12 July, 2026 05:16 PM IST | Mumbai | Foram Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે અનેક યુવાનો અને અનુભવી વ્યાવસાયિકો પોતાની રુચિ અને આવડતને અનુરૂપ ફ્રીલાન્સિંગ, કન્સલ્ટિંગ, ડિજિટલ કન્ટેન્ટ, ગ્રાફિક ડિઝાઇન, ફોટોગ્રાફી, સોશ્યલ મીડિયા મૅનેજમેન્ટ જેવા આધુનિક વ્યવસાયોને પસંદ કરી રહ્યા છે. આ ક્ષેત્રોમાં કામ કરવાની સ્વતંત્રતા છે, પોતાની શરતો પર કામ કરવાની તક છે અને કમાણીની મર્યાદા પણ નથી. આ સ્વતંત્રતા હોવા છતાં આવકની અનિયમિતતા એક મોટો પડકાર હોય છે.
દર મહિને નિશ્ચિત પગાર મળતો ન હોવાથી નાણાકીય આયોજન કરવું થોડું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં પરંપરાગત માસિક બજેટ ઘણી વખત નિષ્ફળ સાબિત થાય છે. એને બદલે આવકની વધઘટને ધ્યાનમાં રાખીને લવચીક અને શિસ્તબદ્ધ નાણાકીય આયોજન અપનાવવું વધુ જરૂરી બને છે.
આ આયોજનનું સૌથી પહેલું પગલું છે વ્યક્તિગત અને વ્યાવસાયિક નાણાંને અલગ રાખવાં. ઘણા ફ્રીલાન્સર્સ શરૂઆતમાં જ એક મોટી ભૂલ કરે છે. તેઓ વ્યવસાયની આવક પોતાના વ્યક્તિગત ખાતામાં જ લે છે અને ઘરખર્ચ તથા વ્યવસાયનો ખર્ચ પણ એક જ ખાતામાંથી કરે છે. પરિણામે સાચો નફો કેટલો થયો અને ખર્ચ ક્યાં થયો એનો સ્પષ્ટ ખ્યાલ રહેતો નથી. તેથી વ્યવસાય શરૂ થાય એ દિવસથી જ અલગ બૅન્ક-ખાતું ખોલવું અને તમામ વ્યાવસાયિક લેવડદેવડ એ ખાતામાંથી જ કરવી જોઈએ. ત્યાર બાદ દર મહિને એક નક્કી તારીખે પોતાની જાતને નિશ્ચિત પગાર ચૂકવવાની ટેવ પાડવી જોઈએ. આવક ઓછી હોય કે વધુ, ઘરખર્ચ માટે આ જ રકમનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહે છે. સાથે જ દરેક આવકમાંથી ટૅક્સ માટે પણ થોડો ભાગ અલગ રાખવો જોઈએ, જેથી વર્ષના અંતે એકસાથે મોટી રકમ ચૂકવવાનો બોજ ન આવે.
નાણાકીય આયોજનનું બીજું મહત્ત્વનું પગલું છે પોતાની લઘુતમ જરૂરિયાતોનું ચોક્કસ મૂલ્યાંકન કરવું. અંદાજ નહીં, હિસાબ કરો. દર મહિને જીવન ચલાવવા માટે કેટલી રકમ જરૂરી છે એ લખી કાઢો. એમાં કરિયાણું, ઘરભાડું, વીજળી-પાણીનાં બિલ, આરોગ્ય ખર્ચ, ટૅક્સ અને લોનના હપ્તા જેવી આવશ્યક જરૂરિયાતોનો સમાવેશ કરો. બીજી તરફ બહાર જમવાનું, મનોરંજન, શૉપિંગ, પ્રવાસ અથવા શોખ પાછળનો ખર્ચ આ યાદીમાં ન ઉમેરો. વ્યક્તિગત અને વ્યાવસાયિક બન્ને પ્રકારના જરૂરી ખર્ચ અલગથી નોંધવાથી આયોજન વધુ અસરકારક બને છે.
ફ્રીલાન્સર્સ માટે સૌથી મોટો આર્થિક આધાર છે પૂરતું બફર ફન્ડ. સામાન્ય રીતે ૩ મહિનાના જરૂરી ખર્ચ જેટલી બચત રાખવાની સલાહ આપવામાં આવે છે. જોકે જેમની આવક નિયમિત નથી તેમણે શક્ય હોય તો છ મહિના કે એથી વધુ સમયના ખર્ચ જેટલી બચત તૈયાર રાખવી જોઈએ. જ્યારે આવક સારી હોય ત્યારે જીવનશૈલીમાં તરત જ વધારો કરવાની લાલચથી બચવું જોઈએ.
યાદ રહે, અનિયમિત આવક હોવી એ નાણાકીય અસુરક્ષાનું કારણ નથી. અસલી પડકાર આવક નહીં પરંતુ એનું સંચાલન છે. જો તમે નાણાંને અલગ રાખવાની શિસ્ત અપનાવો, જરૂરી ખર્ચનો સ્પષ્ટ હિસાબ રાખો અને સારી આવકના સમયમાં ભવિષ્ય માટે બચત કરો તો ફ્રીલાન્સિંગ કે અન્ય કોઈ પણ આધુનિક વ્યવસાયમાં લાંબા ગાળે આર્થિક સ્થિરતા જાળવવી સંપૂર્ણપણે શક્ય છે.