18 January, 2026 03:44 PM IST | Mumbai | Priyanka Acharya
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એક રવિવારની સવારે મેહુલ ચા લઈને પોતાના વાર્ષિક બજેટનો ચોપડો ખોલીને બેઠો. ગયા વર્ષે બનાવેલું બજેટ ખૂબ જ સ્પષ્ટ અને લૉજિકલ લાગતું હતું પરંતુ હકીકતમાં એ કોઈ કામનું સાબિત થયું નહોતું. અચાનક માર્કેટમાં મંદી આવતાં તેના બિઝનેસ પર પ્રતિકૂળ અસર પડી હતી, સંતાનની સ્કૂલ ફી વર્ષના વચલા ભાગમાં જ વધારી દેવાઈ હતી અને ઉપરથી એક અણધાર્યો મેડિકલ ખર્ચ પણ આવ્યો હતો. ઘણા લોકો બજેટને સમયપત્રકની જેમ ગણે છે, જ્યારે જીવન તો ટ્રાફિક જેવું છે – ક્યારેક સરળ, ક્યારેક અટકાવવાળું અને ક્યારેક અણધાર્યું.
સમજદાર માણસો માત્ર નફા-નુકસાન પર નજર રાખતા નથી, તેઓ દરેક ખર્ચને અલગ-અલગ કૅટેગરીમાં વહેંચે છે અને જરા પણ ગભરાટ વગર કે ખર્ચમાં અંધાધૂંધ કાપ મૂક્યા વગર દરેકને અલગ-અલગ રીતે સાચવી લે છે.
ખર્ચની કૅટેગરીમાં સૌપ્રથમ આવે છે ડાયરેક્ટ કૉસ્ટ – જેમ કે કરિયાણાનો ખર્ચ તથા આરોગ્ય અને શિક્ષણ પાછળનો ખર્ચ. આ બધી જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. બજેટ સારું ત્યારે જ કહેવાય જ્યારે આ ખર્ચમાં કાપ મૂકવાને બદલે એમાં સુરક્ષા માટે બફર રાખવામાં આવે. એનું કારણ એ કે અણધાર્યા ખર્ચ મોટા ભાગે અહીં જ આવે છે.
પછી આવે છે ઍડ્મિનિસ્ટ્રેટિવ કૉસ્ટ એટલે કે ઘરની સુવિધાઓ પાછળનો ખર્ચ (વહીવટી ખર્ચ). વીજળીનું બિલ, મોબાઇલ, ઇન્ટરનેટ, ટ્રાન્સપોર્ટ, વગેરે. આ ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય છે. આવક ઘટે ત્યારે અહીં થોડો ફેરફાર કરવાથી જીવનશૈલી પર ગંભીર અસર પડતી નથી.
ત્રીજો ભાગ છે લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી પાછળનો ખર્ચ. બહાર જમવું, ફરવા જવું, નવાં ગૅજેટ્સ ખરીદવાં, વગેરે. આ સૌથી વધુ લવચીક ખર્ચ છે. આવક સારી હોય ત્યારે વધે, મુશ્કેલ સમયમાં આપમેળે ઘટી જાય. લોકો અહીં જ ભૂલ કરે છે – તેઓ જીવનશૈલીને સ્થિર માને છે અને મૂળભૂત જરૂરિયાતોને ઍડ્જસ્ટ કરે છે.
છેલ્લે આવે છે ફાઇનૅન્સ કૉસ્ટ, જેમાં EMI, ક્રેડિટ કાર્ડ, વગેરે. સારું અને લવચીક બજેટ હંમેશાં આ ખર્ચને ધીમે-ધીમે ઓછો કરવાની દિશામાં કામ કરે છે.
બજેટિંગની સાચી તાકાત એની ચોકસાઈ નથી પરંતુ અનુકૂલનની, ફેરફારો લાવી શકવાની ક્ષમતા છે. ‘આ વર્ષે કેટલો ખર્ચ કરવો?’ એવો પ્રશ્ન પૂછવાને બદલે આ પ્રશ્નો વધુ ઉપયોગી છે :