સ્ટ્રેન્જફુલ સ્ટ્રેસ : દરેક તકલીફ અને મુશ્કેલીનો વધ કરવા ઈશ્વર નથી આવવાનો

20 October, 2021 10:02 AM IST  |  Mumbai | Manoj Joshi

આસપાસના લોકોને દોષ આપવાનું કામ કરવું એ પણ એક પ્રકારે સ્ટ્રેસ જ છે એટલે એના વિશે ચર્ચા કરવાને બદલે બહેતર છે કે સ્ટ્રેસથી દૂર કેમ રહેવું કે પછી ઊગતી સ્ટ્રેસને કેટલી ઝડપથી દૂર કરી દેવી એ જાણવું જોઈએ

મિડ-ડે લોગો

સ્ટ્રેસ પણ એવી જ મુશ્કેલી છે, એવી જ તકલીફ છે અને હકીકત એ પણ છે કે આ તકલીફ, આ મુશ્કેલીને જગાડવાનું કામ આપણે પોતે જ કર્યું છે. અણધારી રીતે એ નથી આવી, પણ એને લઈ આવવાનું કામ આપણા દ્વારા જ થયું છે. આપણા દ્વારા એટલે કાં તો તમારા દ્વારા અને કાં તો તમારી આસપાસમાં રહેલી વ્યક્તિ દ્વારા. આસપાસના લોકોને દોષ આપવાનું કામ કરવું એ પણ એક પ્રકારે સ્ટ્રેસ જ છે એટલે એના વિશે ચર્ચા કરવાને બદલે બહેતર છે કે સ્ટ્રેસથી દૂર કેમ રહેવું કે પછી ઊગતી સ્ટ્રેસને કેટલી ઝડપથી દૂર કરી દેવી એ જાણવું જોઈએ, પણ એના વિશે જાણતાં પહેલાં સ્ટ્રેસ દ્વારા થઈ રહેલા નુકસાનને જોવાની જરૂર પહેલાં છે.
હમણાં સૌરાષ્ટ્રનો એક ક્રિકેટર માત્ર ૨૯ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે અચાનક જ ગુજરી ગયો. ટીવી-સ્ટાર સ‌િદ્ધાર્થ શુક્લા સૌકોઈની આંખ સામે છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને પણ બહુ લાંબો સમય નથી થયો અને આવા જ અનેક કિસ્સા છે જે સમજાવે છે, દેખાડે છે કે સ્ટ્રેસની તાકાત કેવી છે. આ ત્રણેત્રણ દાખલા એવા લોકોના છે જેની ફિટનેસ માટે તમે શંકા ન કરી શકો. આ ત્રણેત્રણ દાખલા દોઢ વર્ષથી દોઢ દિવસ પહેલાંના છે. અવીનું અવસાન હજી હમણાં જ શનિવારે થયું. આશાસ્પદ ક્રિકેટર, અવસાનના એક વીક પહેલાં જ તેણે એવો પર્ફોર્મન્સ આપ્યો કે ક્રિકેટ વર્લ્ડમાં એવી વાતો થવા માંડી હતી કે નવી આઇપીએલમાં અવીનું સિલેક્શન ફાઇનલ જ છે. અરે, કેટલાક લોકોમાં તો ઑક્શનમાં અવી કઈ પ્રાઇસ પર ખરીદાશે એની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. જેની ફિટનેસ અકબંધ છે, જેને ફિટનેસનું મૂલ્ય ખબર છે, જે ફિટનેસ બાબતમાં બિલકુલ સતર્ક છે એવા લોકોનું જો આ પ્રકારે અકાળે અવસાન થાય તો એનો અર્થ સીધો અને સરળ છે, સ્ટ્રેસ. 
અગાઉ કહ્યું છે એમ, સ્ટ્રેસ દેખાતું નથી, એને નરી આંખે જોઈ શકાતું નથી; પણ એ મનમાં ને મનમાં કામ કરી રહ્યું છે અને એને એક જ કામ આવડે છે, નખ્ખોદ વાળતાં. સ્ટ્રેસ શરીરમાં ધનોતપનોત કરવાની પ્રક્રિયા એકધારી કર્યા કરે છે. બહેતર છે કે એને શરીરમાં રહેવા દેવાને બદલે એનો નિકાલ કરવામાં આવે અને નિકાલ કરવામાં ન આવે તો ઍટ લીસ્ટ એને ઓળખવામાં આવે. જો ઓળખી ગયા પછી પણ એ અકબંધ રહે તો માનવું કે તમને તમારા કરતાં પણ ચિંતા વધારે પસંદ છે. યાદ રાખજો કે જીવનમાં અનેક પ્રશ્નો એવા છે જેનો જવાબ, જેનું નિરાકરણ માત્ર સમયના હાથમાં છે અને સમય જ એનું સૉલ્યુશન લાવી શકે છે. જો આ સત્યવચન હોય તો તર્ક, દલીલ કે પછી આર્ગ્યુમેન્ટને કોઈ સ્થાન રહેતું નથી. જો ક્યાંય પણ એવું લાગતું હોય કે સ્ટ્રેસને પાસે ન આવવા દેવું તો જે ચિંતાનું સૉલ્યુશન તમારા હાથમાં નથી. એનું પડીકું વાળી એને મીઠી નદીમાં કે પછી તમારી આજુબાજુમાં આવેલી કોઈ પણ નદીમાં પધરાવી દેવું. હું તો કહીશ કે નદી આજુબાજુમાં ન હોય તો એને વૉશરૂમમાં જઈને ફ્લશ કરી દેવું, પણ એ પડીકું સાથે રાખવું નહીં.
ઉપાધિને સાથે લઈને સૂવાનું કામ કરવા કરતાં તો બહેતર છે કે ઉપાધિને કોરાણે મૂકીને સૂવું. 

columnists manoj joshi