ન ગમેલી ફિલ્મની વાતો કરતાં-કરતાં મનમાં એક વાર્તાનું ઘડતર થઈ ગયું

27 December, 2021 03:02 PM IST  |  Mumbai | Sanjay Goradia

લોખંડવાલાથી બોરીવલી જતી વખતે રસ્તામાં જે વાર્તા તૈયાર થઈ એ વાર્તા એટલે ‘છગન મગન તારા છાપરે લગન’. આ પહેલું નાટક જેનાથી મારી સિરિયસ ઍક્ટિંગ-કરીઅરનાં મંડાણ થયાં

નાટક ‘છગન મગન તારા છાપરે લગન’ના હીરોનો આ લુક હતો. હીરો કદરૂપો હોય એવું ભાગ્યે જ આપણે વિચારી શકીએ, પણ હીરોને કદરૂપો દેખાડવાનું કામ મેં મારી કરીઅરમાં અનેક વખત કર્યું છે અને એ કદરૂપા હીરોએ ઑડિયન્સનાં દિલ પણ જીત્યાં છે.

ગયા વીકનો આર્ટિકલ વાંચીને મને એક વાચક મિત્રનો ફોન આવ્યો કે ‘તમે ક્યારેય નાટકનું આગોતરું પ્લાનિંગ કરીને કેમ નથી રાખતા? એક નાટક ઓપન થાય એ પછી તમે ફરીથી નાટકના સબ્જેક્ટ માટે કામે લાગો છો. એવું શું કામ કરવાનું?’
આ પ્રશ્ન જેવા જ સવાલો અગાઉ પણ મારી સામે આવ્યા છે. મિત્રો, અહીં હું ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કહું તો નાટક તો શું, લાઇફમાં પણ હું બહુ દૂર સુધી આયોજન નથી કરતો. એક વાત યાદ રાખવી અને સહજ રીતે સ્વીકારવી કે સંજોગો પર આપણો અંકુશ નથી હોતો અને એટલે જ ‘પડશે એવા દેવાશે’ની નીતિ માણસને મોટા ભાગે નિરાંત કરી આપે છે. મેં હંમેશાં માન્યું છે કે જે થાય છે એ સારા માટે થાય છે અને એટલે જે થયું હોય એનાથી સંતોષ રાખવો. નહીં તો માણસ તદ્દન સામાન્ય કહેવાય એવી સ્થિતિનો સામનો કરવા પણ સમર્થ રહેતો નથી. જો સમર્થતા જોઈતી હોય તો વિપરીત સંજોગોને પણ સહર્ષ સ્વીકારવાની નીતિ રાખવી પડે. આ જ કારણ છે કે ફ્લૉપથી હું દુઃખી નથી થતો અને સુપરહિટ મને સુખની ચરમસીમા દેખાડતી નથી. ઍનીવે, આપણે વાત કરતા હતા મારા ડ્રાઇવર વિનોદ અને તેને જોઈતી હતી એ મલયાલી ફિલ્મની ડીવીડીની. નાટક ‘ચોકટ રાણી ચાર ગુલામ’ની પ્રોસેસ દરમ્યાન મને કોઈએ આપેલા સજેશન પ્રમાણે ઇંગ્લિશ ફિલ્મની ડીવીડી માટે હું વર્સોવાના સાત બંગલા એરિયામાં ગયો. જોઈતી હતી એ ડીવીડી મળી નહીં એટલે હું પાછો આવીને ગાડીમાં બેસવા ગયો અને વિનોદે મને એક ફિલ્મનું નામ આપીને એ મલાયલી ફિલ્મની ડીવીડી વિશે પૂછવાનું કહ્યું. 
એ ફિલ્મ માટે હું પાછો અંદર ગયો. મને ડીવીડી તો ન મળી, પણ એ ફિલ્મની બે સીડી મળી. એ લઈને હું પાછો આવ્યો અને મેં એ સીડી તેને આપી તો વિનોદ મને કહે, ‘એ મારા માટે નથી. મેં તો ફિલ્મ જોઈ છે. તમે નાટકના પૉઇન્ટ ઑફ વ્યુથી આ ફિલ્મ જુઓ, મજા આવશે. મસ્ત નાટક બનશે.’ 
વાત પૂરી. આખા દિવસનાં કામ પૂરાં કરીને હું રાતે ઘરે આવ્યો અને ઘરે આવીને મેં પેલી ફિલ્મ ચાલુ કરી. ફિલ્મ ચાલતી જાય, ચાલતી જાય. પહેલો અંક પૂરો થયો અને સાથે મારી ધીરજ પણ. મને વિનોદ પર પણ ગુસ્સો આવ્યો કે કેવી ફાલતુ ફિલ્મ તેણે મને સજેસ્ટ કરી, આના પરથી ક્યારેય કંઈ ન બની શકે. અડધી ફિલ્મે જ હું અટકી ગયો.
બીજા દિવસે સાડાઅગિયાર વાગ્યે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં મહિલા મંડળનો ‘લાઇફ પાર્ટનર’નો શો હતો અને મારો હંમેશાં પ્રયાસ રહે કે હું શો અટેન્ડ કરું. સવારે હું પ્રબોધન જવા નીકળ્યો. જેવો હું લોખંડવાલા મારા ઘરેથી ગાડીમાં બેઠો કે મેં વિનોદને ફાલતુ અને વાહિયાત ફિલ્મ સજેસ્ટ કરવા બદલ ગાળો આપવાનું શરૂ કર્યું. તે બિચારો બચાવ કરે, પણ હું કશું સાંભળું નહીં. તે માંડ મને એટલું પૂછી શક્યો કે તમે આખી ફિલ્મ જોઈ કે નહીં? મેં તો પહેલો જ હાફ જોયો હતો એટલે તેણે મને આગળની ફિલ્મની એક-બે મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવી વાત કરી, જે સાંભળીને મને એક નવી જ વાર્તા સૂઝી. લોખંડવાલાથી બોરીવલી પ્રબોધન પહોંચતાં સુધીમાં રસ્તામાં નાટકની આખી વાર્તા તૈયાર કરી લીધી.
‘છગન મગન તારા છાપરે લગન’.
હા, આ એ નાટક, જેમાં ઑફિશ્યલ વાર્તાકાર તરીકે મારું નામ પણ લખાવ્યું છે. એ વાર્તા અને પેલી મલયાલી ફિલ્મને સીધો, આડો, ત્રાંસો, વાંકો કોઈ સંબંધ નથી; પણ એ દિવસે વિનોદ પાસે એ ફિલ્મની વાતો સાંભળતાં-સાંભળતાં મનમાં એક નવી જ વાર્તા ઊભી થઈ અને બોરીવલી પહોંચીને મેં મારા ડિરેક્ટર વિપુલ મહેતાને ફોન કર્યો. વિપુલ એ સમયે દહિસરમાં જ રહેતો. તે દહિસર જ હતો એટલે પાંચ મિનિટમાં ઠાકરે આવી ગયો. મેં તેને વાર્તા નેરેટ કરી. તેને પણ બહુ ગમી અને નક્કી થયું કે આપણે આના પરથી નાટક કરીએ, પણ તેણે મને કહ્યું કે મેઇન રોલ કોણ કરશે?
વિપુલ અને મારી વચ્ચે કયા ઍક્ટરોને લેવા એ બાબતે ઉગ્ર ચર્ચા અને ઝઘડા થતા રહેતા, કારણ કે દર બીજા નાટકે વિપુલ મને કહેતો કે આ રોલમાં દિલીપ જોશી આવે તો મજા આવી જાય. ઑલમોસ્ટ દરેક બીજા નાટકમાં વિપુલ મારી પાસે દિલીપનું નામ મૂકતો. જોકે પ્રશ્ન એ હતો કે દિલીપ હવે નાટક કરવા માગતો નહોતો. તેનું ધ્યાન સિરિયલ પર વધારે હતું અને એ સ્વભાવિક પણ હતું, પણ વિપુલ પાસે તો દરેક બીજા નાટકે આ જ વાત હોય. 
‘છગન મગન તારા છાપરે લગન’ વખતે પણ આ જ વાત આવી અને વિપુલે કહ્યું કે મુખ્ય ભૂમિકા કોણ કરશે? વાત આગળ વધે એ પહેલાં જ મેં તેને કહી દીધું કે આ રોલ હું કરીશ. મારી વાત ખોટી પણ નહોતી. મારો અને દિલીપનો બાંધો લગભગ સરખો, હાઇટ પણ ઑલમોસ્ટ સમાન. મોઢું ગોળ લાડવા જેવું. દિલીપ મારા કરતાં ખૂબ સારો ઍક્ટર અને એ મારે કહેવાની જરૂર પણ નથી, કારણ કે તેણે પોતાની આ અભિનયક્ષમતા વારંવાર ઑડિયન્સ સમક્ષ સાબિત કરી દેખાડી છે. કહેવાનો ભાવાર્થ એ કે હું જે સરખામણી કરું છું એ દેખાવ પૂરતી જ સીમિત છે અને દેખાવમાં અમારા બન્નેનો રંગ જુદો, બાકી ઘણીબધી અમારી વચ્ચે સમાનતા. ટૂંકમાં, મેં કહી દીધું કે આ રોલ હું કરીશ અને વિપુલ તરત તૈયાર થઈ ગયો. વિપુલ તૈયાર થયો એ પાછળનું કારણ એ પણ હતું કે ત્યાં સુધીમાં હું ગુજરાતી રંગભૂમિ પર સફળ નિર્માતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો. પ્રોડ્યુસર તરીકે ફૅન્સ બનવા માંડ્યા હતા જે એ તબક્કે ખાસ જોવા મળતું નહીં. વિપુલ પાસે વિરોધનું કોઈ મોટું કારણ નહોતું એટલે તેણે હા પાડી અને તેની હા સાથે ઍક્ટિંગ-કરીઅરની દિશામાં મેં સિરિયસ્લી ડગ માંડવાનું શરૂ કર્યું.
‘છગન મગન તારા છાપરે લગન’ની વાર્તા એવી હતી કે ત્રીસ વર્ષનો એક છોકરો, 
છોકરો નહીં પુરુષ જ કહો, તેનાં લગ્ન થયાં નથી. એક તો ઉંમર આટલી મોટી અને એમાં પાછો દેખાવ તેનો કદરૂપો. નામ તેનું બાબલો. બાબલાને પીઠે ખૂંધ અને દાંત આગળથી બહાર નીકળી ગયા છે. જોતાંની સાથે જ મોઢું ફેરવી લેવાનું મન થાય એવો તેનો દેખાવ છે, પણ બાબલાની માની ઇચ્છા છે કે મારા દીકરાનાં લગ્ન થઈ જાય. આ બાબલાને દિવ્યાંગ કૅટેગરીમાં ગવર્નમેન્ટ તરફથી ટેલિફોન બૂથ મળ્યું છે. બાબલો ટેલિફોન બૂથ ચલાવે છે અને પોતાની મસ્તીમાં જીવે છે. તે ખુશ છે. લગ્ન થાય કે ન થાય એનાથી બાબલાને કોઈ ફરક નથી પડતો. તે પોતાનામાં ખુશ છે. હા, તેને પ્રેમ થાય છે છોકરીઓ સાથે, પણ છોકરીઓ તેને ભાવ નથી આપતી અને આપે પણ ક્યાંથી?
કહે છેને, દરેક વ્યક્તિનો એક દિવસ આવે છે. એવું જ બાબલા સાથે બને છે અને બાબલાના ટેલિફોન બૂથ પર એક દિવસ ફોન કરવા એક બ્લાઇન્ડ છોકરી આવે છે. અહીંથી વાર્તાનો 
નવો ટ્રૅક શરૂ થાય છે, જેની વાત અને ‘છગન મગન તારા છાપરે લગન’ના કયા સાથીને આપણે સૌએ ગયા વર્ષે ગુમાવ્યા એની વાત આપણે કરીશું આવતા સોમવારે, નવા વર્ષે. આ લાગલગાટ બીજું વર્ષ છે જ્યારે મારા ઘરે થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી નહીં થાય. બાકી છેલ્લાં વીસ વર્ષથી એક પણ વર્ષ એવું નથી ગયું જ્યારે નાટકના કલાકાર-કસબીઓએ મારે ત્યાં ભેગા થઈને પાર્ટી ન કરી હોય. 
હશે, હરિએ કર્યું એ ઠીક.

એક વાત યાદ રાખવી અને સહજ રીતે સ્વીકારવી કે સંજોગો પર આપણો અંકુશ નથી હોતો અને એટલે જ ‘પડશે એવા દેવાશે’ની નીતિ માણસને મોટા ભાગે નિરાંત કરી આપે છે. મેં હંમેશાં માન્યું છે કે જે થાય એ સારા માટે થાય છે અને એટલે જે થયું હોય એનો સંતોષ રાખવો.

જોક સમ્રાટ
મંજુ : તારા વાળ આમ ખરતા રહેશે અને તું ટાલિયો થઈ જઈશ તો હું તને છૂટાછેડા આપી દઈશ હોં...
મગન : લે બોલ... ને હું ડોબા જેવો રોજ નવું-નવું તેલ ટ્રાય કરું છું...

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia