મેરે અપને : હાલ ચાલ ઠીક ઠાક હૈ

25 September, 2021 04:01 PM IST  |  Mumbai | Raj Goswami

ગુલઝાર સામાજિક નિસબત ધરાવતા સર્જક છે એનો પરિચય તેમણે પહેલી જ ફિલ્મથી આપી દીધો હતો. કેવી રીતે બેરોજગારોને રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે વાપરે છે એની કદાચ પહેલી ઝલક ‘મેરે અપને’માં હતી. દાયકા પછી રાહુલ રવૈલે ‘અર્જુન’માં એ દોહરાવ્યું કે...

‘મેરે અપને’નો સીન

૨૦૨૧ની ૧૦ સપ્ટેમ્બરે ‘મેરે અપને’ને ૫૦ વર્ષ પૂરાં થયાં. આજે એને જુઓ તો લાગે કે ૫૦ વર્ષમાં બધું જ બદલાઈ ગયું છે, પણ રાજકારણીઓ અને તેમની ભાષણબાજી બદલાઈ નથી. ત્યારે પણ બેરોજગારી હતી અને આજે પણ ગ્રૅજ્યુએટ કામ માટે રખડે છે. અને હા, ગુલઝાર પણ બદલાયા નથી. ૧૯૭૧માં રિલીઝ થયેલી ‘મેરે અપને’ની સાથે ગુલઝારે પણ ફિલ્મ-નિર્દેશક તરીકેની તેમની ૫૦ વર્ષની યાત્રા પૂરી કરી છે. ગુલઝાર લેખક અને ગીતકાર તો હતા જ, ‘મેરે અપને’થી તેમણે નિર્દેશક તરીકે પણ પોતાની ક્ષિતિજ મોટી કરી. ‘મેરે અપને’થી ‘હુતુતુતુ’ (૧૯૯૮) સુધીની યાત્રામાં ગુલઝારે એટલી ભિન્ન અને મહત્ત્વની ફિલ્મો આપી છે કે એ એક વિસ્તૃત પુસ્તકનો વિષય બની શકે છે.

ગુલઝાર કેટલી અને કેવી સામાજિક નિસબત ધરાવતા સર્જક છે એનો પરિચય તેમણે પહેલી જ ફિલ્મથી આપી દીધો હતો. રાજકારણીઓ કેવી રીતે બેરોજગાર યુવાનોને તેમના સ્વાર્થ માટે વાપરે છે એની કદાચ સૌથી પહેલી ઝલક ‘મેરે અપને’માં હતી. એક દાયકા પછી રાહુલ રવૈલે ‘અર્જુન’ (૧૯૮૫)માં એ દોહરાવ્યું કે કેવી રીતે રાજકારણીઓ યુવાનોના અસંતોષને હથિયાર બનાવે છે.

‘અર્જુન’ના બીજા જ વર્ષે એન. ચંદ્રાની ‘અંકુશ’ આવી હતી. નાના પાટેકરને ઍન્ગ્રી યંગ મૅન તરીકે સ્થાપિત કરતી ‘અંકુશ’ પર ‘મેરે અપને’ની ઘેરી અસર હતી. ‘મેરે અપને’માં જેમ બેરોજગાર છોકરાઓ ગૅન્ગ બનાવીને તેમનો રોષ ઠાલવતા રહે છે એવી રીતે ‘અંકુશ’માં પણ મુંબઈના બેકાર છોકરાઓ નિર્દયી મૂડીવાદી વ્યવસ્થા અને સામાજિક અન્યાયમાં પીસાઈને હિંસાના રવાડે ચડી જાય છે.

‘મેરે અપને’માં વર્તમાનની નિરાશા અને અતીતની આશા વચ્ચે પુલ બાંધવાનો પ્રયાસ હતો. એમાં ‘વર્તમાન’ શેરીઓમાં લડતા-ઝઘડતા રખડેલા છોકરાઓ હતા અને ‘અતીત’ એટલે ખખડધજ નાનીમા (મીનાકુમારી). નાનીમા પરંપરાગત મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના માનવીય સ્પર્શથી તે અસંતોષી, વિધ્વંસક અને નાદાન છોકરાઓને સુધારવાનો પ્રયાસ કરે છે પરંતુ સ્વાર્થી રાજનીતિ એ પ્રયાસોને કચડી નાખે છે.

આનંદી (મીનાકુમારી) ચાર દાયકા પછી ગામડું છોડીને શહેરમાં આવે છે. એ યુવાન હતી ત્યારે શહેર જુદું હતું. હવે જીવનના તેના અંતિમ પડાવમાં શહેર બદલાઈ ચૂક્યું છે. એ આઝાદ ભારતનું આધુનિક શહેર છે અને એની આગવી સમસ્યાઓ છે. આનંદીનો ભત્રીજો તેને નોકરાણીની જેમ ઘરકામમાં જોતરી દે છે. તેણે મા તરીકે ખુશી-ખુશી કામ કર્યું હોત, પણ નોકરાણી તરીકે રહેવાને બદલે તે ઘર છોડીને સડક પર આવી જાય છે.

ત્યાં તેનો ભેટો એક ભિખારી બાળક સાથે થાય છે. આ બાળક વૃદ્ધાને તેના અડ્ડા પર લઈ જાય છે. ત્યાં તે બે હરીફ ટોળીઓને ભટકાય છે જેના લીડર બે શિક્ષિત-અર્ધશિક્ષિત છોકરા છે; શ્યામ (વિનોદ ખન્ના) અને છેનુ (શત્રુઘ્ન સિંહા). આનંદીનો સ્વભાવ એટલો પ્યારો અને દરકારવાળો હોય છે કે બધા તેને નાનીમા કહીને બોલાવે છે. મુંબઈની નિર્દયી સડકો પર લડતી-ઝઘડતી આ બે ટોળીઓ માટે નાનીમા રણમાં મીઠી વીરડી સમાન છે. બધા એકબીજાના દુશ્મન છે પણ નાનીમા માટે બધા તેના પોતાના છે.

શ્યામ અને છેનુ બન્ને નાનીમાનો આદર કરે છે પણ ગંદી રાજનીતિના ભાગરૂપે એકબીજાના લોહીના તરસ્યા છે. ‘મેરે અપને’ શહેરની સમસ્યાઓની ફિલ્મ હતી. ગુલઝારે વૃદ્ધ આનંદીની આંખે એ સમસ્યાઓને જોવાનો પ્રયાસ કર્યો હતો. આનંદી ગામડાના એક શાંત, સુખી અને સંતોષજનક જીવનમાંથી ઊખડીને શહેરની ગરીબી, ભૂખમરો, હિંસાથી ભરેલી સ્વાર્થી દુનિયામાં ફેંકાઈ જાય છે. આનંદી પાસે શહેર માટે એક જ શબ્દ છે, હાય રામ!

‘મેરે અપને’ તપન સિંહાની બંગાળી ફિલ્મ ‘અપનજાન’ની હિન્દી રીમેક હતી, પણ થોડા ફેરફાર સાથે. બંગાળી લેખક ઇન્દર મિત્રાની વાર્તા પરથી તપન સિંહાએ ૬૦ના દાયકામાં પશ્ચિમ બંગાળની રાજકીય હિંસાની પૃષ્ઠભૂમિ પર ૧૯૬૮માં ‘અપનજાન’ બનાવી હતી. ફિલ્મ સફળ રહી હતી અને તેને શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો.

તપન સિંહા એને હિન્દીમાં બનાવવા માગતા હતા અને તેમણે હિન્દી સ્ક્રિપ્ટ લખવા માટે ગુલઝારને કલકત્તા બોલાવ્યા હતા. તપન સિંહા ફિલ્મમાં થોડાં વધુ ગીતો અને થોડી વધુ ફૅન્ટસી ઉમેરવા માગતા હતા. તેમણે મુખ્ય ભૂમિકા માટે કિશોરકુમાર અને વહીદા રહેમાનનો અને સંગીત માટે એસ. ડી. બર્મનનો સંપર્ક પણ કર્યો હતો. એક વાત એવી પણ છે કે તેઓ બંગાળી કલાકારોને જ હિદીમાં રાખવા માગતા હતા. ખેર, એવું કંઈ ન થયું અને તેમણે હિન્દી રીમેકનો વિચાર પડતો મૂક્યો.

નિર્દેશક હૃષીકેશ મુખરજીના કાયમી નિર્માતા એન. સી. સિપ્પીને ખબર હતી કે ગુલઝાર પાસે ‘મેરે અપને’ની હિન્દી સ્ક્રિપ્ટ છે. તેમણે ગુલઝારને કહ્યું કે હું એમાં પૈસા રોકું. ગુલઝારે કહ્યું કે હૃષીદા જો ન કરવાના હોય તો મારે આ ફિલ્મ કરવી છે અને એટલે જ મેં સ્ક્રિપ્ટ મારી પાસે રાખી છે. ગુલઝારે મૂળ વાર્તામાં ફેરફાર કરીને એને વધુ વાસ્તવિક બનાવી હતી અને રખડતા છોકરાઓનો રાજનીતિમાં કેવો ઉપયોગ થાય છે એ બતાવ્યું હતું.

‘મેરે અપને’માં મીનાકુમારીનો યાદગાર અભિનય છે. તે બીમાર હતી. ફિલ્મમાં એ દેખાય પણ છે, પરંતુ તેની ભૂમિકા જ એક ગરીબ, વૃદ્ધ મહિલાની હતી એટલે એ પાત્ર ઓર નીખરી ગયું. તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. ૧૫ વર્ષથી બનતી ‘પાકીઝા’ અને ‘મેરે અપને’ તેની અંતિમ ફિલ્મોમાં છે.

ગુલઝારે મીનાકુમારી માટે એક ગીત પણ લખ્યું હતું, પરંતુ મીના શૂટિંગ પર આવી શકવાની સ્થિતિમાં પણ નહોતી એટલે પછી એ ફિલ્માવાયું નહોતું અને લતા મંગેશકરના અવાજમાં ફિલ્મના સંગીતની રેકૉર્ડમાં લેવામાં આવ્યું હતું. ગીત ખૂબસૂરત હતું અને ગુલઝાર કેટલા સારા ગીતકાર છે એનો એ એક વધુ પુરાવો છે. તેમની કલ્પના જુઓઃ

રોજ અકેલી આએ,

રોજ અકેલી જાએ

ચાંદ કટોરા લિએ ભિખારન રાત

મોતીઓ જૈસે તારે,

આંચલ મેં હૈ સારે

જાને યે ફિર ક્યા માંગે

ભિખારન રાત

એન. સી. સિપ્પી આનંદીની ભૂમિકામાં એક જમાનાની મશહૂર અભિનેત્રી નિમ્મીને લેવા માગતા હતા, કારણ કે યુવાનીમાં એ તેમની ગમતી કલાકાર હતી. ગુલઝારે કહ્યું કે તેના કરતાં તો મૂળ બંગાળી અભિનેત્રી છાયાદેવી સારી છે અને તેને તો હિન્દી પણ આવડે છે, પણ સિપ્પી હિન્દી અભિનેત્રીને લેવા ઇચ્છતા હતા અને ગુલઝારે ત્યારે મીનાકુમારીનું નામ સૂચવ્યું.

ફિલ્મમાં વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહાની જોડી એટલી જ યાદગાર હતી. ગુલઝારે શરૂઆતમાં સંજીવકુમાર અને રાજેશ ખન્નાને આ બે ભૂમિકા ઑફર કરી હતી, પરંતુ બન્નેને લાગ્યું કે આ તો મીનાકુમારીની ફિલ્મ છે એટલે તેમણે ના પાડી. એ પછી સિપ્પી અને ગુલઝારે એક ફિલ્મમાં વિનોદ ખન્નાને જોયો અને પસંદ આવ્યો. શત્રુઘ્નનું નામ સિપ્પીના મોટા દીકરા રોમુએ સૂચવ્યું હતું.

વિનોદ ખન્નાએ શ્યામની ભૂમિકાને હમદર્દીથી નિભાવી હતી. દર્શકોને તેનું કામ બહુ પસંદ આવ્યું હતું. વિનોદને પણ એ ભૂમિકા આજીવન યાદ રહી હતી. એક વાર તેણે કહ્યું હતું, ‘‘મેરે અપને’ અત્યાર સુધીની મારી શ્રેષ્ઠ ફિલ્મ છે. મારો અંતરાત્મા આ ફિલ્મમાં સરસ રીતે પ્રતિબિંબિત થયો હતો.’

વિનોદના ભાગે કિશોરકુમારના અવાજમાં એક સુંદર ગીત પણ આવ્યું હતું જે આજે પણ એટલું જ મધુર છેઃ

કોઈ હોતા જિસકો અપના

હમ અપના કહ લેતે યારો

પાસ નહીં તો દૂર હી હોતા

લેકિન કોઈ મેરા અપના

ગુલઝારે પાછળથી કહ્યું હતું કે ‘મેં ‘મેરે અપને’ના સેટ પર બે આજીવન દોસ્તો સાથે કામ કર્યું હતું, મીનાજી અને વિનોદ.’ વિનોદ અને ગુલઝાર એટલા નજીક હતા કે શત્રુઘ્નને એવું લાગતું હતું કે તેને એકલો છોડી દેવાયો છે. ગુલઝારે અને વિનોદે તો પછી ઘણી સરસ ફિલ્મોમાં કામ કર્યું, પણ શત્રુઘ્નની એ પહેલી અને છેલ્લી ફિલ્મ. જોકે એક હકીકત એ પણ છે કે પચાસ વર્ષ પછી પણ શત્રુઘ્ન પાસે ‘મેરે અપને’ના એક સંવાદની ફરમાઈશ આજે પણ થતી રહે છે; શ્યામ આએ તો કહ દેના છેનુ આયા થા, બહોત ગરમી હૈ ખૂનમેં તો બેશક મૈદાન મેં આ જાએ!

‘મેરે અપને’ ડૅની ડેન્ઝોન્ગ્પા, પેન્ટલ, દિનેશ ઠાકુર અને અસરાનીની પણ પહેલી ફિલ્મ. આ બધા પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હતા અથવા પૂરું કર્યું હતું અને ‘મેરે અપને’થી તેમની ઇનિંગ શરૂ થઈ હતી. એક દૃશ્યમાં યોગિતા બાલી પણ હતી. નવાસવા છોકરા સાથે કામ કરવાથી ગુલઝાર ‘મેરે અપને’માં એ ભાવના ઊભી કરી શક્યા જે નવરા, સંઘર્ષ કરતા, નાસીપાસ યુવાનોમાં હોય છે. એ વખતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિના કારણે છોકરાઓમાં બહુ હતાશા હતી. એક દૃશ્યમાં તેઓ તોડફોડ કરે છે ત્યારે એક છોકરો હાર્મોનિયમ પર ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ વગાડે છે. કામધંધા વગરના ગ્રૅજ્યુએટ છોકરાઓ એમાં એક ગીત ગાય છે જે આજે પણ કેટલું પ્રાસંગિક છે!

બીએ કિયા હૈ, એમએ કિયા

લગતા હૈ વો ભી અયંવયં કિયા

કામ નહીં હૈ વરના યહાં

આપ કી દુઆ સે સબ ઠીકઠાક હૈ

જાણ્યું-અજાણ્યું....

- આ ફિલ્મ ૪૦ દિવસમાં શૂટ કરવામાં આવી હતી

- ફિલ્મ રિલીઝ થયાના થોડા મહિનામાં મીનાકુમારીનું અવસાન થયું હતું

- શાહરુખ ખાન-શરદ કપૂરની ‘જોશ’ ફિલ્મનો પ્લૉટ ‘મેરે અપને’ પર આધારિત હતો

- વિનોદ ખન્નાએ ‘મેરે અપને’ નામથી ૨૦૦૮માં એક નાટક કર્યું હતું

- એન. ચંદ્રા ગુલઝારના સહાયક હતા. તેમણે ‘મેરે અપને’થી પ્રભાવિત થઈને પહેલી ફિલ્મ ‘અંકુશ’ બનાવી હતી

ગુલઝાર શું કહે છે?

‘હાલચાલ ઠીકઠાક... દરેક સમયનું ગીત છે. ‘મેરે અપને’ વખતે એમાં ઈશારો બંગલા દેશના હત્યાકાંડનો હતો. પોસ્ટરો, દીવાલ પરનૂં ચિત્રણ, સ્લોગન વગેરે ફિલ્મમાં વાતાવરણ ઊભું કરવા માટે મહત્ત્વનાં હતાં. આજે એવી જ પરિસ્થિતિ અફઘાનિસ્તાનમાં છે. ભલે એ દૂર હોય પણ દુનિયાને એ અસર કરે છે. ખેડૂતોનો દાખલો લો. એક વર્ષથી માગણીઓ માટે લડી રહ્યા છે. ‘મેરે અપને’ આજે પણ પ્રાસંગિક છે એ કોઈ ખુશીની વાત નથી. હું ભારત છોડો ચળવળ, બીજું વિશ્વયુદ્ધ અને વિભાજનનો સાક્ષી રહ્યો છું. દેખીતું છે કે આપણે કોઈ બોધપાઠ લીધો નથી. શાંતિપૂર્ણ વિશ્વની સંભાવના એક કલ્પના જ રહી છે.’

પત્રકાર ખાલીદ મોહમ્મદ સાથેના ઇન્ટરવ્યુમાં

columnists