને જતા રહ્યા.

આ કાગળ લખી રહી છું ત્યારે એક સવાલ એવો થાય છે કે હું કોને કાગળ લખું છું? કેમ લખી રહી છું? આ કાગળ લખીને મને શું મળશે? કેમ તે વ્યક્તિને કાગળ લખું છું જેના સુંવાળા સ્પર્શની જગ્યા સુખડના હારે લઈ લીધી છે? પછી એવો વિચાર આવે છે કે સંબંધોમાં ગણતરી ન હોય. આવી ગણતરી જ રાખી હોત તો તમારો હાથ પકડીને મમ્મી-પપ્પાની મરજી વિરુદ્ધ પહેરેલાં કપડે હું ઘરની બહાર નીકળી ન હોત. આઇ નો કે મારાં મમ્મી-પપ્પાની વાત આવી એટલે તમને થતું હશે કે હું રડી પડી હોઈશ; પણ બિલીવ મી મંથન, આજકાલ મને આંસુ નથી આવતાં! તમને સમજાય છેને કે તમારા ગયા પછી હું કેટલી એકલી પડી ગઈ છું... તમારા ખભા વિના તો હું રડી પણ નથી શકતી. રાત્રે ટીવીના શો જોતી વખતે હું રડતી એ સમયે તમારો ખભો મને મળતો. તમે કહેતા કે ‘માત્ર નામ હૅપ્પી હોવાથી હૅપ્પી નથી બની જવાતું... તારા તો કપાળમાં દરિયો છે.’ હું હસીને કહેતી કે ‘મંથન તમે છો એટલે આટલી સરળતાથી હસી શકું છું અને એટલી જ સરળતાથી રડી શકું છું.’ તમે એ વખતે મારા વાળની લટોને તમારી આંગળીમાં રમાડીને કહેતા, ‘હૅપ્પી, અને હું નહીં હોંઉ ત્યારે...’ તમને યાદ છેને મંથન કે તમારા એ વાક્ય પછી હું આખી રાત તકિયામાં મોં છુપાવીને રડતી રહી હતી. તમે કાન પકડીને ઊઠબેસ કરતા હતા અને મને કહેતા કે ‘હેય હૅપ્પી, મજાક કરું છું. સૉરી, હવે આવું કશું નહીં કહું બસ... તું મારી સામે જો...’

તમે જતા રહ્યા એ પછી સતત કેટલાય દિવસથી હું અંધારામાં તકિયામાં મોં છુપાવીને આખી-આખી રાત રડ્યા કરતી હતી, પણ તમારો અવાજ ક્યાંયથી સંભળાતો નહોતો કે ‘હેય હૅપ્પી, મજાક કરું છું. સૉરી, હવે આવું કશું નહીં કહું બસ... તું મારી સામે જો...’ મંથન, તમને ખબર છે કે હવે તો સાચ્ચે જ તમે નથી તો હું સરળતાથી રડી પણ નથી શકતી કે નથી સરળતાથી હસી શકતી.

તમને ખબર છે મંથન, હું નાનપણથી બૅકઅપ પ્લાન સાથે સેફ ઝોનમાં રમનારી છોકરી હતી. ક્યારેય રિસ્ક લેવામાં માનતી નહીં. સવાર પડતી, સાંજ ઢળી જતી, રાત વીતી જતી, ફરી એ જ રૂટીન, એ જ ચહેરા, કોઈ ખાસ ઉમળકો નહીં, કશું ખાસ નવું નહીં, મારે મન જિંદગી એકડે એકથી માંડીને એકડે મીંડે સો હતી. એ પછી મારા જીવનમાં તમે આવ્યા. ત્યારે મને સમજાયું કે મેઘધનુષના સાતે રંગોનાં નામ ગોખવાનાં ન હોય, એને અનુભવી પણ શકાય. ફૂલોની ઉપર ઊડાઊડ કરતાં પતંગિયાંની પાંખોમાં નોખી-અનોખી ભાતનાં કામણ છે, ખુલ્લા ઘાસના કૂણા મેદાનમાં વહેલી સવારે ખુલ્લા પગે ચાલીએ તો ઝાકળનાં ટીપાં સાથે વાતો કરી શકાય એ તમે મને શીખવ્યું. જિંદગી એટલે માત્ર એકથી સો નહીં; સો, નવ્વાણું, અઠ્ઠાણું કે પચાસ, બેતાલીસ અને બોત્તેર પણ છે. આયોજન વિનાની તો પણ સુંદર. સીધી સપાટ નહીં. નવરસ ભરેલો ઉછાળા મારતો દરિયો. ડાળીઓ પર ઊગેલી કૂંપળો પર આંગળી મૂકો તો કોઈ અજબ તાજગીનો સ્પર્શ અનુભવાશે. તમે જિંદગીમાં આવ્યા અને ઉંમરના આ ચોવીસમા વર્ષના પડાવે હું તમારા એક ઇશારે ચાલી નીકળી. મારા ઘરના લોકો કે સગાંવહાલાં એ વાત સ્વીકારવા તૈયાર નહોતાં કે મેં લવમૅરેજ કર્યાં છે. માત્ર તમારા આવવાથી હું એ બધી લિપિઓ સમજતી થઈ ગઈ હતી જે ટેરવાંથી લખાતી હતી અને પાંપણથી ઉકેલાતી હતી. બસ, તમારા હોવાપણાથી હું એટલી છલકાઈ કે ઉંબરો નહીં ઓળંગનારી હું એક આખો રિવાજ અને સમાજ કૂદીને તમને મળી ગઈ. આસપાસ ધબકતી બધી વસ્તુઓ કેટલી જીવંત છે એ બધું મેં તમારી આંખોથી જોયું. આજે તમારી જ આંખો બંધ થઈ ગઈ તો પછી મને અજવાળું કઈ રીતે દેખાવાનું?

તમને ખબર છેને મંથન કે હું
નાની-નાની અગવડોથી પણ બહુ જલદી ત્રાસી જાઉં. મને મારી જાતને પૅમ્પર કરવા બહુ જોઈએ. તમને પરણીને જોગેશ્વરીની ચાલમાં આવી ત્યારે એક ક્ષણ માટે પણ મને એવું નહોતું થયું કે પપ્પાનું ઘર છોડીને મેં કોઈ ભૂલ કરી છે. મને એ વાતની પણ જાણ હતી જ કે આપણાં આ લવમૅરેજથી તમારા ઘરના લોકો પણ રાજી નહીં જ હોય. એટલે જ તો તમે મને તમારા ઘરે ગોરેગામ લઈ જવાને બદલે અહીં જોગેશ્વરી લઈ આવેલા. મારાં ઓંખણ-પોંખણમાં પણ કોઈ હાજર નહોતું, પણ તમે દોડી-દોડીને મારી નજર ઉતારેલી. ગૃહપ્રવેશ માટે તમને ચોખા નહીં મળેલા તો તમે કળશમાં મસાલા દાળ ભરીને મારો ગૃહપ્રવેશ કરાવેલો. આપણે બન્ને એ રાતે કેટકેટલું હસેલાં. આખી રાત તમારી છાતીમાં માથું મૂકીને તમારી છાતી પર મારી મેંદીવાળી આંગળીઓથી હું સપનાંઓ દોરતી રહી હતી. તમે તો એ રાત્રે જ મને પૂછેલું કે ‘હૅપ્પી, તને ફાવશે તો ખરુંને ?’ મારા બન્ને હાથે તમારા શર્ટના કૉલરને કસકસાવીને મારું માથું તમારી છાતીમાં સંતાડતાં હું બોલેલી કે...

‘તમે સાથે હશો ત્યાં સુધી બધું જ ફાવશે.’ એ આખી રાત આવનારા દિવસોની વાતો કરતાં-કરતાં હું ક્યારે સૂઈ ગઈ એની ખબર મને જ નહોતી. સવારે મારી આંખ અચાનકથી ખૂલી અને મેં જોયેલું કે મંથન મારી પાસે નથી. હું ડરી ગયેલી. તમને શોધવા મેં દોડાદોડી કરી મૂકી હતી. તમને મેં મારી આસપાસ ન જોયા તો હું રડી પડી. એક ક્ષણ મને લાગ્યું કે દુનિયામાં હું સૌથી વધુ એકલવાયી વ્યક્તિ છું. તમને લાગલગાટ કૉલ કર્યા અને તમે કહ્યું કે તમે ઑફિસ નીકળી ગયા હતા. તમારા માટે વાત બહુ સીધી અને સરળ હતી, પણ મારા માટે એ પહેલી સવાર હતી કે આંખ ખૂલે અને આસપાસ કોઈ ન હોય.

મને ધીમે-ધીમે ખાતરી થઈ ગઈ હતી કે જેમ મારા ઘરના લોકોએ આપણાં લગ્નને સ્વીકાર્યાં નથી એમ તમારા ઘરના લોકો પણ આપણાં લગ્નને સ્વીકારવાના નથી. અત્યાર સુધીમાં આપણે ક્યાં અને કેવા સંજોગોમાં રહીએ છીએ એની પરવા કોઈને થઈ જ નહોતી. તમે તો મક્કમ હતા મંથન, પણ હું રોઈ પડતી. તમે મને એક વાત હંમેશાં કહેતા કે ‘હૅપ્પી, આંસુ એ તારી નબળાઈ ન હોવી જોઈએ. કોઈના માટે રડો છો એનો અર્થ એ નથી કે તમારી લાગણીઓ ઠેબે ચડી છે. કોઈના માટે તમે ત્યારે જ રડી શકો જ્યારે તમારે મન વિવાદ અને મનદુ:ખ કરતાં એ સંબંધ અને માણસ મહત્ત્વનો હોય. તમે રડો છો એનો અર્થ એ પણ નથી કે તમારો વાંક છે, પણ તમે એટલે રડો છો કેમ કે તમને એ નાજુક સંબંધને ટકાવવાના છેલ્લામાં છેલ્લા પ્રયત્નનો પણ હવે થાક લાગ્યો છે.’ મંથન, જીવનના એક પછી એક દરેક કોયડાના હલ તમે મને આપતા. હવે હું કોની પાસે બધું સમજવા જઈશ?

તમને ધીમે-ધીમે ખબર પડી ગઈ હતી કે હું ભલે તમને કહેતી ન હોઉં, પણ જોગેશ્વરીની એ ચાલમાં હું ઍડ્જસ્ટ નહોતી થઈ શકતી. એક દિવસ તમે સસ્મિત મારા હાથમાં અમુક કાગળિયાં અને બ્રૉશર મૂકી દીધાં. મને શું થયું હશે, પણ જેવાં એ કાગળિયાં વાંચ્યાં તો એક ધબકારો ચૂકી ગઈ. આંખો હર્ષથી છલકાઈ ગઈ. નવું ઘર. EMIના હપ્તા નક્કી થઈ ગયા અને તમે મને બહુ મોટી સરપ્રાઇઝ આપી. એ દિવસે હું તમને વળગીને રડી પડી. આખી રાત પેલા નવા ફ્લૅટનાં કાગળિયાં પંપાળતી રહી. સૌથી મોટી વાત મારે મન એ હતી કે આપણે એ નવા ફ્લૅટમાં રહેવા ઍનિવર્સરીના દિવસે જવાના હતા. આપણાં લગ્નનું એક વર્ષ થઈ રહ્યું હતું મંથન. હું તમને કહેતી રહી કે મંથન, મને આપણા નવા ઘરે લઈ જાઓ અને તમને કહેતા કે ‘હૅપ્પી, આખું મકાન તૈયાર થઈ રહ્યું છે, થોડો સમય રાહ જો. મકાનને ઘર બનતાં વાર લાગશે.’ કંઈકેટલાય પ્લાન મેં વિચારી રાખ્યા હતા.

જીવનમાં કેટલાક સંજોગો એવા હોય જે અધૂરી ફાંસ બનીને તમારી અંદર બટકી જાય. એ પછી તમે જ્યારે પણ એ સ્મૃતિને પંપાળો ત્યારે એ ફાંસ તમને ખટકતી અનુભવાયા કરે. તમને મેં એ દિવસે ઑફિસે કેમ જવા દીધા એ વાત મારા મનમાં ફાંસ બનીને બટકી ગઈ છે. તમે મને સવારે જ કહેલું કે ‘હૅપ્પી, આજે મને ખબર નહીં કેમ પણ તારી સાથે રહેવાની ઇચ્છા છે, ઑફિસ નથી જવું.’ તમને મેં જ ફોર્સ કર્યો હતો કે આપણી મૅરેજ ઍનિવર્સરી અઠવાડિયા પછી જ આવી રહી છે. આજે રજા પાડશો તો એ દિવસે રજા નહીં મળે. એ દિવસોમાં મને બધી વસ્તુઓ ગોઠવવામાં તમારી મદદની જરૂર વધારે પડવાની હતી. તમને પરાણે ઊભા કરીને ઑફિસ જવા મનાવી લીધા. તમારા હાથમાં ટિફિન પકડાવ્યું અને મંથન, તમે મારા કપાળે કશાય કારણ વિના ચુંબન કર્યું. હું એ વખતે હસીને બોલેલી પણ ખરી કે ‘મંથન, આ કઈ બાબતનું વહાલ અચાનક ભરાઈ આવ્યું?’ જતાં-જતાં તમે પાછા ફરીને જોયું અને મને સ્મિત આપતાં કહ્યું કે ‘બસ, અમસ્તા જ!’ મંથન, હું તમારું આ ‘બસ અમસ્તા જ’ કેમ સમજી ન શકી? તમે ઑફિસ પહોંચી ગયા. બપોરે હું જરા સૂતી અને ૪ વાગ્યે તમારી ઑફિસમાંથી ફોન આવ્યો. ઑફિસમાં બધા ગેમ રમતા હતા. ગેમ પૂરી થયા પછી બધા કામે વળગ્યા અને તમે તમારી ડેસ્ક પર કામ કરતાં-કરતાં જ... એ હાર્ટ-અટૅક હતો? મંથન, તમે મારા હૃદયને છેક સુધી સમજતા રહ્યા. હું તમારા હૃદયની ગૂંચો ઉકેલવામાં સાવ કાચી પડી? મને આ સમાચાર જેણે આપ્યા હું તેના પર બૂમો પાડવા લાગી. દોડી. એકાએક મને પેલી સવાર યાદ આવી ગઈ જ્યારે આંખ ખૂલી અને આસપાસ કોઈ નહોતું. હું રડી પડી. લોભવશ તમને ફોન કરવા લાગી કે મારો એકાદ કૉલ રિસીવ કરીને તમે હસતાં-હસતાં કહેશો કે ‘માત્ર નામ હૅપ્પી હોવાથી હૅપ્પી નથી બની જવાતું... તારા તો કપાળમાં દરિયો છે.’ પણ મંથન, તમે કૉલ રિસીવ ન જ કર્યો. કોઈ બીજા જ અવાજો મારા કાને અથડાયા. નવું ઘર... લગ્નની ઍનિવર્સરી, હૅપ્પી રડવાનું નહીં, હૅપ્પી તને ફાવશે તો ખરુંને, હું નહીં હોઉં તો તારું શું થશે... હું સાવ બઘવાઈ ગઈ હતી. સરખું રડી પણ નહોતી શકી.

મંથન, તમે જતા રહ્યા એ વાતને ૧૫ દિવસ થઈ ગયા છે. મારાં મમ્મી-પપ્પા મને આ સમયે મળવા પણ નથી આવ્યાં. તમારા પરિવારે મને તમારી પાછળ થતી એક પણ વિધિમાં સામેલ નથી કરી. એ લોકો મને સધવા કે વિધવા એક પણ સ્વરૂપે સ્વીકારી ન શક્યા. મંથન, આપણે જે ચાલીમાં રહેતાં હતાં એ ચાલનું ઘર તમારા બાપુજીએ ખાલી કરાવી નાખ્યું. હું રસ્તા પર આવી ગઈ. મંથન, તમારો હાથ શું છૂટી ગયો, હું તો ક્યાંયની નથી રહી. મીરા રોડ પર રહેતી મારી કૉલેજ-ફ્રેન્ડ મને તેના ઘરે લઈ ગઈ છે, પણ મને તો નવો ફ્લૅટ પણ નથી જોઈતો. મને તો પેલી જોગેશ્વરીની ચાલ જોઈએ છે જ્યાં તેં મારો ગૃહપ્રવેશ મસાલા ચણાની દાળથી કરાવેલો. મંથન, એ ઘરની દીવાલોએ આપણી આખી-આખી રાતોની વાતો સાંભળી છે. એ ઘરની ફર્શ પર તારી આંગળીઓની છાપ અકબંધ છે. એ ઘરમાં મને તારી સુગંધ અનુભવાય છે. મંથન, મને એ ઘરમાં રહેવું છે, પ્લીઝ! તું આવ અને આ કોયડાને ઉકેલ. ઍટ લીસ્ટ ખભો આપ તો હું છુટ્ટા મોંએ રડી શકું.

ગઈ કાલે તારી ઑફિસથી કૉલ આવ્યો કે તારા પપ્પા અને ઘરના લોકો ત્યાં ગયા હતા. એ લોકો ઑફિસવાળાને કહી આવ્યા કે અમારો દીકરો ઑફિસમાં કામ કરતાં-કરતાં ગુજરી ગયો છે તો તેના બદલે જેટલા પણ બેનિફિટ્સ મળવાપાત્ર હોય એ બધા અમને લોકોને મળવા જોઈએ, અમારા દીકરાની વહુને નહીં. મંથન, આ લોકો કયા નફા-નુકસાનની વાતો કરી રહ્યા છે. હજી તો સ્મશાનમાં અને મારા મનમાં તારા નહીં હોવાની આગની રાખ ઠરી નથી અને આ બધા તારા હોવા-ન હોવા પર ગણતરીઓ કરવા લાગ્યા છે. સારું છે મને ગણિત નથી આવડતું! હું આ બધું તને કેમ લખી રહી છું એ કંઈ ખબર નથી, પણ મને એટલું સમજાય છે કે હું તને ટાઇટ હગ આપીને મન ભરાઈ જાય ત્યાં સુધી થૅન્ક યુ નથી કહી શકી. મને એ વાતનો બહુ અફસોસ છે. મંથન, મને માત્ર એટલી ફરિયાદ છે કે ઍટ લીસ્ટ... મને કહીને તો... યાર પ્લીઝ, મારી પાસે આવ, મારે છુટ્ટા મોંએ રડવું છે! હું રડી લઉં પછી તમે જતા રહેજો બસ.

મંથન, છેલ્લે ખાલી એક કોયડાનો જવાબ તો આપી દેજો કે... આ કાગળ હું કયા સરનામે પોસ્ટ કરું?

લિખિતંગ રખડતા કાગળ જેવી

તારી હૅપ્પી

(સત્યઘટના પર આધારિત)

columnists Raam Mori gujarati mid day exclusive