15 May, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૩૫ વર્ષથી મીઠીબાઈ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યના પ્રોફેસર રહી ચૂકેલા પ્રોફેસર અશ્વિન મહેતાએ ૨૫૦૦ જેટલા સ્ટેજ-પ્રોગ્રામ્સનું ઍન્કરિંગ કર્યું છે.
ક્યારેક એકાંતમાં બેસીને વિચારજો કે અજવાળું ફેલાવવા માટે પૃથ્વીએ ક્યારેય સૂર્યનું બિલ ભરવું પડ્યું છે કે પછી પોતાની તરસ છિપાવવા માટે આ ધરતીએ વાદળો સામે કરગરવું પડ્યું છે?
કુદરતની આ અદ્ભુત વ્યવસ્થામાં બધું જ કેટલું સહજ અને સ્વાભાવિક છે. ગુલાબને લાલ રંગ ધારણ કરવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી કે કોયલને ટહુકવા માટે કોઈ મ્યુઝિક-ક્લાસમાં નથી જવું પડતું. નદી પોતાની મસ્તીમાં વહે છે અને પહાડો પોતાની અડગતામાં સ્થિર છે. એમને કોઈને સાબિતી નથી આપવી પડતી કે તેઓ કોણ છે, પરંતુ બુદ્ધિશાળી ગણાતા માનવીએ જ કેમ તે પોતે જે નથી એ જ બનવા માટે આખી જિંદગી સંઘર્ષ કરવો પડે છે?
આપણે એવા ફિલ્ટરવાળા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં સત્ય કરતાં દેખાવ વધુ કીમતી બની ગયો છે. સોશ્યલ મીડિયા પર કોઈની લક્ઝરી લાઇફસ્ટાઇલ જોઈને આપણને આપણા સાદા જીવન પ્રત્યે અસંતોષ થવા લાગે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે ડિજિટલ પડદા પર દેખાતા દરેક સ્મિત પાછળની હકીકત કદાચ જુદી હોઈ શકે. આપણે માત્ર લાઇક્સ અને વ્યુઝ મેળવવા માટે એવા વ્યક્તિત્વનું પ્રદર્શન કરીએ છીએ જે ખરેખર આપણે છીએ જ નહીં. વેકેશનનો આનંદ માણવાને બદલે સારો ફોટો પાડીને દુનિયાને એ બતાવવામાં વધુ શક્તિ ખર્ચીએ છીએ કે જુઓ, હું કેટલો ખુશ છું.
વર્તમાન સમયની આંધળી દોડમાં માતા-પિતા પોતાના બાળકને તેની રુચિ મુજબ ખીલવા દેવાને બદલે તેને શ્રેષ્ઠ બનાવવાની હોડમાં જોતરી દે છે. જો પાડોશીનું સંતાન IT એન્જિનિયર બને તો મારા સંતાને પણ એ જ કરવું જોઈએ. આ સરખામણીની વૃત્તિ જ આપણી સહજતાની સૌથી મોટી દુશ્મન છે. આપણે કૉર્પોરેટજગતના ટાર્ગેટ્સ પૂરા કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી કુદરતી જરૂરિયાતો જેમ કે શાંતિ, ઊંઘ અને પરિવાર સાથેનો સમય એને લક્ઝરી માની બેઠા છીએ.
ઈશ્વરે આપણને એક અનોખું વ્યક્તિત્વ આપ્યું હતું, પણ આપણે એના પર સામાજિક પ્રતિષ્ઠા અને અપેક્ષાઓનાં એટલાં બધાં મહોરાં ચડાવી દીધાં છે કે હવે આપણો અસલ ચહેરો કયો છે એ આપણે પોતે પણ ભૂલી ગયા છીએ. એક નાનકડું ફૂલ પણ જ્યારે ખીલે છે ત્યારે એ કોઈને પ્રભાવિત કરવા માટે નથી ખીલતું, એ તો એનો સ્વભાવ છે એટલે ખીલે છે. જ્યારે આપણે બીજા જેવું બનવા જઈએ છીએ ત્યારે આપણી મૌલિકતા ગુમાવીએ છીએ. જીવનનો સાચો આનંદ એ બનવામાં નથી, હોવામાં છે. જે દિવસે આપણે આપણી જાતને જેવા છીએ એવા જ આપણી મર્યાદાઓ અને શક્તિઓ સાથે સ્વીકારી લઈશું એ દિવસે આપણું જીવન પણ કુદરતની જેમ જ ભાર વગરનું અને આનંદમય બની જશે. આપણે શા માટે સતત કોઈકની નકલમાં આપણું અસલ અસ્તિત્વ હોમી દેવું જોઈએ?