29 March, 2026 06:37 PM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવા આવે ત્યારે મોટા ભાગના રોકાણકારો માત્ર કલમ 80C હેઠળ કરવેરાની ચુકવણીથી બચવા માટે નવી યોજનાઓમાં નાણાં રોકવા પર ધ્યાન આપતા હોય છે. જોકે એક અત્યંત અસરકારક છતાં ઓછી જાણીતી વ્યૂહરચના ‘ટૅક્સ લૉસ હાર્વેસ્ટિંગ’ની છે. ખાસ કરીને જ્યારે શૅરબજારમાં ભારે વધઘટ હોય અને તમારા પોર્ટફોલિયોમાં નકારાત્મક વળતર દેખાતું હોય ત્યારે આ પદ્ધતિ તમારા ભવિષ્યના કરવેરાના બોજને ઘટાડવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
ટૅક્સ લૉસ હાર્વેસ્ટિંગ એટલે તમારા પોર્ટફોલિયોમાં રહેલા એવા શૅરો કે મ્યુચ્યુઅલ ફન્ડ્સને વેચીને જાણીજોઈને ખોટ બુક કરવી, જેની વર્તમાન બજારકિંમત તમારી મૂળ ખરીદકિંમત કરતાં ઓછી હોય. આ બુક કરેલી ખોટનો ઉપયોગ તમે એ જ વર્ષના અથવા ભવિષ્યનાં વર્ષોમાં થનારા મૂડી નફા (કૅપિટલ ગેઇન્સ) સામે સેટ-ઑફ કરવા માટે કરી શકો છો. ભારતીય આવકવેરાના કાયદા મુજબ શૉર્ટ ટર્મ કૅપિટલ લૉસને શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ એમ બન્ને પ્રકારના મૂડી નફા સામે મજરે મેળવી શકાય છે. જો કોઈ વર્ષે પૂરેપૂરી ખોટ મજરે લઈ શકાય નહીં તો આ નુકસાનને તમે સતત ૮ વર્ષ સુધી આગળ ખેંચી (કૅરી ફૉર્વર્ડ) શકો છો. શરત માત્ર એટલી કે તમે સમયસર ઇન્કમ ટૅક્સનું રિટર્ન ફાઇલ કર્યું હોવું જોઈએ.
ધારો કે રમેશ અને સુનીતા નોકરિયાત દંપતી છે, જેઓ લાંબા સમયથી ઇક્વિટીમાં રોકાણ કરે છે. બજારના ઘટાડાને કારણે હાલ તેમના અમુક શૅરોમાં બે લાખ રૂપિયાની ખોટ દેખાઈ રહી છે. જો તેઓ ખોટ કરનારા આ શૅરો ૩૧ માર્ચ પહેલાં વેચી દે તો તેમને બે લાખ રૂપિયાનો શૉર્ટ ટર્મ કૅપિટલ લૉસ થશે. ધારો કે આગામી વર્ષે તેઓ અન્ય કોઈ રોકાણ વેચીને ૩.૨૫ લાખ રૂપિયાનો નફો કરે છે. ટૅક્સ હાર્વેસ્ટિંગ વગર તેમણે બે લાખ રૂપિયા પર ટૅક્સ ભરવો પડત (૧.૨૫ લાખ રૂપિયા સુધીનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન કરમુક્ત છે), પરંતુ અગાઉની બે લાખ રૂપિયાની ખોટ સામે સેટ-ઑફ મળવાને કારણે હવે તેમનો કૅપિટલ ગેઇન ૧.૨૫ લાખ રૂપિયા થાય છે જે કરમુક્ત છે. આમ કરવેરાની જવાબદારી શૂન્ય થઈ જાય છે.
રોકાણકારોમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે કે ખોટમાં શૅર વેચ્યા પછી એ રકમનું શું કરવું? રોકાણકાર એ રકમ ફરીથી એ જ શૅરમાં અથવા સમાન પ્રકારના ફન્ડમાં રોકાણ કરી શકે છે જેથી તેનું લાંબા ગાળાનું રોકાણ ચાલુ રહે. જોકે ખોટમાં શૅર વેચવાનો નિર્ણય માત્ર ટૅક્સ બચાવવા માટે નહીં પરંતુ ઍસેટ અલોકેશન અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. આ વ્યૂહરચના અમલમાં મૂકતી વખતે યોગ્ય દસ્તાવેજો જાળવવા જોઈએ. વળી તમામ વ્યવહારો નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલાં એટલે કે ૩૧ માર્ચ પહેલાં પૂરા કરવા અનિવાર્ય છે. ટૅક્સ લૉસ હાર્વેસ્ટિંગનો મુખ્ય હેતુ પોર્ટફોલિયોને વધુ ટૅક્સ-ફ્રેન્ડ્લી બનાવવાનો છે, પરંતુ એને કારણે પોર્ટફોલિયોમાં બિનજરૂરી ફેરફારો ન થવા જોઈએ. અંતે મુખ્ય લક્ષ્ય હંમેશાં સંપત્તિસર્જન હોવું જોઈએ. ટૅક્સને લગતી વ્યવહાર્યતા એમાં પૂરક બનવી જોઈએ, બાધારૂપ નહીં.