સંતાનોને તેમની રીતે ખીલવાની પરવાનગી આપવામાં આવશે તો જ સમાજ વિકસિત થશે

18 August, 2026 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજના વિકાસ માટે માત્ર કાર્યક્રમો અને શિષ્યવૃત્તિ પૂરતી નથી. નવી પેઢીના વિચારોને સ્વીકારવા, પરંપરાગત હુન્નરને સન્માન આપવા અને યુવાનોને પોતાની રીતે આગળ વધવાની સ્વતંત્રતા આપવી જરૂરી છે.

મનસુખ જેઠવા

સમાજનો વિકાસ માત્ર વાર્ષિક કાર્યક્રમો યોજવાથી કે શિષ્યવૃત્તિ આપી દેવાથી થતો નથી, સમય સાથે વહેતી વાસ્તવિકતાઓને સ્વીકારવાથી થાય છે. આજે દરજી સમાજ વિશે એક એવા કડવા સત્ય પર વાત કરવી છે જેને આપણે જાણીજોઈને નજરઅંદાજ કરી રહ્યા છીએ. આપણે હંમેશાં આર્થિક મુશ્કેલીઓ કે શિક્ષણના અભાવને જ દોષ આપતા આવ્યા છીએ, પણ વાસ્તવિક પ્રશ્ન આપણી વાઇટ કૉલર માનસિકતા અને બે પેઢી વચ્ચે વધતા અંતરનો છે.
સમાજમાં એવો માહોલ ઊભો થયો છે કે ઍર-કન્ડિશન્ડ ઑફિસમાં બેસીને મહિને ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયાની સામાન્ય નોકરી કરતા યુવાનને સેટલ્ડ અને શિક્ષિત ગણવામાં આવે છે, જ્યારે પોતાના સ્વતંત્ર સીવણ વ્યવસાયમાંથી મહિને ૭૦,૦૦૦થી એક લાખ રૂપિયા કમાતા કુશળ યુવાનને નાનું કામ કરનાર તરીકે જોવામાં આવે છે. આપણે જ આપણા પોતાના હુન્નર અને મહેનતની ઇજ્જત કરવાનું ભૂલી ગયા છીએ. સમાજ જ્યારે પોતે જ પોતાના પરંપરાગત વ્યવસાયને હલકો ગણશે તો શિક્ષિત યુવતીઓ કે બહારનો સમાજ એને ગ્લૅમરસ કઈ રીતે માનશે? આર્થિક રીતે સક્ષમ હોવા છતાં માત્ર આ બનાવટી ઇજ્જત અને સ્ટેટસની માનસિકતાને કારણે આપણા યુવાનોને યોગ્ય જીવનસાથી મેળવવામાં અડચણો આવી રહી છે.
બીજી તરફ સમાજમાં એક મોટો જનરેશન ગૅપ વધી રહ્યો છે. નવી પેઢીના યુવાનો ભલે પરંપરાગત સીવણકામ સાથે જોડાયેલા રહેવા માગતા હોય; પણ તેઓ આ વ્યવસાયને આધુનિક પદ્ધતિ, નવી ડિજિટલ ટેક્નૉલૉજી અને નવા વિઝન સાથે આગળ ધપાવવા માગે છે. જોકે ઘરના વડીલો તેમને જૂની પદ્ધતિઓ છોડવા દેતા નથી અને તેમના નવા વિચારોને સ્વીકારવા તૈયાર નથી. યુવાનોનું ફ્રસ્ટ્રેશન અને વડીલોની જૂની માનસિકતા વચ્ચેનો આ ટકરાવ ઘરમાં અશાંતિ ઊભી કરે છે.
આજે સમાજમાં છૂટાછેડાના જે કિસ્સા વધ્યા છે એની પાછળ માત્ર આર્થિક અસ્થિરતા નથી, પણ આ જ વૈચારિક અસમાનતા અને કૌટુંબિક દબાણ જવાબદાર છે. વડીલોએ એ સમજવું પડશે કે દીકરા-દીકરીને માત્ર પરંપરાગત આશ્વાસન આપવાથી કે સહનશક્તિ કેળવવાની શિખામણ આપવાથી પ્રશ્નો નહીં ઉકેલાય. નવી પેઢીને પોતાના વિચારો મુજબ કામ કરવાની અને જીવવાની સ્વતંત્રતા આપવી પડશે.  
જેમ એક મજબૂત મકાન માટે પાયો મજબૂત હોવો જોઈએ એમ સમાજના વિકાસ માટે વિચારોની સ્પષ્ટતા હોવી જરૂરી છે. જ્યાં સુધી આપણે હુન્નરને ઇજ્જત નહીં આપીએ અને નવી પેઢીના વિચારોને ખુલ્લા મનથી નહીં આવકારીએ ત્યાં સુધી આ સામાજિક મુશ્કેલીઓ કાયમ રહેશે. હવે સમય આવી ગયો છે કે દરેક સમાજ પોતાની માનસિકતા બદલે અને નવી પેઢીના આત્મવિશ્વાસને બળ આપે.

career tips jobs and career career and jobs columnists exclusive