આ હશે વિશ્વની પહેલી જેન-ઝી ક્વીન

08 March, 2026 03:01 PM IST  |  Mumbai | Laxmi Vanita

આ પદ માટે કેવી આકરી કસોટી છે અને કાયદા-કાનૂનમાંથી પાર થવું પડે છે એ જાણીએ

ઍર ફોર્સ તાલીમ દરમ્યાન પિલાટસ PC-21 વિમાનમાં સોલો ફ્લાઇટ પૂર્ણ કરીને સ્પૅનિશ રાજપરિવારમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા બની પ્રિન્સેસ લિઓનોર.

આજના સમયમાં વિશ્વના જે દેશોમાં રાજાશાહી વ્યવસ્થા ચાલુ છે ત્યાં હાલમાં શાસન કરતા મોટા ભાગનાં રાજા-રાણી મિલેનિયલ પેઢીનાં છે એટલે કે તેઓ ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં જન્મેલાં છે. હજી સુધી વિશ્વમાં કોઈ પણ દેશને જનરેશન ઝીનો એટલે કે ૧૯૯૭ પછી જન્મેલો શાસક મળ્યો નથી. આ જ કારણ છે કે સ્પેનની રાજકુમારી લિઓનોર લોકોમાં ઉત્સુકતાનું કારણ બની છે. ૨૦૦૫માં જન્મેલી અને ભવિષ્યમાં સ્પેનના સિંહાસનની સંભવિત હકદાર તે વિશ્વની પહેલી જેન-ઝી રાણી બની શકે છે. આ પદ માટે કેવી આકરી કસોટી છે અને કાયદા-કાનૂનમાંથી પાર થવું પડે છે એ જાણીએ

વિશ્વના ઘણા દેશોમાં આજે પણ રાજાશાહી પ્રથા ચાલુ છે અને પરંપરાગત રીતે પુરુષ વારસદારો માટે રાજા બનવાનો માર્ગ વધુ સરળ રહ્યો છે. બ્રિટનમાં કિંગ ચાર્લ્સ ત્રીજા, ડેન્માર્કમાં કિંગ ફ્રેડરિક દસમો, નેધરલૅન્ડ્સમાં કિંગ વિલિયમ-ઍલેક્ઝાન્ડર અને ભુતાનમાં કિંગ જિગ્મી ખેસર નામગ્યાલ વૉન્ગચુક જેવા શાસકો જન્મથી જ વારસદાર તરીકે ઓળખાઈ ગયા હતા. પુરુષ સંતાન તરીકે તેમને સિંહાસનનો હક સ્વાભાવિક રીતે મળ્યો. ત્યાર બાદ તેમને બાળપણથી જ રાજ્યકાર્યની સમજ, આંતરરાષ્ટ્રીય સંબંધો, નેતૃત્વ અને સશસ્ત્ર દળોની તાલીમ માટે ખાસ તાલીમ આપવામાં આવી. ઘણી રાજાશાહીઓમાં વારસદારે સેનાના ત્રણેય વિભાગોમાં તાલીમ લેવી, જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો અને સંવિધાનિક જવાબદારીઓ સમજવી જરૂરી બને છે. જોકે જ્યારે વારસદાર સ્ત્રી હોય ત્યારે પરંપરાગત માન્યતાઓ અને કાયદાકીય જોગવાઈઓ વધુ ચર્ચાનો વિષય બને છે. હાલ સ્પેનની રાજકુમારી લિઓનોર શક્યતઃ વિશ્વની પહેલી જેન ઝી ક્વીન બનશે અને તેથી લોકો તેમના વિશે બધું જ જાણવા માગે છે. ત્યારે વાત કરીએ કે કેવી રીતે આ રાજકુમારીને નાનપણથી જ શાસક બનવા માટેની તાલીમ આપવામાં આવી છે.

લિઓનોર વિશે જાણવા જેવું

સ્પેનની રાજકુમારી લિઓનોર (Leonor de Todos los Santos de BorbOn yOrtiz)નો જન્મ ૨૦૦૫ની ૩૧ ઑક્ટોબરે મેડ્રિડમાં થયો હતો. હાલમાં તે સ્પેનના સિંહાસનની વારસદાર અને ‘પ્રિન્સેસ ઑફ આસ્ટુરિયાસ’ તરીકે ઓળખાય છે. તે રાજા ફિલિપ VI અને રાણી લેટિઝિયાની મોટી પુત્રી છે અને તેની નાની બહેન ઇન્ફાન્તા સોફિયા છે. જો તે ભવિષ્યમાં સિંહાસન પર બેસશે તો તે લગભગ ૧૫૦ વર્ષ પછી સ્પેનની પ્રથમ સત્તાધારી રાણી બનશે. છેલ્લી રાણી ઇસાબેલા IIનું શાસન ૧૮૬૮માં સમાપ્ત થયું હતું. લિઓનોરે મેડ્રિડમાં પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી વેલ્સમાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ કૉલેજ ઍટ્લાન્ટિકમાં ઇન્ટરનૅશનલ બૅકલૉરિયેટ પૂર્ણ કર્યું. તે સ્પૅનિશ, કૅટલન, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં પારંગત છે તેમ જ અરબી અને મૅન્ડેરિનનું જ્ઞાન ધરાવે છે. ૧૩ વર્ષની ઉંમરે તેણે પ્રિન્સેસ ઑફ આસ્ટુરિયાસ અવૉર્ડ્‍સ સમારોહમાં પ્રથમ મહત્ત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું. સ્પેનના કાયદા મુજબ વારસદારે ત્રણેય સશસ્ત્ર દળોમાં તાલીમ લેવી આવશ્યક હોવાથી તેણે ૨૦૨૩માં આર્મી ટ્રેઇનિંગ શરૂ કરી, ૨૦૨૪માં નૌકાદળની તાલીમ પૂર્ણ કરી અને જહાજ પર આશરે ૧૪૦ દિવસની ૧૭,૦૦૦ માઇલની સમુદ્રી મુસાફરી કરી. તેણે યુદ્ધજહાજ પર સેવા આપી અને બાદમાં ઍરફોર્સમાં તાલીમ લીધી. ૨૦૨૩ની ૩૧ ઑક્ટોબરે, તેની ૧૮મી વર્ષગાંઠે તેણે સંસદ સમક્ષ સ્પેનના બંધારણ પ્રત્યે શપથ ગ્રહણ કર્યા જે તેની ભાવિ ભૂમિકા માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ભવિષ્યમાં રાણી બનવા માટે તેને રાજ્યના વડા અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકેની ભૂમિકા નિભાવવાની સંપૂર્ણ તૈયારી કરવી પડશે. ટેક્નૉલૉજી યુગમાં જ્યાં એક સેકન્ડની ભૂલ સત્તા ફેરવી નાખતી હોય છે ત્યાં ભવિષ્યની રાણી લિઓનોર માટે કેવા પડકારો ઊભા હશે એના પર પણ નજર કરીએ.

સ્પેનમાં ભવિષ્યની રાણી માટેના પડકારો શું હશે?

સ્પેનનું બંધારણ (૧૯૭૮નું સંવિધાન) દેશને સંવિધાનિક રાજાશાહી તરીકે ઓળખાવે છે એટલે કે રાજા કે રાણી દેશના વડા તો હોય છે, પરંતુ વાસ્તવિક રાજકીય સત્તા ચૂંટાયેલા વડા પ્રધાન અને સંસદ પાસે હોય છે. રાજા કે રાણીનું સ્થાન પ્રતીકાત્મક, એકતાનું અને બંધારણનું રક્ષણ કરવાનું હોય છે. પ્રિન્સેસ લિઓનોર ભવિષ્યમાં રાણી બનશે તો તેને આ બંધારણનું પાલન કરવાની અને એનું રક્ષણ કરવાની મુખ્ય ફરજો રહેશે. ૧૮ વર્ષની ઉંમરે તેણે સંસદ સમક્ષ બંધારણ પ્રત્યે શપથ લઈને આ જવાબદારી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાણી તરીકે તે દેશની એકતા અને સ્થિરતાનું પ્રતીક બનશે. નવા વડા પ્રધાનની નિમણૂક સંસદીય પ્રક્રિયા મુજબ કરશે, સંસદ દ્વારા પસાર થયેલા કાયદાઓને ઔપચારિક મંજૂરી આપશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પેનનું પ્રતિનિધિત્વ કરશે. બંધારણ મુજબ રાજા કે રાણી સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર પણ હોય છે, તેથી જ લિઓનોર ત્રણેય સેનાદળોમાં તાલીમ લઈ રહી છે. તેમ છતાં તે દૈનિક રાજકારણમાં હસ્તક્ષેપ નહીં કરે અને તેને રાજકીય રીતે નિષ્પક્ષ રહેવું પડે છે. સરળ ભાષામાં કહીએ તો લિઓનોરનું ભવિષ્યનું કાર્ય દેશને એકતાબદ્ધ રાખવાનું, લોકશાહી પ્રણાલીને માન આપવાનું અને સ્પેનની પરંપરા તથા આધુનિક મૂલ્યો વચ્ચે સંતુલન જાળવવાનું રહેશે. એટલે પેપર મુજબના પડકારો સમજવા સરળ છે પરંતુ જ્યારે આજની પેઢીની વાત આવે છે ત્યારે આ ભૂમિકા પડકારજનક બની જાય છે. જનરેશન ઝી પારદર્શિતા, લિંગસમાનતા, સામાજિક ન્યાય અને પર્યાવરણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે; જ્યારે રાજાશાહી સંસ્થા ઐતિહાસિક પરંપરાઓ અને બંધારણીય મર્યાદાઓમાં બંધાયેલી છે. લિઓનોરની તાલીમ આ બન્ને વચ્ચે સમતુલા જાળવી શકશે કે કેમ એ તો ભવિષ્ય જ કહેશે. એમાંય ચોવીસે કલાક મીડિયા અને સોશ્યલ મીડિયાના યુગમાં દરેક નિવેદન અને દરેક જાહેર હાજરી વૈશ્વિક સ્તરે તરત જ ચર્ચાનો વિષય બની શકે છે, જેથી વ્યક્તિગત અને જાહેર જીવન વચ્ચે સ્પષ્ટ રેખા જાળવવી પણ મોટી જવાબદારી બનશે.


૨૦૨૪ના સ્પેનના રાષ્ટ્રીય દિવસ દરમિયાન પિતા રાજા ફેલિપ VI સાથે પ્રિન્સેસ​ લિઓનોર.

 જેના કારણે લિઓનોર રાણી બનશે એ પ્રાઇમોજેનિચર શું છે?

પ્રાઇમોજેનિચર (Primogeniture) એવી વારસાગત પ્રથા છે જેમાં રાજગાદી અથવા કુટુંબની મિલકતનો હક સામાન્ય રીતે સૌથી મોટા સંતાનને આપવામાં આવે છે. રાજાશાહી પ્રણાલીમાં એનો અર્થ એ થાય છે કે રાજાના અવસાન પછી ગાદી પર સૌથી મોટું સંતાન બેસે. જોકે એની બે મુખ્ય પદ્ધતિઓ છે : male-preference primogeniture, જેમાં પુત્રને પુત્રી કરતાં પ્રાથમિકતા આપવામાં આવે છે (અર્થાત્ મોટી દીકરી હોવા છતાં જો પછી પુત્ર જન્મે તો પુત્ર વારસદાર બને) અને absolute primogeniture, જેમાં લિંગનો ભેદ રાખ્યા વગર સૌથી મોટું સંતાન જ વારસદાર બને છે. ઉદાહરણ તરીકે બ્રિટનમાં પહેલાં male-preference પદ્ધતિ હતી, તેથી રાણી એલિઝાબેથ દ્વિતીય તેમના પિતાને પુત્ર ન હોવાથી રાણી બની શક્યાં, પરંતુ ૨૦૧૩ પછી બ્રિટને absolute primogeniture પદ્ધતિ અપનાવી છે જેથી હવે રાજપરિવારમાં મોટું સંતાન છોકરો હોય કે છોકરી, ગાદીનું હકદાર ગણાય છે. આજકાલ યુરોપના સ્વીડન, નેધરલૅન્ડ્સ, નૉર્વે, બેલ્જિયમ, ડેન્માર્ક અને લક્ઝમબર્ગ જેવા દેશોએ absolute primogeniture અપનાવી છે. પરંતુ સ્પેન અને મોનૅકો જેવા દેશો હજી પણ male-preference પદ્ધતિ અનુસરે છે. હાલમાં સ્પેનના રાજા ફિલિપ પાંચમાને પુત્ર ન હોવાને કારણે લિઓનોર ભવિષ્યમાં રાણી બનશે.

ભૂતકાળની પ્રાઇમોજેનિચર કાયદાને કારણે બનેલી રાણીઓની રસપ્રદ પરિસ્થિતિઓ

૧૮૩૩માં તેમના પિતા કિંગ ફર્ડિનાન્ડ VIIના અવસાન પછી માત્ર ત્રણ વર્ષની ઉંમરે ઇસાબેલા દ્વિતીય સ્પેનની રાણી બન્યાં હતાં. રસપ્રદ વાત એ છે કે ત્યારે પણ male-preference primogeniture પદ્ધતિ માનવામાં આવતી હતી પરંતુ કિંગ ફર્ડિનાન્ડને પુત્ર ન હોવાને કારણે કાયદામાં બદલાવ કરીને ઇસાબેલા દ્વિતીય સ્પેનના સિંહાસન પર આવ્યાં હતાં. એવી જ રીતે ૧૮૩૭માં યુનાઇટેડ કિંગડમમાં રાણી વિક્ટોરિયા કાકા કિંગ વિલિયમ IVના અવસાન બાદ સિંહાસન પર આવ્યા હતા કારણ કે તેમના પિતાનું અવસાન પહેલાં થઈ ગયું હતું. તેમનો શાસનકાળ વિક્ટોરિયન યુગ તરીકે જાણીતો છે. આ જ પદ્ધતિ હેઠળ ૧૯૫૨માં યુનાઇટેડ કિંગડમમાં પિતા કિંગ જ્યૉર્જ VIના અવસાન પછી એલિઝાબેથ દ્વિતીય રાણી બન્યાં અને બ્રિટનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર સમ્રાજ્ઞી રહ્યાં. ડેન્માર્કમાં તો સ્ત્રીઓને ગાદી પર બેસવાનો હક જ નહોતો. એ કાયદો ૧૯૫૩માં બદલાયો અને ૧૯૭૨માં પિતા કિંગ ફ્રેડરિક IXના અવસાન પછી માર્ગ્રેથ દ્વિતીય રાણી બન્યાં. આ મહિલા શાસકોની ઐતિહાસિક યાદીમાં ભવિષ્યમાં લિઓનોરનું નામ પણ સામેલ થવાની શક્યતા છે.

columnists womens day spain gujarati mid day lifestyle news life and style