કેટલાક પૂછે છે કે હિન્દુત્વની વાતો શું કામ? પણ સવાલ એય છે કે શું કામ નહીં?

24 June, 2022 04:33 PM IST  |  Mumbai | Manoj Joshi

શું હિન્દુત્વની વાતો કરવી એનો અર્થ એવો થઈ ગયો કે વ્યક્તિ માત્ર પોતાના જ ધર્મને મહાન માને છે? છેલ્લો સવાલ. શું હિન્દુત્વની વાતો કરવી એનો અર્થ એવો થયો કે નાના અને છીછરા થઈ જવું?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હા, શું કામ નહીં?
શું હિન્દુત્વની વાતો કરવી એનો અર્થ એવો થઈ ગયો કે અન્ય ધર્મોને માન આપવાની કોઈ ના પાડે છે? શું હિન્દુત્વની વાતો કરવી એનો અર્થ એવો થઈ જાય છે કે વ્યક્તિ બીજા ધર્મોને કોરાણે મૂકે છે? શું હિન્દુત્વની વાતો કરવી એનો અર્થ એવો થઈ ગયો કે વ્યક્તિ માત્ર પોતાના જ ધર્મને મહાન માને છે? છેલ્લો સવાલ. શું હિન્દુત્વની વાતો કરવી એનો અર્થ એવો થયો કે નાના અને છીછરા થઈ જવું?
ના, ના અને ના જ. હિન્દુત્વની વાતો કરવામાં કોઈ નાનપ નથી અને હું તો કહીશ કે હિન્દુત્વની વાત કરવી એ ખરા અર્થમાં આ દેશની શાન છે, આ દેશને માન છે. એક ચોક્કસ વર્ગ ઊભો થયો છે જે સતત એવું દર્શાવ્યા કરે છે કે હિન્દુત્વની વાતો આ દેશમાં કરવી જ શું કામ જોઈએ? અહીં સવાલ પૂછવાનું મન એ વ્યક્તિઓને થઈ રહ્યું છે કે પહેલાં એ જવાબ આપે કે હિન્દુત્વની વાત શું કામ ન થવી જોઈએ? જો એ વાતોથી કોઈની ભાવનાને દુઃખ પહોંચતું હોય તો તેમણે પોતાનો આત્મા જ્યાં સંતુષ્ટ રહે એ જગ્યાએ રહેવા જવાનું પસંદ કરવું જોઈએ. જો કોઈને હિન્દુત્વની વાતથી નાનપ લાગતી હોય તો તેના માટે પણ આ જ જવાબ છે અને દેશની બહાર નીકળવાના રસ્તાઓ ખુલ્લા પણ છે. હિન્દુત્વની વાતો માત્રથી જેમને ચચરાટ થતો હોય તેમણે સમજવું પડશે કે આપણે એક હિન્દુ રાષ્ટ્રમાં રહીએ છીએ અને આપણે એ હિન્દુ રાષ્ટ્રને માન આપવું જ પડે. વાત માત્ર આપણી જ નથી. વાત એ તમામ રાષ્ટ્રોની છે જેમની ધરોહર કોઈ એક ચોક્કસ રૂપરેખા પર ઊભી થઈ છે એ સૌની પણ ધરોહરને માન મળવું જ જોઈએ.
અમેરિકામાં રહેતા એકેએક હિન્દુ માટે અમેરિકા જ પહેલા સ્થાને હોવું જોઈએ અને પાકિસ્તાનમાં રહેતા તમામ લોકો માટે પાકિસ્તાન જ પ્રથમ ક્રમ પર હોવું જોઈએ. હિન્દુસ્તાનનું પણ એવું જ છે. તમે અહીં રહો છો, આ દેશ સાથે જોડાયેલા છો તો તમારા માટે હિન્દુસ્તાન જ અગ્રિમ હોવું જોઈએ. તમે નમાજ પઢતા હો તો પણ અને તમે દેરાસર જતા હો તો પણ, તમે ચર્ચમાં જતા હો તો પણ અને તમે ગુરદ્વારામાં જતા હો તો પણ.
એક વાત યાદ રાખજો કે હિન્દુત્વ એ કોઈ ધર્મની વાત નથી. એ રાષ્ટ્રવાદની વાત છે અને રાષ્ટ્રવાદની વાત થતી જોઈને કોઈને પેટમાં બળતરા થતી હોય તો એનાથી મોટો રાષ્ટ્રદ્રોહી બીજું કોઈ નથી. હિન્દુત્વને ધર્મ માનીને પેટમાં આગ ઉત્પન્ન કરનારાઓને કોઈ સમજાવો કે અહીં વાત ધર્મની થતી જ નથી. અહીં વાત રાષ્ટ્રની એકતાની છે અને રાષ્ટ્રની એકતાથી જો કોઈને પેટમાં સનેપાત ઊપડે તો તમારે ચોક્કસપણે ચેતવું જોઈએ.
હિન્દુત્વ મતલબ ટીલાંટપકાં નથી જ નથી. ના, હિન્દુત્વ એનાથી પણ ક્યાંય ચડિયાતો અને આદરણીય શબ્દ છે અને એનું માન, એની ગરિમા જાળવવી એ દેશના દરેકેદરેક નાગરિકની જવાબદારી છે. એવી જ રીતે જેવી રીતે અમેરિકામાં રહેતા ગુજરાતીઓએ પોતાના અમેરિકા માટે દર્શાવવી પડે. હિન્દુત્વની વાત કરનારા માટે ગર્વ કરવો એ પણ રાષ્ટ્રીય ફરજ છે અને હિન્દુત્વની વાતમાં હોંકારો ભણવો એ પણ રાષ્ટ્રીય જવાબદારી છે. 
ક્યારેય ભૂલતા નહીં.

columnists manoj joshi