25 March, 2025 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગરમીમાં આપણને વારંવાર ઠંડું પીવાનું મન થાય છે એટલે આપણે થોડી-થોડી વારે ફ્રિજમાંથી બૉટલ કાઢીને ઠંડું પાણી પીતા હોઈએ છીએ. જોકે આ રેફ્રિજરેટરનું પાણી તમારા શરીરને હાઇડ્રેટ કરવાને બદલે ડીહાઇડ્રેટ કરી નાખે છે, પરિણામે વધારે તરસ લાગે છે. એટલે માટલાનું કુદરતી રીતે ઠંડું થયેલું પાણી પીવું જ લાભદાયક છે. માટલાનું પાણી ઠંડું હોવાની સાથે સ્વાદમાં પણ મીઠું હોય છે. હવે ઘણી વાર એવું થતું હોય છે કે આપણા ઘરે માટલું તો હોય પણ એમાં પાણી થવું જોઈએ એટલું ઠંડું થતું નથી. માટલું જેમ જૂનું થતું જાય એમ પાણી ઠંડું કરવાની એની ક્ષમતા પણ ઘટતી જાય છે. શું તમારા ઘરે પણ આ જ સમસ્યા આવે છે? તો આ રહી કેટલીક ટિપ્સ જે અપનાવીને તમે તમારા જૂના માટલાનું પાણી ઠંડું કરી શકો છો.
જો તમારા કિચનમાં રાખેલા જૂના માટલાનું પાણી ઠંડું નથી થઈ રહ્યું તો નવું માટલું ખરીદવાના બદલે તમે આ નુસખો અજમાવી શકો છે. એ માટે સૌથી પહેલાં માટલાને પાણીથી ભીનું કરો. હવે એક ચમચી મીઠું લો અને માટલાની ઉપર એને બધી બાજુએ સરખી રીતે છાંટી દો. એ પછી વાસણ ઘસવાના સ્ક્રબથી માટલાને ઘસી નાખો. જ્યારે માટલું નવું હોય છે ત્યારે એમાં રહેલાં સૂક્ષ્મ છિદ્રોમાંથી હવા પસાર થતી રહે છે જેનાથી પાણી ઠંડું રહે છે. માટલું જૂનું થતું જાય એમ આ સૂક્ષ્મ છિદ્રો બૂરાતાં જાય છે, પરિણામે પાણી ઠંડું થતું નથી. એટલે આ સૂક્ષ્મ છિદ્રોને ખોલવા માટે એને મીઠાનો ઉપયોગ કરીને સાફ કરવું જરૂરી છે. માટલું બહારથી સાફ થઈ ગયા પછી માટલાની અંદર પણ એક ચમચી મીઠું અને થોડું પાણી નાખીને એને બધી બાજુએ સરખી રીતે ફેલાવી દો. માટલાને અંદરથી સ્ક્રબથી ઘસવાનું નથી. માટલાને ફક્ત એમનેમ રહેવા દેવાનું છે. મીઠું નાખવાથી પંદર મિનિટ બાદ માટલાનાં સૂક્ષ્મ છિદ્રો અંદરથી ખૂલી જશે. એટલે પંદર મિનિટ પછી માટલાને સાફ પાણીથી બેથી ત્રણ વાર ધોઈ નાખો. એ પછી માટલાને સરખી રીતે સૂકવીને તમે એને ઉપયોગમાં લઈ શકો છો.
ઘણી વાર ગરમી એટલીબધી હોય કે માટલું પણ ગરમ થવા લાગે છે. એવામાં બહારના ટેમ્પરેચરથી માટલાના પાણીને બચાવવા માટે સુતરાઉ કપડાનો ઉપયોગ કરો. આ કપડાને પાણીમાં ડુબાડીને થોડું નિચોવી લો અને માટલાની આસપાસ લપેટી દો. આ કપડાને વારંવાર થોડા-થોડા સમયે પાણીથી ભીનું કરીને લપેટતા રહો જેથી માટલાનું પાણી બિલકુલ ગરમ ન થાય.