09 November, 2025 03:51 PM IST | Mumbai | Rajesh Bhatia
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં સ્પેશ્યલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ (SIF) શરૂ થવાને પગલે શ્રીમંતો માટે નિયમન હેઠળનું રોકાણનું વધુ એક માધ્યમ ઉપલબ્ધ થયું છે. સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ આ વર્ષે ૧ એપ્રિલથી આ નવા માધ્યમ દ્વારા રોકાણ લેવાની પરવાનગી આપી છે. આમ પરંપરાગત મ્યુચ્યુઅલ ફન્ડ અને પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસિસ (PMS) બન્નેની વિશેષતા ધરાવતો પારદર્શક વિકલ્પ મળ્યો છે.
SIFને નિયમનકારી માળખામાં રહીને ત્રણ પ્રકારની સ્ટ્રૅટેજી અનુસાર રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે : (૧) ઇક્વિટી ઓરિયેન્ટેડ, (૨) ડેટ ઓરિયેન્ટેડ અને (૩) હાઇબ્રિડ.
SIFમાં દરેક રોકાણકાર લઘુતમ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. સમાન AMC હેઠળ તમામ સ્ટ્રૅટેજી મળીને દરેક પૅન નંબર દીઠ આ મર્યાદા રાખવામાં આવી છે. ઍક્રેડિટેડ રોકાણકારો માટે અલગ મર્યાદા છે. SIFમાં રોકાણ કરાવનારા AMC નેટ ઍસેટના ૨૫ ટકા સુધીનું શૉર્ટ એક્સપોઝર હેજિંગ વગરના ડેરિવેટિવ્ઝ મારફત રાખી શકે છે. આ એક્સપોઝર ઇક્વિટી અને ડેટ બન્ને સ્ટ્રૅટેજી મળીને રાખી શકાય છે. રિડમ્પ્શન કેટલી વાર કરાવી શકાય એની મર્યાદા અલગ-અલગ રાખવામાં આવી છે. અમુક સ્ટ્રૅટેજીમાં દૈનિક ધોરણે સબસ્ક્રિપ્શન કરાવી શકાય છે, પરંતુ રિડમ્પ્શનનો વચગાળો લિક્વિડિટીના આધારે નક્કી થાય છે.
અનેક ફન્ડ હાઉસિસે SIF-બ્રૅન્ડેડ સ્ટ્રૅટેજી શરૂ કરી દીધી છે. દા.ત. ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફન્ડે ઇક્વિટી લૉન્ગ-શૉર્ટ SIF શરૂ કર્યું છે. આવા ફન્ડ માટે માન્યતા મેળવનારી એ પ્રથમ AMC હતી. SBI મ્યુચ્યુઅલ ફન્ડે મૅગ્નમ હાઇબ્રિડ લૉન્ગ-શૉર્ટ ફન્ડ શરૂ કર્યું છે જેમાં ઇક્વિટી, ડેટ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તથા ડેરિવેટિવ્ઝનું સંયુક્ત એક્સપોઝર રાખવામાં આવ્યું છે.
એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડે અલ્ટિવા SIF હાઇબ્રિડ લૉન્ગ-શૉર્ટ ફન્ડ શરૂ કર્યું છે, જેમાં હાઇબ્રિડ સ્ટ્રૅટેજી રાખવામાં આવી છે. ITI મ્યુચ્યુઅલ ફન્ડે ડિવિનિટી SIF શરૂ કર્યું છે જેમાં ઇક્વિટી, હાઇબ્રિડ અને ફિક્સ્ડ ઇન્કમ સ્ટ્રૅટેજી અપનાવવામાં આવી છે.
SIFમાં મ્યુચ્યુઅલ ફન્ડ માટેની કરવેરાની જોગવાઈઓ લાગુ પડતી હોવાથી કરબચત થાય છે.
SIFમાં ડેરિવેટિવ્ઝ, શૉર્ટ એક્સપોઝર અને પ્રવાહિતાની કમી હોવાથી જોખમ વધારે છે. એ ઉપરાંત લૉક-ઇન સમયગાળો પણ લાંબો છે. આમાં પણ ફન્ડ મૅનેજરની કુશળતા પર ઘણો આધાર રાખે છે.
છેલ્લે એટલું કહેવાનું કે રોકાણકારોને SIFના સ્વરૂપે રોકાણનું વધુ એક માધ્યમ ઉપલબ્ધ થયું છે જે અનુભવી રોકાણકારો પૅસિવ અને ફક્ત લૉન્ગના સોદાઓ કરનારાં ફન્ડ ઉપરાંતનું માધ્યમ અને વળતર ઇચ્છતા હોય તેમને માટે SIF એક સારી તક છે. હાલ આ નવા માધ્યમ બાબતે ઘણો પ્રચાર કરવામાં આવશે, પરંતુ સ્ટ્રૅટેજીનો માર્ગ હજી નવો છે. એમાં ફન્ડ મૅનેજરો કેટલી હદે પોતાની કુનેહ દાખવીને સારું વળતર આપી શકે છે એ ફક્ત સમય જ કહી બતાવશે. આથી રોકાણકારોએ બેથી ત્રણ વર્ષની એની કામગીરી જોયા બાદ રોકાણ કરવા વિશે વિચારવું.