બાળકોના આર્ટવર્કને નવો જીવ આપી રહી છે આ ગુજરાતી લેડી

05 December, 2025 05:40 PM IST  |  Mumbai | Kajal Rampariya

બચ્ચાંઓના આર્ટ-પ્રોજેક્ટ્સમાંથી કસ્ટમાઇઝ્‍ડ ગિફ્ટ્સ બનાવીને એને અમૂલ્ય સંભારણાંમાં પરિવર્તિત કરતી દીપાલી પુજારાનો અનોખો બિઝનેસ આઇડિયા ક્લિક થઈ ગયો છે

દીપાલીએ બનાવેલી કસ્ટમ સ્ટોરી બુક, આર્ટ લૂપ્સ અને 2D સ્ટિકર્સ

ક્યારેય વિચાર કર્યો છે કે તમારા બાળકે કરેલા ડ્રૉઇંગમાંથી કીચેન, મેમરી-બુક્સ કે ફ્રેમ-આર્ટ બની શકે? અશક્ય લાગતી આ ચીજને શક્ય કરે છે સાયનમાં રહેતી દીપાલી પુજારા. સ્કૂલમાં આર્ટ-ટીચર વિદ્યાર્થીઓ પાસે આર્ટ-પ્રોજેક્ટ્સ બનાવડાવે છે. ટીચર્સના માર્ક્સ મળ્યા પછી સામાન્ય રીતે એ ક્યાંક રદ્દી તરીકે ખૂણામાં ફેંકાઈ જાય છે અથવા એક બૉક્સમાં ધૂળ ખાતા પડ્યા રહે છે, પણ દીપાલીએ આ નિરર્થક લાગતા આર્ટવર્કને લાઇફટાઇમ મેમરીમાં કન્વર્ટ કરીને નવો અને યુનિક બિઝનેસ આઇડિયા વિકસાવ્યો છે.

અનુભવનો પાયો કામ આવ્યો

કચ્છી લોહાણા પરિવારની આર્ટ-લવર દીપાલી પુજારાએ એક ઍડ એજન્સીમાં ગ્રાફિક ડિઝાઇનિંગ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફીલ્ડમાં ૧૧ વર્ષનો તેનો અનુભવ બિઝનેસ શરૂ કરવામાં બહુ કામ લાગ્યો ત્યારે આવા યુનિક બિઝનેસ કરવાના વિચારનો ઉદ્ગમ ક્યાંથી થયો એ વિશે વાત કરતાં દીપાલી કહે છે, ‘મને પહેલેથી જ આર્ટમાં બહુ રસ હોવાથી મેં ફીલ્ડ પણ એવું જ પસંદ કર્યું હતું. ૨૦૧૫માં મેં લગ્ન પછી નોકરી છોડીને આઇડિએન્ટિના નામની એક પર્સનલાઇઝ્ડ સ્ટેશનરીનો બિઝનેસ શરૂ કર્યો હતો. હું ત્યારે હૅ‌ન્ડિક્રાફ્ટ અને હૅન્ડ-પેઇન્ટેડ કસ્ટમાઇઝ્ડ બુક્સ, ચાય ગ્લાસિસ જેવી યુનિક કસ્ટમાઇઝ્ડ આઇટમ્સનાં એક્ઝિબિશન્સ પણ કરતી હતી. મારાં સાસુમાને પણ મારો ક્રીએટિવ નેચર ગમ્યો હોવાથી મને બધી જ રીતે સપોર્ટ કરતાં. તેમને પણ હૅન્ડિક્રાફ્ટ અને હૅન્ડ-પેઇન્ટેડ ચીજોમાં ઇન્ટરેસ્ટ હતો પણ તેમને કરવાની તક મળી નહોતી, પણ હવે તેઓ શુભ-લાભ અને તહેવારમાં મળતી હૅન્ડ-પેઇન્ટેડ અને હૅન્ડક્રાફ્ટેડ તોર‌ણ જેવી ડેકોર આઇટમ્સ બનાવીને વેચે છે. ૨૦૧૮માં મારા મોટા દીકરા રિશિવનો જન્મ થયો અને ૨૦૨૨માં મિશયનો. મને ક્રીએટિવ કામ કરવાની ઝંખના તો હતી જ ત્યારે એક વખત મેં ઇન્સ્ટાગ્રામમાં અમેરિકાની એક રીલ જોઈ જેમાં એક વ્યક્તિ બાળકે કરેલા આર્ટવર્કને પ્રિઝર્વ કરીને આર્ટ-બુક બનાવી આપતી હતી. એ સમયે મને પણ વિચાર આવ્યો કે મેં પણ રિશિવે કરેલાં ડ્રૉઇંગ્સ એક સૂટકેસમાં ભરીને સાચવ્યાં હતાં. એ ઇન્સ્ટાગ્રામની રીલે મારા પર એટલો પ્રભાવ પાડ્યો હતો કે મેં મારા દીકરાનાં ડ્રૉઇંગ્સને ભેગાં કરીને એક આર્ટ-બુક બનાવી. સૌથી ફની વાત તો એ થઈ કે મારાં સાસુ એ વાતને લઈને ખુશ થયાં કે ઘરમાંથી રદ્દી ઓછી થઈ. પછી મેં આને બિઝનેસ તરીકે ડેવલપ કરવાનો વિચાર કર્યો. મેં રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે ભારતમાં આવા પ્રકારનો બિઝનેસ એક્ઝિસ્ટ જ નથી કરતો, પણ મને આમાં જ આગળ વધવાની ઇચ્છા હતી. મેં શરૂઆત કરી.’


2D સ્ટિકર્સ, બૅગ ટૅગ્સ, મેમરી બુક્સ અને આર્ટ એન્વલપ્સ

જે કોઈએ ન વિચાર્યું


કિચેન અને ગિફ્ટ રૅપિંગ પેપર

ડોમ્બિવલીના સેજપાલ પરિવારમાં જન્મેલી દીપાલીને બિઝનેસ શરૂ કરવા માટે હાઈ રેઝલ્યુશન આઉટપુટ આપે એવા પ્રિન્ટરની જરૂર હતી. દીપાલી કહે છે, ‘મારા હસબન્ડ વિનીત કસ્ટમ ક્લિયરિંગ એજન્ટ છે અને તેમની ઑફિસમાં મોટું પ્રિન્ટર હતું જ. એ મેં મારા હિસાબે અપગ્રેડ કરાવ્યું અને મારું કામ શરૂ કર્યું. તેમની જ ઑફિસમાં નાની સ્પેસમાં મારું સેટઅપ કર્યું. પ્રિન્ટિંગથી લઈને અમારી ફૅમિલી મોટી હોવાથી શરૂઆતમાં તો તેમના તરફથી જ સપોર્ટ મળ્યો. હું મારા નવા સ્ટાર્ટઅપ સાથે જોડાઈ તો આઇડિએન્ટિનાનો બિઝનેસ મારાં સાસુએ સંભાળી લીધો. તેઓ આ બિઝનેસ તેમના હિસાબે ચલાવે છે. હું આર્ટ-બુક એટલે કે બુકનાં કવર કસ્ટમાઇઝ કરી આપું. બાળકોએ બનાવેલાં ડ્રૉઇંગ્સમાંથી હું આર્ટ-બુકનાં કવર, કીચેન, 2D સ્ટિકર્સ, HD સ્ટિકર્સ, પર્મનન્ટ સ્ટિકર્સ ટેબલ-મૅટ, ગિફ્ટ-રૅપિંગ પેપર અને લગેજ-ટૅગ્સમાં કન્વર્ટ કરીને આપું. હું કસ્ટમ સ્ટોરી બુક પણ બનાવી આપું. એમાં હું મમ્મીઓ પાસેથી બાળકોના ફોટો મગાવું અને AIની મદદથી એક નાનકડી કસ્ટમાઇઝ્‍ડ સ્ટોરી તૈયાર કરું. ધારો કે કોઈ ભાઈબહેનને લગતી સ્ટોરી-બુક બનાવવાનો ઑર્ડર આવે તો હું બન્નેના ફોટો મગાવું અને એનું કૅરિકેચર તૈયાર કરું. પછી સ્ટોરી બનાવીને આઠ પેજની બુક બનાવી આપું. આવી જ રીતે બાળકોએ પેપર પર કરેલાં બધાં જ આર્ટવર્કને બુકમાં કન્વર્ટ કરીને મેમરી-બુક બનાવી આપું. મારું પ્રિન્ટર એટલી હાઈ ક્વૉલિટીનું છે કે બાળકોનાં ગોટાળા ભરેલાં ડૂડલ્સ અને ડ્રૉઇંગ્સનાં બૅનર અને હોર્ડિંગ્સ પણ બનાવી શકાય. ધીરે-ધીરે હું ૨૦ જેટલી યુનિક આઇટમ્સ સેલ કરું છું. હવે મારી ઇચ્છા બાળકો માટે લાઇવ કાઉન્ટર રાખવાની છે. તેમને હું આર્ટ-લૂપ્સ બનાવડાવીશ. એક ઍક્રિલિક ટ્રાન્સપરન્ટ રાઉન્ડમાં કલર્સથી તેમની રીતે આર્ટ કરવા આપીશ. આર્ટ-રિંગ્સ પણ બહુ નવો કન્સેપ્ટ છે. ઍક્રિલિક રાઉન્ડમાં કલર કરીને પછી હું એને મોલ્ડમાં ઢાળીને રિંગ બનાવી આપું. એટલે બાળકો તેમના જ આર્ટવર્કને પહેરીને ફ્લૉન્ટ કરી શકે. હું કાગળની લૂગદીમાંથી પેન્સિલ બનાવું છું અને શિખવાડું પણ છું. બાળકો માટે આવી ઍક્ટિવિટી મજા સાથે મેમરી બનાવતો અનુભવ બને છે. મારા માટે આર્ટ થેરપી છે. મારા બાળકના આર્ટવર્કને લીધે મને નવી દિશા મળી છે. એને હું હજી એક્સપ્લોર કરવા માગું છું. અત્યાર સુધીમાં મેં ૧૦૦થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે, પણ હવે ઇચ્છા છે કે કોઈ સેલિબ્રિટી બાળકના પ્રોજેક્ટ પર કામ કરું.’

columnists gujarati mid day gujarati inflluencer gujarati community news gujaratis of mumbai exclusive