22 January, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ પંડ્યા ટીચર્સ ડેમોક્રૅટિક ફ્રન્ટના પ્રવક્તા અને રેલવે પ્રવાસી મહાસંઘના ઉપાધ્યક્ષ છે. રાષ્ટ્રભાષા રત્નથી સન્માનિત રાજેશભાઈ સક્રિય સામાજિક કાર્યકર પણ છે.
આજે લોકો પોતાના દૈનિક કામકાજમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમને પોતાની આસપાસમાં બીજાની તકલીફ ધ્યાનમાં લેવાની ફુરસદ નથી. સમાજસેવાનો સાચો અર્થ એ જ છે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના બીજાની મદદ કરવા સમાજમાં આગળ આવીને લોકોપયોગી કામ કરવું. જે વ્યક્તિ કેવળ પોતાનું અને પોતાના પરિવાર પૂરતું જ વિચારે એ સમાજસેવા ન ગણાય. આજના મોંઘવારીના સમયમાં આર્થિક તંગીને કારણે સમાજમાં ઘણા લોકો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેવી કે શાળા-કૉલેજની ફી, મોંઘી મેડિકલ સુવિધા, બાળકોનું ભરણપોષણ, કુટુંબથી દૂર કરાયેલા વૃદ્ધોની સારસંભાળ, દિવ્યાંગ તથા અનાથોની પરવરિશ, તેમનાં આરોગ્યની સમસ્યા મુખ્ય છે. સમાજમાં આવી વિભિન્ન સમસ્યામાં અનેક NGO, સામાજિક સંસ્થાઓ, દાતાઓ કોઈ પણ ભેદભાવ વગર યથાસંભવ નિઃસ્વાર્થ સેવા કરી રહ્યાં છે. આવા કાર્ય પ્રત્યે ઘણાનું માનવું છે કે આવાં મોટાં કાર્યો સામાજિક સંસ્થાઓ અને શ્રીમંત વર્ગ જ કરી શકે છે. આ સાચું છે કે સેવાકાર્ય માટે ધન અને સમયની આવશ્યકતા હોય છે પણ અમુક એવાં કાર્ય હોય છે જેમાં સાધારણ વ્યક્તિ વગર પૈસાએ, પોતાના સમય અનુસાર સહયોગી બની શકે છે. અમુક લોકો દૈનિક કામકાજમાં વ્યસ્તતામાં સમયના અભાવનું કારણ દર્શાવે છે તો કોઈક સેવાકાર્યોમાં સમયની બરબાદી માને છે. વળી એવું માનનારા પણ છે કે સમાજસેવા કરવાથી મને શું લાભ? તેમણે આવો વિચાર ન કરતાં સમાજને આપણી યોગ્યતા મુજબ લાભ આપવા પ્રવૃત્તિથી જોડાવું જરૂરી છે. સાચા ભાવથી કાર્ય કરનાર સમાજસેવક કોઈની પરવા ન કરતાં જરૂરતમંદ સુધી સેવા પહોંચાડવી એ જ પરમ ઉદ્દેશ્ય રાખતા હોય છે. તેમના મતે તો જનસેવા પ્રભુસેવા તુલ્ય જ છે. પ્રત્યેક વ્યક્તિએ સામાજિક દૃષ્ટિકોણના વિચાર સાથે કોઈ પણ ભેદભાવ વગર ચાલી રહેલા અન્નક્ષેત્રમાં, વૃદ્ધાશ્રમમાં, જીવદયાના, અનાથાશ્રમના સેવાકાર્ય સાથે જ રક્તદાન શિબિર, નિઃશુલ્ક મેડિકલ કેન્દ્ર, ગરીબ વિદ્યાર્થીઓને સહાય, જરૂરતમંદોને મફત કાનૂની માર્ગદર્શન, નાની લાઇબ્રેરી, વરિષ્ઠ નાગરિકો માટે મનોરંજન, સામાન્ય નાગરિક સુવિધા ઉપલબ્ધ કરાવવા જેવાં અનેક કાર્યો માટે પહેલ કરવી જોઈએ તેમ જ મૂંગાં પશુપંખીઓ માટે, પર્યાવરણના સંવર્ધન માટે, આરોગ્ય માટે સ્વચ્છતાનાં કાર્યો પણ સમાજસેવા જ છે. દરેકે માનવીય સેવા અને રાષ્ટ્રીય ધર્મમાં સહયોગી બનવું જોઈએ. આપણી મદદ અને પ્રયત્નોથી સમાજમાં વિભિન્ન ક્ષેત્રે જરૂરી બદલાવ લાવી શકીએ છીએ, શિક્ષિત યુવાપેઢીએ સામાજિક કાર્ય માટે આગળ આવવું જોઈએ. જે લોકો સમાજમાં સ્વયં યોગદાન આપી શકતા નથી તેવી વ્યક્તિએ બીજાને રોકવા નહીં કે કોઈની ખોટી બદનામી ન કરવી જોઈએ કે કામમાં રુકાવટ ન કરે એ પણ સેવા કરવા સમાન છે.