પ્રેમની હળવીફૂલ વ્યાખ્યાઓ

04 June, 2023 01:22 PM IST  |  Mumbai | Sairam Dave

મારા મિત્ર ચકાએ એક મસ્ત છોકરીનો સગાઈનો ઇન્ટરવ્યુ લીધા પછી ઘસીને ના પાડી દીધી. મેં કારણ પૂછ્યું તો ચકો મને કહે, ‘સાંઈ, જે પચ્ચીસ વર્ષમાં કોઈની નો થઈ ઈ હવે મારી શું થાશે! આ છોકરીએ અટાણ સુધી કોઈને પ્રેમ નથી કર્યો તો હવે મને કેવી રીતે કરશે!’

પ્રતીકાત્મક તસવીર

આજે કંઈક પ્રેમની વાતો કરીએ. આમ પણ મારા વાચકોને એની વાતો બહુ ગમે છે. વૅલેન્ટાઇન્સ ડે ગયા પછી બે અઠવાડિયાં સુધી પ્રેમની વાતું મારી પાસે લખાવી અને હમણાં મેઇલ ને મેસેજું કરીને કહે છે કે સાંઈ, પ્રેમ પર કાંયક ઠપકારો. એલાવ, પ્રેમ નર્યો કુમળો છે. એને કે એના પર ઠપકારવાનું નો હોય. એ તો એમ જ હૈયામાંથી નીકળી જાય, કારણ કે પ્રેમ એ બુદ્ધિ ઉપ૨ કલ્પનાની હકૂમત છે. એક મસ્ત છોકરીનું મળવું અને તેનું ઢીમચા જેવું દેખાવું આ બંને વચ્ચેનો કાળ એટલે પ્રેમ.

છોકરીઓ હંમેશને માટે પ્રેમમાં ભાવ ખાય છે. હેય બૉય્ઝ, યાદ રાખજો કે આ ‘ભાવ’ એક જ એવી વાત છે જે ખાવાથી છોકરિયુંનું વજન નથી વધતું, સમજ્યાને! મારા મતે ‘આઇ લવ યુ’ વાક્ય મહત્ત્વનું નથી, પરંતુ ‘આઇ લવ યુ ટુ’ વાક્ય મહત્ત્વનું છે, કારણ કે પહેલું વાક્ય તો ગમે ઈ છોકરો ગમે ઈ છોકરીને કહી શકે, પરંતુ બીજું વાક્ય તો નસીબદાર છોકરાને (અને આજના સમયમાં તો છોકરિયુંને પણ) જ સાંભળવા મળે છે. 

મારા મિત્ર ચકાએ એક મસ્ત છોકરીનો સગાઈનો ઇન્ટરવ્યુ લીધા પછી ઘસીને ના પાડી દીધી. મેં કારણ પૂછ્યું તો ચકો મને કહે, ‘સાંઈ જે પચ્ચીસ વર્ષમાં કોઈની નો થઈ ઈ હવે મારી શું થાશે! આ છોકરીએ અટાણ સુધી કોઈને પ્રેમ નથી કર્યો તો હવે મને કેવી રીતે કરશે!’ 

હું ચકાની વાત સાંભળીને ચક્કર ખાઈ ગ્યો. ભલું થાજો, હું પડ્યો નહીં, કારણ કે પ્રેમ એક એવું સ્પીડબ્રેકર છે જે વીસની સ્પીડે ચાલતી ગાડીને પણ પલટી મરાવી શકે છે.

દરેક માણસની પ્રેમની વ્યાખ્યા અલગ હોય છે. મેં અને મારા હિમાદાદાએ નવરા બેઠા નખ્ખોદ વાળવાના હેતુથી કેટલાક લોકોને પ્રેમની વ્યાખ્યા પૂછી. 

પ્રેમ એટલે શું? 
લ્યો વાંચો એ જુદા-જુદા મત અને હા, અમે બેઉ આ વ્યાખ્યા પૂછવા માટે બધા જુદા-જુદા પ્રકારનાં કામ કરતા લોકોને મળ્યા હતા.

સિવિલ એન્જિનિય૨ : પ્રેમનો પાયો મજબૂત જોઈએ. છોકરી પાણી જેવી છે અને છોકરો સિમેન્ટ જેવો છે. દડબું થઈ જાય તો બેય નકામાં. 

ડૉક્ટર : પ્રેમમાં હાર્ટબીટ્સ વધી જાય, હીમોગ્લોબિન ડાઉન થાય. પેશન્ટની રાતની નીંદર હરામ થાય ને ખાસ કિસ્સામાં દરદી કરતાં દરદીનાં મમ્મી-પપ્પાને અટૅક આવવાની શક્યતા વધી જાય.
ટ્રાફિક પોલીસ : પ્રેમ એક કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ છે જેમાં ઍક્સિડન્ટની શક્યતા વધુ હોય છે. પ્રેમ આંધળો અને બહેરો હોવાથી એને જગતભરનાં સાવધાનીનાં હૉર્ન સંભળાતાં નથી કે અલર્ટનાં ઇન્ડિકેટર દેખાતાં નથી.

ઇતિહાસના પ્રોફેસર : પ્રેમ ઈસવીસન પૂર્વેથી બનતી આવતી એક ઘટના છે. કોઈ પણ ઉંમરે સંવેદનાનું લાગણીસભર હનન કરવાથી પ્રેમના અવશેષ હૃદયમાંથી ચોક્કસ મળી આવે છે.

લોકકલાકાર : પ્રેમ એક એવો રેણંકી છંદ છે જે ચાર તાળીએ ગાઈ શકાય છે, સાંભળી પણ શકાય છે પણ સમજી શકાતો નથી અને એટલે માત્ર એની ધૂનમાં રહી શકાય અને એને માણીને આનંદ લઈ શકાય.

ગણિતના શિક્ષક : પ્રેમ એક અવિભાજ્ય અવયવ છે જેનો ગુ.સા.અ.-લ.સા.અ. (એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ અને લઘુતમ સામાન્ય અવયવ) એક જ આવે એવો અઘરો કૂટપ્રશ્ન છે. પ્રેમનું વર્તુળ પૂરું કરવા માટે પત્નીરૂપી પરિઘમાં રહીને વ્યાસ જેવી લાંબી જિંદગી જીવી, સાસુ-સસરારૂપી ત્રિજ્યાને સ્પર્શી, સાળીરૂપી જીવથી નેવું અંશના ખૂણે દૂર ૨હેવાથી દાખલો સાચો પડે છે.

પત્રકાર : પ્રેમ એક પબ્લિસિટી-સ્ટન્ટ છે. લગ્ન થાય તો 2 × 2ની કૉલમમાં એ વાત છપાય છે, પણ જો લગ્ન પહેલાં પ્રેમી પંખીડાં ભાગી જાય તો એ 4 x 4ની કૉલમમાં અને જો એ બન્ને દવા પી જાય તો 8 x 8ની કૉલમમાં ફોટો સાથે સમાચાર પ્રિન્ટ થાય છે. પ્રેમ એ પત્રકારત્વ જેવો છે. એમાં ક્યારે શું થાય એ નક્કી ન કરી શકાય!

ભિખારી : પ્રેમ એક એવી ભીખ છે જે માગવી સૌને ગમે છે, પણ આપવી કોઈને નથી ગમતી.

શાકભાજીવાળો : પ્રેમ એક એવી લીલોતરી છે જેની જાળવણી ન કરો તો કરમાઈ જવાની પૂરી શક્યતા છે.

હેડ ક્લર્ક : પ્રેમ એ ઇનવર્ડ રજિસ્ટરમાં ચડાવ્યા વગરના પરિપત્ર જેવો છે. નોકરીમાં કામ ન કરો તોય પગાર આવે અને પ્રેમમાં ઓવરટાઇમ કરો તો પણ ખર્ચો થાય. નોકરીમાં ઇન્ક્રિમેન્ટ છૂટે અને પ્રેમમાં નોકરી જ છૂટી જાય.

અંતે મેં અને હિમાદાદાએ એક રેલવે સ્ટેશનની બહાર બેઠેલા સાધુ મહાત્માને પ્રેમની વ્યાખ્યા પૂછી. 

સાધુ બોલ્યા : ‘બચ્ચા, પ્રેમ તો ગહન ચીઝ હૈ. તૂમ ક્યા જાનો પ્રેમ કે અર્થ કો? પ્રેમ તો બહોત ગહરી ચીઝ હૈ...’ 

આટલું સાંભળીને મારાથી રહેવાયું નહીં. 

મેં બાવાજીને પૂછ્યું, ‘બાપજી, પ્રેમ કે બારે મેં ગીતા ક્યા કહતી હૈ?’

બાવાજી મારા પર તાડૂકી ઊઠ્યા...

‘ગીતા કા નામ મત લેના! પડોશ મેં હી રહતી થી ઔર ઉસકે પ્યાર કે કારણ તો આજ મૈં યહાં બાવા બનકર બૈઠા હૂં...’ 

બાવાજીના છેલ્લા શબ્દો મને હૈયાસોંસરવા ઊતરી ગયા, ‘પહલે ભાવ નહીં દેતી થી, આજ ભીખ નહીં દેતી...’

આલેલેલે...

columnists