સોશ્યલ મીડિયાનું સંયુક્ત કુટુંબ : ઘરમાં બધા સાથે, પણ દરેક પોતપોતાના ફોનમાં

30 June, 2026 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ઘર-ઘરમાં વિચિત્ર પરિસ્થિતિ જોવા મળે છે. એક જ સોફા પર ઘરના ૪ જણ બેઠા હોય, પણ ચારેય અલગ-અલગ દુનિયામાં વિહરતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

ઘરમાં બધા શાંત બેઠા હોય તો પહેલાં લાગતું કે ઝઘડો થયો હશે. હવે સમજી જવાનું કે બધાના ફોનમાં ડેટા ચાલુ છે.

આજકાલ લોકો સવારે-સવારે મંદિરમાં દર્શન કરવા ઓછા અને ભગવાન સાથે સેલ્ફી લેવા વધુ જાય છે. હું તો તેમને સેલ્ફીપુરાણ અને લાઇકમાહાત્મ્યની કથા સાંભળવા જાય છે એમ કહું છું.
‘જમવાનું ઠંડું થાય છે, પહેલાં જમી લેને ભૈ...’ એમ મમ્મી બૂમ પાડતી. હવે તો પોતે જ ફૂલેલી રોટલી અને ગૂગલ-રેસિપી-સબ્જીના બે-ત્રણ ઍન્ગલથી લીધેલા ફોટો પહેલાં અપલોડ કરે છે.

સોશ્યલ મીડિયાનો આજે જન્મદિન. આજે બધાએ પોતાને જ વિશ કરવાનું, કારણ કે રોજ સવારે આપણે પહેલાં ઑનલાઇન થઈએ છીએ અને પછી ખરેખરા જાગીએ છીએ. વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેસેજિસ અને ઈ-મેઇલ્સ જોયા પછી જ બ્રશ કરીએ છીએ. નોકરી-ધંધા કે શૅરબજારના કોઈ ન ગમતા મેસેજ આવી ગયા તો ચા-કૉફીનો મૂડ ગયો, પણ હાથમાંથી મોબાઇલ છૂટે તો ચા પીવાયને. ૩૦ જૂનને સોશ્યલ મીડિયા ડે તરીકે ઊજવવાની શરૂઆત ૨૦૧૦માં Mashable (એક ન્યુઝ ઍન્ડ ટેક્નૉલૉજી વેબસાઇટ) દ્વારા કરવામાં આવી હતી. હેતુ હતો સોશ્યલ મીડિયાએ ભજવેલી ભૂમિકાને માન્યતા આપવાનો; કારણ કે એ સરહદો વટાવ્યા વગર મિત્રો, સંબંધીઓ અને અજાણ્યાઓ સાથે પણ મુલાકાત કરાવી આપે છે. સોશ્યલ મીડિયાની જરૂરિયાતને લોકોના લક્ષમાં લાવવાનો ઉદ્દેશ હતો.

જોકે આજે તો હવે એના વગર રહેવાતું જ નથી. દુનિયાભરમાં દરરોજ અબજો લોકો સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હોય છે, ચોવીસે કલાક.

એટલે હવે આ દિવસ ઊજવવા માટે અલગ કાર્યક્રમોની જરૂર નથી. આપણે તો રોજ જ એને ઊજવીએ છીએ. ઉજવણીમાં એ ન ભૂલીએ કે સોશ્યલ મીડિયાએ માણસને દુનિયા સાથે જોડ્યો પણ પાડોશીથી દૂર કરી દીધો.

આજે ઘર-ઘરમાં વિચિત્ર પરિસ્થિતિ જોવા મળે છે. એક જ સોફા પર ઘરના ૪ જણ બેઠા હોય, પણ ચારેય અલગ-અલગ દુનિયામાં વિહરતા હોય છે. એકના કાનમાં ઇઅર-ફોન હોય, બીજાના હાથમાં રીલ્સ હોય, ત્રીજી કમેન્ટ્સનો જવાબ આપતી હોય તો ચોથો એક પછી એક ખૂલતી લિન્ક્સમાં ફસાયેલો હોય. રીલ્સે તો સમયનું આખું ગણિત જ ખોરવી નાખ્યું છે. બસ ‘ફક્ત પાંચ મિનિટ માટે જ’ કહીને ફોન હાથમાં લીધો હોય ત્યાં અડધો-પોણો કલાક ક્યાં નીકળી જાય એનો ખ્યાલ પણ નથી રહેતો. ઍલ્ગરિધમ આપણા કરતાં આપણને હવે તો વધુ સારી રીતે ઓળખે છે. આપણને શું ગમશે, શું ભાવશે, ક્યારે હસાવવું અને ક્યારે શૉપિંગ કરાવવું બધાની એને ખબર છે. થોડાં વર્ષો પહેલાં લોકો પોતાનું દુઃખ મિત્રો સાથે વહેંચતા. હવે તો દુઃખનું પણ સ્ટેટસ મૂકે છે. જો પૂરતી લાઇક્સ મળે તો દુઃખ થોડું હળવું થાય અને ન મળે તો દુઃખ બમણું થઈ જાય છે.

માણસનું વ્યક્તિત્વ તેના અભ્યાસ અને વાતચીત પરથી પહેલાં નક્કી થતું હતું. હવે તેના પ્રોફાઇલ પિક્ચર, બાયો અને ફૉલોઅર્સ પરથી અંદાજ લગાડવામાં આવે છે. જાણે જીવન નહીં બ્રૅન્ડિંગ ચાલી રહ્યું હોય. સૌથી મજાની વાત એ છે કે પ્રવાસ પર પણ આપણે જાણે ફોટો પડાવવા જ જઈએ છીએ. દૃશ્ય જોવા નહીં, દૃશ્યોમાં દેખાવા માટે જઈએ છીએ. એ પણ જાણે અધૂરું હતું એમ હવે તો નવી-નવી ઍપ્સ કાશ્મીર ગયા વગર જ ડિજિટલ સફર કરાવીને એકદમ સાચા લાગે એવા ફોટો તમને મોકલી આપે છે. તમે ઇચ્છો તે મિત્ર સાથે સોનમર્ગના સ્નોફૉલની મજા લેતા હો એવા ફોટો પણ પાડી આપે છે, ભલેને પછી તે મિત્રને ખબર પણ ન હોય. એટલે જ તો એને વર્ચ્યુઅલ/આભાસી દુનિયા કહી છે.

સોશ્યલ મીડિયાએ ભૌગોલિક જ નહીં, ભાષાની સરહદો પણ ઓળંગી દીધી છે. સૌને એકસરખાં ચિહનોવાળી સમાન ભાષાની ભેટ આપી છે. કોઈ અજાણ્યા સાથે વાત ન કરી શકો તો પણ વાંધો નહીં. જાત-જાતનાં ચિત્રો ને સ્ટિકરો મોકલીને સંબંધ જાળવી શકાય છે.    નમસ્તે, હસતો ચહેરો, રડતો ચહેરો, ગુસ્સો, પ્રેમ, રેડ રોઝ વગેરે લાગણીઓ શબ્દોમાં નહીં ઇમોજીસથી કહેવાય છે. મોબાઇલ હાથમાં આવતાં જ દરેક માણસ થોડો પત્રકાર, થોડો વિવેચક, થોડો સ્પેશ્યલિસ્ટ બની જાય છે અને ક્રિકેટથી લઈને ક્રાઇમ સુધી અને ફિલ્મોથી લઈને ફાઇનૅન્સ સુધીના દરેક વિષયમાં અભિપ્રાય આપતો થઈ જાય છે.

સોશ્યલ મીડિયા ખરેખર એક અદ્ભુત સાધન છે. અનેક છુપાયેલી પ્રતિભાઓને પ્લૅટફૉર્મ આપ્યું છે એણે, નાના વેપારીઓને ગ્રાહકો આપ્યા છે, લેખકોને વાચકો આપ્યા છે, ગાયકોને શ્રોતા આપ્યા છે, એક સામાન્ય માણસને પોતાનો અવાજ આપ્યો છે. પ્રશ્ન સાધનનો નથી, એના ઉપયોગનો છે. ચાવી આપણા હાથમાં જ છે. દરવાજો કઈ દિશામાં ખોલવો એ આપણા હાથમાં છેને! ફોન બાજુમાં મૂકીએ, ટીવી-ચૅનલો થોડો સમય બંધ રાખીએ. ઘરના સાથે ચા પીએ, થોડું હસીએ, મિત્રના ઘરે જઈએ. મળવા માટે જ. જો કંઈ શૅર કરવું જ હોય તો આજે એક સાચું સ્મિત શૅર કરીએ. એવું સ્મિત જેને કોઈ ફિલ્ટરની જરૂર ન હોય, કેમ કે આખરે જીવનની સૌથી સુંદર સ્ટોરી હજી પણ ૨૪ કલાકમાં ડિલીટ થતી નથી. એ યાદોની હાર્ડ ડિસ્કમાં સચવાઈ રહે છે.

બાય ધ વે

તમને ખબર છે કે આજની સૌથી સાહસિક અને અઘરી ચૅલેન્જ કઈ છે? આજના ‘સોશ્યલ મીડિયા ડે’ને જો ખરેખર યાદગાર બનાવવો હોય તો બે કલાક માટે મોબાઇલ-લૅપટૉપ, ટીવી-ચૅનલ બધું બંધ કરી જુઓ. જો તમે સફળ થાઓ તો અભિનંદન. તમે હજી પણ હોમો સેપિયન્સની કૅટેગરીમાં છો. નહીં તો તમને ડિજિટલ દુનિયાની સિટિઝનશિપ મળી ગઈ છે. પુરાવામાં પાસપોર્ટ, આધાર કાર્ડની જરૂર નથી. ઉપરાંત એક વસ્તુની મફત ભેટ પણ મળી છે : તમારા અંગૂઠાને કાયમી રોજગાર.

social media columnists exclusive gujarati mid day